You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...
મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.
અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
ગુજરાતમાં હાલ ઉનાળા જેવી ગરમી પડી રહી છે. ફેબ્રુઆરીના મધ્યગાળામાં જ આપણે ત્યાં તાપમાન મોટા ભાગના વિસ્તારોમાં 35 ડિગ્રી સેલ્સિયસની ઉપર જતું રહ્યું છે.
ગરમી એ હદે વધી ગઈ કે ભારતના હવામાન વિભાગે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં જ કચ્છ, મહારાષ્ટ્ર અને કોકણના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ એટલે કે લૂની ઍલર્ટ જારી કરવી પડી. આ ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારો માટે અસમાન્ય હતું.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે માર્ચના શરૂઆતી દિવસોમાં પણ દેશના ઘણા વિસ્તારોમાં હીટ વેવ જોવા મળે તેવી શક્યતા છે.
પરંતુ ગુજરાતમાં આટલી વહેલી ગરમી જોવા કેમ મળી, એવાં શું કારણો છે કે ફેબ્રુઆરીમાં જ હીટ વેવ જોવા મળ્યા અને આવનારા દિવસોમાં તેની શું અસર જોવા મળશે.
આ બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
તાજતેરમાં ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા સહિતના સાહિત્યકારોએ સરકારમાં રજૂઆત કરી હતી.
તેમનું કહેવું હતું કે આ અંગે પરિપત્ર તો બન્યો છે, પણ કાયદો નથી બન્યો માટે કાયદો જો બનાવવામાં આવે તો ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવી પડે. અને એ રીતે પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણાવવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પણ જ્યારે દેશ આઝાદ નહોતો થયો અને ગુજરાતમાં અંગ્રેજોનું શાસન હતું એ સમયે દલપતરામે પણ આ ચિંતા વ્યક્ત કરી હતી અને વડોદરાના મહારાજા સામે ગુજરાતી ભાષાનું મહિમાગાન કર્યું હતું.
ખંડેરાવના દરબારમાં દલપતરામ ગયા ત્યારે તેમણે શી રજૂઆત કરી હતી એ તેમની કવિતામાં પણ ઝીલાઈ છે. એ પ્રસંગને તેમણે કવિતાના માધ્યમથી મહારાજા સમક્ષ મૂક્યો હતો.
એ પ્રસંગે શું થયું હતું એની વિગતે ચર્ચા અને દલપતરામ અંગે જાણવા માટે અહીં ક્લિક કરો.
પરદેશમાં સ્થાયી થવા ઇચ્છતા લોકોને વિશ્વના સૌથી વધુ રહેવા યોગ્ય દેશોનું રેન્કિંગ મદદરૂપ થઈ શકે, પરંતુ સંતાનો સાથે હોય ત્યારે સરેરાશ આવક અથવા આર્થિક સ્થિરતા જેવાં પરિબળોને ધ્યાનમાં લેવાં પડે છે.
બાળકોના સ્વાસ્થ્ય, સુખાકારી, શિક્ષણની ગુણવત્તા, પારિવારિક વેકેશનની નીતિઓ ઉપરાંત ક્યા દેશોમાં સૌથી વધુ હરિયાળી જગ્યાઓ અથવા રમતનાં મેદાન છે તે પણ જાણવાની તમને ઇચ્છા હોય તે સ્વાભાવિક છે.
બાળકની સુખાકારી વિશેના યુનિસેફના રિપોર્ટ કાર્ડમાં આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમના રેન્કિંગમાં માત્ર વિશ્વના ધનાઢ્ય દેશોને જ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
સ્થળાંતર કરવા ઇચ્છતા પરિવારોને તમામ ડેટામાં એકસમાન રસ ન હોય તે શક્ય છે, પરંતુ વિશ્વભરના દેશોમાં બાળકોના સારી રીતે ઉછેર સંબંધે, આ રિપોર્ટના તારણ સારી સમજણ કેળવવામાં મદદરૂપ થાય છે.
સ્થળાંતર કરવા ઇચ્છતા દરેક પરિવારનો મુખ્ય સવાલ એ હોય છે કે બાળકોને ઉછેરવા માટે અથવા બાળક બનીને રહેવા માટે વિશ્વમાં શ્રેષ્ઠ દેશ કયો છે? અમે આ સવાલનો જવાબ મેળવવા થોડા સંશોધનનો પ્રયાસ કર્યો છે જે વાંચવા માટે અહીં ક્લિક કરો.
દિલ્હી ટેસ્ટ મૅચના પ્રાઇઝ પ્રેઝન્ટેશન સમારોહમાં જ્યારે રવીન્દ્ર જાડેજા 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ લેવા પહોંચ્યા તો અનુભવી કૉમેન્ટેટર સંજય માંજરેકર પણ મૂંઝવણમાં જોવા મળ્યા.
તેમણે જાડેજાને કહ્યું, "મને સૌથી મોટી મૂંઝવણ એ થઈ રહી છે કે હવે તમને નવું શું પૂછું? કારણ કે આ પહેલાંની મૅચમાં પણ તમને આ ઍવોર્ડ મળ્યો હતો અને આપણે લાંબી વાતચીત કરી હતી."
બાદમાં માંજરેકરે કેટલાક પ્રશ્નોનું પુનરાવર્તન કર્યું અને જાડેજાએ તેનો એટલો જ ટૂંકો જવાબ આપ્યો, જેટલુ અંતર તેમના બે બૉલ વચ્ચે હોય છે.
કહેવાય છે કે જીત એક આદત હોય છે અને જીતનો સ્વાદ રવીન્દ્ર જાડેજાએ ચાખી લીધો છે. ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ બંને મૅચોમાં તેમણે બૅટ અને બૉલથી શાનદાર ઑલરાઉન્ડર તરીકે પ્રદર્શન આપીને 'પ્લેયર ઑફ ધ મૅચ'ના ખિતાબ જીત્યા છે.
ભારતીય ક્રિકેટમાં અવારનવાર રોહિત શર્મા, વિરાટ કોહલી કે પછી આર. અશ્વિન જેવા ખેલાડીઓની ગણતરી મહાન ક્રિકેટરોમાં થાય છે. પણ એ લિસ્ટમાં રવીન્દ્ર જાડેજાને પણ સામેલ કરી લેવા જોઈએ કારણ કે તેઓ જે ફૉર્મમાં બૅટિંગ અને બૉલિંગ કરે છે, કદાચ રિટાયર થતા સુધી તેમનું ઍવરેજ તેમને વિશ્વના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર બનાવી દે.
રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટના મહાન ઑલરાઉન્ડર બનવા તરફ જઈ રહ્યા છે? આ પ્રશ્નની વિગતે ચર્ચા વાંચવા માટે અહીં ક્લિક કરો.
ઑસ્ટ્રેલિયામાં રહેતાં કાદંબરી તેમના બીજા સંતાનને ઑસ્ટ્રેલિયામાં જન્મ આપવાનાં હતાં. તેમના પહેલા સંતાન-દીકરીનો જન્મ ભારતમાં થયો હતો.
કાદંબરી ઑસ્ટ્રેલિયામાં ડૉક્ટરને મળવા ગયાં ત્યારે ડૉક્ટરે તેમને પૂછ્યું હતું કે "તમે દુઃખી રહો છો? કારણ વિના રડવાની ઈચ્છા થાય છે? જાતને નુકસાન કરવાના વિચાર આવે છે?"
આ સાંભળીને કાંદબરીને સમજાયું ન હતું કે તેમને જે સવાલ પૂછવામાં આવ્યા છે તેનો સંબંધ કઈ બીમારી સાથે છે. પહેલીવાર તો તેમણે કશું જાણ્યા વિના તમામ સવાલના જવાબ આપ્યા હતા.
બીજી વખત આવા સવાલ પૂછવામાં આવ્યા ત્યારે કાદંબરી ખુદને રોકી શક્યાં ન હતાં. તેમણે વળતો સવાલ કર્યો હતો કે "આ સવાલને મારી પ્રેગ્નન્સી સાથે શો સંબંધ છે?"
કાદંબરીનો આ સવાલ થોડા અંશે યોગ્ય પણ હતો. તેમની પહેલી પ્રસૂતિ થઈ ત્યારે તેઓ ભારતમાં હતાં. એ વખતે ડૉક્ટરે તેમને આવો કોઈ સવાલ કર્યો ન હતો.
ઑસ્ટ્રેલિયાના ડૉક્ટરે કાદંબરીને જવાબ આપ્યો હતો કે "તમે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો સામનો કરી રહ્યાં છો કે નહીં એ જાણવા માટે આ સવાલ પૂછવામાં આવે છે."
કાદંબરીને એ વખતે પહેલીવાર પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વિશે જાણવા મળ્યું હતું. ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે પ્રસૂતિ પછી મહિલાઓની સ્વભાવમાં ઉદાસી, તણાવ, ચીડિયાપણું અને ક્રોધ જેવું પરિવર્તન આવે છે. એ પરિસ્થિતિમાં પારિવારિક સહયોગ અને ઈલાજ જરૂરી હોય છે.
પ્રસૂતિ દરમિયાન મહિલાના સ્વભાવમાં પરિવર્તન કેમ આવતું હોય છે? તે અંગે જાણવા માટે અહીં ક્લિક કરો.