You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લા નીના અને અલ નીનોની ચોમાસા પર કેવી અસર પડે છે, ભારતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે?
દુનિયાના હવામાન પર અસર કરતી અલ નીનો અને લા નીનાની સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ.
અલ નીનો અને લા નીના હવામાન પર કેવી અસર કરે છે? અને આ ચોમાસામાં તેની ભારત પર શું અસર થશે તે પણ વિસ્તારથી સમજો.
અમેરિકન જિયો સાયન્સ અનુસાર અલ નીનો અને લા નીના શબ્દનો સંદર્ભ પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં સમય-સમય થનારા ફેરફાર સાથે છે. જેની અસર આખી દુનિયાની મોસમ પર પડે છે.
સરળ રીતે સમજીએ તો અલ નીનોને કારણે તાપમાનમાં વધારો થાય છે અને લા નીનાને કારણે તાપમાનમાં ઘટાડો થાય છે.
અલ નીનો અને લા નીનાની આ ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના દરિયાકિનારે દરિયાની સપાટી પર ગરમ પાણી આવવાનું શરૂ થાય એટલે અલ નીનોની સ્થિતિ પેદા થાય છે.
સમુદ્રના તાપમાન અને વાયુમંડલની પરિસ્થિતિમાં થનારા ફેરફારથી સર્જાતી આ ઘટનાને અલ નીનો કહે છે. આ ફેરફારને કારણે સમુદ્રના તાપમાનમાં સામાન્ય કરતાં ઘણો વધારો થાય છે.
આ ફેરફાર 4થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો હોય શકે છે. જેના કારણે દુનિયાભરના હવામાન પર તેની અસર જોવા મળે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ અને ઑસ્ટ્રેલિયામાં સહિતના દેશોના ચોમાસામાં ફેરફાર આવે છે.
અલ નીનોની સીધી અસર ભારતના દક્ષિણ-પશ્ચિમના ચોમાસા પર થાય છે, જેમાં દરિયાનું ગરમ પાણી પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી હઠીને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જતું રહે છે. જેના કારણે ભારતમાં ચોમાસામાં થનારા વરસાદમાં ઘટ પડે છે. એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો સરેરાશ વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની શક્યતા હોય છે.
લા નીનોની સ્થિતિ જ્યારે હોય ત્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે એટલે કે ચોમાસા દરમિયાન સામાન્ય કે સામાન્ય કરતાં વધારે વરસાદ થાય છે.
અહેવાલ : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન