ગુજરાતમાં હવે ચોમાસું ક્યારે જામશે અને આગામી પાંચ દિવસ ક્યાં વરસાદની આગાહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર ભારતમાં હીટ વેવની સ્થિતિ છે અને રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 45 કે 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
તો અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહે છે ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બે-ત્રણ જિલ્લાને બાદ કરતાં બીજે ક્યાંય હમણાં હળવો કે મધ્યમ વરસાદ પડે તેમ નથી.
જોકે, આગામી ચારથી પાંચ દિવસમાં સ્થિતિ બદલાશે અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. તેની સાથે તાપમાનનો પારો પણ નીચે આવશે, જોકે ઉકળાટમાં વધારો થશે તેવું અનુમાન છે.
ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

ઇમેજ સ્રોત, IMD
અમદાવાદસ્થિત હવામાન કચેરીની આગાહી અનુસાર 11 જૂન, બુધવારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં અમુક સ્થળે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે.
12 જૂન, ગુરુવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં અમુક સ્થળે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
13 જૂનથી ગુજરાતમાં વરસાદ અમુક વધારે જિલ્લામાં પહોંચવાનો છે. 13 જૂને ઉત્તર ગુજરાતમાં પંચમહાલ અને દાહોદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને દીવમાં વરસાદ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે?

ઇમેજ સ્રોત, IMD
14 જૂનની આગાહી પ્રમાણે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી ઉપરાંત અમરેલી, ભાવનગર, સોમનાથ અને દીવમાં વરસાદ પડશે.
15 જૂને ગુજરાતના વધુ જિલ્લામાં વરસાદ પહોંચશે. તે પ્રમાણે 15મીએ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં 15 જૂને વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતના કોઈ પણ જિલ્લામાં આગામી સાત દિવસમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી નથી.
ગુજરાતમાં ગરમી ક્યારે ઘટશે?
બુધવારે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને હવામાન ખાતા મુજબ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. જ્યારે ખાનગી હવામાન સંસ્થા એક્યુવેધરે મહત્તમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આગાહી કરી છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
ગુરુવાર અને શુક્રવારે (12 અને 13 જૂન) અમદાવાદમાં મહત્તમ 43 ડિગ્રી તાપમાન રહેશે.
14 જૂને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રચાશે જેના કારણે મહત્તમ તાપમાન ઘટીને 39 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે, પરંતુ ભેજનું પ્રમાણ વધશે.
એક્યુવેધર મુજબ 15 જૂને અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી, 16 જૂને 37 ડિગ્રી અને 17 જૂને 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધીને 60 ટકા સુધી પહોંચશે.

ઇમેજ સ્રોત, Getty Images
એક્યુવેધર મુજબ 11 જૂને રાજકોટમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે. 12 જૂન માટે પણ મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહી શકે છે.
13 અને 14 જૂને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. 15 જૂને રાજકોટમાં મહત્તમ 39 ડિગ્રી તાપમાન રહી શકે છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















