ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ચાકૂબાજીની વધુ એક ઘટના

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, ઇસાઈ ધર્મગુરુ
પ્રકાશિત

સિડનીમાં ઝઘડા દરમિયાન એક ખ્રિસ્તી ધર્મગુરુ અને અન્ય લોકો ચાકૂબાજીની ઘટનામાં ઘાયલ થયા છે.

સ્થાનિક મીડિયા અનુસાર ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સોમવારે સાંજે આ ઘટના ઘટી.

સમગ્ર બાબતે પોલીસે કહ્યું - "ચાકૂબાજીની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકીના કોઈને પણ ગંભીર ઈજા નથી થઈ. આ મુદ્દે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે."

આ અગાઉ શનિવારે પણ સિડનીના એક શૉપિંગ મૉલમાં ચાકુબાજીની ઘટના બની હતી. જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઇરાનના હુમલાનો ઇઝરાયલ શું જવાબ આપશે? સરકારના પ્રવક્તાએ જણાવ્યું

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન, ગાઝા બૉર્ડર પર ઇઝરાયલના જવાન

ઇઝરાયલે હજી સુધી એ નક્કી નથી કર્યું કે તે ઈરાન વિરુદ્ધ શું કાર્યવાહી કરશે.

ઇઝરાયલ એ બાબતે ચર્ચા કરી રહ્યું છે કે ઈરાન વિરુદ્ધ શું પગલાં ભરવાં? પરંતું એ પગલાં શું હશે એ હજી સુધી નક્કી નથી થયું.

ઇઝરાયલ સરકારના પ્રવક્તા એવી હાઇમને આ અંગે જાણકારી આપી.

એવી હાઇમને કહ્યું કે ઇઝરાયલની હાલની સ્થિતિ પર તેમની નજર છે અને વૉર કૅબિનેટની મિટિંગ પણ કરાઈ રહી છે.

તેમણે કહ્યું, "કોઈ પણ સંપ્રભુ લોકશાહીની જેમ અમે કાર્યવાહીનો સૌથી યોગ્ય રસ્તો અપનાવીશું"

"શું પગલાં લેવાશે તે હજી સુધી નક્કી નથી થયું. પણ હું તમને યાદ અપાવવા માગું છું કે એ અમે જ હતા જે શનિવારે રાત્રે વિસ્ફોટથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અમારાં બાળકોનો જીવ જોખમમાં હતો. અમારાં માથાં ઉપર મિસાઇલ ફાયર કરાઈ."

ઈરાને શનિવારે મોડી રાત્રે ઇઝરાયલ પર અંદાજે 300 ડ્રૉન અને મિસાઇલ ફાયર કર્યાં. ઇઝરાયલે લગભગ 99 ટકા ડ્રૉન અને મિસાઇલ તોડી પાડ્યાં હોવાનો દાવો કર્યો છે.

ઈરાને આ હુમલાને એક એપ્રિલે સીરિયાના પાટનગર દમિશ્કમાં ઈરાનના વાણિજ્ય દુતાવાસ પર થયેલા જીવલેણ હુમલાની જવાબી કાર્યવાહી ગણાવી છે.

આ હુમલામાં કુલ 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં રિવૉલ્યુશનરી ગાર્ડના કમાન્ડર બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદીનું પણ મૃત્યુ થયું અને તેમના ડૅપ્યુટી પણ માર્યાં ગયા.

જોકે, ઇઝરાયલે ઈરાનના વાણિજ્ય દુતાવાસ પર હુમલાની જવાબદારી નથી લીધી.

કેજરીવાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટે આગળ વધારી સુનાવણીની તારીખ

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

કથિત દારૂ કૌભાંડના કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઈ છે અને તેઓ હાલ જેલમાં જ રહેશે.

સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીની સુનાવણીની તારીખને આગળ વધારી દીધી છે.

હવે અરવિંદ કેજરીવાલની અરજી પર 29 એપ્રીલે સુનાવણી થશે.

દેશમાં 19 એપ્રિલે પહેલા ચરણનું મતદાન થશે. એટલે કે ચૂંટણી શરૂ થવાના ઓછામાં ઓછા દસ દિવસ સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે.

સુપ્રીમ કોર્ટે ઍન્ફોર્સમૅન્ટ ડિરેક્ટોરેટને અરવિંદ કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે.

અરવિંદ કેજરીવાલ તરફથી વકીલ અભિષેક મનુ સંઘવીએ કોર્ટને વહેલી તારીખ આપવાની માગ સાથે આ શુક્રવારે જ સુનાવણીની અપીલ કરી હતી.

સંઘવીએ કહ્યું કે દેશમાં 19 એપ્રિલે મતદાન શરૂ થઈ રહ્યું છે.

જોકે, કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલની સુનાવણી 29 એપ્રિલ પહેલાં શક્ય નથી.

કોર્ટે ઈડીને નોટિસ આપીને જવાબ દાખલ કરવા માટે પણ કહ્યું છે.

ધાનાણીએ કોને સંબોધીને કહ્યું કે 'અહંકાર નહીં ઓગળે તો યુદ્ધનો શંખનાદ થશે'?

પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARESH DHANANI/PARSHOTTAM RUPALA@X/FB

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોએ પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. આ જ કડીમાં ઘણા ઉમેદવારો આજે ફૉર્મ ભરવા જઈ રહ્યા છે.

આજે ભાજપના પોરબંદરના ઉમેદવાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતાનું ઉમેદવારી-પત્રક ભરવા જઈ રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠાથી કૉંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર પણ પોતાનું ફૉર્મ આજે ભરશે અને શક્તિપ્રદર્શન કરશે.

એવામાં કૉંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ ફરીથી એક ટ્વીટ કરીને પોતાનો પ્રચાર શરૂ કરવાનું એલાન કર્યું છે.

પરેશ ધાનાણીએ ક્ષત્રિય-રાજપૂત સમાજની વિશાળ સભાનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે, “16 તારીખ સુધીમાં અહંકાર નહીં ઓગળે તો બપોરના ચાર વાગે કુળદેવીના દ્વારે શીશ ઝૂકાવીને શંખનાદ કરીશું.”

પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં યોજાયેલી સભાનું દૃશ્ય

અહીં ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાજકોટ નજીક રતનપરમાં યોજાયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના સંમેલનમાં ભાજપના રાજકોટથી ઉમેદવાર એવા પરશોત્તમ રૂપાલાને સોળ તારીખ સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું છે.

તો બીજી તરફ પરશોત્તમ રૂપાલાએ રાજકોટના વિવિધ વિસ્તારોમાં પોતાનો ચૂંટણીપ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે.

‘રામાયણના રામ’ અરુણ ગોવિલે પણ બંધારણ બદલવાની વાત કરતાં કહ્યું - 'બદલાવ કરવો એ પ્રગતિની નિશાની'

અરુણ ગોવિલ, બંધારણ, ભાજપ, બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકસભા ચૂંટણીમાં મેરઠથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ટીવી ધારાવાહિક રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર કલાકાર અરુણ ગોવિલે પણ હવે બંધારણમાં બદલાવ કરવાની વાત કરી છે.

પત્રકારો સાથે વાત કરતા અરુણ ગોવિલે કહ્યું છે કે બદલાવ કરવો એ તો પ્રગતિની નિશાની ગણાય છે.

અરુણ ગોવિલે કહ્યું, “જ્યારે આપણા દેશનું બંધારણ બન્યું હતું ત્યારે તેમાં ધીરેધીરે પરિસ્થિતિઓ અનુસાર પરિવર્તન થતાં રહ્યાં છે. પરિવર્તન કરવું એ પ્રગતિની નિશાની ગણાય છે. તેમાં કોઈ ખરાબ વાત નથી. ત્યારે પરિસ્થિતિઓ કંઇક અલગ હતી અને અત્યારે તેનાથી ઘણી અલગ છે.”

અરુણ ગોવિલે કહ્યું, “બંધારણ કોઈ એક વ્યક્તિની મંજૂરીથી બદલાતું નથી, સર્વસંમતિ હોય તો બદલાય છે, જો એવું કંઈ હશે તો કરવામાં આવશે.”

પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે શું ચારસો પારનો નારો એટલા માટે આપવામાં આવ્યો છે કે સરકારને આવો કંઇક મોટો નિર્ણય લેવો છે?

તેના જવાબમાં અરુણ ગોવિલે કહ્યું હતું કે, “મને એવું લાગે છે કે મોદીજી ક્યારેય એમ જ કોઈ વાત કરતા નથી. તેમની કોઈપણ વાત પાછળ કોઈને કોઈ અર્થ જરૂર હોય છે.”

અત્યાર સુધીમાં ભાજપના અનેક નેતાઓ બંધારણમાં ફેરફારની વાત કરી ચૂક્યા છે. આ પહેલાં કર્ણાટકના સાંસદ અનંત હેગડે અને અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુસિંહ પણ બંધારણમાં બદલાવની વાત કરી ચૂક્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ભાજપે આ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે અને લક્ષ્ય રાખ્યું છે.

શું ચૂંટણીમાં મતદાન કરવા માટે ગુજરાતીઓ પોતાના ફરવા જવાના પ્લાન બદલી રહ્યા છે?

ટ્રાવેલ બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં સાતમી મેના રોજ તમામ 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે.

ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિવિધ ટ્રાવેલ ઍજન્સીઓ થકી તેમને એવું જાણવા મળ્યું છે કે ગુજરાતીઓ સાતમી તારીખને ધ્યાનમાં રાખીને જ પોતાના ફરવા જવાના કાર્યક્રમો ગોઠવી રહ્યા છે અથવા તો પહેલેથી નક્કી કાર્યક્રમોમાં ફેરફાર કરી રહ્યા છે.

આ અહેવાલ પ્રમાણે એક ઍજન્ટે એવો દાવો કર્યો છે તેમના 20 ટકા પ્રવાસીઓએ પોતાના કાર્યક્રમમાં બદલાવ કર્યો છે. તો અન્ય એક મોટી ટ્રાવેલ્સ કંપનીએ દાવો કર્યો છે કે તેમના 160 પ્રવાસીઓએ એ રીતે કાર્યક્રમ ગોઠવ્યો છે કે તેઓ 6મેના રોજ ગુજરાત ચોક્કસથી પરત આવી જાય. ઍજન્ટો એવો દાવો કરી રહ્યા છે કે છઠ્ઠી મેના રોજ પરત આવવા માટે ખૂબ ધસારો છે જ્યારે અન્ય ટુર્સ સાતમી તારીખે મોડી રાત્રે જ ઉપડશે.

ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઉંચી રાખવા માટે રાજકીય પક્ષો પણ પ્રયત્નો કરી રહ્યા છે અને મતદાનના દિવસે વધુમાં વધુ લોકોને મતદાન કરાવી શકાય તેવો તેમનો નિર્ધાર છે.

ગુજરાત સરકારે પહેલેથી જ સાતમી મેના રોજ જાહેર રજાનું એલાન કરી દીધું છે.