વિદેશમાં ક્રેડિટ કાર્ડ થકી ખર્ચ કરવાનું સરકારે મોંઘું બનાવ્યું, 20 ટકા ટૅક્સ ચૂકવવો પડશે, લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મભારત સરકારે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ પર વિદેશમાં કરાયેલા ખર્ચને હવે લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ અંતર્ગત સમાવી લેવાનો નિર્ણય કર્યો છે.
જેના અંતર્ગત દેશની બહાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર હવે 20 ટકા ટીસીએસ (ટૅક્સ કલેક્ટેડ એટ સોર્સ) લાદવામાં આવશે.
આ બાબતના સમાચાર માધ્યમોમાં છવાયેલા જોવા મળ્યા હતા.
મીડિયા અહેવાલોના એક અહેવાલ અનુસાર લિબરલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ અંતર્ગત ભારતીય નાગરિક રિઝર્વ બૅંકની મંજૂરી વગર વિદેશમાં વાર્ષિક અઢી લાખ ડૉલર એટલે કે બે કરોડ રૂપિયાની રકમ ખર્ચી શકે છે.
ડેબિટ કાર્ડ કે ફોરેક્સ કાર્ડ વડે પૈસાની લેવડદેવડ કે બૅન્ક ટ્રાન્સફર આના વ્યાપમાં સમાવિષ્ટ છે, હવે ક્રેડિટ કાર્ડથી થનારી લેવડદેવડને પણ આમાં જોડી દેવાઈ છે.
અખબાર અનુસાર આ વ્યવસ્થા આ જ વર્ષે 1 જુલાઈથી લાગુ થશે.
પ્રવાસના હેતુથી વિદેશ જતા લોકો સામાન્ય રીતે નિશ્ચિત મર્યાદા (અઢી લાખ ડૉલર) કરતાં વધુની ખરીદી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે કારણ કે આના વડે થતો ખર્ચ એલઆરસીના વ્યાપમાં નથી સમાવાતો. પરંતુ નવા નિયમો આવ્યા બાદ હવે તેમણે આના પર સરકારને ટૅક્સ ચૂકવવો પડશે.
જોકે, નાણામંત્રાલયે કહ્યું છે કે મેડિકલ અને શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચ આમાં સામેલ નહીં હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અખબાર અનુસાર આ નિર્ણય રિઝર્વ બૅંકની સલાહાનુસાર લેવાયો છે.
ઇકૉનૉમિક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે સંસદમાં નાણા ખરડો 2023 રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રિઝર્વ બૅંકને વિદેશમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગને એલઆરએસ સ્કીમ હેઠળ લાવી શકાય કે કેમ એ તપાસવા માટે ગુજારિશ કરી હતી.
જોકે, નિયમોમાં કરાયેલા બદલાવો અનુસાર, ખરીદી માટે જો રેસિડેન્ટ ફોરેન કરન્સી એટલે કે આરએફસી એકાઉન્ટનો ઉપયોગ કરાય તો તે એલઆરસીના વ્યાપમાં નહીં આવે.
હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર આની પ્રત્યક્ષ અસર વિદેશ પ્રવાસ કરતા લોકો પર પડશે.
અખબારે લખ્યું છે કે હવે વિદેશમાં થનારા દરેક ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ કંપનીઓ 20 ટકા ટૅક્ટ કાપી લેશે જે સરકાર પાસે જમા કરાવાશે.
એટલે કે વિદેશ જતા પહેલાં હોટલ બુકિંગ હોય કે કારનું બુકિંગ, વિદેશી વેબસાઇટથી સામાનની ખરીદી હોય કે પછી વિદેશ પ્રવાસ દરમિયાન કૉફી-નાસ્તા પર ક્રેડિટ કાર્ડ વડે થયેલા ખર્ચ, આ તમામ લેવડદેવડમાં ક્રેડિટકાર્ડ કંપનીઓ ટૅક્સ પહેલાંથી કાપી લેશે.
બાદમાં નિયત સીમાની અંદર થયેલા ખર્ચાને તમે સરકાર પાસેથી ક્લેઇમ કરી શકશો.
જાણકારોને ટાંકીને અખબારે લખ્યું છે કે બાદમાં તમને તમારા પૈસા તો મળી જશે, પરંતુ વિદેશ પ્રવાસના પ્લાનિંગ દરમિયાન જ તમારા ખર્ચમાં વધારો થઈ ચૂક્યો હશે.
અખબારે લખ્યું છે કે લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા થનારા ઑનલાઇન પેમેન્ટ કરતા ખચકાટ અનુભવશે, બની શકે કે તેઓ ખરીદી માટે વિદેશી ચલણ પોતાની પાસે રાખવાનું પસંદ કરે. અખબાર અનુસાર આ નિર્ણયથી ગેરકાયદેસર હવાલા ચેનલોનો ઉપયોગ પણ વધી શકે છે.
મંગળવારના રોજ સરકારે ફોરેન ઍક્સચેન્જ મૅનેજમેન્ટ રુલ્સના નવા નિયમ જાહેર કર્યા છે, જેમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગથી થનાર ખર્ચને એલઆરએસના વ્યાપથી દૂર રાખવાની સ્પષ્ટતા કરતા ભાગને દૂર કરી દેવાયો છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Twitter
આ નિર્ણયને લઈને ઘણા યૂઝર સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વૈભવ ગદોડિયા નામના એક ટ્વિટર યૂઝરે આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "ટીસીએસમાં થયેલા બદલાવોથી હું ખૂબ ચિંતિત છું. હું કામ માટે ઘણો પ્રવાસ ખેડું છું. તેથી મારે મારા ક્રેડિટ કાર્ડથી ઘણો ખર્ચ કરવો પડે છે. મારા નોકરીદાતા ખર્ચ તો પાછો આપી દેશે પરંતુ. ટીસીએસ પાછું નહીં મળે. એ મારા કૅશ ફ્લોમાંથી જશે."

ઇમેજ સ્રોત, Twitter
અનૂપ જે. નામના એક ટ્વિટર યૂઝરે પણ આ નિયમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે લખ્યું હતું કે, "વિદેશપ્રવાસ ધનિકો માટે હોવાનું બધાને કેમ લાગે છે? હાલ આ જ વાત અંગે ચર્ચા ચાલી રહી છે."
"લોકો વિદેશ જવા, પોતાની જાતને રિચાર્જ કરવા માટે પૈસા બચાવે છે, જેથી તેઓ પરિવાર અને મિત્રોની વધુ નિકટ આવી શકે અને મજા માણી Mકે."
"ઘણા લોકો એનઆરઆઇ બનવા માટે ભારત છોડી રહ્યા છે. ઓછામાં ઓછું પ્રવાસીઓ પાછા તો આવે છે અને વિદેશમાંથી શીખેલી વસ્તુઓ અહીં આવીને શૅર કરે છે."
"આવી રીતે મુસાફરોને કેમ સજા કરાઈ રહી છે અને કેમ મુસાફરો ધનિક હોય તેવું જોડવામાં આવી રહ્યું છે."
જગન મોહન નામના એક યૂઝરે લખ્યું કે, "ટૅક્સ સત્તાધીશો અને આરબીઆઇએ એક આળસુ રસ્તો પસંદ કર્યો. આ નિર્ણથી સરકારે ચૂકવેલ ટૅક્સ ફરી ક્લેઇમ કરવાનો વધારાનો બોજો નાખી દીધો છે."
"આ નિર્ણય એક મોટી નાકામી છે અને આના વડે ટૅક્સની સિસ્ટમ ક્રેડિટ કાર્ડ વડે થતા ટૅકસ ચોરીને ટ્રેક કરવામાં નિષ્ફળ થઈ હોવાની વાત જાહેરમાં સ્વીકારી લેવાઈ છે."
























