નરેન્દ્ર મોદીએ જી-20 શિખર સંમેલનમાં બોલતી વખતે કઈ વાત પર ભાર મૂક્યો? – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. જ્યાં તેમણે જી-20 નેતાઓના પહેલા સેશનને સંબોધિત કર્યું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ મૂકીને જણાવ્યું કે વડા પ્રધાને પોતાના ઉદ્ધબોધનમાં 'ઇન્ટિગ્રલ હ્યુમનિઝમ' એટલે કે સમગ્ર માનવવાદના વિચારનો ઉલ્લેખ કર્યો હતો, જે ભારતીય સભ્યતાના વિચાર ઉપર આધારિત છે.

તેમણે કહ્યું કે આ વિચારનો હેતુ પ્રગતિ અને ધરતીની વચ્ચે સંતુલન સાધવાનો છે. તેમણે કહ્યું હતું કે નવી દિલ્હી ખાતે યોજાયેલી શિખર મંત્રણામાં અનેક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા હતા, જેની ઉપર કામ આગળ વધ્યું છે.

વડા પ્રધાને દક્ષિણ આફ્રિકામાં સ્કિલ્ડ માઇગ્રેશન, ટૂરિઝમ, ફૂડ સિક્યૉરિટી, એઆઇ, ડિજિટલ ઇકૉનૉમી, મહિલાઓ તથા સંશોધનક્ષેત્રે જે મક્કમ પ્રગતિ થઈ છે, તેની પ્રશંસા કરી હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગ્લોબલ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં ગ્લોબલ સાઉથનો અવાજ વધુ મજબૂત થવો જોઈએ.

.

દક્ષિણ આફ્રિકાએ પહેલા દિવસે 247 રન બનાવ્યા, ભારતીય બૉલરોએ છ વિકેટ લીધી

ગૌહાટી ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે બીજી ટેસ્ટ મૅચ રમાઈ રહી છે. જેન પહેલા દિવસે રમતનો સમય પૂરો થયો ત્યાં સુધીમાં દક્ષિણ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં છ વિકેટના ભોગે 247 રન બનાવ્યા છે.

દક્ષિણ આફ્રિકાના કૅપ્ટન ટેમ્બા બાવૂમાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌથી વધુ 49 રન ટ્રિસ્ટન સ્ટબ્સે બનાવ્યા હતા. કૅપ્ટન બાવૂમાએ 41, ઍડન માર્કરમે 38 તથા રિકલ્ટને 35 રનનો ફાળો આપ્યો હતો.

ભારત તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ સ્પીનર કુલદીપ યાદવે લીધી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ તથા રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.

કૅપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત હોવાને કારણે આ મૅચમાં વિકેટકીપર ઋષભ પંત કપ્તાની કરી રહ્યા છે. બે ટેસ્ટ મૅચની સિરીઝમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 1-0થી આગળ છે. આ પહેલાં કોલકતાની ટેસ્ટ મૅચ મહેમાન ટીમે જીતી હતી.

એશેઝ સિરીઝમાં પહેલી ટેસ્ટ મૅચ બે દિવસમાં પૂરી

ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બહુચર્ચિત એસેઝ સિરીઝ રમાઈ રહી છે. જેની પહેલી ટેસ્ટ મૅચ શનિવારે ઑસ્ટ્રેલિયાએ આઠ વિકેટે જીતી હતી. યજમાન ટીમે માત્ર બે દિવસમાં જ ટેસ્ટ મૅચમાં જીત મેળવી હતી.

ઑસ્ટ્રેલિયાના પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ઇંગ્લૅન્ડની સમગ્ર ટીમ 172 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં દાવ લેવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની આખી ટીમ 132 રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગમાં 164 રન બનાવ્યા અને ઑસ્ટ્રેલિયાની સામે 205 રનનો ટાર્ગેટ મૂક્યો. જેને ઑસ્ટ્રેલિયાએ બે વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો.

બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન ટ્રેવિસ હેડે આક્રમક ઇનિંગ રમી હતી અને 83 બૉલમાં 123 રન બનાવ્યા હતા.

મૅચ દરમિયાન 10 વિકેટ લેનારા ઑસ્ટ્રેલિયાના બૉલર મિચેલ સ્ટાર્કને 'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ટ્રમ્પ અને ઝોહરાન મમદાણીની મુલાકાત, બંનેએ એકબીજાને શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ યૉર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાણી સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી હતી.

એવું માનવામાં આવતું હતું કે બંનેની મુલાકાતમાં તણાવ જોવા મળશે, પરંતુ બંને એકબીજાનાં વખાણ કરતાં જોવા મળ્યા હતા.

ન્યૂ યૉર્કના નવા ચૂંટાયેલા મેયર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર હતી. બંને એકબીજા વિશે ચૂંટણીપ્રચારમાં ઘણું કહી ચૂક્યા હોવાથી તેમની મુલાકાત અંગે અનેક તર્ક-વિતર્ક હતા, પરંતુ તેમની મુલાકાત અપેક્ષા કરતાં 'ઘણી સારી' રહી હતી અને બંને એકબીજાનાં વખાણ કરતાં જોવા મળ્યા હતા.

ન્યૂ યૉર્કના ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાણીએ કહ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને હું બંને અમારી સ્થિતિ અને વિચારોને લઈને બિલકુલ સ્પષ્ટ છીએ. હું તેમની સૌથી વધુ એ વાતને બિરદાવું છું કે અમારી મુલાકાત અસહમતિના મુદ્દે નથી થઈ, પરંતુ કૉમન લક્ષ્યોને કેન્દ્રમાં રાખીને થઈ છે. આ જરૂરી એટલા માટે છે કે તેનાથી 85 લાખ લોકોની જિંદગી પર સકારાત્મક અસર પડી શકે છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે "હું જે વ્યક્તિને મળ્યો છું એ એક સમજદાર છે અને ન્યૂ યૉર્કનો વિકાસ ઇચ્છે છે. તમે ચૂંટણીપ્રચાર દરમિયાન ક્યારેક-ક્યારેક કેટલીક વાતો બોલી જતા હોવ છો. એવું બની શકે કે અમે સાથે કામ કરીએ અને તેઓ મારા વિશેના તેમના વિચારો બદલી નાખે."

પત્રકારોએ જ્યારે ઝોહરાન મમદાણીને પૂછ્યું કે શું તેઓ ટ્રમ્પને ફાસીવાદી માને છે, ત્યારે ઝોહરાન જવાબ આપે એ પહેલાં જ ટ્રમ્પે તેમને અટકાવીને હસીને કહ્યું હતું કે, "ઠીક છે, તમે હા કહી શકો છો. સમજાવવા કરતાં આ વધુ સહેલું છે."

પત્રકારોએ ટ્રમ્પને પણ પૂછ્યું હતું કે શું તમને એવું લાગે છે કે તમે કોઈ 'જેહાદી'ની બાજુમાં બેસેલા છો. ત્યારે ટ્રમ્પે એ ટિપ્પણીને ફગાવતાં કહ્યું હતું કે "ઝોહરાન મમદાણી હકીકતમાં એક 'સમજદાર' વ્યક્તિ છે."

બાંગ્લાદેશ : ભૂકંપમાં દસ લોકોનાં મોત, 450 કરતાં વધુ ઈજાગ્રસ્ત

બાંગ્લાદેશના પાટનગર ઢાકા સહિત દેશના ઘણા વિસ્તારોમાં શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે અને 450 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપની તીવ્રતા 5.7 હતી.

ભૂકંપનું કેન્દ્ર ઢાકાથી લગભગ 30 કિમી દૂર નરસિંગડી જિલ્લામાં સ્થિત હતું.

બીબીસી બાંગ્લા પ્રમાણે ઢાકામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. પાંચ લોકોનાં મોત નરસિંગડીમાં થયાં અને નારાયણગંજ ખાતે એકનું મૃત્યુ થયું હતું.

બાંગ્લાદેશ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ડિપાર્ટમેન્ટના નિતાઈચંદ્ર ડે સરકારે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે ભૂકંપના કારણે 450 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક નરસિંગડીમાં ભૂકંપથી 100 કરતાં વધુ ઇમારતોમાં તિરાડ પડી ગઈ છે. જ્યારે ઢાકામાં 14 ઇમારતોને નુકસાન થયું છે.

ઝેલેન્સ્કીએ કહ્યું - યુક્રેનને કાં તો પોતાની ગરિમા ગુમાવવી પડશે કાં તો અમેરિકાનો સાથ છોડવો પડશે

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે રશિયા સાથે યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાએ જે શરત મૂકી છે તેના કારણે એ તેનું સમર્થન ગુમાવી શકે છે.

શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનને "એક ખૂબ મુશ્કેલ પસંદગી કરવી પડી શકે છે. કાં તો આપણે આપણી ગરિમા ગુમાવવી પડશે અથવા તો આપણા સૌથી મહત્ત્વના સાથીદાર (અમેરિકા)નો સાથ ગુમાવવો પડશે."

તેમણે કહ્યું, "આ આપણા ઇતિહાસની સૌથી કપરી ક્ષણો પૈકી એક છે."

રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાનું ફ્રેમવર્ક સામે આવ્યા બાદ ઝેલેન્સ્કીએ આ વાત કહી. આ શાંતિ યોજના મીડિયામાં લીક થઈ ગઈ હતી.

તેમાં યુક્રેન માટે એ જ શરતો મુકાઈ હતી, જેનો તેઓ ઇનકાર કરી ચૂક્યા છે. 28 પૉઇન્ટના આ શાંતિ ફ્રેમવર્કમાં યુક્રેનના પૂર્વ દોનેત્સ્ક ક્ષેત્રથી પાછા હઠવા, પોતાના સૈનિક ઘટાડવા અને નાટોમાં ક્યારેય સામેલ ન થવાની ગૅરંટી આપવા જેવી શરતો સામેલ છે.

રશિયાએ યુક્રેન પર 2022માં આક્રમણ કર્યું હતું. હાલ યુક્રેનના 20 ટકા વિસ્તાર રશિયાનો કબજો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન