બંગાળની ખાડીમાં સર્જાશે નવી સિસ્ટમ, સીધી ગુજરાત તરફ આવશે?
ગુજરાતમાં હાલ આ આખું અઠવાડિયું કેટલાક વિસ્તારોમાં હળવો અને છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના છે.
ભારતમાં હવે ચોમાસું પરત ફરવાનો સમય થઈ ગયો છે પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમો મધ્ય અને ઉત્તર ભારત તરફ આવી રહી હોવાથી હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
17 સપ્ટેમ્બર એ ચોમાસાની વિદાય લેવાની અધિકારિક તારીખ છે, પરંતુ ગયા વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંત અને ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં પૂરું થયું હતું.
ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને આશરે તેના 15 દિવસ બાદ તે ગુજરાત સુધી પહોંચે છે, જ્યારે ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થાય છે અને તે બાદ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો કેટલાંક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ખૂબ ઓછાં સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં દરિયાકિનારાના વિસ્તારોમાં અને ખાસ કરીને અમરેલી તથા ભાવનગરના કોઈ સ્થળે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં મોટા ભાગે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અને મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને ભાદરવાનો તડકો પડી રહ્યો છે, જેના કારણે હાલ કેટલાક વિસ્તારોમાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે.
જોકે, હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરીથી કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગ્લોબલ ફૉરકાસ્ટિંગ સિસ્ટમ અને હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ફરીથી એક લૉ-પ્રેશર એરિયા સર્જાઈ શકે છે અને તે મહારાષ્ટ્ર પરથી આગળ વધીને ગુજરાત તરફ આવી શકે છે.
આ સિસ્ટમ જો મધ્ય પ્રદેશ પર ગુજરાતની નજીક આવી તો પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધવાની સંભાવના દેખાઈ રહી છે.
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અને બીજા હવામાન નિષ્ણાતોનું પણ માનવું છે કે બંગાળની ખાડીમાં ફરીથી એક સિસ્ટમ સર્જાઈ શકે છે.
જોકે, હાલ આ સિસ્ટમ ખરેખર કઈ તરફ જશે એ કહેવું વહેલું ગણાશે, કારણ કે હવામાનનાં મૉડલોમાં લાંબાગાળાની આગાહીમાં ફેરફારો થતા હોય છે.
બીજી તરફ સ્થિતિમાં કોઈ ફેરફાર ના થાય તો આ મહિનાના અંત અને આવતા મહિનાની શરૂઆત સુધી આપણે કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.
ગુજરાતમાં આ વર્ષે જુલાઈ, ઑગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય તેવો વરસાદ થયો હતો.
રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સરેરાશ કરતાં ઘણો વધારે વરસાદ જોવા મળ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























