ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો, હજુ પાંચ દિવસ કયા જિલ્લામાં વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતમાં આજથી ફરી વરસાદી માહોલ સર્જાયો અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડા તાલુકામાં સવારે છ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં 14 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ભરૂચના નેત્રંગમાં સાત ઇંચ વરસાદ પડ્યો છે.
નર્મદાના ગરૂડેશ્વર અને નાંદોદમાં અનુક્રમે 5-5 ઇંચ વરસાદ પડ્યો છે.
નર્મદાના તિકલવાડામાં લગભગ ચાર ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યના 51 તાલુકામાં હળવાથી ભારે વરસાદના સમાચાર છે.
ગુજરાતમાં 15 જુલાઈથી ફરીથી વરસાદનું જોર અને પ્રમાણ વધવાની શરૂઆત થશે જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં જે વરસાદની ઘટ છે તે ઓછી થવાની શક્યતા દેખાઈ રહી છે.
હાલ રાજસ્થાન ઉપર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને મૉન્સુન ટ્રફ જે ઉત્તર ભારત ઉપર હતી તે હવે ખસીને રાજસ્થાન ઉપર એટલે કે ગુજરાતની નજીક આવી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત છત્તીસગઢ પર એક વરસાદી સિસ્ટમ બનેલી છે જે આગામી એકથી બે દિવસમાં ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે, જેના લીધે રાજ્યમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.
જૂન મહિનાથી શરૂ થયેલા ચોમાસામાં લગભગ એકાદ મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ પૂરતો વરસાદ થયો નથી.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં 15 જુલાઈથી વરસાદનું જોર વધશે અને લગભગ 21 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
હવામાનના વિવિધ મૉડલો પ્રમાણે ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે અને આ અઠવાડિયામાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.
આજથી અડધા ગુજરાતમાં વરસાદનું જોર વધશે જે બાદ 16 જુલાઈથી રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
15 જુલાઈના રોજ દક્ષિણ, પૂર્વ તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે, ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, અરવલ્લી, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, ખેડા, આણંદ, નડિયાદ, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
16 જુલાઈથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા છે, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથની સાથેસાથે બોટાદ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં વરસાદનું જોર વધશે અને કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, દાહોદ સાબરકાંઠા અને બનાસાકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે અને મધ્યમ તથા તેનાથી વધારે વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે, આ ઉપરાંત એકાદ બે દિવસમાં કચ્છ જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની શરૂઆત થાય તેવી શક્યતા છે.
ગુજરાતની સાથે મુંબઈ અને તેની આસપાસ વિસ્તારોમાં પણ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય મહારાષ્ટ્ર, કોકણ, માહે અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ અપૂરતો?
ગુજરાતમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી પરંતુ તે બાદ ચોમાસું નબળું થઈ ગયું હતું અને વરસાદ બંધ થઈ ગયો હતો. 22 જૂન બાદ ફરીથી રાજ્યમાં ચોમાસું સક્રિય થયું અને ઘણા વિસ્તારોમાં જૂનના અંત સુધીમાં વાવણીલાયક વરસાદ થયો હતો.
તેમ છતાં 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 4 ટકા ઓછો વરસાદ થયો છે, 25 જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછા વરસાદ થયો છે. સરેરાશ કરતાં સૌથી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં થયો છે.
15 જુલાઈ સુધી દાહોદ જિલ્લામાં 52%, અરવલ્લીમાં 51%, આણંદ જિલ્લામાં 49%, મહિસાગર જિલ્લામાં 48% તથા ડાંગ જિલ્લામાં 41% સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 75%, કચ્છ જિલ્લામાં 58%, મોરબી જિલ્લામાં 38%, જૂનાગઢ જિલ્લામાં 35% અને ભાવનગર જિલ્લામાં 12% સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.
હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે.
સામાન્ય રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી પડતા વરસાદને આધારે જે-તે જિલ્લાની સરેરાશ નક્કી કરવામાં આવે છે, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાની વરસાદની સરેરાશ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કરતાં ઓછી છે. જેથી અહીં દક્ષિણ ગુજરાત કરતાં પણ ઓછો વરસાદ પડે તો પણ સરેરાશ વધી જાય છે.






















