You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંડર-19 વર્લ્ડકપ : પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી આઉટ, ભારત સેમિફાઇનલમાં – ન્યૂઝ અપડેટ
ભારતે અંડર-19 વિશ્વકપમાં પાકિસ્તાનને 58 રનથી હરાવી દીધું છે.
અંડર-19 વિશ્વકપમાં ભારતે સેમિફાઇનલ માટે જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાન 253 રનના લક્ષ્યાંકનો પીછો કરતા તે 33.3 ઓવરમાં હાંસલ ન કરી શક્યું.
આ મૅચ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં રમાઈ રહી છે. જેમાં ભારતે પાકિસ્તાનને જીતવા માટે 253 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટે આ લક્ષ્યાંકને 33.3 ઓવરમાં તેને હાંસલ કરવું જરૂરી હતું. પરંતુ 33.3 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 4 વિકેટે 167 રન હતો. જોકે, જવાબમાં પાકિસ્તાનની ટીમ 194 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ 66 રન 92 બૉલમાં બનાવ્યા હતા.
ભારત વતી ખિલાન પટેલે અને આયુષ મહાત્રેએ ત્રણ-ત્રણ વિકેટો જ્યારે કે એસ. અંબરીશ, હેનિલ પટેલ, કનિષ્ક ચૌહાણ અને વિહાન મલ્હોત્રાએ એક-એક વિકેટ ઝડપી હતી.
પહેલા બેટિંગ કરતા ભારતે 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી પરંતુ વૈભવ 22 બૉલમાં 30 રન બનાવીને આઉટ થઈ ગયા. કૅપ્ટન આયુષ મહાત્રે પણ શૂન્ય પર આઉટ થઈ ગયા. ભારતની ટીમ 50 રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી. પરંતુ વેદાંત ત્રિવેદીએ પારીને સંભાળી. તેણે 98 બૉલમાં 68 રન બનાવ્યા હતા.
સારી રન-રેટને કારણે ભારતે અંતિમ પરિણામ પહેલા જ પ્રથમ ચારમાં જગ્યા બનાવી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમ જ્યાં સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. અંડર-19 વિશ્વકપમાં ભારતનો સેમિફાઇનલમાં મુકાબલો હવે અફધાનિસ્તાન સાથે 4 ફેબ્રુઆરીના રોજ થશે.
ભારતે બાંગ્લાદેશને બજેટમાં આપવામાં આવતી સહાય ઘટાડી, જાણો કયા દેશને સૌથી વધુ સહાય આપવામાં આવી?
કેન્દ્રીય બજેટ 2026-27માં ભૂટાનને વિકાસ સહાયતા અંતર્ગત સૌથી વધુ 2,288 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
નેપાળને 800 કરોડ રૂપિયા તથા માલદિવ અને મૉરીશસને 550-550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આવતા વર્ષે બાંગ્લાદેશને આ રકમ 60 કરોડ રૂપિયાની છે, 2025-26માં તે 120 કરોડ રૂપિયા હતી. આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે બાંગ્લાદેશ અને ભારતના સંબંધમાં કડવાશ આવી છે.
અફઘાનિસ્તાનના લોકો સાથે ભારતે સારો સંબંધ જાળવી રાખતા તેની સહાયતા રકમ 150 કરોડની કરી નાખી છે જે ગત વર્ષે 100 કરોડ રૂપિયા હતી.
શ્રીલંકા માટે આ રકમ 400 કરોડ અને મ્યાનમાર માટે આ રકમ 300 કરોડ છે.
ઑસ્ટ્રેલિયન ઓપન : જોકોવિચને હરાવીને અલ્કારાજે રચ્યો ઇતિહાસ
સ્પેનના કાર્લોસ અલ્કારાજે સર્બિયાના નોવાક જોકોવિચને હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી લીધો છે.
ફાઇનલમાં 22 વર્ષના અલ્કારાજે 39 વર્ષના જોકોવિચને 2-6, 6-2, 6-3, 7-5થી હરાવી દીધા.
સાથે જ અલ્કારાજ કૅરિયર ગ્રૅન્ડ સ્લૅમ જીતનારા સૌથી ઓછી ઉંમરના ખેલાડી બની ગયા છે. તેમણે માત્ર 22 વર્ષની ઉંમરમાં ચારેય ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનો રેકૉર્ડ બનાવી દીધો. વર્લ્ડ નંબર વન ખેલાડી અલ્કારાજનો આ સાતમો ગ્રૅન્ડ સ્લૅમ ખિતાબ છે.
આ જીત સાથે તેમણે નોવાક જોકોવિચને ઇતિહાસ રચવાથી વંચિત કરી દીધા.
જોકોવિચ 25મા ગ્રૅન્ડ સ્લૅમ જીતવાના ઇરાદા સાથે કોર્ટમાં ઉતર્યા હતા.
તેમના નામે 24 ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનો રેકૉર્ડ છે. તેમના બાદ સ્પેનના રફાલ નડાલનો નંબર આવે છે. નડાલે કુલ 22 ગ્રૅન્ડ સ્લૅમ જીત્યા છે. સ્વિત્ઝર્લૅન્ડના રોજર ફેડરરના નામે 20 ગ્રૅન્ડ સ્લૅમના ખિતાબ છે.
પીએમ મોદીએ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ મામલે કેવી પ્રતિક્રિયા આપી?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય બજેટ 2026-27ના વખાણ કરતાં કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઘણાં પગલાં ઉઠાવવામાં આવ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું, "આ બજેટ વર્તમાનનાં સપનાંને સાકાર કરે છે. ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરે છે. આ બજેટ 2047ના વિકસિત ભારતની અમારી ઊંચી ઉડાનનો મજબૂત આધાર છે."
"આજે ભારત જે રિફૉર્મ ઍક્સપ્રેસ પર સવાર છે, તે બજેટથી તેને નવી ઊર્જા, નવી ગતિ મળશે. જે પથ બ્રેકિંગ રિફૉર્મ કરવામાં આવ્યાં છે, તે આકાંક્ષાથી ભરેલા ભારતના સાહસિક, પ્રતિભાશાળી યુવાનોને ઉડવા માટે ખુલ્લું આકાશ પ્રદાન કરે છ.
વડા પ્રધાને કહ્યું, "ભારતના 140 કરોડ નાગરિક સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બનીને જ સંતુષ્ટ નથી. અમે જલદી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માગીએ છીએ. આ કરોડો દેશવાસીઓનો સંકલ્પ છે."
"બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઘણાં પગલાં ભરવામાં આવ્યાં છે. ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર, દેશભરમાં વૉટર વેજનો વિસ્તાર, હાઈ સ્પીડ રેલવે કૉરિડોર, ટિયર 2 અને ટિયર 3 શહેરોના વિકાસ પર વિશેષ ધ્યાન તથા શહેરોને મજબૂત આર્થિક આધાર આપવા માટે મ્યુનિસિપલ બૉન્ડ્સને પ્રોત્સાહન આપવું, આ બધાં પગલાં વિકસિત ભારતની યાત્રાને ગતિ આપવાનું કામ કરશે."
જ્યારે કે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે 2026-27નું કેન્દ્રીય બજેટ 'ભારતનાં મૂળ સંકટોથી હાથ ખંખેરી લેનારું' છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે દેશમાં યુવા બેરોજગાર છે, મેન્યુફૅક્ચરિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો સંકટમાં છે, પરંતુ બજેટમાં આ મુદ્દાઓને અવગણવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "યુવાનો નોકરી વગરના છે. મેન્યુફ્રૅક્ચરિંગમાં ઘટાડો થઈ રહ્યો છે. રોકાણકારો નાણાં બહાર કાઢી રહ્યા છે. ઘરેલુ બચત ઓછી થઈ રહી છે. ખેડૂતો સંકટમાં છે. વૈશ્વિક સ્તર પર મોટા ઝાટકાની આશંકા છે. પરંતુ તેને અવગણવામાં આવ્યાં છે."
તેમણે લખ્યું, "આ એવું બજેટ છે જે દિશા સુધારનો ઇન્કાર કરે છે અને ભારતની વાસ્તવિક સમસ્યાઓને વાચા નથી આપી રહ્યું."
નિર્મલા સીતારમણની આ જાહેરાત બાદ નિફ્ટી-બીએસઈમાં મોટો કડાકો, હજારો કરોડ ધોવાયા
રવિવારે પહેલી વખત ભારત સરકારનું બજેટ રજૂ થયું હતું. જેના અનુસંધાને ભારતના સ્ટૉક ઍક્સચેન્જ વિશેષ ચાલુ રહ્યા હતા.
જોકે, નાણા મંત્રી નિર્મલા સીતારમણની એક જાહેરાતના પગલે શેરબજારોમાં કડાકો જોવા મળ્યો હતો અને રોકાણકારોની લાખો-કરોડો રૂપિયાની મૂડી ધોવાઈ ગઈ હતી.
નિર્મલા સીતારમણે ફ્યૂચર્સના સોદા ઉપર એસટીટી વધારીને 0.05 ટકા કરવાની, જ્યારે ઑપશન્સના સોદામાં પ્રિમિયમ ઉપર 0.15 ટકા એસટીટી લાદવાની જાહેરાત કરી હતી.
જેના પગલે બપોરે 12.40ની સ્થિતિ પ્રમાણે, નિફ્ટીમાં 450 પૉઇન્ટનો (1.77 ટકા) કડાકો બોલી ગયો હતો. જોકે, દિવસ દરમિયાન નિફ્ટીએ ક્યારેય તેની 25 હજાર 420 આસપાસની તેની ગત બંધ સપાટી વટાવી ન હતી.
બીજી બાજુ, ત્રીસ શૅરના બીએસઈ સૂચકાંકમાં દોઢ ટકા જેટલો ઘટાડો થયો હતો અને એક હજાર 200 પૉઇન્ટના ઘટાડા સાથે તે 81 હજાર 350 આસપાસ હતો.
એસટીટીનું પૂર્ણ નામ છે "સિક્યૉરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ". આ શેર ખરીદવા-વેચવા પર લાગે છે. નાણામંત્રીએ કહ્યું કે ફ્યૂચર ઍન્ડ ઑપ્શનમાં સિક્યૉરિટી ટ્રાન્ઝેક્શનને બમણાથી વધારે કરવાનો પ્રસ્તાવ છે.
અત્યાર સુધી ઍફઍન્ડઓ પર એસટીટી 0.02 ટકા હતો, જે હવે વધારીને 0.05 ટકા કરવાનો પ્રસ્તાવ છે. એસટીટી વાસ્તવમાં અન્ય ટૅક્સ કરતાં અલગ છે.
આવક વધારવા અને નાણાબજારોમાં સ્થિરતા વધારવા માટે શેરોની લેવડ-દેવડ પર આ ટૅક્સ લગાવવામાં આવે છે.
આ સંપૂર્ણ રીતે મૂલ્ય આધારિત હોય છે એટલે જેટલા વધુ મૂલ્યના શેરની ખરીદી કે વેચાણ કરો, એટલો જ વધારે એસટીટી લાગે છે. પછી ભલે આ શેરના સોદાથી વ્યક્તિને લાભ થાય કે નુકસાન.
ટ્રમ્પે કહ્યું, ભારત અમેરિકા પાસેથી વેનેઝુએલાનું ઑઇલ ખરીદશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે ભારતે ઇરાનના ઑઇલને બદલે અમેરિકા પાસેથી વેનેઝુએલાનું તેલ ખરીદવાની સમજૂતી કરી છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તા ઉપરથી હઠાવ્યા બાદ અમેરિકા દ્વારા વેનેઝુએલાના તેલ ઉપર પ્રભુત્વ પ્રસ્થાપિત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી છે કે વેનેઝુએલા હવે મોટા પ્રમાણમાં અમેરિકાને ક્રૂડઑઇલ આપવા તૈયાર છે.
શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર વિમાન ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ચીને તેલને માટે વેનેઝુએલાને જે નાણા આપ્યા હતા, તે પરત લઈ લેશે?
તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "મને આના વિશે કોઈ ખબર નથી, પરંતુ હું તમને જણાવું કે ચીનનું સ્વાગત છે અને તેઓ તેલ અંગે એક સારી ડીલ કરી શકે છે. અમે ચીનને આવકારીએ છીએ."
ટ્રમ્પે કહ્યું, "અમે અગાઉથી જ એક ડીલ કરી લીધી છે....ભારતે ઇરાન પાસેથી તેલ ખરીદવાના બદલે વેનેઝુએલા પાસેથી લેશે. અમે એ ડીલ પહેલાંથી જ કરી લીધી છે."
ટ્રમ્પના આ દાવા અંગે ભારત દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પરંતુ શુક્રવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી અને દ્વિપક્ષીય સહયોગ વધારવા ઉપર ભાર મૂક્યો હતો.
બીજી બાજુ, વિપક્ષ કૉંગ્રેસે સરકારની ઉપર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું:
"તેમણે (ટ્રમ્પે) આપણને જણાવ્યું કે ઑપરેશન સિંદૂર અટકાવી દેવામાં આવ્યું છે. તેમણે જ આપણને જણાવ્યું કે ભારતે રશિયન ક્રૂડઑઇલ ખરીદવાનું બંધ કરી દીધું છે અને હવે આ. (વેનેઝુએલાના ઑઇલની ભારત ખરીદી કરશે.)"
"આપણી સરકાર શું કરી રહી છે અને શું કરવાની છે તેના વિશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણને સતત માહિતી આપી રહ્યા છે."
ગાઝામાં ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોનાં મૃત્યુ
ગાઝામાં શનિવારે ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈહુમલામાં ઓછામાં ઓછા 32 લોકોનાં મૃત્યુ થયા છે. ગાઝાના સ્થાનિક તંત્રે આ વાતની માહિતી આપી હતી.
હમાસ દ્વારા સંચાલિત સિવિલ ડિફેન્સ એજન્સીનું કહેવું છે કે મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. એજન્સીનું કહેવું છે કે ટેન્ટમાં રહેતા વિસ્થાપિતો ઉપર હેલિકૉપ્ટરથી હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે શુક્રવારે હમાસ દ્વારા કરારનો ભંગ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં અનેક હુમલા કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોનું કહેવું છે કે બંને પક્ષો વચ્ચે જે સંઘર્ષવિરામ અમલમાં આવ્યો, ત્યારથી અત્યારસુધીનો આ સૌથી મોટો હુમલો હતો.
રવિવારથી ગાઝાની રફાહ સરહદ ખુલ્લી જશે, જે ઇજિપ્ત સાથે જોડાયેલી છે. ઇજિપ્તે તમામ પક્ષકારોને "મહત્તમ સંયમ જાળવવા" કહ્યું છે.
ઑક્ટોબર-2023માં હમાસના લડવૈયાઓએ ઇઝરાયલમાં હુમલો કર્યો હતો. ત્યારથી ઇઝરાયલ તથા હમાસની વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ હતી. આ હુમલામાં 1200 જેટલા ઇઝરાયલી નાગરિક મૃત્યુ પામ્યા હતા, જ્યારે 250થી વધુને બંધક બનાવવામાં આવ્યા હતા.
હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય વિભાગનું કહેવું છે કે એ પછી ઇઝરાયલ દ્વારા હાથ ધરવામાં આવેલી સૈન્યકાર્યવાહીમાં 71 હજાર 660થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ભારતે 4-1થી ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝ જીતી
શનિવારે કેરળના તિરુવનંતપુરમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણીનો પાંચમો અને છેલ્લો મૅચ રમાયો હતો. જેમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 46 રને પરાજય આપીને 4-1થી સિરીઝ ઉપર કબજો કર્યો હતો.
ભારતે ટૉસ જીતીને 20 ઓવરમાં 271 રન બનાવ્યા હતા. ટાર્ગેટને પાર કરવા મેદાન ઉપર ઊતરેલી સમગ્ર ટીમ 225 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરપથી ઇશાન કિશને 43 બૉલમાં 103 રન બનાવ્યા. આ સિવાય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પણ 30 બૉલમાં 63 રન ફટકારીને ટીમને મજબૂત સ્કૉર ઊભો કરવામાં મદદ કરી હતી.
ન્યૂઝીલૅન્ડ તરફથી ફિન એલને 38 બૉલમાં 80 રન બનાવ્યા, જ્યારે ઈશ સોઢીએ 15 બૉલમાં 33 રનનો ફાળો આપ્યો હતો.
સિરીઝ દરમિયાન ત્રણ અડધી સદી સાથે 242 રન બનાવનારા યાદવ મૅન ઑફ ધ સિરીઝ, જ્યારે ઇશાન કિશન પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયા હતા.
'ઍપ્સ્ટીન સંદર્ભે માઉન્ટબેટન-વિન્ડસર જુબાની આપે'
બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે સૂચન કર્યું છે કે ઍન્ડ્રૂ માઉન્ટબેટન-વિન્ડસરે જાતીય અત્યાચારના દોષિત જેફ્રી ઍપ્સ્ટીન સાથેના પોતાના સંબંધો વિશે અમેરિકાની કૉંગ્રેસને જુબાની આપવી જોઈએ.
સ્ટાર્મરે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું, "જુબાની દેવાની બાબતે મેં હંમેશાથી કહ્યું છે કે જેની પાસે માહિતી હોય, તેણે માહિતી આપવા માટે તૈયાર રહેવું જોઈએ."
તેમણે કહ્યું, "જો તમે આમ કરવા માટે તૈયાર નથી, તો તમે સર્વાઇવર્સ ઉપર ધ્યાન ન આપી શકો. ઍપ્સ્ટીન સર્વાઇવર્સને સૌપ્રથમ પ્રાથમિકતા આપવી રહી."
ઍપ્સ્ટીન સંબંધિત નવી ફાઇલો સાર્વજનિક થયા બાદ બ્રિટનના વડા પ્રધાને આ ટિપ્પણી કરી હતી.
આમાની એક તસવીરમાં માઉન્ટબેટન-વિન્ડરને જમીન ઘૂંટણભેર બેઠેલા જોઈ શકાય છે. અને નીચે એક મહિલા સૂતી છે.
નવેમ્બર-2025માં અમેરિકાન કૉંગ્રેસમાં ડેમોક્રેટ્સે ઍપ્સ્ટીનની તપાસના ભાગરૂપ માઉન્ટબેટન-વિન્ડસરને સવાલોનો જવાબ આપવા માટે કહ્યું હતું. એ સમયે સ્ટાર્મરે તેને માઉન્ટબેટન-વિન્ડસર માટે "વ્યક્તિગત રીતે વિચાર" કરવાની બાબત જણાવી હતી.
બીબીસી ન્યૂઝે ટિપ્પણી માટે પૂર્વ પ્રિન્સનો સંપર્ક સાધ્યો હતો. તેમણે વારંવાર કોઈપણ પ્રકારનું ખોટું કામ કર્યું હોવાનો ઇન્કાર કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન