ટ્રમ્પની રેલીમાં ગોળીબાર, તેમને બહાર કાઢતી વખતે ચહેરા પર દેખાયું લોહી

પ્રકાશિત

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક રેલી દરમિયાન ગોળીબાર થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તરત જ ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં એક સંદિગ્ધ પુરુષ હુમલાખોર તથા એક દર્શકનું મૃત્યુ થયું છે.

આ ઘટના બાદ ડોલાન્ડ ટ્રમ્પના જમણા કાનમાં લોહી જોવા મળ્યું હતું. ટ્રમ્પની રેલી દરમિયાન ઘણીવખત ગોળીબારનો અવાજ સાંભળવા મળ્યો. અવાજ આવ્યા બાદ સીક્રેટ સર્વિસ ઍજન્ટ ટ્રમ્પને તરત જ મંચ પરથી ઉતારીને ગાડીમાં લઈ ગયા. આ દરમિયાન ટ્રમ્પ મુઠ્ઠી ઉગામીને તેમના સમર્થકોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા.

ટ્રમ્પની પ્રચાર ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે કે તેઓ ‘કુશળ’ છે અને સ્થાનિક મેડિકલ વ્યવસ્થાની ‘દેખરેખ’માં છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્સિલ્વેનિયાની પોતાની રેલીમાં ગોળીબારની ઘટના બાદ કહ્યું છે કે જમણા કાનના ઉપલા ભાગમાં ગોળી લાગવાને કારણે તેઓ ઘાયલ થયા છે.

પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર કહ્યું, “એક સરસર કરતો અવાજ, ગોળીઓનો અવાજ સાંભળીને હું સમજી ગયો કે કંઇક ખોટું થયું છે અને પછી તરત જ ગોળી મારી ત્વચાને સ્પર્શ કરીને જતી રહી.”

“ઘણું લોહી નીકળી ગયું હતું પછી મને અહેસાસ થયો કે કંઇક થઈ રહ્યું છે.”

આ ઘટના પર તરત પ્રતિક્રિયા આપતા તેમણે સીક્રેટ સર્વિસ અને અન્ય એજન્સીઓનો તેમણે આભાર પ્રકટ કર્યો છે.

તેમણે આ પોસ્ટમાં લખ્યું, “સૌથી મહત્ત્વની વાત એ છે કે રેલીમાં મૃત થયેલી વ્યક્તિના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માગુ છું. અન્ય એક ઘાયલ વ્યક્તિના પરિવારને પણ મારી સંવેદના.”

તેમણે એમ પણ કહ્યું. “આ અવિશ્વસનીય છે કે આપણા દેશમાં આ પ્રકારની ઘટના ઘટે છે. જે શૂટર હવે મરી ગયો છે, એના વિશે કોઈ જ જાણકારી નથી.”

તેમણે તેમની પોસ્ટમાં છેલ્લે લખ્યું, “ગોડ બ્લેસ અમેરિકા.”

કૅમ્પેન પ્રવક્તા સ્ટીવન ચિઉંગે જણાવ્યું છે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે કાયદાકીય એજન્સીઓ અને આ જઘન્ય હરકત પર પ્રથમ પ્રતિક્રિયા આપનારાઓનું આભાર વ્યક્ત કર્યો છે."

પૂર્વ રાષ્ટ્રપતિને જ્યારે સુરક્ષાકર્મીઓ લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમના ચહેરાના જમણા કાન પર લોહી સ્પષ્ટ જોઈ શકાતું હતું.

કાયદાકીય એજન્સીઓનાં સૂત્રોએ અમેરિકન મીડિયાને જણાવ્યું છે કે આ ઘટનામાં એક શંકાસ્પદ પુરુષ હુમલાખોર અને એક દર્શકનું મૃત્યુ નીપજ્યું છે.

ઘટનાને નજરે જોનારાઓએ શું કહ્યું?

સીક્રેટ સર્વિસેએ નિવેદનમાં જણાવ્યું છે કે ટ્રમ્પ સુરક્ષિત છે અને તેમની સુરક્ષા માટે જરૂર તમામ ઉપાયો શરૂ કરી દેવાયા છે.

તેણે એવું પણ જણાવ્યું કે તપાસ ચાલી રહી છે અને આ અંગે વધારે માહિતી ઉપલબ્ધ થતાં જ જાહેર કરવામાં આવશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સ્વિંગ સ્ટેટ પેન્સિલવેનિયાના બટલરમાં પોતાના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા. એ વખતે જ આ ઘટના ઘટી હતી.

ટ્રમ્પે જેવું જ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન અને એમની સરકાર અંગે બોલવાનું શરૂ કર્યું કે ગોળીબારનો અવાજ આવવા લાગ્યો.

ટ્રમ્પની પાછળ પોસ્ટરો લઈને ઊભેલા એમના સમર્થકો ગોળીનો અવાજ સાંભળતાં જ નીચે બેસી ગયા. ત્યાં હાજર લોકોએ બીબીસીને જણાવ્યું કે ટ્રમ્પની બોલવાની જગ્યાએ બનાવાયેલા મંચની જમણી તરફ સ્થિત એક ઇમારત પરથી ગોળીબાર કરાયો હતો.

ગ્રેગ નામના એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીને જમાવ્યું કે તેમણે ટ્રમ્પને સ્ટેજ પર ચઢવાની પાંચ મિનિટ પહેલાં જ એક શંકાસ્પદ વ્યક્તિને એમની છત ઉપર ગોઠણભેર સરકતી જોઈ હતી.

તેમણે તત્કાલ પોલીસને એ વ્યક્તિ બતાવી. ગ્રેગે ઉમેર્યું, "એ શખ્સ પાસે રાઇફલ હતી. અમે સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા કે એ રાઇફલ સાથે હતો. અમે પોલીસને એ તરફ બતાવી રહ્યા હતા. પોલીસ નીચે ગ્રાઉન્ડ પર ચોતરફ ચક્કર મારી રહી હતી. અમે કહ્યું કે જુઓ ત્યાં એક શખ્સ રાઇફલ સાથે છે પણ પોલીસને એ ખબર જ ના પડી કે એ ત્યાં શું ઘટી રહ્યું છે."

રાષ્ટ્રપતિ જો બાઇડન શું બોલ્યા?

અન્ય એક પ્રત્યક્ષદર્શી જેસને બીબીસીને જણાવ્યું કે તેમણે પાંચ ગોળી છૂટવાનો અવાજ સાંભલ્યો. એક બાદ એક એમ ગોળીબાર થઈ રહ્યો હતો.

તેમણે ઉમેર્યું, "અમે જોયું કે સિક્રેટ સર્વિસના લોકો તુરંત જ કૂદીને મંચ પર આવી ચઢ્યા અને તેમણે ટ્રમ્પને ઘેરી લીધા. ભીડમાં સામેલ દરેક વ્યક્તિ નીચે ઝૂંકી ગઈ."

"ટ્રમ્પ તત્કાલ ઊભા થયા અને તેમણે પોતાની મુઠ્ઠી ભીડને બતાવી અને કંઈક કહ્યું."

આ ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રતિક્રિયા આપી હતી.

તેમણે લખ્યું, ''મને એ જાણીને રાહત મળી કે ટ્રમ્પ સુરક્ષિત અને સ્વસ્થ છે. અમેરિકામાં આ પ્રકારની હિંસાની કોઈ જગ્યા નથી. આપણે એક દેશના રૂપે સંગઠિત રહેવું પડશે. આપણે આ ઘટનાની નિંદા કરવી પડશે.'

પીએમ મોદી બોલ્યા, "મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી ભારે ચિંતિત છું."

અમેરિકામાં ઘટેલી આ ઘટનાની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા કરી છે.

તેમણે સોશિયલ મીડિયા વેબસાઇટ એક્સ પર લખ્યું, "મારા મિત્ર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાથી ભારે ચિંતિત છું. ઘટનાની ભારે નિંદા કરું છું."

"રાજકારણ અને લોકશાહીમાં હિંસાની કોઈ જગ્યા નથી. તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરું છું. આપણી પ્રાર્થના મૃતકોના પરિવાર, ઘાયલો અને અમેરિકાના તમામ લોકો સાથે છે."

પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાનો પ્રયાસ - એફબીઆઈ

ડોનાલ્ડ ટ્રમ્પ પર કરાયેલા આ ગોળીબાર બાદ પોલીસ અને એફબીઆઈ દ્વારા એક પત્રકારપરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ઘટના સંબંધે વધારે માહિતી આપવામાં આવી હતી.

એફબીઆઈના ફિલ્ડ ઓફિસર કેવિન રાજેકે પુષ્ટિ કરતાં જણાવ્યું કે આ ઘટનાને જીવલેણ હુમલના રૂપે જોવામાં આવી રહી છે.

તેમણે કહ્યું, “આજે સાંજે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરાયો.”

તો બીજી તરફ, પોલીસે જણાવ્યું કે શૂટરની ઓળખ 'લગભગ' કરી લેવાઈ છે.

પોલીસે કહ્યું કે આગામી કેટલાક કલાકોમાં શંકાસ્પદ શૂટરનું નામ જાહેર કરવામાં આવશે. પોલીસે એવું પણ જણાવ્યું કે આ ઘટનામાં એક પુરુષનું મૃત્યુ થયું છે અને અન્ય બેને ઈજા પહોંચી છે.

જોકે, આ પત્રકારપરિષદમાં અમેરિકાની સિક્રેટ સર્વિસના લોકો સામેલ નહોતા થયા. એફબીઆઈના સ્પેશિયલ એજન્ટે જણાવ્યું કે સિક્રેટ સર્વિસના લોકો આ પરિષદમાં નહોતા આવી શક્યા