You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં સુભાષબ્રિજને પાંચ દિવસ માટે કેમ બંધ કરવામાં આવ્યો? – ન્યૂઝ અપડેટ
અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજને બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને એક જાહેર નોટિસ પાઠવીને આ અંગે માહિતી આપી છે.
નોટિસમાં લખાયું કે અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ ખાતેથી પશ્ચિમ ઝોન સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી કરાઈ હતી. જેમાં ક્ષતિ માલૂમ પડતા, સાવચેતીના ભાગરૂપે આ બ્રિજને ચાર ડિસેમ્બરથી પાંચ દિવસ સુધી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવા આવે છે.
તેમજ વૈકલ્પિક રૂટ તરીકે સાબરમતી નદી પર આવેલા દધિચિ બ્રિજનો ઉપયોગ કરવા કહેવાયું છે.
આ બ્રિજ બંધ કરતા સોશિયલ મીડિયામાં ટ્રાફિકજામનાં દૃશ્યોના વીડિયો પણ વાઇરલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે સુભાષબ્રિજથી શાહબાગ અને સિવિલ હૉસ્પિટલ બાજુ જતા લોકો સામાન્ય રીતે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે.
હવે આ બ્રિજ બંધ કરતા તેમણે વાડજ થઈને જવું પડશે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતયાત્રા વિશે પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ શું કહ્યું?
લોકસભામાં વિપક્ષના રાહુલ ગાંધીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતયાત્રા વિશે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે વિદેશથી જે નેતા આવે છે, તેમની સાથે મુલાકાત કરવા દેવામાં નથી આવતી.
રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરતી વેળાએ કહ્યું, "સામાન્ય પરંપરા છે કે વિદેશથી જે નેતા આવે, તે વિપક્ષના નેતા સાથે મુલાકાત કરે છે. તે વાજપેયીજી, મનમોહનના સમયમાં થતું. તે પરંપરા રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પરંતુ આજકાલ ઉચ્ચ વિદેશી અધિકારી આવે છે, કે હું ક્યાંય પણ બહાર (વિદેશ) જાઉં છું, ત્યારે સરકાર તેમને સલાહ આપે છે કે વિપક્ષના નેતાને ન મળવું જોઈએ."
રાહુલ ગાંધીએ ઉમેર્યું, "માત્ર સરકાર જ નહીં, અમે પણ હિંદુસ્તાનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો વિદેશી લોકોને મળે."
રાહુલ ગાંધીનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા વિદેશ મંત્રાલય તેનું પાલન નથી કરતા. ઉલ્લેખનીય છે કે શુક્રવાર સાંજથી (ભારતીય સમય પ્રમાણે) બે દિવસ માટે પુતિન ભારતયાત્રા પર છે.
ભીમા કોરેગાંવ કેસ : દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર હનીબાબુને જામીન
બૉમ્બે હાઇકોર્ટે ગુરુવારે દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર હનીબાબુને જામીન આપ્યા છે.
બીબીસી રિપોર્ટર ઉમંગ પોદાર જણાવે છે કે આ પહેલાં વર્ષ 2022માં હાઇકોર્ટે હનીબાબુની જામીનઅરજી નકારી કાઢી હતી.
હનીબાબુ સહિત 15 ઍક્ટિવિસ્ટ, શિક્ષણશાસ્ત્રીઓ તથા વકીલો પર આરોપ છે કે તેમણે જાન્યુઆરી-2018માં પુણે પાસેના ભીમા કોરેગાંવ વિસ્તારમાં જાતીય તણાવ ફેલાવ્યો હતો.
તેમની ઉપર યુએપીએ (અનલૉફૂલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ 'આતંકવાદ' સંબંધિત આરોપ પણ મૂકવામાં આવ્યા હતા, જેમાં પ્રતિબંધિત સીપીઆઇ (માઓવાદી) સાથે સંબંધ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કથિત હત્યાનું કાવતરું ઘડવા જેવા આરોપ સામેલ હતા.
હનીબાબુએ ઉચ્ચ અદાલતમાં દલીલ આપી હતી કે તેઓ પાંચ વર્ષથી જેલમાં બંધ છે અને થોડા સમયમાં ટ્રાયલ પૂરી થાય, તેવી કોઈ શક્યતા નથી.
જોકે, બૉમ્બે હાઇકોર્ટના ચુકાદાની લેખિત નકલ હજુ સુધી તેની વેબસાઇટ પર અપલોડ નથી થઈ.
અમદાવાદ ઍરપૉર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટની ઇમર્જન્સી લૅન્ડિંગ
અમદાવાદ ઍરપૉર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટની ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવી છે. આ વિમાન મદીનાથી હૈદરાબાદ જઈ રહ્યું હતું.
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર, "ઍરપૉર્ટ સોર્સના જણાવ્યા પ્રમાણે, 6E 058, ઇન્ડિગો ફ્લાઇટ મદીનાથી હૈદરાબાદ જઈ રહ્યું હતું. તેમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. તેથી તેનું અમદાવાદ ઍરપૉર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું."
એએનઆઈ અનુસાર, આ ફ્લાઇટમાં કુલ 180 મુસાફરો અને 6 ક્રૂ મૅમ્બરો સવાર હતા.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત વિશે શું બોલ્યા રાહુલ ગાંધી?
કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના ભારત પ્રવાસને લઈને પ્રતિક્રિયા આપી છે.
તેમનું કહેવું છે કે વિદેશથી જે પણ નેતા આવે છે, તેમની સાથે તેમની મુલાકાત કરવા દેવામાં આવતી નથી.
રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, "સામાન્ય રીતે આ પરંપરા રહી છે કે જે પણ બહારથી આવે છે, વિપક્ષના નેતા સાથે તેમની મુલાકાતો થાય છે. આ વાજપેયીજી, મનમોહનજીના સમયમાં પણ થતું હતું. આ જ પરંપરા છે."
"પરંતુ, આજકાલ જે વિદેશી ઉચ્ચ અધિકારીઓ આવે છે કે જ્યારે હું બહાર જાઉં છું ત્યારે સરકાર તમને સલાહ આપે છે કે વિપક્ષના નેતા સાથે મુલાકાત ન કરવી."
તેમણે કહ્યું, "માત્ર સરકાર જ હિંદુસ્તાનનું પ્રતિનિધિત્વ નથી કરતી. અમે પણ કરીએ છીએ. સરકાર નથી ઇચ્છતી કે વિપક્ષના લોકો બહારના લોકોને મળે."
રાહુલ ગાંધીનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ પરંપરાનું પાલન નથી કરતા.
રાષ્ટ્રપતિ પુતિન ચાર ડિસેમ્બરે એટલે કે આજે ભારતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.
ડૉલરની સરખામણીએ રૂપિયો સૌથી નીચલાસ્તર પર
ગુરુવારે રૂપિયો શરૂઆતી કારોબારમાં 28 પૈસા તૂટીને અત્યારસુધીના સૌથી નીચલાસ્તરે 90.43 પર પહોંચી ગયો.
આ સાથે એક અમેરિકાના ડૉલરનો ભાવ 90 રૂપિયાથી ઉપર પહોંચી ગયો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, ફૉરેક્સ ટ્રેડરોના જણાવ્યા પ્રમાણે મૌદ્રિક નીતિ સમિતિના મુખ્ય ફેંસલાથી પહેલાં કેન્દ્રીય બૅન્કના સીમિત હસ્તક્ષેપ તથા આયાતકારોની ડૉલરની ઊંચી માંગને કારણે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.
ઇન્ટરબૅન્ક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો 90.36 પર ખૂલ્યો, શરૂઆતી કારોબારમાં તે વધુ નબળો પડીને 90.43ના રેકૉર્ડ નીચલાસ્તરે પહોંચી ગયો. જે ગત ભાવ કરતાં 28 પૈસા નીચે છે.
વિપક્ષોએ આ મામલે સરકાર પર હુમલો કર્યો છે.
કોટક મહિંદ્રાના પૂર્વ સીઈઓ ઉદય કોટકે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "રૂપિયો હવે 90ની પાર છે. તેનું મુખ્ય કારણ ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી છે. પછી તે એફપીઆઈ હોય કે પછી એફડીઆઈના અંતર્ગત પ્રાઇવેટ ઇક્વિટી."
"ભારતીય રોકાણકારો ખરીદી રહ્યા છે. સમય બતાવશે કે કોણ વધુ સમજદાર છે. હાલ તો વિદેશી રોકાણકારો જ સમજદાર માલૂમ પડે છે. એક વર્ષમાં નિફ્ટીનું રિટર્ન ડૉલરમાં શૂન્ય રહ્યું છે પરંતુ આ લાંબાગાળાનો ખેલ છે. હવે સમય છે કે ભારતીય કારોબારી પોતાના આરામ ક્ષેત્રમાંથી બહાર નીકળે."
પુતિનને લઈને ટ્રમ્પે હવે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને તેમના જમાઈ જૅરેડ કશનરની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત સારી રહી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે તેમના સલાહકારોનું માનવું છે કે વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે 'યુદ્ધ સમાપ્ત' કરવા માગે છે. આ નિવેદન અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓની મુલાકાત બાદ આવ્યું છે.
તેમણે ઓવલ ઑફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "મને ખબર નથી કે રશિયા શું કરી રહ્યું છે. હું એટલું કહી શકું છું કે તેમનની રાષ્ટ્રપતિ પુતિન સાથે સારી મિટિંગ થઈ છે. અમે આગળ તપાસ કરીશું, આ એ યુદ્ધ છે, જે શરૂ ન થવું જોઈતું હતું."
આ પહેલાં યુક્રેન યુદ્ધ પર પુતિન અને અમેરિકાના દૂત સ્ટીવ વિટકૉફ વચ્ચે રશિયામાં વાતચીત થઈ હતી.
બેઠકમાં ઉપસ્થિત પુતિનના વિદેશ સલાહકાર યૂરી ઉશાકોવે જણાવ્યું હતું કે "વાતચીત સકારાત્મક રહી, પરંતુ હજુ વધુ કામ કરવાની જરૂર છે."
ઉશાકોવે એમ પણ કહ્યું હતું કે યુક્રેન જે વિસ્તારો તેમની પાસે માંગી રહ્યું છે, તે મુદ્દા પર 'કોઈ સમજૂતી' નથી થઈ.
ઇન્ડિગોની 100થી વધુ ફ્લાઇટ રદ કરાઈ, શું છે કારણ?
ઇન્ડિગો ઍરલાઇને દેશનાં અલગ-અલગ ઍરપોર્ટ પર બુધવારે 100થી વધારે ફ્લાઇટ્સ રદ કરી હતી. ચાલકદળના સભ્યોની અછતના કારણે આવું કરવું પડ્યું હતું. તેના કારણે ઍરપૉર્ટ્સ પર અનેક સેવાઓ ખોરવાઈ ગઈ હતી અથવા વિલંબ થયો હતો.
ઉડ્ડયન સેક્ટરના નિયમનકાર ડીજીસીએએ જણાવ્યું કે ઇન્ડિગોની ફ્લાઇટની કામગીરી ખોરવાઈ જવા વિશે તે તપાસ કરી રહ્યું છે. તેમણે ઍરલાઇનને હાલની સ્થિતિના કારણો જણાવવા કહ્યું છે. આ ઉપરાંત ફ્લાઇટ કેમ રદ કરવામાં આવી અને વિલંબ થયો તેનાં કારણો પણ આપવા કહ્યું છે.
ઇન્ડિગોએ બુધવારે કહ્યું હતું કે તે ઍડજસ્ટમેન્ટ કરી રહી છે. તેના કારણે ફ્લાઇટ કેન્સલ અને રિશિડ્યુલ કરવામાં આવશે. બુધવારે વિમાનોની ઉડાનો રદ થવાના કારણે પ્રવાસીઓએ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
ઇન્ડિગો ઍરલાઈન દરરોજ 2,300થી વધુ ડૉમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
પુતિનની ભારતયાત્રા અગાઉ અમેરિકાએ મોટી જાહેરાત કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારતયાત્રા અગાઉ અમેરિકાએ ભારત સાથે સંરક્ષણ સહયોગને લઈને એક મોટી જાહેરાત કરી છે. અમેરિકાએ આને બંને દેશોના સંરક્ષણ સંબંધો માટે સારા સમાચાર ગણાવ્યા છે.
દક્ષિણ અને મધ્ય એશિયા સંબંધિત અમેરિકન નીતિ પર કામ કરતા બ્યૂરો ઑફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેરે આ માહિતી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આપી હતી.
બ્યૂરોએ જણાવ્યું કે ભારતના સંરક્ષણ મંત્રાલયે પોતાના 24 એસએસ-60 સીહૉક હેલિકૉપ્ટરો માટે સસ્ટેનમેન્ટ પૅકેજ પર સહી કરી છે. આ હેલિકૉપ્ટરો લૉકહીડ માર્ટિન નામની કંપનીએ બનાવ્યાં છે.
નિવેદનમાં જણાવાયું છે કે 94.6 કરોડ ડૉલરનું આ પૅકેજ ભારતીય નેવીની સમુદ્રી ક્ષમતાને મજબૂત બનાવશે અને અમેરિકા સહિત પ્રાદેશિક ભાગીદારો સાથે તાલમેલ વધારશે.
અમેરિકાએ જણાવ્યું કે આ પગલું બંને દેશોને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે.
24 એસએસ-60 આર સીહૉક હેલિકૉપ્ટર બનાવતી કંપનીએ તેને સમુદ્રમાં કામ કરતા વિશ્વનાં સૌથી સારાં હેલિકૉપ્ટર ગણાવ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન