ગુજરાતમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર શરૂ, ક્યાં પડશે અતિભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસર શરૂ, ક્યાં પડશે અતિભારે વરસાદ?
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ જામ્યો તેના માટે કેટલીક સિસ્ટમ કામ કરી રહી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે મહારાષ્ટ્રના વિદર્ભ અને આસપાસના વિસ્તારમાં એક લો-પ્રેશર એરિયા રચાયો છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ સ્થિત છે. આ લો-પ્રેશર એરિયા ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ધીમે ધીમે નબળો પડશે, પરંતુ તે પહેલાં તે ગુજરાત ઉપર પહોંચશે. તેના કારણે 18મી ઑગસ્ટે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હાલમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર, સાઉથ ગુજરાત, કોંકણ અને ગોવા પર 1.5 કિમીથી 5.8 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

આ ઉપરાંત એક ઇસ્ટ-વૅસ્ટ ટ્રોફ રચાયો છે જેના કારણે પશ્ચિમ મધ્ય અને બંગાળની ખાડી પર લો-પ્રેશર એરિયા બન્યો છે. તેના કારણે ઉત્તર આંધ્ર પ્રદેશ અને સાઉથ ઓડિશાના દરિયાકિનારા સુધી એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 18 ઑગસ્ટે ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને જૂનાગઢમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે જે દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.

19 ઑગસ્ટ, મંગળવારે ગુજરાતમાં છ જિલ્લા અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર અને દ્વારકામાં મુશળધાર વરસાદ પડશે તેમ બુલેટિન જણાવે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ ઉપરાંત ભરુચ, સુરત, ડાંગ અને તાપીમાં છૂટાછવાયાં સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે.

રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ હળવાથી મધ્ય વરસાદ પડવાનો છે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની આગાહી છે.

20 ઑગસ્ટ બુધવારે અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે. હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર 20મીએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં રેડ ઍલર્ટની જાહેરાત છે અને આ જિલ્લાઓમાં કેટલાંક સ્થળે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવે છે.

આ ઉપરાંત બુધવારે ભરુચ, સુરત, ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો હોવાથી આ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બાકીના જિલ્લાઓમાં યલો ઍલર્ટ રહેશે અને કેટલાંક સ્થળે ભારે વરસાદ પડશે.

21 ઑગસ્ટે ગુજરાતમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવે છે. બાકીના જિલ્લાઓમાં પણ યલો ઍલર્ટની ઘોષણા કરવામાં આવે છે અને ત્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગ જણાવે છે.

ચોમાસું વરસાદ હવામાન ગુજરાત બીબીસી ગુજરાતી દીપક ચુડાસમા ખેતી પાક પૂર પાણી રેલ વીજળી ખેતર ખેડૂત ગુજરાતમાં સમાચાર હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન