અરુણાચલ મુદ્દે પાકિસ્તાને ચીનનું સમર્થન આપતાં શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

પાકિસ્તાને કહ્યું છે કે એ અરુણાચલ પ્રદેશ મુદ્દે ચીનના વલણનું સમર્થન કરે છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવાયું છે કે, "અમે ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનની નોંધ લીધી છે. પાકિસ્તાન ચીનના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતા મામલે હંમેશાંથી જ સમર્થન કરતું રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે."

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર હુસૈન અંદ્રાબીએ શુક્રવારે એક પત્રકારપરિષદમાં અરુણાચલ પ્રદેશ અંગે આ નિવેદન આપ્યું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાના નિવેદનમાં કહેવાયું છે કે, "ચીનના વિદેશ મંત્રાલય તરફથી અરુણાચલ પ્રદેશ પર અપાયેલા નિવેદનથી સંકળાયેલા મીડિયાના સવાલ અંગે અમારું એ જ કહેવું છે કે પાકિસ્તાન ચીનનાં સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતા મામલે ચીનનું સમર્થન કરે છે."

ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરતું આવ્યું છે. પરંતુ ભારત આ દાવાને ફગાવતું રહ્યું છે. ભારત અરુણાચલ પ્રદેશને તેનો અભિન્ન ભાગ ગણાવે છે.

પુતિન-મોદી મુલાકાત : કયા કરારો પર સંમતિ સધાઈ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું.

અહીં ભારત અને રશિયા વચ્ચે 23મી વાર્ષિક બેઠક થઈ. આ મુલાકાતનો હેતુ સંરક્ષણ, વેપાર, ઊર્જા અને આર્થિક સહયોગ જેવાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવાનો હતો.

પુતિન ચાર વર્ષ બાદ ભારતમાં બે દિવસની રાજકીય યાત્રાએ આવ્યા છે. સવારે પુતિન રાજઘાટ ગયા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ફૂલોની માળા ચઢાવી અને વિઝિટર બુક પર સહી કરી.

ભારત અને રશિયા વચ્ચે કોઑપરેશન અને માઇગ્રેશન, હેલ્થકેર અને મેડિકલ ઍજ્યુકેશન, ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ, પોલર શિપ્સ અને મેરિટાઇમ કોઑપરેશન અને ફર્ટિલાઇઝર અંગે મહત્ત્વપૂર્ણ સમાધાન થયાં છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું, "આર્થિક સહયોગને નવી ઊંચાઈએ લઈ જવો એ અમારી પ્રાથમિકતા છે. તેને સાકાર કરવા માટે આજે અમારી વચ્ચે 2030 સુધી એક ઇકૉનૉમિક કોઑપરેશન પ્રોગ્રામ પર સંમતિ સધાઈ છે. તેનાથી અમારો વેપાર અને રોકાણ વૈવિધ્યપૂર્ણ, સંતુલિત અને ટકાઉ બનશે."

તેમણે કહ્યું, "આજે રાષ્ટ્રપતિ પુતિન અને મને ઇન્ડિયા-રશિયા બિઝનેસ ફોરમમાં સામેલ થવાની તક મળી. મને વિશ્વાસ છે કે આ મંચ અમારા બિઝનેસ સંબંધોને નવી તાકત દેશે. તેનાથી ઍક્સપૉર્ટ, કો-પ્રોડક્શન અને કો-ઇનોવેશનનાં નવાં દ્વાર પણ ખૂલશે."

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ કહ્યું કે તેમણે બંનેએ ઘણી વાર એકબીજા સાથે વાતચીત કરી.

તેમણે કહ્યું, "અમે લોકો ટેલિફોન પર ઘણા મહત્ત્વના મુદ્દા અંગે વાતચીત કરતા રહીએ છીએ. રશિયા અને ભારતના પરસ્પરના સંબંધો ઘણા મજબૂત છે. અમારા બંનેના સંબંધો અર્થતંત્રો સાથે સંબંધિત મુદ્દા સહિત ઘણી જગ્યાએ મજબૂત થઈ રહ્યા છે."

પુતિને કહ્યું, "અમારો વેપાર રુબલ અને રૂપિયામાં થઈ રહ્યો છે. અમે 'મેક ઇન ઇન્ડિયા'નો સહયોગ કરીશું. બંને દેશો લૉજિસ્ટિક રૂટ બનાવવાની વાત અંગે પણ ચર્ચા કરી રહ્યા છે. અમે હિંદ મહાસાગરના રૂટ પર પણ વાત કરી રહ્યા છીએ. અમે પીએમ મોદીના દિલની નિકટ રહેલા મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામમાં પણ સહાય કરવા તૈયાર છીએ."

હોમ લોન સસ્તી થવાની આશા, RBIએ રેપો રેટ 0.25 ટકા ઘટાડ્યો

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ આજે તેની નાણાકીય નીતિનો નિર્ણય જાહેર કર્યો હતો જેમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ ઘટાડા સાથે રેપો રેટ હવે ઘટીને 5.25 ટકા થઈ ગયો છે. આના કારણે હોમ અને ઑટો સહિતની લોનના દર પણ ઘટવાની આશા છે.

આ વર્ષમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આરબીઆઇએ કુલ ચાર મીટિંગમાં રેપો રેટમાં કુલ 1.25 ટકાનો ઘટાડો કર્યો છે.

ઑક્ટોબરમાં એમપીસીની મીટિંગ મળી ત્યારે રેપો રેટ 5.50 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો હતો. આરબીઆઇએ જીડીપીના વૃદ્ધિદરનો અંદાજ પણ અગાઉના 6.5 ટકાથી વધારીને 6.8 ટકા કર્યો છે. ફુગાવાનો અંદાજ 3.1 ટકાથી ઘટાડીને 2.6 ટકા રાખ્યો છે.

ડૉલરની સામે રૂપિયામાં ઘટાડાની ચિંતા છે ત્યારે આરબીઆઇએ આર્થિક વૃદ્ધિને વેગ આપવા વ્યાજદર ઘટાડ્યો હોવાનું માનવામાં આવે છે. ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિદર વધીને 8.2 ટકા થયો હતો.

ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ રદ, કામગીરી સામાન્ય થતા બે મહિનાથી વધુ સમય લાગશે

ઇન્ડિગો ઍરલાઇને ગુરુવારે ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર ડીજીસીએને જણાવ્યું કે તેની કામગીરી 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં સામાન્ય થાય તેવી શક્યતા છે.

ગુરુવારે દેશની સૌથી મોટી ઍરલાઇન ઇન્ડિગોએ 550થી વધુ ફ્લાઇટ કૅન્સલ કરી હતી. ઇન્ડિગોએ ફ્લાઇટ ડ્યૂટીના નિયમોમાં કામચલાઉ ધોરણે રાહત આપવા માગણી કરી છે. ફ્લાઇટ્સ રદ થવાના કારણે ગુરુવારે પણ હજારો પ્રવાસીઓ રખડી પડ્યા હતા.

ઇન્ડિગોએ કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ખોરવાઈ છે, કારણ કે ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (એફડીટીએલ)નાં ધોરણોનો બીજો તબક્કો લાગુ કરવામાં ગરબડ થઈ છે અને પ્લાનિંગમાં ખામીઓ રહી ગઈ છે.

ઇન્ડિગોએ ડીજીસીએને એમ પણ જણાવ્યું કે 8 ડિસેમ્બર સુધી વધુ ફ્લાઇટ્સ રદ થતી રહેશે અને તે દિવસે સર્વિસમાં ઘટાડો થશે.

નાગરિક ઉડ્ડયનમંત્રી રામમોહન નાયડુએ આ મામલે ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

લેબનોન પર ઇઝરાયલના ફરીથી હવાઈ હુમલા

ઇઝરાયલી સેનાએ સાઉથ લેબનોનમાં ફરી હવાઈ હુમલા કર્યા છે. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે કેટલાય દાયકા પછી સીધી વાતચીત શરૂ થઈ છે, તેવા સમયે આ હુમલા થયા છે.

મજાદેલ, બારાચિચ, જબા અને મહરોના જેવા વિસ્તારમાં રહેતા લોકોને તેમની જગ્યા ખાલી કરવા જણાવાયું છે.

ઇઝરાયલી સેનાનો આરોપ છે કે આ સ્થળો પર ઈરાનનો ટેકો ધરાવતાં જૂથોનાં હથિયારોનાં ગોડાઉન છે.

જોકે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં કોઈના જીવ ગયા હોવાના અહેવાલ નથી.

ઇઝરાયલ અને લેબનોન વચ્ચે નવેમ્બર 2024માં યુદ્ધવિરામ લાગુ થયા પછી ઇઝરાયલે લેબનોન પર લગભગ દરરોજ હુમલા કર્યા છે.

લેબનોન તરફથી ઇઝરાયલના આ હુમલા વિશે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પરંતુ અગાઉ લેબનોનના નેતા આ હુમલાની ટીકા કરતા રહ્યા છે અને યુદ્ધવિરામની શરતોનો ભંગ ગણાવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન