ગુજરાત: બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધી, પાંચ દિવસ સુધી આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. ચોમાસાના છેલ્લા મહિનામાં રાજ્યમાં ફરીથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી ભારે વરસાદ થવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બની છે અને હવે તે વેલમાર્ક્ડ લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે.
જેના કારણે મધ્ય ભારતના અનેક વિસ્તારોની સાથે સાથે ગુજરાતમાં પણ ફરીથી વરસાદી માહોલ જામે તેવી શક્યતા દેખાઈ રહી છે.
રાજ્યમાં છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી અને તેના કારણે ખેતરોમાં ઊભેલો પાક સુકાઈ રહ્યો છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
ગુજરાતમાં એક મહિના કરતાં વધારે રાહ જોવડાવ્યા બાદ ફરીથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 17થી 19 સપ્ટેમ્બરની વચ્ચે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે ભરૂચ, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, આ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં ક્યાંય હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો ગણાય છે અને તે બાદ સામાન્ય રીતે ચોમાસાની દેશમાંથી વિદાયની શરૂઆત થતી હોય છે.
ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદ બાદ ઑગસ્ટ મહિનામાં નહિવત્ વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
હવે બંગાળની ખાડી ફરી સક્રિય થઈ છે અને તેમાં એક બાદ એક સિસ્ટમ બની રહી છે જેની અસર મધ્ય ભારતની સાથે-સાથે ગુજરાતને પણ થઈ રહી છે.

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં પાંચથી છ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. 15થી 21 તારીખ સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહે તેવી શક્યતા છે.
સૌપ્રથમ દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ સૌરાષ્ટ્ર તથા બીજા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. 17થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે.

ગુજરાતમાં જુલાઈમાં ધોધમાર બાદ ઑગસ્ટમાં દુષ્કાળ જેવી સ્થિતિ કેમ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાના અનેક રંગ જોવા મળ્યા છે, જૂનમાં ચોમાસા પહેલાં જ બિપરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. જે બાદ જુલાઈમાં અત્યંત ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. ઑગસ્ટ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી.
વેધર ચેનલના અહેવાલ પ્રમાણે 122 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ઑગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ પડ્યો હોય.
ચોમાસા દરમિયાન સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સારો વરસાદ પડે તો તે બાદ ઑગસ્ટ મહિનામાં બ્રેક મૉન્સૂનની સ્થિતિ આવતી હોય છે. પરંતુ વરસાદી ગતિવિધિ એકાદ અઠવાડિયા જેટલી જ થંભે છે.
આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઑગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ પડ્યો અને સૌથી વધારે ગરમી પડી. આવું એક સદીમાં પ્રથમ વખત જોવા મળ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં જ એવી આશંકા હતી કે ભારતના ચોમાસા પર આ વર્ષે અલ નીનોની અસર પડશે. જેની અસર ઑગસ્ટમાં મહિનામાં જોવા મળી હતી.
આ ઉપરાંત ઑગસ્ટ મહિનામાં મેડન જુલિયન ઓસિલેશન કે જે એક પ્રકારના પવનો છે તે પણ ભારતના ચોમાસાની તરફેણમાં ન હતા.
અલ નીનોની અસરને ઘણા અંશે ઓછી કરી શકે તે ઇન્ડિય ઓશન ડાયપૉલ પણ વધારે પૉઝિટિવના થઈ શક્યો જેના કારણે ભારતમાં ઑગસ્ટ મહિનામાં વરસાદ ખૂબ ઓછો થયો.
ભારત કરતાં દૂર આવેલા દક્ષિણ ચીન સમુદ્રમાં પણ આ વર્ષે વધારે સિસ્ટમો સર્જાઈ નહીં, ત્યાં જે સિસ્ટમો સર્જાઈ તે ઉત્તર તરફ ગઈ. સામાન્ય રીતે આ સિસ્ટમ પશ્ચિમ તરફ આવતી હોય છે. થાઇલૅન્ડ અને વિયેતનામને ક્રોસ કરીને તે બંગાળની ખાડીમાં આવતી હોય છે.
આ કારણોને લીધે ઑગસ્ટ મહિનામાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ પડ્યો અને તેના લીધે ગુજરાતના અનેક વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન થયું છે.
























