દહેગામના આ ગામમાં વાંદરાએ બાળક સાથે એવું શું કર્યું કે તેનું મોત થઈ ગયું?

ઇમેજ સ્રોત, LAXMI PATEL/GETTY IMAGES
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
"મારો 10 વર્ષનો દીકરો અમારા ગામની શાળાના મેદાનમાં રમતો હતો. તે સમયે વાંદરાઓએ તેની ઉપર હુમલો કર્યો હતો અને તેનું પેટ ફાડી નાખ્યું હતું. તેના આંતરડાં બહાર આવી ગયાં હતાં. તે હાથમાં આંતરડાં પકડીને ઘરે આવ્યો અને તરત જ ઢળી પડ્યો. અમે આ દૃશ્ય જોઈ ડઘાઈ ગયા હતા. અમે તરત જ તેને હૉસ્પિટલ લઈ ગયા હતા પણ તેને બચાવી ન શક્યા."
આવા આઘાત અને વસવસાભર્યા શબ્દો છે, દીપક ઠાકોરના પિતા મહેશ ઠાકોરના. એક વાંદરાના ટોળાના હુમલામાં 10 વર્ષના દીપકનું મોત નીપજ્યું છે. તેમના દીકરા સાથે બનેલી ઘટનાએ વાંદરાના ત્રાસ અને હુમલાઓ અંગે લોકોની ચિંતા વધારી દીધી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાંદરાઓ મોટી સંખ્યામાં રહે છે. અનેક વિસ્તારોમાં તેમણે લોકો પર કરેલા હુમલાઓની ઘટના સામે આવતી રહે છે.
પરંતુ દહેગામની આ ઘટના વધુ આઘાતજનક અને ચોંકાવનારી છે. દહેગામ ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલું છે.
એ સમયે શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
દહેગામથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલા સલ્કી ગામની વસ્તી અંદાજે સાત હજારની છે.
આ ગામના લોકો વાંદરાઓના વારંવાર થતાં હુમલાઓથી પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં વાંદરાઓના હુમલાને કારણે છ કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
જ્યારે તા.13 નવેમ્બર 2023ના દિવસે દીપકનું મોત પણ વાંદરાના હુમલાને કારણે થયું છે. હાલ તો ગાંધીનગર જિલ્લાની વન વિભાગની ટીમો દ્વારા આ ગામમાંથી વાંદરાઓ પકડવામાં આવી રહ્યા છે પણ એક બાળકનું મોત થઈ ગયા બાદ શરૂ થયેલી વનવિભાગની આ કવાયત સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો વાંદરાના ત્રાસ અંગે વારંવાર રજૂઆતો અને ફરિયાદો છતાં સમયસર ઉકેલ ન આવતાં દીપક તેનો ભોગ બન્યો હોવાના આરોપ પણ લગાડી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દીપક ઠાકોરના પિતા મહેશ ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દિવાળી બાદ 13 તારીખે પડતર દિવસ હતો. એ દિવસે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બીજાં બાળકો સાથે મારો દીકરો પણ અમારા ગામની શાળાના મેદાનમાં રમતો હતો. તે સમયે વાંદરાનાં ટોળાએ મારા દીકરા પર હુમલો કરી દીધો હતો. તેનું પેટ ફાડીને તેના આંતરડાં બહાર કાઢી નાખ્યાં હતાં. આ ઘટના બાદ અચાનક મારો દીકરો રડતો રડતો પોતાના હાથમાં આંતરડાં બહાર પકડીને આવ્યો હતો. તેણે જોરથી પપ્પા... એવી બૂમ પાડી હતી. અમે તરત જોયું તો તેના હાથમાં આંતરડાં હતાં. તે ખૂબ રડી રહ્યો હતો. તેની આવી હાલત જોઈ અમે ડઘાઈ ગયા હતા પણ તરત જ અમે દોડીને તેને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ અમે તેને સરકારી હૉસ્પિટલમાં પણ સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં મારા દીકરાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો."
તેઓ રડતા રડતા વધુમાં જણાવે છે કે, " અમારા દીકરાને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો તે ઘડીએ તો અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું હતુ. મારે એક દીકરી અને એક દીકરો હતો. મારો દીકરો ખૂબ જ હોંશિયાર હતો. અમને ખબર ન હતી કે આ તહેવાર માતમમાં ફેરવાઈ જશે. અમારા ગામમાં વાંદરાઓનો છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ત્રાસ હતો. તેના માટે અમે વનવિભાગને જાણ પણ કરી હતી. અમારા ગામમાં અલગ અલગ સમયે પાંચ-છ લોકો પર વાંદરાએ હુમલો કર્યો હતો છતાં વાંદરાઓના ત્રાસનો ઉકેલ લવાયો ન હતો."
ગામમાં વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે

ઇમેજ સ્રોત, LAXMI PATEL/BBC
વાંદરાઓના હુમલાનો ભોગ આ ગામના અન્ય લોકો પણ બન્યા છે. અન્ય બાળકો ઉપર પણ વાંદરાઓ હુમલો કરી ચૂક્યા છે. આ જ ગામના વતની શૈલેષ ઠાકોરના પાંચ વર્ષના દીકરા રુદ્ર ઠાકોર ઉપર પણ વાંદરાઓએ ગત 30 ઑક્ટોબર, 2023ના દિવસે હુમલો કર્યો હતો. તેને ગંભીર ઈજા થઈ હતી.
આ અંગે શૈલેષભાઈ ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા દીકરો રુદ્ર પાંચ વર્ષનો છે. મારો દીકરો ઘરઆંગણે રમી રહ્યો હતો ત્યારે વાંદરાઓએ તેની પર હુમલો કર્યો હતો અને તે હુમલાથી તેની જાંઘના ભાગમાં ખુબ જ ગંભીર ઈજા થઈ હતી. મારા દીકરાને અમે તત્કાલ હૉસ્પિટલ લઈને ગયા હતા. હૉસ્પિટલમાં તેને 28 ટાંકા લેવા પડ્યા હતા."
"ત્યારબાદ અમે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓ એક વાંદરો પકડી ગયા હતા. આ પ્રકારની ગંભીર ઘટનાઓ બની રહી છે. અમારા ગામના મોટાભાગના લોકો ખૂબ જ ડરી ગયા છે અને બાળકોને બહાર રમવા જવા દેતા પણ ડરે છે."
સલ્કી ગામના ડૅપ્યુટી સરપંચ રાજેશભાઈ ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમારા ગામમાં 100 કરતાં પણ વધારે વાંદરા છે. જેમાંથી 8થી 10 વાંદરાઓ હુમલાખોર છે. જે અંગે અગાઉ પણ અમે વનવિભાગને જાણ કરી હતી."
"વનવિભાગ દ્વારા પાંજરાં મૂકીને બે વાંદરા પકડવામાં પણ આવ્યા હતા. પરંતુ હજુ પણ તેમનો આતંક ઓછો થયો નથી. ગામમાં પાંચેક લોકો પર વાંદરાઓએ હુમલો કરીને ઈજાગ્રસ્ત કર્યા છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ગત 13 તારીખે 10 વર્ષના દીપક પર વાંદરાઓએ હુમલો કર્યો હતો. 10 વર્ષના માસૂમના મોતથી અમારા ગામમાં દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. આખા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. અમારા ગામમાં કોઈએ પણ દિવાળી કે પછીના તહેવારોની ઊજવણી કરી નથી."
"બાળક પર થયેલા હુમલા બાદ અત્યારે પણ વન વિભાગના કર્મચારીઓ અમારા ગામમાં સ્ટેન્ડબાય પાંજરાં લઈને ઊભા છે. અમારા ગામના યુવકો પણ તેમને સહકાર આપી રહ્યા છે. આ બે દિવસમાં એક વાંદરો પકડાયો છે."
"આ સિવાય એક મહિલા વાસણ માંજી રહ્યાં હતાં, તેમની પર પણ વાંદરાએ હુમલો કરતા તેમને છ ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત એક મહિલા ચૂલો સળગાવી રહ્યાં હતાં, ત્યારે તેમના પર વાંદરાઓએ હુમલો કરતા તેમને હાથ અને પગમાં ફ્રૅક્ચર થઈ ગયું છે."
પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
દહેગામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અને આ સમગ્ર ઘટનાની તપાસ કરનારા કર્મચારી નિકુલભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "સલ્કી ગામના 10 વર્ષના બાળક દીપક ઠાકોરનું વાંદરાના હુમલાના કારણે મોત નીપજ્યું હતું. જે અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ. ગામમાં અન્ય લોકો ઉપર પણ વાંદરાઓ દ્વારા હુમલો થયો હોવાની જાણ થતા તેમની સાથે પણ અમે વાત કરી તપાસ કરી રહ્યા છીએ."
ગાંધીનગર જિલ્લાના ડી.સી.એફ. ચંદ્રેશકુમાર સનાડ્રેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "દહેગામના સલ્કી ગામમાં બાળક રમી રહ્યું હતું. તેના પર વાંદરાઓ દ્વારા હુમલો કરવામાં આવતા તેનું મોત થયું હતું. આ અગાઉ દસ દિવસ પહેલાં પણ આ ગામમાં વાંદરાઓ દ્વારા હુમલો થયો હોવાની વનવિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે અમારા વિભાગની ટીમ પહોંચી હતી તેમજ બે વાંદરાઓ પકડ્યા હતા. હાલ પણ અમારી ટીમ ગામમાં છે અને વાંદરાઓ પકડી રહી છે."
આ સમગ્ર ઘટના અંગે કેટલાક ગ્રામજનોનું કહેવું છે કે, "ગામમાં વાંદરાઓનાં ટોળાં ફરે છે જે પૈકી કેટલાંક ટોળાં હિંસક છે તેઓ ટોળાંમાં કોઈપણ વ્યક્તિ કે બાળક ઉપર હુમલો કરે છે."






















