અમદાવાદ: સાણંદમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે હિંસા માટે આ કારણ જણાવ્યું – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની કલાણા જીઆઈડીસી ખાતે સોમવારે સાંજે યુવાનોના બે સમૂહ વચ્ચે માથાકૂટ થઈ હતી. એ પછી પરિસ્થિતિ થાળે પડી હતી.

જોકે, મંગળવારે સવારે ફરી એક વખત સામ-સામે પથ્થરમારો થતાં મામલો બિચક્યો હતો. એ પછી અમદાવાદ પોલીસના (ગ્રામ્ય) સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસપી) ઓમ પ્રકાશ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા.

એસપી ઓમપ્રકાશ જાટે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું, "બે જૂથના માણસો વચ્ચે એક બાઇકને લઈને મનદુઃખ હતું. એવામાં એક જૂથના યુવાનો બાઇક લઈને જતા હતા, ત્યારે 'તું મારી સામે કેમ જુએ છે?' એમ કહીને બંને વચ્ચે ઝગડો થયો હતો."

"એ પછી બંને બાજુ લગભગ 30થી 35 લોકો સામ-સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. જેના આધારે સામ-સામે ફરિયાદ દાખલ થયેલી. એ પછી ગામમાં ઘરે-ઘરે અને ખેતરમાં કૉમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે."

એસપીના કહેવા પ્રમાણે, આ યુવાનો વચ્ચે સોશિયલ મીડિયા ઉપર કોણ વધારે ફેમસ છે, એ મુદ્દે વર્ચસ્વની લડાઈ છે. સમગ્ર ઘટનાક્રમમાં કોઈ મહિલાની અટક નથી કરવામાં આવી, પરંતુ તેમની પૂછપરછ કરવામાં આવી છે.

એસપી ઓમ પ્રકાશ જાટે ઉમેર્યું હતું, "અત્યારે ગામમાં શાંતિ છે. 30 જેટલા શંકાસ્પદ શખ્સોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે. જે કોઈની સંડોવણી છે, તેમને છોડવામાં નહીં આવે."

છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી મનદુઃખ પ્રવર્તમાન હોવાનું કહેવાય રહ્યું છે. એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ), એસઓજી (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ), સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન, સાણંદ ટાઉન પોલીસ સ્ટેશન તથા બોપલ પોલીસ સ્ટેશનની ટીમોને કલાણા ગામ ખાતે બંદોબસ્ત માટે તહેનાત છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ પોલીસે પથ્થરમારાના જે વીડિયો વાઇરલ થયા છે, તેને એકઠાં કરીને તેના આધારે સંદિગ્ધોને ઓળખવાની કામગીરી હાથ ધરી છે. આ સિવાય આસપાસના વિસ્તારના સીસીટીવીના ડીવીઆર પણ કબજે લેવામાં આવ્યા છે.

ખાલિદા ઝિયાનાં અવસાન અંગે તેમના દીકરા શું બોલ્યા ?- ન્યૂઝ અપડેટ

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન અને અગ્રણી નેતા બેગમ ખાલિદા ઝિયાનાં અવસાન અંગે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "નિધનથી દુઃખી છું. તેમણે સાર્વજનિક જીવનમાં પોતાની લાંબી કૅરિયર દરમિયાન બાંગ્લાદેશનાં રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના પરિવાર, સમર્થકો તથા બાંગ્લાદેશની જનતા પ્રત્યે મારી ઊંડી સંવેદના છે."

બેગમ ખાલિદા ઝિયાના દીકરા અને તેમની બીએનપીના (બાંગ્લાદેશ નૅશનલ પાર્ટી) અધ્યક્ષ તારિક રહમાને ઍક્સ ઉપર લખ્યું, "મારી મા, બીએનપીની અધ્યક્ષ, તથા પૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલિદા ઝિયા આજે અમને છોડીને અલ્લાહના બોલાવ્યે જતી રહી."

તારિક રહમાને લખ્યું, "ઘણા લોકો માટે તેઓ દેશનાં નેતા હતાં. એક અડગ નેતૃત્વ કરનારી હસ્તી, લોકશાહીનાં માતા અને બાંગ્લાદેશનાં મા. આજે દેશે તેના માર્ગદર્શક ગુમાવી દીધાં, જેમણે લોકતાંત્રિક સપનાંને આકાર આપ્યો."

બીએનપીના કાર્યકારી અધ્યક્ષે કહ્યું, "તેમણે હંમેશાં એકતંત્ર, ફાસીવાદ તથા વર્ચસ્વ સામે મક્કમપણે ઊભાં રહ્યાં અને સ્વતંત્રતા, સંપ્રભુતા તથા લોકશાહીની બહાલી માટેની લડાઈનું નેતૃત્વ કર્યું."

તારિક રહમાને કહ્યું, "દેશ માટે તેમણે પતિને ગુમાવ્યા, પોતાનાં બાળકો ગુમાવ્યાં. આ વ્યક્તિગત દુઃખમાં જ આ દેશ અને તેના લોકો, તેમનો પરિવાર, તેમનું ધ્યાય અને તેમની આત્મા બની રહ્યા. તેઓ દેશભક્તિ, બલિદાન તથા પ્રતિરોધનો એવો વારસો મૂકી ગયાં છે, જે બાંગ્લાદેશની લોકતાંત્રિક ચેતનાને હંમેશા જીવિત રાખશે."

પુતિનના રહેઠાણ પર કથિત ડ્રૉન હુમલાના સમાચાર પર પીએમ મોદીએ શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રહેઠાણ પર કથિત ડ્રૉન હુમલા બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર ઘેરી ચિંતા વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "રશિયાના રાષ્ટ્રપતિના રહેઠાણને નિશાન બનાવવાના સમાચારને લઈને અમે ચિંતિત છીએ."

"હાલમાં ચાલી રહેલા કૂટનીતિક પ્રયાસ જ સંઘર્ષ સમાપ્ત કરવા અને શાંતિ હાંસલ કરવા માટે સૌથી યોગ્ય રસ્તો છે. અમે તમામ પક્ષોને અપીલ કરીએ છીએ કે તેઓ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરે અને એવા કોઈ પણ પગલાંથી બચે જે શાંતિની કોશિશોને નુકસાન પહોંચાડી શકે."

અગાઉ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે દાવો કર્યો હતો કે યુક્રેને રાત્રે 91 લાંબા અંતરવાળા માનવરહિત હવાઈ વાહનો (યુએવી)નો ઉપયોગ કરીને રશિયાના નોવગોરાદ વિસ્તારમાં સ્થિત પુતિનના સરકારી આવાસ પર હુમલો કર્યો.

રશિયાએ કહ્યું છે કે હવે તેઓ શાંતિ વાર્તાઓમાં પોતાની સ્થિતિની સમીક્ષા કરશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે કથિત હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન ત્યાં હાજર હતા કે નહીં.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક આવાસ પર ડ્રૉન હુમલો કર્યાના આરોપોને નકારી કાઢ્યા છે.

તેમણે રશિયા પર શાંતિ માટે ચાલી રહેલી વાતચીતને ખરાબ કરવાનો આરોપ લગાવ્યો.

ઝેલેન્સ્કીએ આ દાવાને 'રશિયાનું ઓળખીતું જૂઠાણું' ગણાવ્યું અને કહ્યું કે તેનો હેતુ ક્રેમલિનને યુક્રેન પર હુમલા ચાલુ રાખવાનું બહાનું પૂરો પાડવાનો છે.

પાકિસ્તાનના આ વિસ્તારમાં ખાંડ મોંઘી કેમ મળી રહી છે?

બલૂચિસ્તાનના ક્વેટા સહિતના અન્ય વિસ્તારોમાં લોકોએ પાકિસ્તાનનાં અન્ય શહેરોની સરખામણીએ ખાંડની વધારે કિંમત ચૂકવવી પડે છે.

કરાચી અને લાહોરમાં ખાંડ હાલ 150થી 160 રૂપિયા (પાકિસ્તાની રૂપિયો) પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. જ્યારે ક્વેટા અને બલુચિસ્તાનમાં આ જ ખાંડના પ્રતિ કિલોગ્રામ 200થી 210 રૂપિયા ચૂકવવા પડે છે.

ક્વેટાના ડેપ્યુટી કમિશનર મેહરુલ્લાહ બદીનીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર ભાવ નિયંત્રણ સમિતિ મારફતે ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે.

બલૂચિસ્તાનના સેન્ટ્રલ ઍસોશિએશન ઑફ ટ્રેડર્સના પ્રમુખ રહીમ કાકરે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે બલૂચિસ્તાનમાં વેપારીઓને પાકિસ્તાની ખાંડ સપ્લાય કરવામાં નથી આવી રહી. જેના કારણે અહીંના લોકો આયાતી ખાંડ લેવા મજબૂર છે.

તેમના કહેવા પ્રમાણે, થોડા સમય પહેલાં, ખાંડની અછતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની સરકારે સંયુક્ત આરબ અમીરાતથી ખાંડ આયાત કરી હતી. તે સમયે પાકિસ્તાનમાં પિલાણની મોસમ શરૂ થઈ ગઈ હતી. આ ખાંડ મોંઘી હતી જેને કારણે બલૂચિસ્તાનમાં આ ખાંડ મોંઘી પડી રહી છે.

તેમના જણાવ્યા પ્રમાણે આ ખાંડ પહેલા અફઘાનિસ્તાન મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ બંને વચ્ચેના સંબંધો બગડતા એ શક્ય ન બન્યું. તેથી આ ખાંડ બલૂચિસ્તાનમાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ખાલિદા ઝિયાના નિધન પર શેખ હસીનાએ શું કહ્યું?

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)નાં અધ્યક્ષા અને પૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલિદા ઝિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

શેખ હસીનાએ કહ્યું, "બાંગ્લાદેશનાં પ્રથમ વડાં પ્રધાન તરીકે અને દેશમાં લોકતંત્રની સ્થાપનાના સંઘર્ષમાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. દેશ માટે તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું અને તેને યાદ રાખવામાં આવશે."

તેમણે કહ્યું કે બેગમ ખાલિદા ઝિયાનું નિધન બાંગ્લાદેશની રાજનીતિ તથા બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટીના નેતૃત્વ માટે મોટી ક્ષતિ છે.

શેખ હસીનાએ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

80 વર્ષની ઉંમરે ખાલિદા ઝિયાનું મંગળવારે લાંબી બીમારી બાદ સારવાર દરમિયાન નિધન થઈ ગયું.

પીએમ મોદીએ ખાલિદા ઝિયાને કેવી રીતે યાદ કર્યા?

બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાના નિધન પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમની સાથે કરેલી મુલાકાતને પણ યાદ કરી છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "બીએનપી પ્રમુખ બેગમ ખાલિદા ઝિયાના નિધનના સમાચારથી ઘણું દુ:ખ થયું છે."

તેમણે કહ્યું, "તેમના પરિવાર તથા બાંગ્લાદેશના તમામ લોકો પ્રત્યે અમારી ઘેરી સંવેદના છે. ઈશ્વર તેમના પરિવારને આ અપૂરણીય ક્ષતિને સહન કરવાની શક્તિ આપે."

વડા પ્રધાને કહ્યું કે બાંગ્લાદેશનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકે 'દેશના વિકાસ' અને 'ભારત-બાંગ્લાદેશ સંબંધોને મજબૂત' કરવાના તેમના મહત્ત્વનાં યોગદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે.

તેમણે કહ્યું, "મને 2025માં ઢાકામાં તેમની થયેલી મુલાકાત યાદ છે. અમને આશા છે કે તેમનાં દૃષ્ટિકોણ અને વિરાસત પરસ્પર સંબંધોને પણ દિશા આપતા રહેશે."

બાંગ્લાદેશનાં પ્રથમ વડાં પ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની ઉમંરે મંગળવારે નિધન થઈ ગયું.

'પુતિનના નિવાસસ્થાને 91 ડ્રૉન વડે હુમલો', યુક્રેને આરોપો અંગે શું કહ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના એક આવાસ પર ડ્રૉન હુમલો કર્યાના આરોપોને નકારી કાઢ્યા છે.

તેમણે રશિયા પર શાંતિ માટે ચાલી રહેલી વાતચીતને ખરાબ કરવાનો આરોપ લગાવ્યો.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે દાવો કર્યો કે યુક્રેને રાત્રે 91 લાંબા અંતરવાળા માનવરહિત હવાઈ વાહનો (યુએવી)નો ઉપયોગ કરીને રશિયાના નોવગોરાદ વિસ્તારમાં સ્થિત પુતિનના સરકારી આવાસ પર હુમલો કર્યો.

રશિયાએ કહ્યું છે કે હવે તેઓ શાંતિ વાર્તાઓમાં પોતાની સ્થિતિની સમીક્ષા કરશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે કથિત હુમલા સમયે રાષ્ટ્રપતિ પુતિન ત્યાં હાજર હતા કે નહીં.

ઝેલેન્સ્કીએ આ દાવાને 'રશિયાનું ઓળખીતું જૂઠાણું' ગણાવ્યું અને કહ્યું કે તેનો હેતુ ક્રેમલિનને યુક્રેન પર હુમલા ચાલુ રાખવાનું બહાનું પૂરો પાડવાનો છે.

નેતન્યાહૂ સાથે મુલાકાતમાં ટ્રમ્પે ઈરાન અને હમાસને આપી ચેતવણી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફ્લૉરિડામાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ "જલદી" ગાઝા શાંતિ યોજનાના બીજા તબક્કા સુધી પહોંચવાની આશા રાખે છે, સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો હમાસ ટૂંક સમયમાં શસ્ત્રો હેઠાં નહીં મૂૂકે તો તેણે "ગંભીર પરિણામો" ભોગવવાં પડશે.

20 સૂત્રીય પીસ પ્લાનમાં હમાસના નિઃશસ્ત્રીકરણની શરતનો સમાવેશ થાય છે.

બેઠક પછી નેતન્યાહૂ સાથેની એક પ્રેસ કૉન્ફરન્સમાં, ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલે યોજનાનું "100 ટકા પાલન" કર્યું છે.

પરંતુ ટ્રમ્પના દાવા છતાં, ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલા ચાલુ છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે જો ઈરાન ફરીથી પોતાના બૅલિસ્ટિક મિસાઇલ અથવા પરમાણુ શસ્ત્રોના કાર્યક્રમને આગળ ધપાવે છે, તો અમેરિકા તેની સામે બીજા મોટા હુમલાનું સમર્થન કરી શકે છે.

તેમણે કહ્યું કે ગાઝામાં પુનર્નિર્માણનું કામ 'ખૂબ જ જલદી' શરૂ થઈ શકે છે.

ગાઝા પીસ પ્લાન ઑક્ટોબરમાં અમલમાં આવ્યો. તેના બીજા તબક્કા હેઠળ, ગાઝામાં એક ટૅક્નૉક્રેટિક સરકારની રચના કરવામાં આવશે, હમાસ તેનાં શસ્ત્રો સોંપશે, અને ઇઝરાયલી સૈનિકો આ વિસ્તારમાંથી પરત ફરશે.

આ પછી ગાઝાના પુનર્નિર્માણની પ્રક્રિયા શરૂ થશે.

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ગાઝામાં ઇઝરાયલી દળોના હુમલામાં ઓછામાં ઓછા 414 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન