You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં SIR : ડ્રાફ્ટ મતદારયાદી જાહેર થઈ, 73.73 લાખ મતદારોનાં નામ કમી - ન્યૂઝ અપડેટ
ગુજરાતમાં દોઢ મહિના સુધી એસઆઇઆરની કાર્યવાહી ચાલ્યા પછી ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. તેમાં કુલ 4.34 કરોડ મતદારો નોંધાયા છે જ્યારે 73.73 લાખ મતદારોનાં નામ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યાં છે.
ચૂંટણપંચના જણાવ્યા પ્રમાણે કુલ 5.08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ફૉર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. લગભગ 51 હજાર બીએલઓએ રાજ્યમાં ઘરે ઘરે જઈને ફૉર્મ આપીને મતદારોના મેપિંગની કામગીરી કરી છે.
હવે 18 જાન્યુઆરી, 2026 સુધી મતદારો પોતાના વાંધા અને દાવા રજૂ કરી શકશે. 10મી ફેબ્રુઆરી 2026 સુધી ચૂંટણી અધિકારીઓ વાંધા-દાવાઓનો નિકાલ કરશે.
ગુજરાતમાં 27 ઑક્ટોબર 2025થી રાજ્યભરમાં એસઆઇઆરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાર પછી હવે ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે બીએલઓ દ્વારા ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા અને એકસાથે બે જગ્યાએ નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યા હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રકાશિત થઈ તે અગાઉ રાજ્યમાં 5,08,43,436 મતદારો રજિસ્ટર્ડ હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રમાણે રાજ્યમાં હવે 4,34,70,109 મતદારો છે.
ચૂંટણીપંચે આપેલા ડેટા પ્રમાણે 18 લાખથી વધારે મતદારો અવસાન પામ્યા છે, 9.69 લાખ મતદારો ગેરહાજર હતા, 40.25 લાખ મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું છે, 3.81 લાખ મતદારો બે જગ્યાએ નોંધાયેલા હતા અને અન્ય મતદારોની સંખ્યા 1.89 લાખ હતી.
બીએલઓને આ મતદારો મળ્યા નથી કે તેમના ગણતરી ફૉર્મ પરત આવ્યા નથી. તેથી એવું માનવામાં આવે છે કે તેઓ અન્ય જગ્યાએ સ્થાયી થઈને મતદાર બન્યા હશે અથવા હયાત નહીં હોય.
હવે તમારું નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નીચેના માધ્યમથી ચકાસી શકો છોઃ
- વેબસાઇટ http://ceo.gujarat.gov.in
- વોટર પોર્ટલ : voters.eci.gov.in
- ECINET App
- BLO પાસેથી
- જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી
- તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફૉર્મ નં. 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઑનલાઇન/ઑફલાઇન અરજી કરી શકો છો.
- ડ્રાફ્ટ મતદારયાદીમાં દર્શાવેલી વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં. 8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઑનલાઇન/ઑફલાઇન અરજી કરી શકાય છે.
- ડ્રાફ્ટ મતદારયાદીમાં કોઈ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં. 7 ભરીને અરજી કરી શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સેવન સિસ્ટર્સ'ને અલગ કરવાની ધમકી સામે ત્રિપુરામાં પ્રદર્શન
ત્રિપુરામાં ઇન્ડિજિનસ પ્રોગ્રેસિવ રિજનલ ઍલાયન્સ એટલે કે ટિપરા મોથાની યુવા શાખા યૂથ ટિપરા ફેડરેશને ભારતના 'સેવન સિસ્ટર્સ' (ઇશાન ભારતનાં રાજ્યો)ને ભારતથી અલગ કરવાની ધમકી સામે વિરોધપ્રદર્શન કર્યાં છે.
શુક્રવારે અગરતલામાં બાંગ્લાદેશના સહાયક ઉચ્ચાયુક્ત કાર્યાલય સામે પ્રદર્શન દરમિયાન સંગઠનના નેતાઓએ કહ્યું કે "બાંગ્લાદેશની નૅશનલ સિટીઝન્સ પાર્ટી (એનસીપી)ના નેતા હસનત અબ્દુલ્લા અને તથા અન્ય કેટલાક નેતાઓ તરફથી પૂર્વોત્તર ભારતને ભારતથી અલગ કરવાની હાલની ધમકીઓ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને ઉશ્કેરણીજનક છે."
સંગઠનના નેતાઓએ કહ્યું કે "આ પ્રકારનાં નિવેદનો ભારત-બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધો માટે નુકસાનકારક છે, એટલું જ નહીં સમગ્ર ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે પણ ખતરો પેદા કરે છે."
વિરોધ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અગરતલામાં બાંગ્લાદેશના સહાયક ઉચ્ચાયુક્ત કાર્યાલયમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ અધીક્ષક નમિત પાઠક પણ ત્યાં હાજર હતા. ગયા વર્ષે કેટલાંક સંગઠનોએ આ જ સહાયક ઉચ્ચાયુક્ત કાર્યાલય પર હુમલો કર્યો હતો.
ઉત્તરાખંડના રાજ્યપાલે યુસીસી તથા ધર્માંતરણ સંશોધન બિલ પરત કર્યાં, સીએમ ધામીએ શું કહ્યું?
ઉત્તરાખંડના રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલાં બે મહત્ત્વપૂર્ણ બિલ પરત કરી દીધાં છે.
ઉત્તરાખંડથી બીબીસી હિંદીના પ્રતિનિધિ આસિફ અલી જણાવે છે કે રાજ્યપાલ લેફટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) ગુરમિતસિંહે સમાન નાગરિક સંહિતા (યુસીસી) અને ગેરકાયદેસર ધર્માંતરણ અટકાવતા કાયદામાં સુધાર રજૂ કરતાં બિલને ટેક્નિકલ ખામીઓ આગળ કરીને પરત કર્યાં છે.
આ બંને મુસદ્દામાં સુધાર બાદ તેમને મંજૂરી માટે ફરીથી મોકલવામાં આવશે. રાજ્ય સરકારનું કહેવું છે કે બંને બિલમાં સામાન્ય ખામીઓ હોવાના કારણે રાજ્યપાલના કાર્યાલયે તેમને પરત કર્યા છે.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ કહ્યું, "રાજ્ય સરકાર દ્વારા જે બિલ મોકલવામાં આવે છે, તેને રાજ ભવન દ્વારા ચકાસવામાં આવે છે. એ પછી જો તેમાં કોઈ સુધારની જરૂર હોય, તો તેને પરત કરવામાં આવે છે."
"સુધાર બાદ બિલને ફરીથી રાજભવન મોકલવામાં આવે છે. આ બિલમાં પણ સુધાર કરીને તેમને ફરી મોકલવામાં આવશે."
ધર્માંતરણ તથા યુસીસી એમ બંને બિલને ભાજપ સરકારના મહત્ત્વકાંક્ષી બિલ માનવામાં આવે છે.
જાન્યુઆરી-2024 યુસીસી બિલને પસાર કરવામાં આવ્યું હતું. ઑગસ્ટ-2024માં ચોમાસું સત્ર દરમિયાન રાજ્ય સરકારે આ બિલમાં સુધાર કર્યા હતા.
રાજ્યમાં વર્ષ 2018થી ધર્માંતરણ વિરોધી કાયદો લાગુ છે. જેમાં વર્ષ 2022 અને પછી વર્ષ 2025માં સુધાર કરવામાં આવ્યા છે.
ભારત-ઓમાન વચ્ચે મહત્ત્વપૂર્ણ કરાર, પીએમ મોદીને મળ્યું આ સન્માન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓમાનની મુલાકાતે છે. પીએમ મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ સઇદની હાજરીમાં ભારત અને ઓમાનની વચ્ચે કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ ઍગ્રિમેન્ટ (સીઇપીએ) થયા હતા.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી. તેમણે આ કરારને ભારત અને ઓમાનની વચ્ચે નવી વ્યૂહાત્મક ભાગીદારીનો નવો અધ્યાય ગણાવ્યો હતો.
રણધીર જયસ્વાલે કહ્યું, "ભારત તથા ઓમાને આજે સીઇપીએ પર હસ્તાક્ષર કર્યા. તેને બંને દેશો વચ્ચે આર્થિક સંબંધની બાબતમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે."
જયસ્વાલે કહ્યું કે આ કરારને કારણે ભારત અને ઓમાનની વચ્ચે વેપાર વધશે તથા તેના કારણે રોકાણને પણ પ્રોત્સાહન મળશે.
આ સાથે જ અર્થતંત્રનાં મુખ્ય ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે, રોજગારની તકો ઊભી થશે અને આર્થિક વિકાસ સુદૃઢ બનશે.
ઓમાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'ઑર્ડર ઑફ ઓમાન'થી સન્માનિત કર્યા છે. ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અલ સઇદે આ સન્માન આપ્યું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા પ્રમાણે, તે ઓમાનનું સર્વોચ્ચ સન્માન છે.
અમેરિકાએ તાઇવાનને 11 અબજ ડૉલરનાં હથિયાર વેચવાની જાહેરાત કરી
અમેરિકાની ટ્રમ્પ સરકારે તાઇવાન સાથે લગભગ 11 અબજ ડૉલરના હથિયાર સોદાની જાહેરાત કરી છે. જેમાં ઍડ્વાન્સ્ડ રૉકેટ લૉન્ચર, સેલ્ફ પ્રોપેલ્ડ હૉવિત્ઝર તથા અલગ-અલગ પ્રકારની મિસાઇલોનો સમાવેશ થાય છે.
આ કરારને હજુ સુધી અમેરિકન કૉંગ્રેસની (સંસદ) બહાલી નથી મળી. ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ તાઇવાન સાથે વધુ એક હથિયાર સોદો કરશે.
ચીન દ્વારા અવારનવાર તાઇવાનની દરિયાઈ તથા હવાઈ સીમાનો ભંગ કરવામાં આવે છે, જેથી કરીને આ સોદો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચીનનું કહેવું છે કે તાઇવાન તેનો બળવાખોર પ્રાંત છે અને એક દિવસ તેને પોતાની સાથે ભેળવીને રહેશે.
બીજી બાજુ, તાઇવાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ સોદાને કારણે તાઇવાનને 'ઝડપભેર પ્રતિરોધક ક્ષમતા હાંસલ કરવામાં' મદદ મળશે.
ચીને આ જાહેરાત અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. જોકે, આ પહેલાં આવો જ એક સોદો થયો હતો, ત્યારે ચીને તેને 'સંપ્રભુતા તથા સુરક્ષાના ગંભીર ભંગ' સમાન ગણાવ્યો હતો.
મનરેગાનું નામ બદલવા મામલે વિપક્ષોનું વિરોધપ્રદર્શન, તેમણે શું કહ્યું?
વિપક્ષી સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં મનરેગાનું નામ બદલવા મામલે વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઘણા મોટા નેતાઓ પણ ઉપસ્થિત હતા.
કેન્દ્ર સરકારના નવા અધિનિયમ ને 'વિકસિત ભારત ગૅરંટી ફૉર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) એટલે કે વીબી-જી રામ જી' નામ આપવામાં આવ્યું છે.
મનરેગા અને કેન્દ્ર સરકારના નવા અધિનિયમમાં નામ ઉપરાંત પણ ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. વિપક્ષો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
પ્રદર્શન દરમિયાન કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ વિષય મનરેગામાં બદલાવ કરવાનો કે તેના નામ બદલવાનો નથી.
તેમનું કહેવું હતું કે અમારા દ્વારા જે કામ કરવાના અધિકારને આપવામાં આવ્યો હતો તેને છીનવી લેવામાં આવી રહ્યો છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "આ મોટો મુદ્દો છે અને ગરીબ લોકો માટે, ખાસ કરીને પછાત, દલિત વર્ગના લોકો કામ કરતા હતા, તેમને માટે મોટી મુશ્કેલી છે."
તેમણે કહ્યું, "તેમની સામે અમે લડીશું. રસ્તા પર ઉતરીશું. તમામ જિલ્લાઓમાં તથા રાજ્યોમાં આંદોલન થશે. આ નામનો સવાલ નથી, પરંતુ આ અધિકાર મામલે છે."
સંસદમાં 'સબ કા વીમા, સબ કી રક્ષા' વિધેયક પાસ
સંસદે 'સબ કા વીમા, સબ કી રક્ષા' (વીમા કાયદા સંશોધક) બિલ 2025ને પાસ કર્યું છે. રાજ્યસભાએ બુધવારે આ બિલને મંજૂરી આપી. લોકસભામાં તેને એક દિવસ પહેલાં જ પારિત કરી દેવામાં આવ્યું હતું.
વિધેયકમાં ભારતીય વીમા કંપનીઓમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ની સીમાને 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સરકારનું કહેવું છે કે આને કારણે વીમા કવરેજ વધશે, પ્રીમિયમ ઓછું થશે અને રોજગારની તકો ઊભી થશે.
ગૃહમાં આ વિધેયક પર વિપક્ષ તરફથી લાવવામાં આવેલાં અનેક સંશોધનોને પણ ફગાવી દેવાયાં.
જેમાં વિધેયકને વધુ તપાસ માટે સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ પણ સામેલ હતો.
'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' બનાવનારા શિલ્પકાર રામ સુતારનું વૃદ્ધાવસ્થાને કારણે નિધન
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિલ્પકાર રામ સુતારનું વૃદ્ધાવસ્થાને કારણે નિધન થયું છે. તેમણે 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.
તેમની ઘણી કલાકૃતિઓની ભારત અને દુનિયામાં પ્રશંસા થઈ છે.
દિલ્હીના સંસદ ભવનમાં રહેલાં ઘણાં શિલ્પો તેમના દ્વારા બનાવવામાં આવ્યાં હતાં.
તેમને હાલમાં જ મહારાષ્ટ્ર ભૂષણ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રામ સુતારને 'પદ્મશ્રી' ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "વરિષ્ઠ શિલ્પકાર મહારાષ્ટ્ર ભૂષણ, ડૉ રામ સુતારના નિધનના સમાચાર દુ:ખદ છે. મેં તેમના પુત્ર અનિલ સુતારને ફોન કરીને શોક વ્યક્ત કર્યો અને તેમને સાંત્વના આપી."
SIR : ગુજરાતમાં 44 લાખથી વધુ મતદાતાઓનું મેપિંગ નહીં
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, "સરકારી સૂત્રોએ કહ્યું છે કે ગુજરાતમાં 44 લાખથી વધુ મતદાતાઓ સાથે સંપર્ક થઈ શક્યો નથી કે પછી તેમને લોકેટ કરી શકાયા નથી."
ગુજરાતમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝનની પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત બીએલઓ એટલે કે બૂથ લેવલ ઑફિસરો આખા ગુજરાતમાં ઘરેઘરે જઈને એસઆઈઆરના ઇન્યુમરેશન ફૉર્મ સોંપી રહ્યા છે.
પીટીઆઈએ સરકારી સૂત્રોના માધ્યમથી જણાવ્યું છે કે આ પૈકી 74 લાખ ઇન્યુમરેશન ફૉર્મ વિવિધ મતદાતાઓએ સુપ્રત કર્યા નથી.
આ ફૉર્મ સોંપવાની અને સુપ્રત કરવાની પ્રક્રિયા 14 ડિસેમ્બરે સમાપ્ત કરી દેવામાં આવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં કુલ 5.08 કરોડ મતદાતાઓને આ ફૉર્મ સોંપવામાં આવ્યાં હતાં. પરંતુ તે પૈકી માત્ર 4.34 કરોડ ફૉર્મ જ પરત કરવામાં આવ્યાં છે. લગભગ 74 લાખ મતદાતાઓએ આ ફૉર્મ સુપ્રત કર્યા નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનો અર્થ એ થયો કે જે મતદાતાઓએ તેમનાં ફૉર્મ સુપ્રત કર્યા નથી તેમના નામ 'કદાચ વર્ષ 2002ની મતદારયાદીમાં નહીં હોય'.
અમદાવાદના ઍડિશનલ સીઈઓ અશોક પટેલે પીટીઆઈને જણાવ્યું, "હવે આ મામલે આ મતદાતાને અમે નોટિસ આપીશું અને તેમની પાસે યોગ્ય પુરાવા માગીશું."
ઇન્યુમરેશન ફૉર્મની પહેલા તબક્કાની પ્રક્રિયા બાદ લાગે છે કે 18.07 મતદાતાઓ કે જે હવે મૃત્યુ પામ્યાં છે તેમનાં નામો પણ હાલની મતદારયાદીમાં છે. 9.69 લાખ મતદાતા તેમનાં સરનામે મળ્યા નહોતા અને 40.26 લાખ મતદાતાઓ કાયમ માટે તેમનું સરનામું છોડીને અન્યત્રે સ્થળાંતર કરી ગયા હતા. 3.81 લાખ મતદાતાનાં નામો રિપીટ થતાં હતાં કે પછી બે જગ્યા પર યાદીમાં હતાં.
ડ્રાફ્ટ જાહેર કર્યા બાદ વાંધાઓ અને દાવાઓ પર કાર્યવાહી કરવામાં આવશે જે પ્રક્રિયા 18મી જાન્યુઆરી સુધી ચાલશે. જે નાગરિકો તેમનાં નામો મતદાર યાદીમાં ન હોય અને નોંધાવા માગતા હોય તેઓ ફૉર્મ 6 ભરીને યોગ્ય પુરાવા આપીને બીએલઓને સુપ્રત કરી શકે છે.
દિલ્હીનું પ્રદૂષણ હવે લખનઉ સુધી, ક્રિકેટ મૅચ રદ થવાથી અખિલેશની ટિપ્પણી
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું કહેવું છે કે "દિલ્હીનું પ્રદૂષણ હવે લખનઉ સુધી પહોંચી ગયું છે."
તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગાઢ ધુમ્મસના કારણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી20 ક્રિકેટ મૅચ રદ કરવી પડી હતી.
બુધવારે અમ્પાયરોએ ઘણી વખત મેદાનનું નિરીક્ષણ કર્યું, પરંતુ દર વખતે ટૉસનો સમય આગળ ધપાવવો પડ્યો. અંતે મૅચ રદ કરવી પડી.
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દિલ્હીનું પ્રદૂષણ હવે લખનઉ સુધી પહોંચી ગયું છે. તેથી લખનઉમાં આયોજિત થનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ રમી શકાતી નથી."
તેમનું કહેવું છે કે આનું કારણ ધુમ્મસ કે ફૉગ નથી, પરંતુ 'સ્મૉગ' છે.
સમાજવાદી પાર્ટીના નેતાએ લખ્યું કે "અમે લખનઉની હવા શુદ્ધ કરવા માટે જે પાર્ક બનાવ્યા હતા તેને ભાજપ સરકાર ઇવેન્ટબાજી કરીને બરબાદ કરવા માગે છે. ભાજપના લોકો નથી માનવીનાં સગાં કે નથી પર્યાવરણનાં."
દિલ્હીમાં BS-IVથી નીચેનાં વાહનો બંધ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં બીએસ-IVથી નીચેના 10 વર્ષ જૂનાં ડીઝલ અને 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહનો સામે કાર્યવાહી કરવા મંજૂરી આપી છે.
લીગલ બાબતોનું રિપોર્ટિંગ કરતી વેબસાઇટ લાઇવ લૉ મુજબ સુપ્રીમ કોર્ટે 12 ઑગસ્ટના આદેશમાં સુધારા કર્યા છે, જેમાં નૅશનલ કૅપિટલ રિજયનમાં 10 વર્ષ જૂનાં ડીઝલ અને 15 વર્ષ જૂનાં પેટ્રોલ વાહનો પર જબ્બરજસ્તીથી કાર્યવાહી કરવા સામે રોક લગાવાઈ હતી.
સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું કે બીએસ-4થી નીચેના ઉત્સર્જન માપદંડ ધરાવતાં વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે દિલ્હી સરકારના અનુરોધ પર આ આદેશ આપ્યો હતો.
દિલ્હી સરકારે દેશની રાજધાનીમાં ઍર ક્વૉલિટીના સંકટને ધ્યાનમાં રાખીને જૂનાં વાહનો સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
પાકિસ્તાને ભારતને જે હાર આપી તેને તે નહીં ભૂલે- શહબાઝ શરીફ
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાનની સેનાએ "સત્યની લડાઈ"માં જીત મેળવી છે.
બીબીસી ઉર્દૂ મુજબ તેમણે કહ્યું, "ભારતને દિલ્હીથી મુંબઈ સુધી એવી હાર મળી જેને તે કદી નહીં ભૂલે."
હરિપુરમાં એક સમારોહને સંબોધતા વડા પ્રધાને ખૈબર પખ્તૂનખ્વાહના લોકોને "સાહસિક અને બહાદુર" ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પ્રાંતના લોકો દાયકાઓથી "આતંકવાદીઓ" સામે લડી રહ્યા છે અને તેમનાં "બલિદાનો"ના કારણે જ દેશમાં શાંતિ સ્થાપિત થઈ છે.
પોતાના ભાષણમાં શહબાઝ શરીફે દાવો કર્યો કે પાકિસ્તાન "દેવાળિયું" થતાં બચી ગયું છે અને મંદીમાંથી બહાર આવ્યા પછી અર્થતંત્ર સ્થિર થયું છે.
આ વર્ષે છ અને સાત મે દરમિયાન ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના કાશ્મીરમાં "ઑપરેશન સિંદૂર" ચલાવ્યું હતું.
ભારતીય સેનાનું કહેવું હતું કે આ દરમિયાન તેમણે અનેક "આતંકવાદી કેમ્પો" પર હુમલા કરીને તેમને નષ્ટ કરી નાખ્યાં હતાં.
આ સંઘર્ષ પછી ભારત અને પાકિસ્તાન બંનેએ એકબીજાનાં લડાકુ વિમાનો તોડી પાડવાના દાવા કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન