You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરી પડશે કમોમસી વરસાદ, કયા જિલ્લામાં માવઠાની આગાહી?
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ફરી આવતા અઠવાડિયાથી માવઠાની શક્યતા છે.
એક તરફ ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન વિભાગે હીટ વેવની પણ આગાહી કરી છે.
હાલ દેશભરમાં પ્રિ-મૉન્સુન સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને માર્ચથી મે મહિના સુધી જે વરસાદ થવાનો તેને પ્રિ-મૉન્સુન રેઇન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે.
ગુજરાતમાં હાલ રવી પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો રવી પાકની લણણીમાં લાગી ગયા છે ત્યારે માર્ચમાં થનારો આ વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.
ગુજરાતમાં કઈ તારીખથી કમોસમી વરસાદ શરૂ થશે?
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ ભારે ગરમી પડી રહી છે અને થોડા દિવસો પહેલાં જ રાજ્યમાં માવઠું થયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 13 માર્ચથી ફરી વરસાદ પડવાની શક્યતા છે.
આ દરમિયાન ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ આવવાની છે. આ સિસ્ટમ 12 માર્ચના રોજ જમ્મુ-કાશ્મીરની આસપાસ પહોંચવાની શક્યતા છે.
ગુજરાતમાં 13 માર્ચથી માવઠાની શરૂઆત થયા બાદ બેથી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ 13થી 15 તારીખ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ફરી શરૂ થશે હીટ વેવ
રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો હતો અને બીજી તરફ ફેબ્રુઆરી મહિનાથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. હાલ રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.
વરસાદને કારણે થોડા દિવસ સુધી તાપમાનમાં વધારો થયો નહોતો પરંતુ હવે વરસાદ બંધ થતાની સાથે જ રાજ્યમાં ફરી ગરમી વધવાની શરૂઆત થવાની છે.
હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 10થી 12 તારીખ સુધી હીટ વેવની આગાહી કરી છે. અહીં સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીએ રેકૉર્ડ તોડી નાખ્યા હતા અને માર્ચ મહિનાની શરૂઆતમાં વરસાદને કારણે ગરમીમાં વધારો થયો ન હતો.
હવામાન વિભાગે જે લાંબાગાળાનું અનુમાન જાહેર કર્યું છે તેમાં પણ ગુજરાત કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.
હીટ વેવ એટલે શું?
હીટ વેવને આપણે સરળ ભાષામાં લૂ કહીએ છીએ. જે એક અત્યંત ગરમ આબોહવાની સ્થિતિ છે. તે સામાન્ય રીતે બે અથવા તેથી વધુ દિવસો સુધી રહે છે.
જ્યારે તાપમાન કોઈ નિશ્ચિત વિસ્તારના ભૂતકાળના સરેરાશથી વધી જાય છે. ત્યારે તેને હીટ વેવ અથવા લૂ કહે છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી અને પર્વતીય વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ત્યારે તેને ભયાનક લૂની શ્રેણીમાં મૂકવામાં આવે છે.
જ્યારે તટીય વિસ્તારોમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધી જાય ત્યારે હીટ વેવની શરૂઆત થતી હોય છે.
ગુજરાતમાં ઉનાળામાં વરસાદ કેમ પડ્યો?
ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે ત્યારે ઘણાં રાજ્યોમાં વરસાદ પડે છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય અને તેની સાથે સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાય તો વધારે વિસ્તારોમાં વરસાદ પડે છે.
બીજી તરફ ભારે ગરમીને કારણે હવા ગરમ થાય છે અને તે ઊંચે ચડે છે. તેની સાથે રહેલો પણ ભેજ ઉપર ચડે છે. ઉપર ગયા બાદ હવા અને ભેજ ઠંડો પડે છે અને ભેજનું પાણીમાં રૂપાંતર થાય છે.
ફરી હવા નીચે આવે છે અને ગરમ થઈને ઉપર જાય છે આ પ્રક્રિયા વારંવાર થાય અને હવા તથા ભેજનો જથ્થો વધારે હોય તો વરસાદ પડે છે.
ઉનાળામાં મોટા ભાગે ગાજવીજ સાથે વરસાદ પડે છે અને ઘણી જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતાઓ હોય છે.
ગુજરાતમાં ગયા અઠવાડિયે પડેલા વરસાદમાં ગુજરાતની સરહદ પાસે રાજસ્થાન પર બનેલા સાયક્લૉનિક સર્ક્યુલેશને ભાગ ભજવ્યો હતો.
આ સિસ્ટમને કારણે પવનો અરબ સાગર પર થઈને ગુજરાતમાં આવતા હતા. દરિયા પરથી આવતા આ પવનો ભેજ લઈને આવતા હતા અને તેના કારણે અઠવાડિયા સુધી વરસાદ પડ્યો હતો.