બંગાળની ખાડીમાં ફરી બની સિસ્ટમ, કઈ તરફ જશે, ગુજરાતમાં ફરી વરસાદ આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સામાન્ય રીતે વધારે વરસાદ પડ્યા બાદ ચોમાસાના છેલ્લા મહિના સપ્ટેમ્બમાં વરસાદ ખૂબ ઓછો થઈ જતો હોય છે.
17થી 20 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે. રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય અને સપ્ટેમ્બરમાં જ ગુજરાતમાંથી પણ ઘણા વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ બંધ થઈ જાય છે.
જોકે, આ વર્ષે બંગાળની ખાડી સતત ઍક્ટિવ છે, અહીં બની રહેલી મજબૂત સિસ્ટમો મધ્ય ભારત પરથી આગળ વધીને કાં તો ગુજરાત પર આવી રહી છે કાં તો ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે. જેના કારણે રાજ્યમાં સતત વરસાદ રડી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી નવું લૉ-પ્રેશર સર્જાયું છે અને આ સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે અને ભારતના ભૂ-ભાગો પર આગળ વધશે. જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશનો 120 ટકા વરસાદ થઈ ચૂક્યો છે.
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવશે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લૉ-પ્રેશર એરિયા બન્યો છે. આગામી 2થી 3 દિવસમાં તે વધારે મજબૂત થશે અને ડીપ્રેશનમાં ફેરવાઈ જશે.
આ સિસ્ટમ પણ આ પહેલાં આવેલી સિસ્ટમોની જેમ મજબૂત બનશે અને શરૂઆતમાં ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે આ સિસ્ટમ ત્રણથી ચાર દિવસ સુધી દરિયામાં જ રહેશે અને તે બાદ તે આગળ વધીને પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચે તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં પહોંચ્યા બાદ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે એટલે કે તે મધ્ય ભારત તરફ આવે તેવી સંભાવના હાલ લાગી રહી છે.
જોકે, હવામાનનાં મૉડલો 5 દિવસથી વધારેની આગાહી ખૂબ સચોટ રીતે કરી શક્તાં નથી એટલે સિસ્ટમનો ખરો ટ્રેક નક્કી કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
આ સિસ્ટમ જો મધ્ય ભારત પર આવવાની સાથે ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરી દે તો ગુજરાતમાં આપણે વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી થઈ જશે. તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થયા બાદ વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જવાની શક્યતા છે.
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હજી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. રાજ્યમાં 8 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 સપ્ટેમ્બરના રોજ મહીસાગર અને દાહોદ જિલ્લામાં કોઈ સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ તથા અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 8 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.
જ્યારે 9 સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં તે બાદથી ભારે વરસાદની શક્યતા ઓછી થઈ જશે.
હાલની સ્થિતિ પ્રમાણે કોઈ ફેરફાર ના થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં 10 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ સાવ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જશે.
ગુજરાતમાં 6 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ કરતાં 120.80 ટકા જેટલો વધારે વરસાદ થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1066 મિલીમીટર વરસાદ થયો છે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ?
રાજ્યમાં આ વર્ષે 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી પરંતુ તે બાદ વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું. 22 જૂન બાદ ફરીથી ચોમાસું સક્રિય થયું હતું અને મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો હતો.
આ વર્ષે રાજ્યમાં જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણેય મહિનામાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ જોવા મળ્યા હતા અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ હતી.
ગુજરાત સરકારે આપેલા આંકડા પ્રમાણે 6 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના 115 તાલુકાઓમાં 1,000 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે 113 તાલુકાઓમાં 500થી 1000 મીમીની વચ્ચે વરસાદ થયો છે.
કચ્છમાં સરેરાશના 183.82 ટકા, ઉત્તર ગુજરાતમાં સરેરાશના 104.57 ટકા, પૂર્વ ગુજરાતમાં 116.31 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશના 128 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશના 122 ટકા જેટલો વરસાદ થયો છે.
ગુજરાતમાં સરકાર મોટા ગણાતા 206 ડૅમની વિગતો આપે છે અને તેમાં રહેલા પાણીના જથ્થાના આંકડા જારી કરે છે. તે પ્રમાણે 115 જેટલા ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે 46 ડૅમમાં 70 ટકાથી વધારે અને 100 ટકાથી ઓછું પાણી છે.
આ 206 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના 81.68 ટકા જેટલો પાણીનો જથ્થો હાલ ગુજરાતમાં સંગ્રહિત થયેલો છે. જ્યારે આ વર્ષે અત્યંત ભારે વરસાદને કારણે લગભગ 61,136 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























