You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાઇવાન અંગે પાકિસ્તાને કહ્યું, "અમે ચીનને ટેકો આપીશું" – ન્યૂઝ અપડેટ
તાઇવાન પાસે ચીન દ્વારા યુદ્ધ અભ્યાસ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે અલગ-અલગ પ્રતિક્રિયા આપી છે. હવે, આ અંગે પાકિસ્તાને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
મીડિયાના સવાલો અંગે પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બહાર પાડેલાં નિવેદનમાં કહ્યું છે, "પાકિસ્તાન અને ચીન પાક્કા મિત્ર છે અને મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક સહયોગી પણ છે. અમે તાઇવાન સહિત ચીનના તમામ મુખ્ય હિતો અંગે ચીનને અમારાં સમર્થનનો પુનર્રોચ્ચાર કરીએ છીએ."
"અમે વન ચાઇના સિદ્ધાંતને અનુસરતા રહીશું તથા તાઇવાનને ચીનનું અભિન્ન અંગ માનીએ છીએ."
રાયપુરમાં ક્રિસમસ દરમિયાન તોડફોડ કરનારાઓને જામીન મળ્યા, બજરંગ દળે આરતી ઉતારી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક મૉલમાં ક્રિસમસની સજાવટથી નારાજ થઈને તોડફોડ કરનારા શખ્સોને જામીન મળી ગયા છે.
રાયપુરથી બીબીસી હિંદીના સહયોગી આલોક પુતુલ જણાવે છે કે જામીન મળ્યા બાદ બજરંગ દળના કાર્યકરોએ અને પરિવારજનોએ આરોપીઓની આરતી ઊતારી, ઢોલ-નગારા વગાડ્યા અને માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
બજરંગ દળના જિલ્લા સંયોજક વિજેન્દ્ર વર્માના કહેવા પ્રમાણે, 'અમારા કાર્યકર્તા ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવા કાજે જેલમાં ગયા હતા તથા અમને અમારા કાર્યકરો ઉપર ગર્વ છે.'
ઉલ્લેખનીય છે કે કથિત રીતે હિંદુ સંગઠનોએ ક્રિસમસના વિરોધમાં અનેક સ્થાનોએ તોડફોડ કરી હતી.
રાયપુરના મૅગ્નેટો મૉલના કર્મચારીઓને તેમની જાતિ-ધર્મ પૂછી-પૂછીને ધમકાવવામાં આવ્યા હોવાનો તથા ત્યાં તોડફોડ કરવામાં આવી હોવાનો આરોપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનેક વિસ્તારમાં ક્રિસમસ નિમિતે દુકાનને શણગારનારા દુકાનદારો સાથે મારઝૂડના અહેવાલ પણ આવ્યા હતા.
પોલીસ આ મામલે બજરંગ દળના સાત કાર્યકરોની ધરપકડ કરી હતી, જેમાં એક સગીરનો પણ સમાવેશ થતો હતો. આના વિરોધમાં તા. 27 ડિસેમ્બરના રોજ બજરંગ દળના કાર્યકરોએ રાયપુરના તેલીબાંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચક્કાજામ કરીને પ્રદર્શન કર્યું હતું તથા કલાકો સુધી મુખ્ય માર્ગને બંધ કરી દીધો હતો.
ઇંદોર પ્રદૂષિત પાણી : રાહુલ ગાંધીએ કહ્યું, 'ઘરે-ઘરે માતમ અને ભાજપના નેતા અહંકારમાં'
ઇંદોરમાં પ્રદૂષિત પાણીને કારણે થયેલાં મૃત્યુ અંગે કૉંગ્રેસે રાજ્ય સરકાર ઉપર નિશાન સાધ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં મૌન અંગે સવાલ ઊઠાવ્યા છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "ઇંદૌરમાં પાણી નહીં ઝેરનું વિતરણ થયું અને તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું."
"ઘરે-ઘરે માતમ છે, ગરીબ લાચાર છે તથા એની ઉપર ભાજપના નેતાઓનાં અહંકારી નિવેદન. જેમના ઘરોના ચૂલા ઠર્યા છે, તેમને સાંત્વના જોઈતી હતી, સરકારે અભિમાન પીરસી દીધું."
રાહુલ ગાંધીએ સવાલ કર્યો, "લોકોએ વારંવાર ગંદા, વાસવાળાં પાણીની ફરિયાદ કરી, તો પણ તેની ઉપર કાર્યવાહી કેમ ન થઈ. સિવરનું પાણી પીવાના પાણીમાં કેમ ભળ્યું? સમયસર વિતરણ કેમ અટકાવવામાં ન આવ્યું? જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે ક્યારે કાર્યવાહી થશે?"
રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશ સરકારના કૅબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના વિવાદાસ્પદ નિવેદન અંગે પણ નિશાન સાધ્યું, જોકે, તેમણે કોઈનું નામ નહોતું લીધું.
રાહુલ ગાંધીએ લખ્યું, "આ કોઈ 'નકામો' સવાલ નથી, જવાબદારીની માંગ છે. સ્વચ્છ પાણીએ ઉપકાર નથી, પરંતુ જીવનનો અધિકાર છે. આ અધિકારની હત્યા માટે ભાજપનું ડબલ એંજિન, તેનું બેજવાબદાર તંત્ર અને સંવેદનહિન નેતૃત્વ જવાબદાર છે."
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મધ્ય પ્રદેશ હવે 'કુશાસનનું ઍપિસેન્ટર' બની ગયું છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "ક્યાંક ઉધરસના સિરપથી મૃત્યુ, ક્યાંક સરકારી હૉસ્પિટલમાં બાળકોનો જીવ લેનારાં ઉંદરડાં અને હવે સિવરનું પાણી પીવાથી મૃત્યુ. જ્યારે-જ્યારે ગરીબ મરે છે, મોદીજી હંમેશાની જેમ મૌન રહે છે."
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું, "જલ જીવન મિશન તથા સ્વચ્છ ભારત અભિયાનનો ઢંઢેરો પીટનારા નરેન્દ્ર મોદી જી હંમેશાની જેમ ઇંદૌરમાં દૂષિત પાણી પીવાને કારણે થયેલાં મૃત્યુ અંગે મૌન છે."
"ઇંદૌર એ જ શહેર છે, જેણે કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષમાં સતત આઠ વખત સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો છે. ભાજપની અકર્મણ્યતાને કારણે લોકો સ્વચ્છ પાણી માટે તરસી રહ્યા છે."
ખડગેએ કૈલાશ વિજયવર્ગીયના જવાબ તથા ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ઉપર સવાલ ઊઠાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ઇંદૌરમાં દૂષિત પાણી પીવાથી અનેક લોકોનાં મૃત્યુ થયાં છે અને લગભગ 1500 લોકોને અસર થઈ છે.
ઈરાનમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સાત લોકોનાં મોત
ઈરાનમાં વધતી જતી મોંઘવારી અને બગડતી આર્થિક સ્થિતિને લઈને છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી મોટાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.
બીબીસી અરબી સેવા અનુસાર, વિરોધપ્રદર્શનના પાંચમા દિવસે ગુરુવારે ઈરાનનાં વિવિધ શહેરોમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા.
આ પ્રદર્શનો દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ ઈરાનના સર્વોચ્ચ નેતાના શાસનનો અંત લાવવાની માગ કરી હતી, જ્યારે અન્ય લોકોએ રાજાશાહી પાછી લાવવાની માગ કરી હતી.
ગુરુવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ દરમિયાન વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો હતો. તો સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ગોળીઓ અને ટીયરગૅસનો ઉપયોગ કર્યો હતો.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સ અને માનવાધિકાર સંગઠન હેંગાવે જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ઈરાની શહેર લોરેસ્તાનમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ત્રણ લોકો માર્યા ગયા હતા.
ફાર્સે પણ અહેવાલ આપ્યો હતો કે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અઝનામાં ત્રણ લોકો અને કુહદશ્તમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
ન્યૂ યૉર્ક સિટીના મેયર ઝોહરાન મમદાણીએ ઉમર ખાલિદ માટે એક નોટ લખી
ન્યૂ યૉર્ક સિટીના મેયર ઝોહરાન મમદાણીએ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ 2020થી જેલમાં બંધ) સાથે એકતા દર્શાવી છે.
મમદાણીએ ઉમર ખાલિદને પોતાને હાથે લખેલી એક નોટ મોકલી છે, જેમાં લખ્યું હતું, "અમે બધા તમારી સાથે છીએ."
ન્યૂ યૉર્ક સિટીના મેયર તરીકે શપથ લીધા પછી ગુરુવારે ઉમર ખાલિદનાં સાથી બનજ્યોત્સના લાહિરીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ નોટ શૅર કરી હતી.
દિલ્હી રમખાણો સંબંધિત કેસમાં હાલમાં જેલમાં ઉમર ખાલિદને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હી હાઇકોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, તેમને ડિસેમ્બરમાં તેમનાં બહેનનાં લગ્નમાં હાજરી આપવાની પરવાનગી આપવામાં આવી હતી.
ઝોહરાન મમદાણીએ શું લખ્યું?
મમદાણીએ લખ્યું કે, "પ્રિય ઉમર, હું ઘણી વાર કડવાશ પર કહેલી તમારી વાતો અને એ વાતના મહત્ત્વ અંગે વિચારું છું કે તમારે તેને હાવી ન થવા દેવી જોઈએ. તમારાં માતાપિતાને મળીને મને આનંદ થયો. અમે બધા તમારી સાથે છીએ."
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં બનજ્યોત્સના લાહિરીએ કહ્યું કે આ હસ્તલિખિત નોટે 11,700 કિલોમીટરનું અંતર હોવા છતાં જેલમાં બંધ ઉમર ખાલિદ અને ન્યૂ યૉર્ક સિટીના ભારતીય મૂળના મેયર ઝોહરાન મમદાણીની વચ્ચે એક ભાવનાત્મક સંબંધ જોડી દીધો છે.
તેમણે કહ્યું, "ઉમરનાં માતાપિતા અમેરિકામાં મમદાણી અને કેટલાક અન્ય લોકોને મળ્યા હતા. તેમની સાથે ઘણો સમય વિતાવ્યો હતો. એ દરમિયાન મમદાણીએ આ નોટ લખી હતી."
ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ઉસ્માન ખ્વાજાએ નિવૃત્તિની જાહેરાત કરી, 'વંશીય સ્ટીરિયોટાઇપ'નો આરોપ લગાવ્યો
ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન ઉસ્માન ખ્વાજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ રવિવારથી શરૂ થતી એશિઝ સિરીઝની અંતિમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે 88મી ટેસ્ટ રમશે.
આ મૅચ સિડનીમાં રમાશે, આ જ મેદાનમાંથી તેમણે 2011માં ઇંગ્લૅન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું.
ખ્વાજાએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક પ્રેસ કૉન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સમયે તેમનાં પત્ની, બે પુત્રી અને માતાપિતા હાજર રહ્યાં.
39 વર્ષીય ખ્વાજા પોતાની કારકિર્દીમાં 87 ટેસ્ટ મૅચ રમ્યા છે. તેમણે 43.4ની સરેરાશથી 6206 રન બનાવ્યા છે, જેમાં 16 સદી સામેલ છે. તેમણે ઑસ્ટ્રેલિયા માટે 40 વન-ડે અને નવ ટી-20 પણ રમી છે.
ખ્વાજાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને 15 વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયા માટે રમનાર પ્રથમ મુસ્લિમ ખેલાડી બન્યા હતા.
નિવૃત્તિની જાહેરાત કરતાં ઉસ્માન ખ્વાજાએ કહ્યું કે તેઓ હજુ પણ "વંશીય સ્ટીરિયોટાઇપ" સામે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "હું એક પ્રાઉડ મુસ્લિમ છું, પાકિસ્તાનનો એક છોકરો જેને કહેવામાં આવ્યું હતું કે તે ક્યારેય ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે નહીં રમે. પણ આજે મને જુઓ."
ખ્વાજા એશિઝ શ્રેણી શરૂ થવાના એક દિવસ પહેલાં ગોલ્ફ રમ્યા હતા અને ત્યાર બાદ પર્થમાં તેમને કમરમાં દુખાવો થયો હતો. ખ્વાજાએ કહ્યું કે તેની ટીકા કરાઈ, કારણ કે તેની સાથે "અલગ રીતે વર્તન કરવામાં આવ્યું હતું."
તેમણે કહ્યું, "મીડિયા અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ મારા પર જે રીતે હુમલો કર્યો, હું બે દિવસ સુધી સહન કરી શક્યો હતો, પરંતુ તે લગભગ પાંચ દિવસ સુધી ચાલુ રહ્યું."
તેમણે કહ્યું, "મારી તૈયારી અંગે બધાએ જે રીતે મારા પર હુમલો કર્યો તે ખૂબ જ અંગત હતો. એવું કહેવાયું કે, 'તે ટીમ પ્રત્યે સમર્પિત નથી,' 'તે ફક્ત પોતાનું જ વિચારે છે,' 'તે મૅચના આગલા દિવસે ગોલ્ફ ટુર્નામેન્ટ રમ્યો હતો,' 'તે સ્વાર્થી છે,' 'તે પૂરતી મહેનતથી તાલીમ નથી લેતો,' 'તેણે મૅચના આગલા દિવસે તાલીમ નહોતી લીધો,' 'તે આળસુ છે.'"
સ્વિટ્ઝર્લૅન્ડ બારમાં આગ લાગવાથી 40 લોકોનાં મોત
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સ્વિટ્ઝર્લૅન્ડના એક બારમાં લાગેલી આગમાં લગભગ 40 લોકોનાં મોત થયાં અને 115 ઘાયલ થયા છે. પોલીસે એક પ્રેસ કૉન્ફરન્સમાં આ માહિતી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોમાંથી 60 લોકોની સારવાર સાયન હૉસ્પિટલમાં થઈ રહી છે, જ્યારે અન્યની સારવાર અન્ય હૉસ્પિટલોમાં થઈ રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, "ઘણા લોકો"ની હાલત ગંભીર છે.
આ ઘટના દક્ષિણ-પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના ક્રાન્સ-મોન્ટાનામાં 'લે કૉન્સ્ટેલેશન બાર'માં બની હતી, જ્યાં લોકો ઉજવણી માટે ભેગા થયા હતા.
સ્વિટ્ઝર્લૅન્ડના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ આગને "અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક" છે, જેને દેશે સામનો કર્યો.
આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે, કેટલાક પ્રત્યક્ષદર્શીઓ માને છે કે શેમ્પેન બૉટલો પર લાગેલી "જન્મદિવસની મીણબત્તીઓ"થી છતમાં આગ લાગી હતી.
જોકે પત્રકારો દ્વારા પૂછેલા સવાલ પર ઍટર્ની જનરલ બીટ્રિસ પિલોડે આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન