'યુક્રેન યુદ્ધ અટકાવી દીધું પણ પેપરલીક અટકાવી શકતા નથી' રાહુલ ગાંધીનો વડા પ્રધાન પર પ્રહાર

ઇમેજ સ્રોત, @RAHULGANDHI
કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને ભારતમાં પરીક્ષાઓમાં સામે આવી રહેલી ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો છે.
તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન યુદ્ધ અટકાવવાનો દાવો કરે છે પરંતુ પેપરલીક અટકાવી શકતા નથી.
રાહુલ ગાંધીએ પેપરલીક મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું,"દાવો કરવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદીએ એક આદેશ આપીને રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકાવી દીધું હતું. પરંતુ કોઈ કારણોસર ભારતમાં જે રીતે પેપરલીક થઈ રહ્યાં છે તે નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી અથવા તો અટકાવવા માગતા નથી."
તેમણે કહ્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થા પર ભાજપનો કબજો થઈ ગયો છે. વિરોધ પક્ષ સંસદમાં આ મુદ્દાને ઉઠાવશે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ભારતની શિક્ષણ વ્યવસ્થા અને સંસ્થાઓમાં વૈચારિક આધાર પર અયોગ્ય લોકોની નિમણૂક કરવામાં આવી રહી છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તાને અસર થઈ રહી છે.
18 જૂનના રોજ UGC-NET પરીક્ષા યોજાવવાની હતી પરંતુ ગેરરીતિની શક્યતાને ધ્યાનમાં રાખીને તે રદ કરી દેવામાં આવી હતી.
બીજી બાજુ ભારતની મેડીકલ સંસ્થામાં એડમિશન માટે લેવામાં આવતી NEET પરીક્ષા ઉપર પ્રશ્નો થઈ રહ્યાં છે. કથિત પેપરલીકની તપાસ કરી રહેલી બિહાર પોલીસે આ મામલે કેટલાક લોકોની ધરપકડ કરી છે.
આ સિવાય મેરિટ લિસ્ટ પણ શંકાના દાયરામાં છે. NEETની પરીક્ષા પણ રદ્દ કરવાની માંગ ઊઠી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ભારતમાં વધતી બેરોજગારીના કારણે વિદ્યાર્થીઓ પર દબાણ છે.
ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું, 'જે લોકોએ અમને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો તેમની સાથે જોડાણ નહીં'

ઇમેજ સ્રોત, @SHIVSENAUBT_
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે 19મી જૂને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે-યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદી અને અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેને પડકાર ફેંકયો છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, “તેઓ ક્યારેય મારા પિતા, બાલાસાહેબની વિરાસતને છીનવી નહીં શકે.”
શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, “તેઓ એ લોકો સાથે ક્યારેય નહીં જાય જેમણે તેમની પાર્ટીને તોડવાનો અને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે.”
આ સાથે જ લોકસભા ચૂંટણી પછી ભાજપ સાથે સંભવિત જોડાણની અટકળો પર પણ વિરામ લાગી ગયો. એવી અટકળો લગાવાઈ રહી હતી કે ઉદ્ધવ ઠાકરે ફરીથી ભાજપ સાથે હાથ મિલાવી શકે છે અને આ માટે કોઈ મોટા કેન્દ્રીય મંત્રીને જવાબદારી આપવામાં આવી છે.
મુંબઈના સન્મુખાનંદ હૉલમાં ભાષણ આપતાં ઉદ્ધવ ઠાકરેએ સીએમ શિંદેને પડકાર ફેંક્યો છે કે જો તમારામાં હિંમત હોય તો ધનુષ અને તીરના પ્રતીક અને બાળાસાહેબ ઠાકરેની તસવીર વગર વિધાનસભાની ચૂંટણી લડો.
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પણ બુધવારે શિવસેના સ્થાપના દિવસ પર અલગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સીએમ શિંદેએ કહ્યું કે કૉંગ્રેસ સાથે રહીને ઉદ્ધવ ઠાકરે બગડી ગયા છે. ઉપરાંત, લોકસભા ચૂંટણીમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ જૂથ)ની જીત માટે એક ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો, જેના કારણે તેમની જીત થઈ હોવાનું શિંદેએ આરોપ લગાવ્યો હતો.
શિંદેએ તેમના ભાષણમાં ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ અનેક નિવેદનો કર્યાં હતાં. ઉદ્ધવ પર કટાક્ષ કરતા શિંદેએ કહ્યું, "જ્યાં પણ તેઓ જીત્યા ત્યાં ઈવીએમ બરાબર કામ કરી રહ્યાં હતાં અને જ્યાં તેઓ હારી ગયા ત્યાં ઈવીએમ હેક થઈ ગયાં."
શિવસેનાનાં બંને જૂથોએ મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમના કાર્યકરોને પણ તૈયાર રહેવા માટે કહ્યું છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં શિવસેના શિંદે જૂથે સાત બેઠકો જીતી હતી જ્યારે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ જૂથે નવ લોકસભા બેઠકો જીતી હતી.
હવે યુજીસી-નેટ પરીક્ષા પણ રદ્દ થઈ, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, SUNIL GHOSH/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ 18 જૂન, 2024ના રોજ લેવામાં આવેલી યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી છે.
દેશનાં અલગ-અલગ શહેરોમાં આ પરીક્ષા બે શિફ્ટમાં ઓએમઆર મોડમાં થઈ હતી.
19 જૂનના રોજ યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)ને ગૃહ મંત્રાલય હસ્તક આવતા ઇન્ડિયન સાયબર ક્રાઇમ કૉ-ઓર્ડિનેશન સેન્ટરની સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ મારફત ઇનપુટ્સ મળ્યા હતા. જેનાથી ખ્યાલ આવ્યો છે કે આ પરીક્ષાની સંવેદનશીલતા ભંગ થઈ છે.
ભારતના શિક્ષણ મંત્રાલયે હવે આ પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી એનટીએએ એક પ્રેસનોટ જાહેર કરીને આપી છે.
આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે.
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉઠાવ્યા સવાલો

ઇમેજ સ્રોત, Getty Images
યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરવાના મામલે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલો ઉઠાવ્યા છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, “નરેન્દ્ર મોદીજી, તમે પરીક્ષા પર ચર્ચા તો બહુ કરો છો, પણ નીટ પરીક્ષા પર ચર્ચા ક્યારે કરશો.”
કૉંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, “યુજીસી-નેટ પરીક્ષા રદ્દ કરવી એ લાખો યુવાનોના મનોબળની જીત છે. આ મોદી સરકારના અહંકારની હાર છે, જેના કારણે તેમણે યુવાનોનું ભવિષ્ય બરબાદ કરવાનો પ્રયાસ કર્યો.”
તેમણે કહ્યું, “કેન્દ્રીય શિક્ષણમંત્રી પહેલા કહે છે કે નીટ-યુજીમાં કોઈ પેપરલીક થયું નથી. ત્યાર બાદ જ્યારે બિહાર, ગુજરાત અને હરિયાણામાં શિક્ષણ માફિયાઓની ધરપકડ થાય છે ત્યારે તેઓ સ્વીકારે છે કે કંઈક ગોટાળો થયો છે.”
તેમણે સવાલ પૂછ્યો હતો કે નીટની પરીક્ષા ક્યારે રદ્દ થશે. મોદીજીએ પોતાની સરકારમાં થયેલા નીટ પરીક્ષામાં ગોટાળા અને પેપરલીક રોકવા માટે જવાબદારી લેવી જોઈએ.
અહીં ઉલ્લેખનીય છે કે નેટની જેમ જ નીટ પરીક્ષાનું આયોજન પણ એનટીએ જ કરે છે.

વહેલી સવારે વડોદરાની હૉસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આગ, કોઈ જાનહાનિ નહીં

ઇમેજ સ્રોત, Getty Images
વડોદરાની એસએસજી હૉસ્પિટલમાંમાં ઈએનટી વિભાગના ઑપરેશન થિયેટરમાં બુધવારે સવારે આગ લાગી હતી.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, આગનું પ્રાથમિક કારણ શોર્ટ-સર્કિટ આપવામાં આવ્યું છે. આગને કારણે વિભાગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ હૉસ્પિટલના ફાયર સ્ટાફે જ આગને કાબૂમાં લઈ લીધી હતી.
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, “સવારે આગ લાગતાં જ તમામ પ્રાથમિક ઑક્સિજન અને નાઇટ્રોજન ગૅસ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યા હતા.”
જ્યારે આગ લાગી હતી ત્યારે ઑપરેશન થિયેટરમાં કોઈ નહોતું. જેના કારણે જાનહાનિ ટળી હોવાનું જણાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના પછી સમગ્ર રાજ્યમાં સરકાર અને ફાયર વિભાગ તરફથી પગલાં ભરવામાં આવી રહ્યાં છે. અનેક શાળાઓ, દુકાનો, હૉસ્પિટલોમાં આગ ઓલવવા માટે જરૂરી સાધનો લગાવાઈ રહ્યાં છે.






















