રાજ્યમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે, ચોમાસાની વિદાય ક્યારે થશે?

રાજ્યમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે, ચોમાસાની વિદાય ક્યારે થશે?
પ્રકાશિત

ગુજરાતમાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે એટલે કે રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

હાલ ચોમાસું હવે પૂરું થવા જઈ રહ્યું છે પરંતુ તે પહેલાં ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતના પશ્ચિમ ભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને પૂર્વ તરફના ભાગોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી પણ આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.

26 સપ્ટેમ્બરના રોજ તાપીના વ્યારામાં 8 ઇંચ જેટલો, સોનગઢમાં 6 ઇંચથી વધારે, ભાવનગરના ઘોઘામાં 6 ઇંચ, પાલિતાણામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

26 સપ્ટેમ્બરના રોજથી રાજ્યમાં વરસાદનું જોર વધ્યું હતું અને ગુજરાતના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 11 જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

ગુજરાતમાં 27 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આજે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર રહેવાની શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 27 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે.

ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે, આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.