દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન, કેટલાક લોકોની અટકાયત – ન્યૂઝ અપડેટ

દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ પ્રદર્શન માટે ઇન્ડિયા ગેટ પર રવિવારના લોકો એકઠા થયા હતા.
પોલીસે પ્રદર્શનકારીઓને ઇન્ડિયા ગેટ પાસેથી ખસેડ્યા હતા અને કેટલાક લોકોને અટાકયતમાં લીધા હતા.
પ્રદર્શનકારીઓ હાથમાં પોસ્ટર લઈને નારા લગાવી રહ્યા હતા અને સાફ હવા માટે સરકાર તરફથી કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
પ્રદર્શનમાં અલગ-અલગ ઉંમરના પુરુષો, મહિલાઓ અને કેટલાક વિદ્યાર્થીઓ સામેલ હતા. સાથે જ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ જેવા કેટલાક વિપક્ષના નેતાઓ પણ હાજર રહ્યા.
પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર જવાની વિનંતી કરી હતી. પોલીસે કહ્યું હતું કે વિરોધ પ્રદર્શન માટે નિર્ધારિત સ્થળ જંતર-મંતર છે.
જોકે, જ્યારે પ્રદર્શનકારીઓ ઇન્ડિયા ગેટ પાસે ધરણા પર બેસી ગયા, તો દિલ્હી પોલીસે કેટલાક લોકોને અકટાયતમાં લીધા અને તેમને ત્યાંથી હટાવાયા.
ફિલિપાઇન્સમાં સુપર ટાયફૂન પહેલાં દસ લાખો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ઇમેજ સ્રોત, Getty Images
ફિલિપાઇન્સમાં 'ફંગ વૉન્ગ' વાવાઝોડાના કારણે લગભગ દસ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ વાવાઝોડું રવિવારે સાંજ સુધી ફિલિપાઇન્સમાં જમીન વિસ્તાર સાથે ટકરાવાની આશંકા છે.
આ વાવાઝોડાને 'સુપર ટાયફૂન' કહેવાઈ રહ્યું છે. 'ફંગ વૉન્ગ' વાવાઝોડું દરમ્યાન 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. પવનની ઝડપ 230 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલિપાઇન્સના હવામાનવિભાગે ચેતવણી આપી છે કે ઉત્તર-પશ્ચિમ દિશામાં લૂઝોન તરફ વાવાઝોડાના વધવા દરમ્યાન ત્રણ મીટરથી (10 ફૂટ) પણ વધારે ઊંચી લહેરો ઊઠી શકે છે.
લૂઝોન, ફિલિપાઇન્સનો સોથી વધુ વસ્તીવાળો દ્વીપ છે.
કેટલાક દિવસ પહેલાં ફિલિપાઇન્સ પર વધુ એક વાવાઝોડું ત્રાટક્યું હતું. 'કાલમેગી' વાવાઝોડાના કારણે લગભગ 200 લોકોના જીવ ગયા હતા.
ગુજરાત એટીએસએ કેમિકલ અને હથિયારોથી હુમલો કરવાનું કાવતરું ઘડનારા ત્રણ શખ્સોની ધરપકડ કરી

ઇમેજ સ્રોત, @dgpgujarat
ગુજરાત ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડે એક તબીબ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. રવિવારે આના વિશે માહિતી આપતા એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કથિત રીતે હથિયારો અને કેમિકલની મદદથી મોટા હુમલાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ગુજરાત એટીએસના વડા સુનીલ જોશીના કહેવા પ્રમાણે, 'આરોપીઓમાંથી એક તેલંગણા તથા બે ઉત્તર પ્રદેશના છે. તેઓ ગુજરાતમાં હથિયારોની હેરફેર કરવા માટે આવ્યા હતા. તેઓ શક્તિશાળી 'રીશીન' ગૅસ બનાવીને આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.'
સુનીલ જોશીએ ખુલાસો કર્યો હતો કે તેમના હેન્ડલર તેમને પાકિસ્તાનની સરહદ ઉપર ડ્રોન મારફત હથિયાર મોકલાવે છે.
આરોપીઓ પાસેથી કેટલાક કારતૂસ અને પિસ્તોલ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.
6,6,6,6,6,6,6,6 સતત આઠ છગ્ગા ફટકારીને મેઘાલયના આકાશ કુમારે ફટકારી સૌથી ઝડપી અડધી સદી

ઇમેજ સ્રોત, Getty Images
મેઘાલયના ક્રિકેટર આકાશ કુમારે ઘર આંગણે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકૉર્ડ સર્જ્યો છે. તેમણે માત્ર 11 બૉલમાં આ સિદ્ધિ મેળવી હતી.
આકાશ કુમારે રણજી ટ્રૉફીની પ્લેટ ગ્રૂપ મૅચમાં અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ આ રેકૉર્ડ બનાવ્યો હતો. આ મૅચ સુરત ખાતે રમાઈ રહી છે.
આકાશે તેમની ઇનિંગ દરમિયાન કુલ 14 બૉલ રમ્યા અને 50 રન બનાવ્યા. જેમાં તેમણે સતત આઠ છગ્ગા ફટકાર્યા હતા, જે તેમની ઇનિંગનું મુખ્ય આકર્ષણ રહ્યું.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત આઠ છગ્ગા ફટકારનારા તેઓ પ્રથમ ખેલાડી બની ગયા છે.
આ મૅચની પહેલી ઇનિંગ દરમિયાન મેઘાલયે છ વિકેટના ભોગે 628 રન બનાવીને ઇનિંગ જાહેર કરી દીધી હતી. જેના જવાબદમાં દાવ લેવા ઉતરેલી અરૂણાચલ પ્રદેશની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 73 રનમાં આટોપાઈ ગઈ હતી.
કેરળમાં ટ્રેનના ઉદ્ઘાટન સમયે વિદ્યાર્થીઓના ગાનથી વિવાદ

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેરળના અર્નાકુલમથી બેંગ્લુરુ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ કથિત રીતે 'આરએસએસનું ગીત' ગાયું હતું, જેના કારણે કેરળમાં વિવાદ થયો છે અને રાજ્યના શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. જેમાં સત્તાવાર કાર્યક્રમમાં બાળકોને સામેલ કરવામાં કોઈ ચૂક થઈ છે કે કેમ, તે તપાસવામાં આવશે.
દક્ષિણ રેલવેએ સોશિયલ મીડિયા ઉપર ગીત પોસ્ટ કર્યું હતું, મુખ્ય મંત્રી પિનારાઈ વિજયને તેની સામે વાંધો ઊઠાવ્યો હતો અને તેને 'સંઘનું ગીત' ગણાવીને 'ખૂબ જ નિંદનીય' કહ્યું હતું.
મુખ્ય મંત્રીએ કહ્યું, "સરકારી કાર્યક્રમમાં કોમી ધૃણા અને વિભાજનકારી રાજકારણને પ્રોત્સાહન આપનારું ગીત સામેલ કરવું એ બંધારણીય સિદ્ધાંતોનો ભંગ છે."
"સંઘ પરિવારે રેલવે જેવા દેશના સૌથી મોટા સાર્વજનિક ઉપક્રમનો ઉપયોગ પોતાના કોમી રાજકારણના પ્રસાર માટે કર્યો, જે અસ્વિકાર્ય છે."
જોકે, સંઘ સાથે સંકળાયેલા રાષ્ટ્રોત્થાન પરિષદ દ્વારા સંચાલિત સરસ્વતી વિદ્યાનિકેતન સ્કૂલના આચાર્ય કેપી ડિન્ટોએ બીબીસી હિંદીની સાથે વાત કરતા કહ્યું હતું કે તેમાં વિભાજનકારી કશું નથી.
તેમણે કહ્યું, "આ ગીતમાં કોઈપણ ધર્મ વિરુદ્ધ એક પણ શબ્દ નથી. ઊલ્ટું, તે બધાને સાથે મળીને રહેવાનો સંદેશ આપે છે."
ડિન્ટોના કહેવા પ્રમાણે, "નવી ટ્રેનના પ્રવાસ માટે અમારી શાળાના બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને કવર કરી રહેલા કેટલાક મીડિયા કર્મીઓએ બાળકોને ગીત ગાવા માટે કહ્યું, પહેલાં બાળકોએ 'વંદેમાતરમ્.....' ગાયું."
"એ પછી પત્રકારોએ બીજું ગીત ગાવા માટે કહ્યું તો વિદ્યાર્થીઓએ તેમને આવડતું વધુ એક ગીત ગાયું હતું."
ડિન્ટોએ કહ્યું, "વાસ્તવમાં આ ગીત 'એકતામાં વિવિધતા'ની વાત કરે છે, જેના વિશે આપણા પહેલા વડા પ્રધાન જવહારલાલ નહેરુએ વાત કરી હતી અને આપણે બંધારણની મૂળભૂત વિભાવના સામેલ છે."
"એક મહિના પહેલાં એક લઘુમતી શાળાના બાળકોએ પણ આ ગીત ગાયું હતું."
સ્કૂલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ કર્યું હતું કે તે મલયાલમ ભાષાનું દેશભક્તિ ગીત હતું. આચાર્યે પત્રનો હવાલો આપતા કહ્યું, "અમારો વિનમ્ર સવાલ છે કે શું બાળકો માતૃભૂમિની પ્રશંસા કરતું ગીત ગાય ન શકે?"
ફિલિપાઇન્સ પર હવે આ વાવાઝોડાનો ખતરો, 185 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે

ઇમેજ સ્રોત, AFP via Getty Images
ફિલિપાઇન્સમાં 'કાલમેગી' વાવાઝોડા પછી 'ફંગ વૉન્ગ' વાવાઝોડાનો ખતરો છે. આ વાવાઝોડું દેશના સૌથી મોટા દ્વીપ લૂઝોન તરફ આગળ વધી રહ્યું છે.
આ વિસ્તારમાં પહેલાંથી જ લોકો "ખરાબ પરિસ્થિતિ"માં છે.
ફિલિપાઇન્સના પૂર્વી બિકોલ વિસ્તાર રવિવાર સવારે સૌથી પહેલાં આ વાવાઝોડું ત્રાટકશે. રવિવાર રાત સુધી લૂઝોલ દ્વીપમાં આ વાવાઝોડું પહોંચવાની આશંકા છે.
ફિલિપાઇન્સની મુખ્ય વસ્તી આ વિસ્તારમાં રહે છે.
દેશના હવામાન વિભાગ અનુસાર, 'ફંગ વૉન્ગ' વાવાઝોડા દરમિયાન 185 કિલોમીટર પ્રતિ કલાક (155 માઇલ પ્રતિ કલાક)ની ઝડપથી પવન ફૂંકાશે અને મુશળધાર વરસાદની આશંકા છે.
'ફંગ વૉન્ગ' વાવાઝોડાને 'સુપર ટાઇફૂન' કહેવાઈ રહ્યું છે. આનું નામ સ્થાનિક સ્તર પર ઉવાન રાખવામાં આવ્યું છે.
કેટલાક દિવસ પહેલાં ફિલિપાઇન્સ પર એક અન્ય વાવાઝોડું ત્રાટક્યું હતું. 'કાલમેગી' વાવાઝોડાના કારણે લગભગ 200 લોકોના જીવ ગયા છે.
તેજ પ્રતાપે પોતાના જીવ ઉપર જોખમની વાત કહી, ભાઈ તેજસ્વીને આપી જન્મદિવસની શુભેચ્છા

ઇમેજ સ્રોત, Getty Images
જન શક્તિ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા મહુઆ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તેજ પ્રતાપ યાદવનું કહેવું છે કે તેમના જીવ ઉપર જોખમ છે.
તેજ પ્રતાપ યાદવે રવિવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું, "મારા ઉપર જોખમ છે, મારી હત્યા પણ કરાવી દેશે. બધા દુશ્મન (આ કામમાં) લાગેલા છે."
રવિવારે તેજ પ્રતાપના નાના ભાઈ અને આરજેડીના (રાષ્ટ્રીય જનતા દળ) નેતા તેજસ્વી યાદવનો જન્મદિવસ છે. ત્યારે તેજ પ્રતાપે એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેજ પ્રતાપે કહ્યું, "તેજસ્વીનો જન્મદિવસ છે. જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ, ભવિષ્ય ઉજ્જવળ થાઓ, આશીર્વાદ છે."
તેજસ્વી યાદવે ગત રવિવારે મહુઆ વિધાનસભા ક્ષેત્ર માટે રાજદના ઉમેદવાર મુકેશ રોશન માટે રેલીને સંબોધી હતી. હાલ મુકેશ રોશન જ આ બેઠક પરથી ધારાસભ્ય છે.
રાહુલ ગાંધીએ 'વોટ ચોરી'નો ઉલ્લેખ કરી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે ફરી એક વાર 'વોટ ચોરી'નો ઉલ્લેખ કરીને ચૂંટણીપંચ પર આરોપ લગાવ્યા.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "મે હરિયાણાવાળું પ્રેઝેન્ટેશન કર્યું હતું, તેમાં તમે સ્પષ્ટપણે જોયું કે 25 લાખ મતોની ચોરી થઈ છે."
તેમણે કહ્યું, "એ ડેટા જયા બાદ મારું માનવું છે કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પણ આવું જ થયું છે."
રાહુલ ગાંધીએ આ 'વોટ ચોરી'ને ભાજ અને ચૂંટણીપંચની સિસ્ટમ ગણાવી છે.
કૉંગ્રેસ સાસંદનું કહેવું છે કે તેમની પાસે અલગ અલગ જાણકારીઓ છેઅને તેઓ આગામી સમયમાં તેને લોકો સામે મૂકશે.
રાહુલ ગાંધીએ કહ્યું, "અમારી પાસે વધુ પુરાવા છે અને અમે ધીરે ધીરે એ દેખાડીશું. અસલ મુદ્દો વોટ ચોરીનો છે અને ચૂંટણીપંચ તેને કવર-અપ કરવાના પ્રયાસ કરી રહ્યું છે."
'ડિજિટલ ગોલ્ડ' કે 'ઇ-ગોલ્ડ' અંગે સેબીએ આપી ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોને ડિજિટલ કે ઇ-ગોલ્ડમાં રોકાણ અંગે ચેતવણી આપી.
સેબીએ કહ્યું છે કે આવાં ઇન્સ્ટ્રુમેન્ટ તેના નિયામક માળખાના દાયરામાં આવતાં નથી અને તેમાં ઘણું જોખમ છે.
આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે સેબીએ જોયું કે કેટલાંક ઓનલાઇન પ્લૅટફૉર્મ 'ડિજિટલ ગોલ્ડ' કે 'ઇ-ગોલ્ડ'ને ફિઝિકલ ગોલ્ડમાં રોકાણના સરળ વિકલ્પ તરીકે પ્રમોટ કરી રહ્યાં છે.
સેબી તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું, "આ સંદર્ભમાં જણાવાય છે કે આવા ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ સેબી રેગ્યુલેટેડ ગોલ્ડ પ્રોડક્ટ્સ કરતાં જુદા છે, કારણ કે તેમના સિક્યૉરિટીઝ તરીકે નોટિફાય નથી કરાયા અને ના એ કોમોડિટી ડેરિવેટિવ્સ તરીકે રેગ્યુલેટેડ છે. એ સંપૂર્ણપણે સેબીના દાયરાની બહાર ઑપરેટ કરે છે."
ભારત-પાકસ્તાન સંઘર્ષ રોકવા બદલ શહબાઝ શરીફે ટ્રમ્પનો ફરી આભાર માન્યો

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે શનિવારે ફરી એક વાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ વર્ષે મે માસમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષનું નિરાકરણ લાવવા બદલ આભાર માન્યો છે.
ભારત પાકિસ્તાન સાથેના તેના સંઘર્ષને રોકવામાં કોઈ પણ ત્રીજા પક્ષની ભૂમિકાની વાતને નકારતું રહ્યું છે.
પાકિસ્તાન સાથે ચાલી રહેલા ભારતના ચાર દિવસના સૈન્ય સંઘર્ષ અંગે ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે તેમની દખલ બાદ બંને દેશોએ આ સંઘર્ષ ખતમ કર્યો.
શહબાઝ શરીફે અઝરબૈજાનમાં વિજય દિવસ પરેડમાં કહ્યું, "પાકિસ્તાન અને ભારત વચ્ચેનું સીઝફાયર રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાહસી અને નિર્ણાયક લીડરશિપને કારણે શક્ય બન્યું. આનાથી દક્ષિણ એશિયામાં શાંતિ બહાલ થઈ, એક મોટું યુદ્ધ ટળ્યું અને લાખો લોકોનાં જીવન બચી ગયાં."
અમેરિકામાં શટડાઉનને કારણે બીજા દિવસેય 1400 કરતાં વધુ ઉડાણો રદ, કેટલીય ફ્લાઇટ્સ મોડી પડી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં શટડાઉને કારણે ઍરલાઇન્સને ટ્રાફિક ઘટાડવાના નિર્દેશ અપાયા. એ બાદ શનિવારે અમેરિકામાં 1400 કરતાં વધુ ઉડાણો રદ થઈ ગઈ.
ફ્લાઇટ ટ્રૅકર ફ્લાઇટ અવેયર પ્રમાણે, રદ થયા સિવાય લગભગ છ હજાર ફ્લાઇટ્સ મોડી પણ પડી. આ સંખ્યા શુક્રવારે મોડી પડેલી સાત હજાર ફ્લાઇટોની સરખામણીએ ઓછી છે.
ફેડરલ એવિએશન ઑથૉરિટી (એફએએ)એ આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે એ દેશનાં 40 સૌથી વ્યસ્ત ઍરપૉર્ટો પર ટ્રાવેલ કૅપેસિટીને દસ ટકા સુધી ઘટાડશે, કારણ કે ઍર ટ્રાફિક કંટ્રોલર વેતન વિના કામ કરી રહ્યા છે.
કંટ્રોલરની કમીને કારણે ઉડાણો પર ઘણી અસર થઈ છે. ઍર ટ્રાફિક કંટ્રોલર કાં તો સિક લીવી લઈ રહ્યા છે અથવા તો કામ નથી કરી રહ્યા.
અમેરિકન ગૃહ કૉંગ્રેસમાં આ મુદ્દા અંગે રિપબ્લિકન અને ડેમૉક્રૅટ્સ વચ્ચે હજુ પણ સંમતિ સધાઈ નથી અને આ વર્ષે 1 ઑક્ટોબરથી શરૂ થયેલું શટડાઉન હજુ ચાલુ છે.
પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે વાતચીત નિષ્ફળ, તાલિબાન સરકારે આપી ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તુર્કીમાં વાતચીત નિષ્ફળ થવા માટે પાકિસ્તાનને દોષિત ઠેરવ્યું છે અને કહ્યું છે કે ઇસ્તાંબુલ વાર્તામાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળે પાકિસ્તાનની સુરક્ષાની બધી જવાબદારી અફઘાનિસ્તાન પર નાખવાનો પ્રયાસ કર્યો.
અફઘાન તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે, "ઇસ્લામિક અમીરાતના સારા ઇરાદા અને મધ્યસ્થોના તમામ પ્રયાસો છતાં, પાકિસ્તાની પ્રતિનિધિમંડળના ગેરજવાબદાર વ્યવહારને કારણે આ વાતચીત કોઈ નિષ્કર્ષ સુધી ન પહોંચી શકી."
ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું, "કોઈનેય કોઈ અન્ય દેશ વિરુદ્ધ અફઘાનિસ્તાનના ક્ષેત્રનો ઉપયોગ કરવાની પરવાનગી નહીં અપાય, ના કોઈ દેશને પોતાના ક્ષેત્રમાંથી અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને સુરક્ષા વિરુદ્ધ કાર્યવાહી કે સમર્થન કરવાની પરવાનગી અપાશે."
તેમણે કહ્યું કે પાકિસ્તાની પક્ષે વાતચીત દરમિયાન પોતાના દેશની સુરક્ષા સાથે સંબંધિત તમામ જવાબદારીઓ અફઘાન સરકાર પર નાખવાનો પ્રયાસ કર્યો, જ્યારે પોતાની તરફથી તેણે અફઘાનિસ્તાનની સુરક્ષા કે પોતાના દેશની શાંતિ માટે કોઈ જવાબદારી સ્વીકારવાની ઇચ્છા ન વ્યક્ત કરી.
ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું, "પાકિસ્તાના લોકો અફઘાન લોકોના ભાઈ છે. અફઘાનિસ્તાન તેમની ભલાઈ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે અને પોતાની જવાબદારીઓ અને ક્ષમતાઓ પ્રમાણે તેમનું સમર્થન ચાલુ રાખશે."
તેમણે કહ્યું કે અફઘાન લોકોનું રક્ષણ કરવું અફઘાન તાલિબાનની કાયદાકીય અને રાષ્ટ્રીય જવાબદારી છે. કોઈ પણ પ્રકારની આક્રમકતાનો પૂરી તાકત સાથે જવાબ અપાશે.
અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઍર ઇન્ડિયા વિમાનના પાઇલટના પિતાની અરજી પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ ખાતે ઍર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના પાંચ મહિના બાદ આ દુર્ઘટનાની તપાસ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે અને દેશની સુપ્રીમ કોર્ટે પણ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે આ દુર્ઘટનામાં 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ વર્ષે 12 જૂનના રોજ ફ્લાઇટ 171 અમદાવાદથી લંડન જતી વખતે ટેક-ઑફની તુરંત બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
જુલાઈમાં આ ઘટના અંગે એક વચગાળાનો તપાસ રિપોર્ટ જાહેર કરાયો હતો, પરંતુ તેના ટીકાકારોનું કહેવું છે કે રિપોર્ટે અયોગ્યપણે પાઇલટો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિમાનમાં સંભવિત ખરાબીની વાત પરથી ધ્યાન ભટકાવી દીધું.
શુક્રવારે ભારતની સુપ્રીમ કોર્ટના એક જજે કહ્યું કે વિમાનના કૅપ્ટનને દોષિત ન ઠેરવી શકાય.
જજની આ ટિપ્પણી ઍર ઇન્ડિયાના પ્રમુખના એ દાવાના એક અઠવાડિયા બાદ આવી છે, જેમાં તેમણે ભારપૂર્વક કહેલું કે વિમાનમાં કોઈ ખરાબી નહોતી.
હાલ સુપ્રીમ કોર્ટ ઍર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટના કૅપ્ટન સુમીત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલ તરફથી દાખલ કરાયેલી એક અરજીની સુનાવણી કરી રહી છે. 91 વર્ષીય પુષ્કરરાજ આ મામલામાં સ્વતંત્ર તપાસની માગ કરી રહ્યા છે.
જસ્ટિસ સૂર્યકાંતે તેમને કહ્યું, "આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તમારે એ બોજો લઈને ન ફરવું જોઈએ કે તમારા દીકરાને દોષ અપાઈ રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાબત માટે તેને દોષિત ન ઠેરવી શકે."
આ મામલાની આગામી સુનાવણી 10 નવેમ્બરે યોજાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















