અમદાવાદ-ભાવનગર ઍક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, ત્રણનાં મોત – ન્યૂઝ અપડેટ

અમદાવાદ-ભાવનગર ઍક્સપ્રેસ હાઇવે પર અકસ્માત, ત્રણનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

બીબીસી ગુજરાતીના સુરેન્દ્રનગર જિલ્લાના સહયોગી સચીન પિઠવાના જણાવ્યા અનુસાર અમદાવાદ-ભાવનગર ઍક્સપ્રેસ હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં છે જ્યારે કે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ-ભાવનગર ઍક્સપ્રેસ હાઇવે પર કાર ભાવનગર જઈ રહી હતી ત્યારે તેનો વેજળકા નજીક અકસ્માત થયો હતો. જેમાં એક દંપતિ સહીત ત્રણ લોકોનાં મોત થયાં છે.

આ કાર સિમેન્ટનાં બનેલાં બ્લૉક્સ સાથે અથડાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર જે બે લોકો ઘાયલ થયા છે તેમને ભાવનગરની સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

સચીન પિઠવાના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનાની તપાસ કોઠ પોલીસ કરી રહી છે.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રમ્પ-જિનપિંગની બેઠક પહેલાં વાટાઘાટો અંગે સહમતિ સધાઈ

ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતિ, સ્કૉટ બેસન્ટ, દક્ષિણ કોરિયામાં મુલાકાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાતની ફાઇલ તસવીર

ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દક્ષિણ કોરિયામાં મળવાના છે. એ પહેલાં બંને દેશો વચ્ચે વેપારી વાટાઘાટો માટેનું માળખું તૈયાર થઈ ગયું છે.

અમેરિકાના વાણિજ્ય મંત્રી સ્કૉટ બૅસન્ટે બીબીસીની સહયોગી ચૅનલ સીબીએસને જણાવ્યું હતું કે ટીકટૉકના વેચાણ તથા ચીન દ્વારા રૅર અર્થ મિનરલ્સ ઉપરનાં નિયંત્રણો ઘટાડવા અંગે પણ 'ફાઇનલ ડિલ' થઈ છે.

ટ્રમ્પ દ્વારા અમેરિકામાં આવતાં ચાઇનિઝ ઉત્પાદનો ઉપર 100 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો, ત્યારે સ્કૉટનું કહેવું છે કે તેનો અમલ કરવાની જરૂર નહીં પડે એમ લાગે છે. સાથે જ ચીન દ્વારા અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી વધારવામાં આવશે.

હાલ વિશ્વનાં ટોચનાં બે અર્થતંત્રો વેપારી સંઘર્ષ ટાળવા માટે પ્રયાસરત્ હોય તેમ જણાય છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ એક અઠવાડિયાના એશિયાના પ્રવાસે છે, હાલમાં તેઓ મલેશિયા ખાતે આસિયાન દેશોની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેતી વેળાએ સ્કૉટે ચીનના વેપારી પ્રતિનિધિમંડળ સાથે વાત કરી હતી.

મોહમ્મદ યુનુસ અને પાકિસ્તાની સેનાના જનરલ વચ્ચે શું ચર્ચા થઈ?

મોહમ્મદ યુનુસ અને પાકિસ્તાની સેનાના જનરલ વચ્ચે શું ચર્ચા થઈ?

ઇમેજ સ્રોત, X@ChiefAdviserGoB

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાંગ્લાદેશની આંતરિક સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પાકિસ્તાનના જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ જનરલ સાહિર શમશાદ મિર્ઝા સાથે મુલાકાત કરી.

આ મુલાકાત શનિવાર રાત્રે ઢાકામાં થઈ હતી. મુખ્ય સલાહકાર યુનુસ તરફથી એક નિવેદન જારી કરીને આ માહિતી આપવામાં આવી.

નિવેદનમાં જણાવાયું છે, "મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને સંરક્ષણ સહકાર સહિત બાંગ્લાદેશ-પાકિસ્તાન સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ."

જનરલ મિર્ઝાએ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વેપાર, કનેક્ટિવિટી અને રોકાણના વિસ્તરણની વિશાળ શક્યતાઓનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, "અમે એકબીજાને સહકાર આપશું."

તેમણે જણાવ્યું કે કરાચી અને ચટગાંવ વચ્ચે દ્વિ-માર્ગી શિપિંગ રૂટ શરૂ થઈ ગયો છે, અને આવતા મહિનાઓમાં ઢાકા અને કરાચી વચ્ચે હવાઈ સેવા શરૂ થવાની આશા છે.

બીજી તરફ, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે કહ્યું, "સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ભ્રામક સમાચારની ભરમાર છે. તેનો ઉપયોગ અરાજકતા ફેલાવવા માટે થઈ રહ્યો છે. આ ખતરા સામે લડવા માટે વૈશ્વિક સ્તરે મજબૂત પ્રયાસ જરૂરી છે."

રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા છોડતા સમયે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટની ચર્ચા કેમ?

રોહિત શર્મા, વનડે ક્રિકેટમાંથી સંન્યાસ, ટેસ્ટ ક્રિકેટમાંથી ક્ષેત્રન્યાસ, ઓસ્ટ્રેલિયા વનડે અને ટી-20 ટુર્નામેન્ટ, ઓસ્ટ્રેલિયા વનડે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, SAEED KHAN/AFP via Getty

ઇમેજ કૅપ્શન, રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી મૅચમાં સદી ફટકારી હતી

ભારતના ધૂરંધર બૅટ્સમૅન રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયાથી ભારત આવતી વખતે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જે ખૂબ જ વાઇરલ થઈ છે.

રોહિત શર્માએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક તસવીર પોસ્ટ કરીને લખ્યું, "છેલ્લીવાર સિડનીમાંથી વિદાય લઈ રહ્યો છું." આ પોસ્ટની સાથે શર્માએ "પંચ"નો ઇમૉજી મૂક્યો હતો. સાથે જ આ તસવીર 'ડિપાર્ચર ગૅટ' ઉપર લેવામાં આવી હતી.

થોડા સમય પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો, એ પછી એવી અટકળો હતી કે ઑસ્ટ્રેલિયાની ટુર્નામેન્ટ, રોહિત શર્માનો છેલ્લો પ્રવાસ હશે. હવે, તેઓ ફરીવાર કદાચ ઑસ્ટ્રેલિયા રમવા ન જઈ શકે.

છેલ્લી વન-ડે મૅચ પછી એડમ ગિલક્રિસ્ટ તથા રવિ શાસ્ત્રી સાથે વાતચીતમાં રોહિત શર્માએ કહ્યું હતું કે 'મને ખબર નથી કે હું ફરીવાર ક્રિકેટ રમવા માટે ઑસ્ટ્રેલિયા આવીશ કે નહીં.'

ઑસ્ટ્રેલિયા સામેની ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો 2-1થી પરાજય થયો હતો.

રોહિત શર્મા, વનડે ક્રિકેટમાંથી સંન્યાસ, ટેસ્ટ ક્રિકેટમાંથી ક્ષેત્રન્યાસ, ઓસ્ટ્રેલિયા વનડે અને ટી-20 ટુર્નામેન્ટ, ઓસ્ટ્રેલિયા વનડે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, X/@ImRo45

ઇમેજ કૅપ્શન, રોહિત શર્માની ઍક્સ પોસ્ટનો સ્ક્રિનશોટ

રોહિત શર્માએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેમને 'પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

રોહિત શર્માએ ત્રણ મૅચમાં 202 રન બનાવ્યા હતા. એક મૅચમાં તેમણે સદી તથા અન્ય એક મૅચમાં અડધી સદી ફટકારી હતી. આ ત્રણ મૅચ દરમિયાન તેમની સરેરાશ 101 રનની રહી હતી.

આગામી દિવસોમાં ઑસ્ટ્રેલિયા સાથેની પાંચ ટી-20 મૅચની સિરીઝ શરૂ થશે, જેની પહેલી મૅચ બુધવારે (તા. 29 ઑક્ટોબર) રમાશે.

શંકર ચૌધરી ત્રીજી વખત બનાસ ડેરીના ચૅરમૅન બન્યા

શંકર ચૌધરી ત્રીજી વખત બનાસ ડેરીના ચૅરમૅન બન્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

બીબીસી ગુજરાતીના બનાસકાંઠાના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા પ્રમાણે બનાસ ડેરીના ચૅરમૅનપદે શંકર ચૌધરીની ત્રીજી વખત વરણી થઈ છે.

વાઇસ ચૅરમૅનપદે ભાવાભાઈ રબારીની નિયુક્તી થઈ છે.

બનાસ ડેરીના નિયામક મંડળે શંકર ચૌધરીના નામ પર પસંદગીની મહોર મારી હતી. શંકર ચૌધરીની પસંદગી થાય તે પહેલાં બનાસ ડેરીના 16 ડિરેક્ટરોની એક બેઠક યોજાઈ હતી અને તેમાં શંકર ચૌધરી ચૅરમૅનપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

ચૅરમૅનપદે વરણી થયા બાદ શંકર ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું, "મારું સૌભાગ્ય છે કે મને ફરીથી બનાસ ડેરીના ચૅરમૅનપદની જવાબદારી સોંપવામાં આવી છે. બનાસ ડેરીનું ગૌરવ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં વધે તેવા અમે પ્રયત્ન કરીશું અને પશુપાલકોને મહત્ત્મ લાભ અપાવીશું."

બનાસડેરીના નિયામક મંડળની આ વખતની ચૂંટણીમાં 16 પૈકી 15 બેઠકો પર બિનહરીફ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા.

શંકર ચૌધરી હાલ ગુજરાત વિધાનસભામાં સ્પીકર છે. તેઓ વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી ધારાસભ્યપદે ચૂંટાયા હતા.

ભારત દ્વારા રશિયન ઑઇલની ખરીદી અંગે ટ્રમ્પે મોટો દાવો કર્યો

મલેશિયામાં ટ્રમ્પ, ભારત દ્વારા રશિયા અને ચીન પાસેથી ક્રૂડઓઇલની ખરીદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની મુલકાત, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ભારત 'સંપૂર્ણપણે ઘટાડી' રહ્યું છે.

ટ્રમ્પ એક અઠવાડિયાના એશિયાના પ્રવાસે છે. દક્ષિણ કોરિયામાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.

અમેરિકાના રાષ્ટ્રપતિના સરકારી વિમાન ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત કરતી વેળાએ ટ્રમ્પે કહ્યું કે રશિયા પાસેથી ક્રૂડ ઑઇલની ખરીદી અંગે તેઓ ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી શકે છે.

ટ્રમ્પે કહ્યું, "રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું ચીને મહદંશે ઘટાડી દીધું છે અને ભારત તેને સંપૂર્ણપણે ઘટાડી રહ્યું છે."

આ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ રશિયા સાથે શાંતિ સમાધાન માટે ચીનની મદદ લેવા ઇચ્છશે, જેથી કરીને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત કરી શકાય.

યુક્રેન સાથે યુદ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયા ઉપર મોટાપાયે પ્રતિબંધ લાદ્યા એ પછી ચીન રશિયાનું આધારભૂત સહયોગી બની ગયું છે.

ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવામાં આવે છે, જેથી કરીને અમેરિકા દ્વારા ભારત ઉપર 25 ટકાના સામાન્ય ટેરિફ ઉપરાંત વધારાનો 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

બીજી બાજુ, ટ્રમ્પ મલેશિયાની રાજધાની કુઆલાલંપુર પહોંચ્યા તે પહેલાં તેમના વિરુદ્ધ રેલી કાઢવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી એએફપીના વીડિયોમાં જોઈ શકાય છે કે દેખાવકારો ટ્રમ્પ વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા.

દેખાવકારોના હાથોમાં પેલેસ્ટાઇનનાં ઝંડા અને બૅનર હતાં. જેની ઉપર લખેલું હતું, 'ટ્રમ્પ અહીં તમારું સ્વાગત નથી.'

મલેશિયામાં ટ્રમ્પની હાજરીમાં થાઇલૅન્ડ અને કંબોડિયાએ શાંતિકરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

સુરેન્દ્રનગરમાં જમણવારમાં છાશ પીધા બાદ 200 લોકોને ફૂડ પૉઇઝનિંગ

બીબીસી ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર ફૂડ પોઈઝનિંગ ડૉક્ટર

ઇમેજ સ્રોત, Sachin Pithwa

ઇમેજ કૅપ્શન, ફૂડ પૉઇઝનિંગના પગલે અસરગ્રસ્તોને લિંબડી અને વઢવાણની હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે

સુરેન્દ્રનગરના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પૉઇઝનિંગની ઘટના બની છે. પ્રાથમિક માહિતી પ્રમાણે પ્રસંગમાં છાશ પીધા બાદ 200થી વધુ લોકોની તબિયત લથડતા સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર સચીન પીઠવા અનુસાર અસરગ્રસ્તોમાં નાનાં બાળકો, મહિલાઓ અને યુવાનો સામેલ છે. ફૂડ પૉઇઝનિંગનો ભોગ બનેલા લોકોને લીંબડી અને વઢવાણની હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું બીબીસીના સહયોગી સચીન પીઠવાએ જણાવ્યું છે. ​​​​​​​

ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગોમટા ગામે પહોંચી હતી. જિલ્લાના આરોગ્ય વિભાગે ફૂડ પૉઇઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટૅસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.

ટ્રમ્પે એક જાહેરખબરના કારણે કૅનેડા પર ફરી ટેરિફ વધાર્યા

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા કૅનેડા ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે મલેશિયા જવા માટે રવાના થતી વખતે ટેરિફમાં વધારાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કૅનેડાથી આયાત કરવામાં આવતા સામાન પર ટેરિફ વધારી રહ્યા છે.

તેમણે એક જાહેરખબરના પગલે આ નિર્ણય લીધો છે. કૅનેડાના ઓન્ટારિયો પ્રોવિન્સે આ જાહેરખબર છપાઈ હતી જેમાં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રિગનને દર્શાવવામાં આવ્યા હતા. આ જાહેરખબર 'ઍન્ટી-ટેરિફ'ના ભાગરૂપે હતી.

શનિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ટ્રમ્પે આ જાહેરખબરને 'છેતરપિંડી' ગણાવી હતી અને કૅનેડાના અધિકારીઓની ટીકા કરી હતી કારણ કે તેમણે વર્લ્ડ સિરીઝ બેઝબૉલ ચેમ્પિયનશિપ અગાઉ હટાવી ન હતી.

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે "હકીકતની ખોટી રીતે રજૂઆત અને આ વિરોધી પગલાંના કારણે કૅનેડા પર લગાવાતા ટેરિફમાં 10 ટકાનો વધારો કરું છું."

ટ્રમ્પે ગુરુવારે કૅનેડા સાથેની વ્યાપાર મંત્રણામાંથી પોતાની જાતને અલગ કરી હતી. ત્યાર પછી ઓન્ટારિયોના પ્રીમિયરે કહ્યું કે તેઓ આ જાહેરખબર હટાવી લેશે.

કૅનેડા જી-7 સમૂહમાં એકમાત્ર એવો દેશ છે જેણે હજુ સુધી અમેરિકા સાથે વ્યાપાર સંધિ નથી કરી.

અમેરિકાએ પહેલેથી કૅનેડાના માલસામાન પર 35 ટકા ટેરિફ લગાવ્યો છે. જોકે, હાલના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે મોટા ભાગના સામાનને તેમાંથી મુક્તિ મળી છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ અફઘાનિસ્તાન સાથે યુદ્ધની ચેતવણી આપી

બીબીસી ગુજરાતી અફઘાનિસ્તાન પાકિસ્તાન તાલિબાન ખ્વાજા આસિફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે "જો વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ નહીં આવે તો પાકિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ શરૂ થઈ જશે."

બીબીસી ઉર્દૂ મુજબ સિયાલકોટ શહેરમાં મીડિયા સાથે વાત કરતા ખ્વાજા આસિફે જણાવ્યું કે કતાર અને તુર્કી બહુ પ્રામાણિકતાથી અફઘાન તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું કહેવું છે કે કતારમાં વાતચીત પછી કોઈ ઘટના નથી બની.

તેમણે કહ્યું કે તેમની (અફઘાન તાલિબાન) સાથેની અમારી વાતચીતમાં મેં જોયું કે તેઓ શાંતિ ઈચ્છે છે, પરંતુ જે શરતો પર તેઓ શાંતિ ઈચ્છે છે, તે ધીમે ધીમે સ્પષ્ટ થઈ જશે.

ખ્વાજા આસિફે કહ્યું કે "તેમની શરતો અમારા પક્ષમાં હશે તો જરૂર સમજૂતી થશે."

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી તણાવ વચ્ચે દોહામાં શાંતિ સમજૂતી થયા પછી શનિવારે તુર્કીના ઇસ્તંબુલમાં બીજા તબક્કાની વાતચીત થઈ હતી.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, "અમે 40 વર્ષથી અફઘાનિસ્તાનના લોકોની મેજબાની કરીએ છીએ. હજુ પણ લગભગ 40 લાખ અફઘાનો અહીં રહે છે. દોહામાં અમે જેમની સાથે વાતચીત કરી તેઓ આખા પાકિસ્તાનમાં ઊછર્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન