ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ કેમ પડી રહ્યો છે અને હજુ કેટલા દિવસ પડશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં નવરાત્રીમાં અનેક શહેરોમાં ખેલૈયાઓની મજા પર વરસાદનું પાણી ફરી વળ્યું છે.

રવિવારના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડનાં કેટલાંક સ્થળોએ વાવાઝોડા જેવા પવનો સાથે બહુ ભારે વરસાદ પડ્યો હતો.

દાદરા નગર હવેલીમાં પણ કેટલાંક સ્થળોએ બહુ ભારે વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં લગભગ બધે જ સારો વરસાદ પડ્યો હતો.

રવિવારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ પડ્યો હતો. જ્યારે કચ્છનો વિસ્તાર મોટા ભાગે શુષ્ક રહ્યો હતો.

જોકે દક્ષિણપશ્ચિમ મૉનસૂન પાછું ખેંચાવાનું શરૂ થઈ ગયું હતું.

ગુજરાત પર વરસાદી સિસ્ટમ કેટલી સક્રિય ?

હવામાન વિભાગના લૅટેસ્ટ બુલેટિન પ્રમાણે વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુર પરથી દક્ષિણપશ્ચિમ વરસાદની વિદાયરેખા પસાર થવાનું ચાલુ રહ્યું હતું.

આગામી સાત દિવસોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની વધુ વિદાય માટે પરિસ્થિતિ સાનુકૂળ નથી.

28 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ વિદર્ભ અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઉપર લો પ્રેશર એરિયા બનેલો હતો તે બપોરે 2.30 કલાક સુધી જોવા મળ્યો. આવતા 24 કલાકમાં સિસ્ટમ વધુ લો પ્રેશર એરિયાના રૂપમાં નબળી પડી શકે છે. 28થી 30 સપ્ટેમ્બર વચ્ચે આ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પશ્ચિમ તરફ ખસી શકે છે અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રના લો પ્રેશર એરિયામાં એક ઑક્ટોબરના દિવસે મળી શકે છે.

ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે

29 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીની કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, તેમાં પણ કેટલીક જગ્યાઓ પર ખૂબજ ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયો છે.

29 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારો, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં સામાન્ય વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ સોમવારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર કચ્છમાં કેટલાંક સ્થળોએ વરસાદ પડી શકે છે.

ત્યારે 30 સપટેમ્બરના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છ, અમરેલી અને ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જાહેર કરાયો છે. અહીં છૂટાછવાયાં સ્થળોએ અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

30 સપ્ટેમ્બરે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા તથા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. મંગળવારે સૌરાષ્ટ્રના સરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા કચ્છમાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે.

પહેલી ઑક્ટોબરે બનાસકાંઠા, પાટણ, મહાસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરાયું છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. ત્યારે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

પહેલી ઑક્ટોબરે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત તાપી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, પોબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં વરસાદ પડી શકે છે. અમુક જિલ્લાઓમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

બીજી ઑક્ટોબરે દશેરાના દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તથા દાદરા નગર હવેલીમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

આ જ રીતે પાંચ ઑક્ટોબર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન રવિવારે વરસાદ પડવાથી ગરબા કાર્યક્રમો પર અસર

બોટાદ શહેર અને જિલ્લામાં રવિવારે વરસાદ થતાં ગરાબ ગ્રાઉન્ડમાં પાણી ભરાતાં ગરબાનો કાર્યક્રમ બંધ રખાયા હતા જેને લીધે ખેલૈયાઓ નિરાશ થયા હતા.

બોટાદથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર સચીન પીઠવાએ જણાવ્યું કે સાતમે નોરતે વરસાદને કારણે મોટા ગરબા આયોજનો બંધ રખાતા ખેલૈયાઓ હતાશ થયા હતા. બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલના કારણે ગઢડા, બરવાળા, રાણપુર ગરબાનાં આયોજન બંધ રાખવામાં આવ્યાં હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ગરબાનું આયોજન બંધ રખાયું હતું.

રાજુલામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી.

ત્યારે દક્ષિણ ગુજરાતમાં નડિયાદમાં પણ વરસાદ પડ્યો હતો.

નડિયાદથી બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેત મહેતાએ જણાવ્યું કે નડિયાદમાં બે ઇન્ચ કરતાં વધારે વરસાદ પડ્યો જેને કારણે ગરબા આયોજકો મુશ્કેલીમાં મૂકાયા હતા. અને નડિયાદનાં ત્રણ મુક્ય ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન બંધ રાખવું પડ્યું હતું. ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ખેલૈયાઓએ હતાશ થવું પડ્યું હતું.

જામનગર અને જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન