ગુજરાતના ચોમાસા પર બે સિસ્ટમની અસર, ગુજરાતમાં વધશે વરસાદ, ક્યાં પડશે પુષ્કળ વરસાદ?
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ગઈકાલે ડાંગ તથા ગીર-સોમનાથ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
આ સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ છૂટાછવાયાં સ્થળોએ થોડો વરસાદ પડ્યો હતો.
આજે જન્માષ્ટમીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની અછત છે, જેના કારણે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
બંગાળની ખાડી પર બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને તેની અસર ગુજરાત પર શરૂ થઈ ગઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 16મી ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની તથા ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિતના મોટાભાગનાં સ્થળોએ તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની તથા ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
આવતીકાલે 17મી તારીખે પણ આ તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે.
જ્યારે નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે 18 ઑગસ્ટના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
19થી 21 ઑગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



