છત્તીસગઢ : હિન્દુ સંગઠનોએ નાતાલનો વિરોધ કર્યો, અનેક સ્થળોએ તોડફોડ કરી – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં હિન્દુ સંગઠનોએ નાતાલનો વિરોધ કર્યો છે અને અનેક સ્થળોએ તોડફોડ કરી છે.

એવો આરોપ છે કે બુધવારે રાયપુરના મેગ્નેટો મૉલમાં કર્મચારીઓને તેમની જાતિ અને ધર્મ વિશે પૂછીને ધમકી આપવામાં આવી અને ત્યાં તોડફોડ કરવામાં આવી.

મેગ્નેટો મૉલનાં માર્કેટિંગ હેડ આભા ગુપ્તાના જણાવ્યા અનુસાર, "મોટી સંખ્યામાં લોકો લાકડીઓ અને હૉકી સ્ટીક સાથે મૉલમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ શરૂ કરી હતી. તેઓ કર્મચારીઓના આઇડી ચકાસી રહ્યા હતા અને પૂછી રહ્યા હતા કે તમે હિન્દુ કે ખ્રિસ્તી."

નાતાલની તૈયારી માટે મૉલને શણગારવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોના ટોળાએ તેને સંપૂર્ણ તોડી નાખ્યો હતો. આભા ગુપ્તાના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 15થી 20 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

અન્ય ઘણા વિસ્તારોમાં પણ દુકાનદારો પર હુમલો અને તોડફોડના અહેવાલો આવ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 115(2), 190, 191(2), 324(2) અને 331(3) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરાઈ છે. જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

દરમિયાન છત્તીસગઢના મુખ્ય મંત્રી વિષ્ણુદેવ સાયે રાજ્યના લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી છે.

તેમણે કહ્યું કે નાતાલનો તહેવાર પ્રેમ, કરુણા, બલિદાન અને સેવાની ભાવનાને મજબૂત કરવાનો સંદેશ આપે છે.

મુખ્ય મંત્રીએ કામના કરી કે આ નાતાલનો તહેવાર રાજ્યના તમામ નાગરિકો માટે ખુશી, આરોગ્ય, સમૃદ્ધિ અને શાંતિ લાવે અને દરેકના પ્રયાસોથી છત્તીસગઢ સતત પ્રગતિના રસ્તે આગળ વધે.

ગુજરાત : જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું

પંચમહાલ જિલ્લાના શહેરા મતવિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે.

તેઓ આજે રાજીનામું આપવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મળ્યા હતા. તેઓ રાજીનામું આપવા પહેલાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પણ મળ્યા હતા.

તેમણે અંગત કારણ આગળ ધરીને રાજીનામું આપ્યું હોવાની અટકળો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ જેઠાભાઈ ભરવાડના રાજીનામાની ખબરની પુષ્ટિ કરી છે.

ગુજરાતના માહિતી વિભાગની પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું, "તેઓ અનેક પદો પર રહ્યા છે અને પંચમહાલની ઘણી સેવા કરી છે. તેમણે તેમની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું છે."

ઉન્નાવ રેપ કેસ : મહેબૂબા મુફ્તી બોલ્યાં, હાઇકોર્ટનો ચુકાદો સર્વાઇવર માટે ભયાવહ સંદેશ

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ ઉન્નાવ રેપ કેસના દોષી કુલદીપ સેંગરના મામલે દિલ્હી હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપ શાસન પર પણ ટિપ્પણી કરી છે.

મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "દિલ્હી હાઇકોર્ટ તરફથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની જનમટીપની સજાને સસ્પેન્ડ કરવાથી રેપ સર્વાઇવરને ભયાવહ સંદેશ ગયો છે."

"દુ:ખની વાત એ છે કે આ નવી વાત નથી. કારણકે ભાજપ રાજમાં ક્રૂર રેપના મામલામાં હળવાશ સામાન્ય વાત છે. આવા ચુકાદા સામે વિરોધ કરવાનું પણ જાણે કે ગુનો બની ગયું છે. જેમાં પ્રદર્શનકારીઓને ભયંકર રીતે મારવામાં આવે છે, જબરજસ્તી હઠાવવામાં આવે છે."

ઉન્નાવ બળાત્કાર મામલામાં ટ્રાયલ કોર્ટ તરફથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને 2019માં જનમટીપની સજા સંભળાવવામાં આવી હતી.

જનમટીપની સજા મળ્યા બાદ છ વર્ષથી વધુ સમય પછી દિલ્હીની હાઇકોર્ટની એક ખંડપીઠે મંગળવારે તેમની સજાને સસ્પેન્ડ કરી દીધી.

પીએમ મોદીએ ચર્ચ પહોંચીને શું કર્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ક્રિસમસની શુભકામના પાઠવી છે. આ પ્રસંગે ગુરુવારે સવારે તેઓ દિલ્હીના કૅથેડ્રલ ચર્ચ પહોંચ્યા હતા.

તેમણે તેની સાથે જોડાયેલી તસવીરો પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કરી છે.

પીએમ મોદીએ લખ્યું, "દિલ્હીમાં ધ કૅથેડ્રલ ચર્ચ ઑફ ધ રિડેમ્પશનમાં ક્રિસમસની સવારની સર્વિસમાં સામેલ થયો. સર્વિસમાં પ્રેમ, શાંતિ અને કરૂણાનો શાશ્વત સંદેશની ઝલક મળી. ક્રિસમસની ભાવના અમારા સમાજમાં સદ્ભાવ અને ભાઈચારો લાવે."

કર્ણાટકના ચિત્રદુર્ગમાં સ્લીપર કોચ ધરાવતી બસ સળગતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મૃત્યુ

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં છે અને 24 લોકો ઘાયલ થઈ ગયા છે. આ અકસ્માત નૅશનલ હાઇવે 48 પર થયો છે.

ચિત્રદુર્ગના ડીસી (જિલ્લાધિકારી)એ બીબીસીને જણાવ્યું કે "આ અકસ્માત બુધવારે રાત્રે લગભગ 2 વાગ્યે થયો છે. જેમાં બૅંગ્લુરુથી ગોકર્ણ જઈ રહેલી એક બસ અને સામેથી આવતી એક ટ્રક વચ્ચે ટક્કર થઈ. બાદમાં બસમાં આગ લાગી ગઈ."

"આ સ્લીપર કોચ હતી. જેમાં 32 મુસાફરો હતા, અમે 11 મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તમામ ઘાયલો નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."

ઘટનાસ્થળથી મળી રહેલી તસવીરોમાં દેખાય છે કે આ અકસ્માત ગંભીર છે. જેમાં બસ આખી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, જ્યારે કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે.

અમેરિકન અધિકારીઓને મળ્યા દસ લાખ કરતાં વધુ દસ્તાવેજ, જેફ્રી ઍપ્સ્ટીન સાથે સંકળાયેલા હોવાની આશંકા

અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે તેમને દસ લાખ કરતાં વધુ દસ્તાવેજ મળ્યા છે, જેનો સંબંધ યૌન અપરાધી જેફ્રી ઍપ્સ્ટીન સાથે હોઈ શકે છે.

અમેરિકન અધિકારીઓ પ્રમાણે, તેઓ આગામી દિવસો અને અઠવાડિયાંમાં આ દસ્તાવેજો જાહેર કરવાની યોજના ઘડી રહ્યા છે.

અમેરિકન તપાસ એજન્સી ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને ન્યૂ યૉર્કમાં સંઘીય પ્રૉસિક્યૂટરે ન્યાય વિભાગને આ ફાઇલો વિશે જાણ કરી.

ન્યાય વિભાગે બુધવારે કહ્યું, "અમારા વકીલ પીડિતોના રક્ષણ માટે કાયદાકીય રીતે જરૂરી બદલાવ કરવા અને સમીક્ષા કરવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે, અને અમે દસ્તાવેજો શક્ય એટલા જલદી જાહેર કરીશું."

વિભાગે કહ્યું કે તમામ ફાઇલો જાહેર થવામાં 'અમુક અઠવાડિયાં હજુ' લાગી શકે છે. 19 ડિસેમ્બર સુધી એપસ્ટીન મામલા સાથે સંકળાયેલી તમામ ફાઇલો જાહેર ન થતાં ન્યાય વિભાગની તપાસ થઈ રહી છે.

એક નવા કાયદા અંતર્ગત વિભાગે નક્કી સમયમર્યાદામાં આ દસ્તાવેજ જાહેર કરવાના હતા.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક શિક્ષકનું મોત

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટનામાં એક શિક્ષકનું મૃત્યુ થયું છે. એએમયુના પ્રૉક્ટર મોહમ્મદ વસીમ અલીએ જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે લગભગ નવ વાગ્યે બની હતી.

તેમણે કહ્યું, "અમને લાઇબ્રેરી પાસે ફાયરિંગ થયાની માહિતી મળી અને તેમાં કોઈ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે અને તેમને ઇલાજ માટે લઈ જવાઈ રહ્યા છે."

"મેડિકલ કૉલેજ પહોંચતાં અમને ખબર પડી કે જે વ્યક્તિને ગોળી વાગી છે, તેમનું નામ રાવ દાનિશ અલી છે અને તેઓ યુનિવર્સિટીની એબીકે સ્કૂલમાં શિક્ષક છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે સાત-આઠ ગોળીઓ ફાયર થઈ."

વસીમ અલીએ જણાવ્યું કે દાનિશ અલીને માથે ગોળી વાગી હતી અને ઇલાજ દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન