આઈપીએલમાં પંજાબ કિંગ્સ ઇલેવનના પ્રિયાંશ આર્યે માત્ર 39 બૉલમાં સદી ફટકારી – ન્યૂઝ અપડેટ્સ

આઈપીએલ પ્રિયાંશ આર્ય, પંજાબ કિંગ્સ ઇલેવન, ચેન્નઈ સુપરકિંગ્સ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

પંજાબ કિંગ્સ ઇલેવનના બૅટ્સમૅન પ્રિયાંશ આર્યએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં માત્ર 39 રનમાં સદી ફટકારી હતી.

24 વર્ષીય પ્રિયાંશે પોતાની ઇનિંગમાં કુલ નવ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. તેઓ 42 બૉલમાં 103 રન બનાવીને આઉટ થયા હતા.

IPL કારકિર્દીની આ તેમની માત્ર ચોથી મૅચ હતી, જેમાં તેમણે પહેલી સદી ફટકારી છે. ડાબોડી ઑપનિંગ બૅટ્સમૅન પ્રિયાંશને પંજાબ કિંગ્સે 30 લાખની બેઝ પ્રાઇઝ સામે 3.8 કરોડમાં ખરીદ્યા છે.

ગત વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં પ્રિયાંશ આર્ય દિલ્હી તરફથી સૌથી વધુ રન કરનાર બૅટ્સમૅન હતા.

પ્રિયાંશે લિસ્ટ-A ક્રિકેટમાં સાત મૅચ તથા એ સિવાય પ્રાદેશિક કક્ષાએ 21 ટી-20 મૅચ રમી છે.

પ્રિયાંશની સદીની મદદથી પંજાબની ટીમે છ વિકેટે 219 રનનો સ્કોર ઊભો કર્યો હતો.

પંજાબની ટીમે ટોસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. હવે ચેન્નાઈની ટીમે 10.95ની રનરેટથી રમવાનું રહેશે.

કૉંગ્રેસના નેતાઓએ સાબમરતી આશ્રમમાં આયોજિત પ્રાર્થનાસભામાં ભાગ લીધો

બીબીસી ગુજરાતી, કૉંગ્રેસ મીટિંગ, અમદાવાદ

ઇમેજ સ્રોત, INC/X

અમદાવાદના શાહીબાગ ખાતે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સમાપ્ત થયા બાદ કૉંગ્રેસના અગ્રણી નેતાઓ અમદાવાદસ્થિત સાબરમતી આશ્રમ ખાતે પહોંચ્યા હતા.

અહીં ભજનકાર્યક્રમ યોજાયો હતો, જેમાં મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી તથા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા અંબિકા સોની સામેલ થયાં હતાં.

આ કાર્યક્રમમાં પાર્ટીને નેતાઓ ઉપરાંત કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસનું અધિવેશન અમદાવાદના શાહીબાગ ખાતે મળી રહ્યું છે.

જ્યાં મંગળવારે કૉંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક મળી હતી અને બુધવારે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીની બેઠક મળશે.

કૉંગ્રેસ અધિવેશનના પહેલા દિવસે શું થયું અને કઈ બાબતે ચર્ચા થઈ?

કૉંગ્રેસ અધિવેશન ગુજરાત ઠરાવ, એઆઈસીસીસી, સીડબલ્યુસી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ  સોનિયા પ્રિયંગા ગાંધી વાડ્રા

ઇમેજ સ્રોત, Handout

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના નેતાઓની ગ્રૂપ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદના શાહીબાગ ખાતે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. જેના પ્રથમ દિવસે મંગળવારે કૉંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક મળી હતી.

બેઠક અંગે કૉંગ્રેસના લોકસભાના સંસદસભ્ય સપ્તગિરિ ઉલાકાએ કહ્યું, "આજે સીડબલ્યુસીની ઐતિહાસિક બેઠક મળી હતી. આ બેઠકમાં દેશ સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિચારવિમર્શ થયો. એમાંથી જે પ્રસ્તાવ પસાર થશે, તેનાથી દેશનું ભલું થશે."

"ગુજરાતની આ મહાન ધરતી પરથી સંદેશ જઈ રહ્યો છે કે કૉંગ્રેસ પાર્ટી દરેક લડાઈ મક્કમતાપૂર્વક લડશે."

બેઠક દરમિયાન કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની યાદ અપાવતા કહ્યું હતું, "ભાજપના લોકો બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરતા રહ્યા છે, દેશ તેમને ક્યારેય માફ નહીં કરે."

બેઠક બાદ પશ્ચિમ બંગાળ કૉંગ્રેસના વડા શુભાંકર સરકારે કહ્યું "ગુજરાતની ધરતી હંમેશાં અન્યાય વિરુદ્ધ લડે છે. બંધારણ આ દેશને જોડી રાખે છે, પરંતુ કેટલાક લોકો દેશને બરબાદ કરી દેવા માગે છે અને સરમુખત્યારશાહી ઇચ્છે છે."

સરકારે ઉમેર્યું, "આ અધિવેશન દરમિયાન અમે યુવાનો અને ખેડૂતોના ઉત્થાન માટે રસ્તો કાઢીશું અને સંકલ્પ લઈશું."

ઉલ્લેખનીય છે કે બુધવારે શાહીબાગ ખાતે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીનું સંમેલન મળશે, જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી સેંકડો પ્રતિનિધિઓ ઉમટી પડશે. આ અધિવેશન દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ્રાને મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.

આ સિવાય પાર્ટીને જિલ્લા તથા બૂથસ્તરે મજબૂત બનાવવા માટે ઘડી કાઢવામાં આવેલી માર્ગદર્શિકા રજૂ કરવમાં આવશે.

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત વિદ્યાપીઠ પર શું બોલ્યા?

કૉંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના શાહીબાગસ્થિત સરદાર પટેલ મૅમોરિયલ ખાતે મળી રહ્યું છે. જેમાં આજે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે તથા એના બીજા દિવસે એઆઈસીસીનું સત્ર મળશે.

અમદાવાદમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું ભાષણ આપ્યું. આ ભાષણમાં તેમણે મોદી સરકાર પર હુમલો કર્યો.

તેમણે કહ્યું, "આજે ભાજપ અને સંઘ પરિવારના લોકો ગાંધીજી સાથે જોડાયેલી સંસ્થા પર કબજો કરવીને તેને તેમની જ વિચારધારા ધરાવતી સંસ્થાઓને સોંપે છે. વારાણસીમાં સર્વ સેવા સંઘ પર તેમણે કબજો કર્યો. ગુજરાત વિદ્યાપીઠમાં શું થયું તે આપ સૌ જાણો છો. ગાંધીવાદી લોકો અને સહકારિતા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો કોરાણે મૂકાઈ રહ્યા છે. આ લોકો ગાંધીજીના ચશ્મા અને લાઠી તો ચોરી લે છે પરંતુ તેમના આદર્શો પર ક્યારેય નહીં ચાલી શકે. ગાંધીજીની વૈચારિક વિરાસત જ અસલી મૂડી છે અને તે કૉંગ્રેસ પાસે છે."

તેમણે મોદી સરકાર પર આરોપ લગાવતા એમ પણ કહ્યું કે મોદી સરકારે સંસદ પરિસરમાંથી બાબાસાહેબ આંબેડકર અને ગાંધીજીની પ્રતિમા હઠાવી દીધી અને તેને એક ખૂણામાં મૂકીને તેમનું અપમાન કર્યું.

કૉંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના શાહીબાગસ્થિત સરદાર પટેલ મૅમોરિયલ ખાતે મળી રહ્યું છે. જેમાં આજે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે તથા એના બીજા દિવસે એઆઈસીસીનું સત્ર મળશે.

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને કઈ સલાહ આપી?

સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને રાહત, કહ્યું પસાર કરાયેલાં વિધેયકોને રાજ્યપાલ રોકી નહીં શકે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને રાહત, કહ્યું પસાર કરાયેલાં વિધેયકોને રાજ્યપાલ રોકી નહીં શકે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે તામિલનાડુ સરકારની એક અરજી પર ચુકાદો સંભળાવ્યો. જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યપાલ વિધેયકોને લાંબા સમય સુધી રોકીને નહીં રાખી શકે.

જસ્ટિસ જે. બી. પારડીવાલા અને આર. મહાદેવનની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી. ખંડપીઠે કહ્યું છે કે એક જરૂરી અને તરત પૂર્ણ કરવાનો મામલો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, "રાજ્યપાલ પાસે આ વિધેયક લાંબા સમયથી પૅન્ડિંગ હતાં. રાજ્યપાલે સદ્ભાવનાપૂર્ણ રીતે કામ નથી કર્યું."

શું હતો મામલો?

તામિલનાડુના રાજ્યપાલે નવેમ્બર 2023માં 10 વિધેયકોને પોતાની પાસે વિચારાધીન રાખ્યાં હતાં. તેની સામે તામિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો છે.

વકફ સંશોધન ઍક્ટ પર જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે ફરી હંગામો, શું બોલ્યાં મહેબૂબા મુફ્તી

વકફ સંશોધન ઍક્ટ પર જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે ફરી હંગામો, શું બોલ્યાં મહેબૂબા મુફ્તી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

જમ્મુ-કાશ્મીર વિધઆનસભામાં મંગળવારે વકફ સંશોધન ઍક્ટને લઈને ફરી હંગામો થયો. વિધાનસભામાં હંગામો થવાને કારણે તેની કાર્યવાહી 30 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પહેલા, સોમવારે પણ તેને લઈને હંગામો થયો હતો.

પીડીપીનાં અધ્યક્ષા મહબૂબા મુફ્તીએ ઍક્સ પર લખ્યું, "વકફનો મુદ્દો માત્ર આસ્થા સુધી સીમિત નથી પરંતુ ભારતના 24 કરોડ મુસ્લિમોનાં અધિકારો, વિશ્વાસ અને સન્માન પર સીધો હુમલો છે."

"જમ્મુ-કાશ્મીરને દેશના એક માત્ર મુસ્લિમ બહુમતિ ક્ષેત્ર હોવાને કારણે આ મુદ્દે આગળ આવીને પોતાના લોકોના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ."

ટેરિફ પર ટ્રમ્પની ધમકીનો ચીને આપ્યો આ જવાબ

ટ્રમ્પે આપેલી ધમકીને ચીનના વાણિજ્ય મંત્રાલયે એક 'મોટી ભૂલ' ગણાવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે આપેલી ધમકીને ચીનના વાણિજ્ય મંત્રાલયે એક 'મોટી ભૂલ' ગણાવી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચીન પર વધારાના ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. તેના પર ચીને હવે પ્રતિક્રિયા આપી છે.

ટ્રમ્પે આપેલી ધમકીને ચીનના વાણિજ્ય મંત્રાલયે એક 'મોટી ભૂલ' ગણાવી છે.

મંત્રાલયે કહ્યું છે કે અમેરિકાનો ધમકાવનારો વ્યવહાર ચીન નહીં સાંખી લે. તેઓ છેલ્લે સુધી ટેરિફ મામલે લડી લેશે.

ચીની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીએ પણ આ મામલે પોતાના અખબાર પીપલ્સ ડેઇલીમાં એક લેખ છાપ્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ચીનની પ્રતિક્રિયા યોગ્ય, કાયદાકીય, મજબૂત અને સંયમિત છે. જ્યારે અમેરિકાનું વલણ એવું છે કે તે દુનિયામાં પોતાની તાકત દેખાડવા માગે છે.

આ લેખનું શીર્ષક છે: 'દબાણ અને ધમકીથી ચીન સાથેનો વ્યવહાર યોગ્ય નથી'

કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન : રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યાં

કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન : રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યાં - ન્યૂઝ અપડેટ

આજથી કૉંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના શાહીબાગસ્થિત સરદાર પટેલ મૅમોરિયલ ખાતે મળી રહ્યું છે. જેમાં આજે કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે અને બીજા દિવસે એઆઈસીસીનું સત્ર મળશે.

આ અધિવેશનમાં ભાગ લેવા માટે લોકસભામાં વિપક્ષ નેતા અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અમદાવાદ પહોંચી ગયાં છે.

જોઈએ આ અધિવેશન માટે કેવી તૈયારીઓ થઈ રહી છે?

કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન : રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યાં – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, મોટા-મોટા નેતાઓ આવવાના હોવાથી અહીં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન : રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યાં – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, અમદાવાદના શાહીબાગસ્થિત સરદાર પટેલ મૅમોરિયલ ખાતે કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ વચ્ચે શી વાતચીત થઈ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ વચ્ચે શી વાતચીત થઈ? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે વાતચીત થઈ હતી.

બંને નેતોએ ઈરાન, ટેરિફ અને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત કરી.

આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ટેરિફ લગાવવા પર કોઈ રોક લગાવાશે?

તેમણે કહ્યું, "અમે આમ નથી વિચારી રહ્યાં, ઘણા દેશ અમારી સાથે વ્યાપાર સમજૂતિ કરવા આવી રહ્યા છે, પરંતુ આ સોદા નિષ્પક્ષ હશે."

આ મામલે વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું, "અમે અમેરિકા સાથેના વ્યાપાર ખાદ્યને સમાપ્ત કરી દઈશું. અમારો વિચાર છે કે તેને જલ્દી અમલમાં લાવવામાં આવશે. અમને લાગે છે કે આ યોગ્ય પગલું છે અને અમે વ્યાપારમાં આવનાર તમામ અવરોધોને દૂર કરીશું."

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ પહેલા આંતરરાષ્ટ્રિય નેતા છે જેમણે ટ્રમ્પ દ્વારા ટેરિફની ઘોષણા કર્યા બાદ તેમની સામે મુલાકાત કરી હોય.

અમેરિકાની સુપ્રીમ કોર્ટે 26/11 મુંબઈના હુમલાના આરોપી તહવ્વુર રાણાની ભારત ન મોકલવાની અરજી ફગાવી

અમેરિકાની સુપ્રીમ કોર્ટે 26/11 મુંબઈના હુમલાના આરોપી તહવ્વુર રાણાની ભારત ન મોકલવાની અરજી ફગાવી- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, તહવ્વુર રાણાની ફાઇલ તસવીર

અમેરિકાની સુપ્રીમ કોર્ટે 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાની એ અપીલને ફગાવી છે જેમાં તેણે ભારત મોકલવા પર રોક લગાવવાની માગ કરી હતી.

આ સાથે હવે તહવ્વુર રાણાને ભારતીય અધિકારીઓને સોંપવામાં આવનારી પ્રક્રિયા એક ડગલું આગળ વધી છે જેથી તહવ્વુર રાણાને ભારત લઈ આવી શકાય.

પાકિસ્તાની મૂળના કૅનેડાઈ નાગરિક 64 વર્ષીય તહવ્વુર રાણા આ સમયે અમેરિકાના લૉસ એન્જલિસના મેટ્રોપૉલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે.

અમેરિકામાં તહવ્વુર રાણાને વર્ષ 2013માં પોતાના દોસ્ત ડૅવિડ કોલમૅન હેડલી સાથે મુંબઈના હુમલાને અંજામ આપવા અને ડેનમાર્કમાં હુમલાની યોજના બનાવવાના આરોપમાં દોષિત ગણાવાયો હતો.

આ મામલે તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાની કોર્ટે 14 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો અને ત્યાં જ તે ઉછર્યો. મેડિકલ ડિગ્રી હાંસલ કર્યા બાદ તે પાકિસ્તાની સેનાના મેડિકલ વિભાગમાં સામેલ થયો હતો.

ટ્રમ્પે ચીનને આપેલી ધમકી છતાં એશિયાનાં શૅરબજારો ઉપર ખૂલ્યાં

શૅરબજાર, ટ્રમ્પ, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધુ ટેરિફ લગાવવાની ચેતવણી ઉચ્ચારી હતી છતાં સવારે જાપાન અને દક્ષિણ કોરિયાનાં શૅરબજારોમાં થોડી રાહત જોવા મળી.

સોમવારે આ બંને દેશોનાં શૅરબજારો ભારી ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં.

ટ્રમ્પે કહ્યું હતું કે ચીને અમેરિકા પર લગાવેલા 34 ટકાના જવાબી ટેરિફ પરત નહીં લીધાં તો તેઓ મંગળવારે ચીન પર વધુ ટેરિફની ઘોષણા કરશે.

મંગળવારે જાપાનના નિક્કેઈ 225 સૂચકાંક અને દક્ષિણ કોરિયાના સૂચકાંક કોસ્પીએ સોમવારની સરખામણીએ લગભગ 2 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ સાથે ઑસ્ટ્રેલિયાનું બજાર પણ સાધારણ વધારા સાથે ખુલ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.