You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાંથી સિસ્ટમ અરબી સમુદ્ર પર આવશે, ગુજરાતમાં વરસાદ પડશે?
બંગાળની ખાડીમાં હાલ જે સિસ્ટમ બની છે તે મજબૂત બનીને ડિપ્રેશન બની ગયું છે અને હાલ તેની અસર સૌથી વધારે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં થઈ રહી છે.
અરબી સમુદ્રમાં જે સિસ્ટમ હતી તે આગળ વધીને ઓમાનની નજીક પહોંચી ગઈ છે અને હવે તે નબળી પડવા લાગી છે, જેથી તેની અસર હાલ ગુજરાત પર ઓછી થઈ રહી છે.
ગુજરાતમાં આજથી વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થશે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17થી 20 તારીખની વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જવાની શક્યતા છે.
સિસ્ટમ ગુજરાત તરફ વધશે?
બંગાળની ખાડીની સિસ્ટમ દક્ષિણ ભારત પરથી થઈને જ્યારે અરબી સમુદ્રમાં આવશે એ સમયે ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાતી નથી, પરંતુ તે ઓમાન અને યમન તરફ જાય તેવી શક્યતા છે.
જોકે, એમ છતાં પણ તેની થોડી અસર ગુજરાત પર થવાની શક્યતા છે અને 20 અને 21 ઑક્ટોબરની આસપાસ ફરીથી રાજ્યમાં હવામાન પલટાવાની સંભાવના દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તેની અસર વધારે થાય તેવી સંભાવના છે એટલે કે આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર આ સિસ્ટમ 19 ઑક્ટોબરની આસપાસ અરબી સમુદ્રમાં પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલના તબક્કે તે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે.
હાલ આ સિસ્ટમ બંગાળની ખાડીમાં છે અને અરબી સમુદ્રમાં પહોંચ્યા બાદ તે કઈ તરફ જશે તેની આગાહી કરવી અગાઉથી મુશ્કેલ હોય છે. એટલે કે તેની સ્થિતિમાં અને દીશામાં હજી પણ ફેરફાર થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન