You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતના શિવશક્તિ કાપડમાર્કેટમાં આગ, વેપારીઓેને કરોડોના નુકસાનની આશંકા
સુરતમાં શિવશક્તિ માર્કેટના એક ટેક્સટાઇલ સ્ટોરમાં લાગેલી આગ બે દિવસથી ભભૂકી રહી છે અને હજુ સંપૂર્ણ નિયંત્રણમાં નથી આવી. છેલ્લી અપડેટ પ્રમાણે આગને ઠારવા માટે અગ્નિશામક દળના જવાનો સતત પ્રયાસો કરી રહ્યા છે, જેના કારણે આગ મહદ્અંશે કાબૂમાં આવી છે.
બુધવારે સવારથી લાગેલી આગને ઠારવા માટે ફાયર ફાઇટર્સ દ્વારા હાઈડ્રૉલિક પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માર્કેટની લગભગ અડધી દુકાનો આગમાં સળગી ગઈ તેવું ન્યૂઝ એજન્સી એએનઆઇનો અહેવાલ કહે છે. બિલ્ડિંગનું સ્ટ્રક્ચર એવું છે કે આગને ઓલવવા માટે બહારથી પ્રયાસ થઈ રહ્યા છે.
સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ એએનઆઇને જણાવ્યા પ્રમાણે આગ જ્યાં લાગી છે તે વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે અને આગને નિયંત્રણમાં લેવા માટે ટીમો કામ કરી રહી છે.
બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયાની બીક
ડીસીપી ગઢવીએ જણાવ્યું કે, "શિવશક્તિ કાપડબજારમાં લાગેલી આગને ઠારવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે. પોલીસે આ વિસ્તારને ખાલી કરાવ્યો છે અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ગોઠવવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારમાં કોઈ ટ્રાફિક ન હોય તેની ખાતરી કરવામાં આવી છે. અહીં બીજી દુકાનો પણ છે તેથી પોલીસ તેમની સુરક્ષાની ખાતરી કરવા હાજર છે."
તેમણે કહ્યું કે શિવશક્તિ કાપડમાર્કેટમાં લગભગ 800 દુકાનો છે. તમામ દુકાનો હાલમાં બંધ છે અને આસપાસના બજારોની દુકાનોને પણ બંધ કરવામાં આવી છે.
અગાઉ ચીફ ફાયર ઑફિસર વસંત પારેખે એએનઆઇને જણાવ્યું હતું કે આગ ઓલવવામાં સમય લાગશે.
પારેખે જણાવ્યું હતું કે ભોંયરાથી શરૂ થયેલી આગ પ્રથમ, બીજા અને ત્રીજા માળે પહોંચી ગઈ છે. તેથી તેના પર નિયંત્રણ મેળવવામાં સમય લાગશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડના કેટલાક લોકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બહાર કાઢવામાં આવ્યા છે. કુલ 15 ટીમો આગ ઓલવવાના કામમાં લાગી છે. અત્યાર સુધી ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ચીફ ફાયર ઑફિસરે જણાવ્યું હતું કે બિલ્ડિંગ અંદરના ઊંચા તાપમાનના કારણે આગ ઓલવવાનું કામ મુશ્કેલ બન્યું છે. અમને ગઈ કાલે સવારે લગભગ આઠ વાગ્યે પ્રથમ કૉલ આવ્યો હતો. બિલ્ડિંગ અને સ્ટ્રક્ચરની સ્થિરતા વિશે અમને ખાતરી નથી.
એએનઆઇના અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં 24 કલાકની અંદર આ બીજી આગ લાગી છે.
વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન
સુરતસ્થિત ટેક્સ્ટાઇલ્સ ઍસોસિયેશન (ફોસ્ટા)ના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું કે, "શરૂઆતમાં એક દુકાનમાં આગ લાગી હતી, જે નિયંત્રણમાં આવી ગઈ. પરંતુ પછી ફરીથી આગ લાગી. હાલમાં ફોસ્ટા, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ અહીં હાજર છે."
કૈલાશ હકીમે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "શિવશક્તિ માર્કેટમાં 834 દુકાનો છે જેમાં મોટા ભાગની દુકાનો બળી ગઈ છે. નાના દુકાનદારોની હાલત દર્દનાક છે. લગભગ બધું ખતમ થઈ ગયું છે. પાંચસોથી સાતસો કરોડનું નુકસાન થયું હોવાની શક્યતા છે."
નિમારામ નામના એક દુકાનદારે વહીવટી તંત્રની કામગીરીથી અસંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, "બે દિવસથી આગ ચાલુ છે અને હજુ ઓલવાઈ નથી. અમને અંદર પણ જવા દેવામાં આવતા નથી. હું 36 કલાકથી અહીં હાજર છું."
તેમણે કહ્યું કે ઘણા કરોડોપતિ વેપારીઓ આ આગના કારણે રોડ પર આવી જશે. આ માર્કેટમાં કામ કરતા પાંચ હજાર કામદારો પણ હાલ કામધંધા વગરના થઈ ગયા છે.
મોહનભાઈ ચૌધરી નામના એક દુકાનદારે કહ્યું કે, "શિવશક્તિ માર્કેટમાં મારી કાપડની દુકાન છે. આગ એવી લાગી છે કે હવે બિલ્ડિંગ આખી પડી જાય તેવી શક્યતા છે."
આ દરમિયાન કેટલાક વેપારીઓ પોલીસ સાથે દલીલમાં ઊતર્યા હતા અને કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમનું કહેવું હતું કે ઉપરી અધિકારીઓ આવે ત્યારે જ બધા કામ પર લાગે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન