You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિરાટ કોહલી વનડે રૅન્કિંગમાં બીજા ક્રમે, ટોચના બૅટ્સમૅનની યાદીમાં ભારતના આ ખેલાડીઓ સામેલ – ન્યૂઝ અપડેટ
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની (આઇસીસી) તાજેતરની વન-ડે રૅન્કિંગમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી બીજા ક્રમે પહોંચી ગયા છે. આ પહેલાં તેઓ ચોથા ક્રમે હતા.
આઇસીસીએ બુધવારે તમામ ફૉર્મેટ માટે તાજેતરનું રૅન્કિંગ બહાર પાડ્યું હતું. વનડેમાં 781 પૉઇન્ટ સાથે રોહિત શર્મા પ્રથમક્રમે યથાવત્ છે, જ્યારે 773 અંક સાથે કોહલી બીજા નંબર પર છે.
આ સિવાય કૅપ્ટન શુભમન ગિલ 723 પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે જળવાયેલા છે.
તાજેતરમાં ભારત ખાતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મૅચની સિરીઝ રમાઈ હતી, જેમાં કોહલીએ બે સદી તથા એક અડધી સદી ફટકારી હતી. કોહલીએ સિરીઝ દરમિયાન કુલ 302 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીના આ પ્રદર્શનને કારણે જ તેમને 'પ્લેયર ઑફ ધ સિરીઝ'નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ટેસ્ટ સિરીઝમાં 2-0થી પરાજય બાદ ભારતે 2-1થી વનડે ખિતાબ ઉપર કબજો કર્યો હતો. હાલમાં ભારત તથા દક્ષિણ આફ્રિકાની વચ્ચે પાંચ મૅચોની ટી-20 સિરીઝ રમાઈ રહી છે, જેમાં ભારત 1-0થી આગળ છે.
યુનેસ્કોના અમૂર્ત વારસાની યાદીમાં દિવાળી સામેલ
યુનેસ્કોએ (યુનાઇટેડ નૅશન્સ ઍજ્યુકેશનલ, સાયન્ટિફીક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન) દિવાળીનો સમાવેશ 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'ની શ્રેણીમાં કર્યો છે.
યુનેસ્કોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આના વિશે માહિતી આપી અને અભિનંદન પાઠવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર લખ્યું,"ભારત તથા વિશ્વભરના લોકો ઉત્સાહિત છે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ થવાને કારણે આ તહેવારની વૈશ્વિક લોકપ્રિયતા હજુ વધશે."
વિદેશમંત્રી એસ જયશંકરે ઍક્સ પર લખ્યું, "યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં 'દિવાળી'ને સામેલ કરવીએ ખુશીની વાત છે. આ યાદીમાં સાંસ્કૃતિક વારસાને સામેલ કરવું તે આ તહેવારના વ્યાપક સાંસ્કૃતિક, ધાર્મિક તથા આધ્યાત્મિક મહત્ત્વ તથા લોકોને એકસાથે લાવવા એ તેની ભૂમિકાને માન્યતા આપશે."
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "અનિષ્ટ પર સારપના વિજય તથા ભગવાન રામના અયોધ્યામાં પુનર્રાગમનના પ્રતીક તથા વિશ્વભરમાં ઊજવાતા દિવાળીના તહેવારને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે."
અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે શું?
યુનેસ્કોની વેબસાઇટ ઉપર જણાવ્યા પ્રમાણે, "આ યાદીમાં એવી પરંપરા તથા જીવિત અભિવ્યક્તિઓ પણ સામેલ છે, જે આપણને આપણા પૂર્વજો પાસેથી મળી છે અને તે આપણી આગામી પેઢીઓને વારસામાં મળે છે."
આ વખતે યુનેસ્કોએ 'કંપાસ ઑફ હૈતી', આઇસલૅન્ડના 'સ્વિમિંગ પૂલ કલ્ચર', ઇરાકની સામાજિક પરંપરા 'અલ મુહૈબિસ', જૉર્ડનના 'અલ-મિહરાસ ટ્રી', કુવૈતના 'દિવાનિયા', ઘાનાની 'હાઇલાઇફ' સહિત અનેક દેશોની પરંપરાઓને આ યાદીમાં સામેલ કરવામાં આવી છે.
એમેઝોન આવનારાં પાંચ વર્ષમાં ભારતમાં કરશે 35 અબજ ડૉલરનું રોકાણ
દુનિયાની અગ્રણી ઈ-કૉમર્સ કંપની એમેઝોને કહ્યું છે કે તે આવનારાં પાંચ વર્ષમાં ભારતમાં 35 અબજ ડૉલરનું રોકાણ કરશે.
બુધવારે આયોજિત એક કાર્યક્રમમાં કંપનીના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ (ઇમર્જિંગ માર્કેટ) અમીત અગ્રવાલે કહ્યું કે 35 અબજ ડૉલર કરતાં વધારે રોકાણ મારફતે કંપની ઑપરેશન વિસ્તાર તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને મજબૂત કરવાની યોજના ધરાવે છે.
આ વર્ષે મોટી અમેરિકાની ટૅક કંપનીઓએ ભારતમાં અબજો ડૉલરનું રોકાણ કરવાનું ઍલાન કર્યું છે.
એક દિવસ પહેલા જ માઇક્રોસૉફ્ટે 2030 સુધીમાં એઆઈ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 17.5 અબજ ડૉલરના રોકાણનું વચન આપ્યું છે. જે એશિયામાં તેનું સૌથી મોટું રોકાણ હશે.
ગૂગલે આવનારાં પાંચ વર્ષમાં એઆઈ ડેટા સેન્ટર બનાવવા માટે 15 અબજ ડૉલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
એમેઝોને કહ્યું છે કે તેનું રોકાણ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારતમાં પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા માટે હશે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, અમેરિકાની આ ઈ-કૉમર્સ કંપની 2010 બાદ ભારતમાં 40 અબજ ડૉલરનું રોકાણ કરી ચૂકી છે. 2023માં તેણે દેશમાં પોતાની ઉપસ્થિતિ વધારવા માટે 26 અબજ ડૉલરના રોકાણની ઘોષણા કરી હતી.
'ભાગેડુ' મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ સામે કરાયેલી અપીલ બૅલ્જિયમ સુપ્રીમ કોર્ટે ફગાવી
બૅલ્જિયમની સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રત્યાર્પણ સામે દાખલ કરવામાં આવેલી મેહુલ ચોકસીની અપીલને ફગાવી દીધી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, ભારતે બૅલ્જિયમમાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની અપીલ કરી હતી. ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીએ તેની સામે ઍન્ટવર્પ કોર્ટમાં પડકાર આપતી અરજી કરી હતી. પરંતુ નીચલી કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી.
ગત ઑક્ટોબરમાં મેહુલ ચોકસીએ પ્રત્યાર્પણને પડકારતી વધુ એક અરજી બૅલ્જિયમની સર્વોચ્ચ અદાલતમાં કરી હતી.
ચોકસીના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ, પ્રવર્તન નિદેશાલય અને સીબીઆઈએ બૅલ્જિયમ કોર્ટમાં અપીલ કરી હતી.
ઑલ ઇન્ડિયા રેડિયોએ જણાવ્યા અનુસાર, ચોકસી ગત એપ્રિલ મહિનાથી જ ઍન્ટવર્પ જેલમાં બંધ છે. તેના પર કુલ 13,000 કરોડ રૂપિયાના બૅન્ક ફ્રૉડનો આરોપ છે.
થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલી લડાઈ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાઈ રોકાવડાવી હોવાનો દાવો કર્યો.
પેન્સિલ્વેનિયામાં એક રેલી દરમિયાન ટ્રમ્પે કહ્યું, "ગત દસ મહિનામાં આઠ યુદ્ધો સમાપ્ત કર્યાં છે. જેમાં કોસોવો-સર્બિયા, આર્મેનિયા અને અઝરબૈજાન, આ તમામ આમને-સામને હતાં."
"મને આ કહેતા સારું નથી લાગતું, કંબોડિયા અને થાઇલૅન્ડ આજે ફરી શરૂ થઈ ગયાં છે. કાલે મારે એક કૉલ કરવાનો છે...હું કરીશ અને બે ઘણા શક્તિશાળી દેશો, થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકી દઈશ."
તેમણે કહ્યું, "તેઓ ફરી આમને-સામને છે,પરંતુ હું કરી દઈશ. અમે શક્તિ સાથે શાંતિ સ્થાપિત કરી રહ્યા છીએ..."
આ વર્ષે મે મહિનામાં બંને દેશો વચ્ચે જ્યારે સંઘર્ષ પેદા થયો હતો ત્યારે ટ્રમ્પે મધ્યસ્થતાનો દાવો કર્યો હતો અને સંઘર્ષવિરામ પર સહમતિ બની હતી. બંને દેશો વચ્ચે મેથી અત્યારસુધી 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
ઇન્ડિગોની ઉડાનોમાં સરકારે 10 ટકાનો કાપ મુકવાનો આપ્યો આદેશ
ઇન્ડિગો ઍરલાઇન્સ પર ભારતમાંં મોનોપોલીના આરોપ લાગ્યા છે, ત્યારે સરકારે ઇન્ડિગોને તેના રૂટમાં 10 ટકાનો કાપ મુકવા આદેશ આપ્યો છે.
મંગળવારે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ઍક્સ પર લખ્યું કે મંત્રાલયને લાગે છે કે ઇન્ડિગોના રૂટમાં કાપ મુકવાની જરૂર છે. તેનાથી સંચાલન સ્થિર થશે અને કૅન્સલેશન ઘટશે. કંપનીને 10 ટકા સુધી કાપ મુકવા આદેશ અપાયો છે.
તેમણે કહ્યું કે ઇન્ડિગોના સીઈઓ પીટર ઍલ્બર્સને ઍરલાઇનના સ્થિરીકરણ પ્રક્રિયાની માહિતી આપવા માટે મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા.
નાયડુએ લખ્યું કે "ઇન્ડિગોના સીઈઓ પીટર ઍલ્બર્સે પુષ્ટિ કરી છે કે 6 ડિસેમ્બર સુધી અસરગ્રસ્ત તમામ ફ્લાઇટ માટે 100 ટકા રિફંડ આપી દેવામાં આવ્યું છે. બાકીનું રિફંડ અને બૅગેજ હૅન્ડઓવરને ઝડપથી પૂર્ણ કરવા આદેશ અપાયો છે."
અગાઉ આઠમી ડિસેમ્બરે ડીજીસીએએ ઇન્ડિગોને પોતાની ઉડાનોમાં પાંચ ટકાનો કાપ મુકવા કહ્યું હતું.
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આગને કારણે 22 લોકોનાં મૃત્યુ
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક ઑફિસ બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે ઓછામાં ઓછા 22 લોકોનાં મૃત્યુ થયાં છે.
સાત માળની આ ઇમારતમાં મંગળવારે બપોરે આગ લાગી હતી. શહેર પોલીસના પ્રમુખ સુસાત્યો પુરનોમો કૉન્ડ્રોએ જણાવ્યું કે આગ લાગવાના સમયે કેટલાક કર્મચારીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા.
પોલીસને પ્રાથમિક તપાસમાં માલુમ પડ્યું છે કે પહેલા માળે એક બૅટરી ફાટવાને કારણે આગ લાગી હતી. પછી આ આગ આખી ઇમારતમાં ફેલાઈ ગઈ. આ બિલ્ડિંગ ડ્રૉન બનાવનારી કંપનીની છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મહિલાઓ વધુ છે. જેમાં એક મહિલા ગર્ભવતી હતાં. પોલીસને આશંકા છે કે મહત્તમ મૃત્યુ ધુમાડાને કારણે શ્વાસ રુંધાવાને કારણે થયાં છે.
રાહત અને બચાવ માટે ફાયર બ્રિગેટની 28 ગાડીઓ અને લગભગ 100 જેટલા ફાયરફાઇટર્સ કામે લાગ્યાં હતાં.
આગ કાબૂમાં આવી ગઈ છે પરંતુ રૅસ્ક્યૂ ટીમ શોધખોળ કરી રહી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી20 સિરીઝની પહેલી મૅચમાં ભારતની ટીમે દક્ષિણ આફ્રિકા પર 101 રને જીત પ્રાપ્ત કરી છે.
ઓડિશાના કટકમાં રમાયેલી આ મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલી બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતના 176 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 74 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
પહેલા બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી. પહેલી વિકેટ શુભમન ગિલની પડી હતી. તેઓ માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવ પણ વધારે રન નહોતા બનાવી શક્યા અને 12 રન બનાવીને આઉટ થઈ ગયા.
અભિષેક શર્મા 17 રન બનાવીને આઉટ થયા તો ચોથી વિકેટ તિલક વર્માની પણ પડી. તેમણે 26 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 23 રન બનાવ્યા હતા.
હાર્દિક એક છેડો સાચવીને બેઠા હતા. શિવમ દુબે પણ 11 રન પર આઉટ થઈ ગયા.
સૌથી વધારે રન હાર્દિક પંડ્યાએ બનાવ્યા. તેઓ 59 રન પર નોટઆઉટ રહ્યા. જિતેશ શર્માએ 11 રન બનાવ્યા હતા અને તેઓ પણ નોટઆઉટ રહ્યા.
176 રનનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ સારી નહોતી. પહેલી જ ઓવરમાં અર્શદીપસિંહે ક્વિંટન ડિકૉકને સ્લીપ પર અભિષેક શર્માના હાથે કૅચ આઉટ કર્યા. ત્યાર પછી તેની સતત વિકેટ પડતી ગઈ.
આઠ ઓવરમાં આફ્રિકાની અડધી ટીમ આઉટ થઈ ચૂકી હતી. અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટો ઝડપી જ્યારે કે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ એક-એક વિકેટ ઝડપી હતી. જિતેશ શર્માએ વિકેટની પાછળ ચાર કૅચ ઝડપ્યા હતા.
આ જીત બાદ ભારતે પાંચ ટી20 મૅચની આ સિરીઝમાં 1-0થી બઢત બનાવી લીધી છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન