જૂનાગઢમાં બે માળની ઈમારત ધરાશાયી, ચાર લોકોના મૃતદેહ મળ્યા, હજુ શોધખોળ ચાલુ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Hanif Khokhar

પ્રકાશિત

જૂનાગઢમાં સોમવારે બપોરના સમયે બે માળની એક ઇમારત ધરાશાયી થઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ જૂનાગઢ 'એ ડિવિઝન' પોલીસ સ્ટેશનના ઇન્સપૅક્ટર નીરવ શાહને ટાંકીને જણાવ્યું છે કે રેસ્ક્યુ ઑપરેશન દરમિયાન મોડી સાંજ સુધીમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

ઇન્સપૅક્ટર શાહે પીટીઆઈને જણાવ્યું કે હજુ સુધી કાટમાળ નીચે દટાયેલા લોકોનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. હાલ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે.

જૂનાગઢમાં બીબીસીના સહયોગી પત્રકાર હનીફ ખોખરના જણાવ્યા અનુસાર, બપોરે એક વાગ્યાની આસપાસ જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થઈ હતી.

ધડાકાભેર ઇમારત ધ્વસ્ત થતાં સૌથી પહેલાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હઠાવવાનો શરૂ કર્યો હતો.

જૂનાગઢમાં ગયા અઠવાડિયે પડેલાં અતિભારે વરસાદના કારણે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ અગાઉથી શહેરમાં રૅસ્ક્યુ ઑપરેશન હાથ ધરી રહી હતી.

શનિવારે શહેર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

એવામાં આ ઇમારત ધરાશાયી થવાની માહિતી મળતા તેમણે પણ સ્થળ પર પહોંચીને મદદ શરૂ કરી હતી.

બીબીસી સહયોગી હનીફ ખોખરના જણાવ્યા પ્રમાણે, હાલ એસડીઆરએફ, એનડીઆરએફ તેમજ ફાયરબ્રિગેડ દ્વારા રૅસ્ક્યુ ઑપરેશન હાથ ધરાઈ રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળમાં પાંચથી છ લોકો દટાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સત્તાવાર આંકડો હજી સુધી જાણી શકાયો નથી.

બીબીસીના સહયોગી પત્રકાર હનીફ ખોખર અનુસાર શહેરમાં શનિવારે સર્જાયેલી તારાજી બાદ કેટલીક ઇમારતોને નુકસાન થયું છે.

ગ્રે લાઇન

વરસાદે જૂનાગઢમાં કેવી તારાજી સર્જી?

બીબીસી ગુજરાતી

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

એમાં પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે ભારે તારાજી સર્જી છે.

ભારે વરસાદના કારણે જૂનાગઢમાં જ સંખ્યાબંધ જર્જરિત ઇમારતો ધરાશાયી થઈ હતી.

જૂનાગઢમાં શનિવારે ગિરનાર પર અચાનક ભારે વરસાદ થતાં કાળવા નદીનાં બંને કાઠે આવેલી સોસાયટીઓમાં પાણીના પ્રચંડ પ્રવાહને કારણે તારાજી સર્જાઈ હતી. પાણી શહેરમાં ઘૂસી ગયાં હતાં અને ભારે નુકસાન થયું હતું.

રાજ્યના મંત્રી રાઘવજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, "શનિવારે બપોરે એક વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીમાં જૂનાગઢ શહેરમાં સાડા નવ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત ઉપર તો શહેર કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો."

"શહેરની આસપાસના છ જેટલા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સતત ચોથા કે પાંચમા દિવસે અતિ ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં."

રેડ લાઇન
રેડ લાઇન