ભારત સરકારે જાહેર કરી 'આતંક-વિરોધી' નીતિ, તેમાં શું લખાયું છે? - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ભારત સરકારે પહેલી 'આતંક-વિરોધી' નીતિ જાહેર કરી છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી પૉલિસીનું નામ 'પ્રહાર' છે.

આ પ્રમાણે 'ભારતે ક્યારેય આતંકવાદને કોઈ ધર્મ, જાતિ, દેશ કે સંસ્કૃતિ સાથે જોડ્યો નથી.'

ભારત દ્વારા જાહેર કરવામાં આવેલી આ નીતિમાં કહેવામાં આવ્યું છે કે દેશ પાણી, જમીન અને હવાઈમાર્ગે 'આતંકવાદી ખતરા'નો સામનો કરી રહ્યો છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દસ્તાવેજ અનુસાર આ પૉલિસીમાં 'ક્રૉસ બૉર્ડર આતંકવાદ, ક્રિમિનલ હૅકર્સ અને સાઇબર હુમલા'નો ઉલ્લેખ છે.

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર, "આતંકવાદી હુમલાઓને રોકવા, ખતરાનો ઝડપી અને યોગ્ય પ્રતિભાવ આપવો, તમામ સરકારી એજન્સીઓ વચ્ચે વધુ સારું સંકલન કરવું, માનવ અધિકારો અને કાયદાના શાસન હેઠળ કાર્યવાહી, કટ્ટરપંથ અને ઉગ્રવાદને રોકવો, આતંકવાદ સામે દુનિયા સાથે મળીને કાર્યવાહી કરવી અને સમાજની મદદથી ઝડપી સુધારા કરવા."

અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવા પર આર અશ્વિને સવાલ કર્યો, શું કહ્યું?

ટી20 વર્લ્ડકપની સુપર-8 મૅચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતના પરાજય બાદ પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને પ્લેઇંગ ઇલેવન પર સવાલ કર્યો છે.

અશ્વિને પોતાની યુટ્યૂબ ચૅનલ 'ઍશ કી બાત'માં કહ્યું કે, "આઈપીએલ વગેરેમાં ટીમમાં ફેરફાર સમજાય છે કારણ કે 14 મૅચ હોય છે. પણ આઈસીસી કૅમ્પેન્સ (ટી20 વર્લ્ડકપ)માં તમે જેટલી ટીમને સ્થિર રાખો એટલું સારું."

તેમણે કહ્યું કે, "હું પૂર્ણ રીતે સહમત છું કે ડાબોડી બૅટ્સમૅન વિરુદ્ધ વૉશિંગ્ટન સુંદરને રમાડવાના છે. પણ અક્ષર પટેલ ટી20માં તમારા (મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર) રહ્યા છે."

અશ્વિને કહ્યું કે, "આપણે ન ભૂલવું જોઈએ કે અક્ષર પટેલ પહેલાં શું કરી ચૂક્યા છે. ગયા વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા સામે આ મૅચ જેવી જ પરિસ્થિતિ હતી. એવી પરિસ્થિતિમાં તેઓ બૅટિંગ કરવા આવ્યા હતા."

2024માં ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં અક્ષર પટેલે 31 બૉલમાં 47 રન બનાવ્યા હતા.

અક્ષર પટેલ હાલમાં ટી20 ટીમના વાઇસ કૅપ્ટન છે. આ વર્લ્ડકપમાં તેમને શરૂઆતની ત્રણ મૅચમાં કુલ છ વિકેટ લીધી હતી.

તેમણે દરેક મૅચમાં બે-બે વિકેટ લીધી. જોકે, બૅટિંગમાં અક્ષર પટેલ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી કંઈ ખાસ નથી કરી શક્યા.

અક્ષરે અમેરિકા વિરુદ્ધ 14 રન બનાવ્યા, જ્યારે નામીબિયા અને પાકિસ્તાન વિરુદ્ધ પોતાનું ખાતું પણ ન ખોલી શક્યા હતા.

નેપાળમાં બસ ખીણમાં પડી જવાને કારણે 19 મુસાફરોનાં મૃત્યુ

બીબીસી નેપાળી સેવાના જણાવ્યા પ્રમાણે, નેપાળના ધાડિંગમાં એક બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 19 લોકોનાં મૃત્યુ થયાં છે. મરનારામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ અકસ્માત રવિવારે મધ્યરાત્રીએ થયો હતો. અકસ્માતનું કારણ સ્પષ્ટ નથી.

ધાડિંગના મુખ્ય જિલ્લા અધિકારી વિજયરાજ સુબેદીએ જણાવ્યું કે પોખરાથી કાઠમાંડૂ જઈ રહેલી બસ ધાડિંગમાં રસ્તા પરથી ત્રિશુલી નદીના કિનારા ખાતે પડી ગઈ. તેમણે જણાવ્યું કે બસ રસ્તાથી લગભગ 300 મિટર નીચે પડી.

નેપાળ પોલીના પ્રવક્તા અભિનારાયણ કાફલેએ જણાવ્યું કે ઘટનાસ્થળ પર જ 17 લોકોનાં મૃત્યુ થઈ ગયાં. જ્યારે કે બે અન્ય લોકોનાં મૃત્યુ સારવાર દરમિયાન થયાં.

કાઠમાંડૂ જિલ્લા પોલીસના એક પ્રવક્તાના હવાલે રાષ્ટ્રિય સમાચાર સમિતિએ જણાવ્યું છે કે ઘાયલોમાં 12ની સારવાર નૅશનલ ટ્રૉમા સેન્ટરમાં તથા 10 લોકોનો ઇલાજ કલંકીની હૉસ્પિટલમાં થઈ રહ્યો છે.

મણિપુરી ફિચર ફિલ્મ 'બૂંગ'એ બાફ્ટા ઍવૉર્ડ જીતીને રચ્યો ઇતિહાસ

બાફ્ટા (બ્રિટિશ ઍકેડમી ઑફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ) ઍવૉર્ડ્સ 2026ના વિજેતાઓની ઘોષણા થઈ ચૂકી છે. ભારત તરફથી મણિપુરી ભાષાની ફિચર ફિલ્મ 'બૂંગ'ને આ ઍવૉર્ડ મળ્યો છે.

'બૂંગ'ને બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફૅમિલી ફિલ્મ કૅટેગરીમાં આ ઍવૉર્ડ મળ્યો છે. સાથે જ આ કૅટેગરીમાં બાફ્ટા ઍવૉર્ડ જીતનારી 'બૂંગ' ભારતની પહેલી ફિલ્મ બની છે.

આ વર્ષે બાફ્ટામાં ભારત તરફથી નૉમિનેટ થનારી આ એક માત્ર ફિલ્મ હતી.

આ ફિલ્મ ફરહાન અખ્તરના પ્રોડક્શન હાઉસ અંતર્ગત બનાવવામાં આવી હતી. આ ફિલ્મનાં ડાયરેક્ટર લક્ષ્મીપ્રિયા દેવી છે.

લંડનના રૉયલ ફેસ્ટિવલ હૉલમાં આયોજિત સમારોહમાં આ ઍવૉર્ડ લેવા માટે ફરહાન અખ્તર, રિતેશ સિધવાની, લક્ષ્મીપ્રિયા દેવી અને ઍલન મૅકઍલેક્સ ઉપસ્થિત હતાં.

અમેરિકાના વિશેષ દૂત વિટકૉફને ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ આપ્યો આ જવાબ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ મધ્ય-પૂર્વ મામલાના અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફના હાલના નિવેદન મામલે પ્રતિક્રિયા આપી છે.

વિટકૉફે ફૉક્સ ન્યૂઝને શનિવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ સવાલ કરી રહ્યા છે કે મધ્ય-પૂર્વમાં અમેરિકાની સૈન્ય તહેનાતી વધવા છતાં ઈરાને અત્યારસુધી 'આત્મસમર્પણ' કેમ નથી કર્યું.

વિટકૉફે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના આ નિવેદન બાદ ઈરાનના વલણને લઈને 'જિજ્ઞાસુ' હતા. જેમાં તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી નહીં થવા પર સીમિત સૈન્ય કાર્યવાહીની વાત કરી હતી.

અમેરિકાના દૂતના આ નિવેદન પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ ઍક્સ પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે લખ્યું, "તમે જાણવા માગો છો કે અમે આત્મસમર્પણ કેમ નથી કરતા? કારણકે અમે ઈરાની છીએ."

અમેરિકા મધ્ય-પૂર્વમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારી રહ્યું છે. તેણે પોતાનાં બે યુદ્ધપોતના નેતૃત્વ ધરાવતાં વિશાળ નૌસૈન્ય સંસ્થાનો ત્યાં તહેનાત કર્યાં છે.

આ બધા વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતીને લઈને વાતચીત પણ ચાલી રહી છે.

IND vs SA : ભારતની હાર બાદ સૂર્યકુમાર યાદવે શું કહ્યું?

ટી20 વિશ્વકપ 2026માં ભારતને પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-8 મુકાબલામાં તેને દક્ષિણ આફ્રિકાથી હાર ખમવી પડી છે.

આ હાર બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે તેમની ટીમ મજબૂતીથી વાપસી કરશે.

આઈસીસી પ્રમાણે, મૅચ બાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ટુર્નામેન્ટમાં બાકીની મૅચો પર ભારતનું વલણ કેવું રહેશે, તો સૂર્યકુમારે જવાબ આપ્યો, "સારી બેટિંગ કરો, સારી બૉલિંગ કરો અને સારી ફિલ્ડિંગ કરો. બસ આટલું જ."

તેમણે કહ્યું, "અમે ચીજોને સરળ બનાવવાની કોશિશ કરીશું. આ પ્રકારનું ક્રિકેટ રમીશું તો, જે પ્રકારે અમે રમત રમવા માગીએ છીએ તે પ્રકારે મજબૂતીથી વાપસી કરી શકીશું."

188 રનનો પીછો કરતા ભારતની ટીમે પાવરપ્લેમાં જ પોતાની ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. શરૂઆતમાં જ ટીમ લડખડાઈ ગઈ હતી તેના પર સૂર્યકુમાર યાદવે અફસોસ વ્યક્ત કર્યો.

તેમણે કહ્યું, "ક્યારેક તમારે વિચારવું પડે કે જો તમે 180-185 રનનો પીછો કરતા હોય તો તમે પાવરપ્લેમાં મૅચ જીતી નહીં શકો, પરંતુ પાવરપ્લેમાં મૅચ ગુમાવી જરૂર શકો."

નેતન્યાહૂ બોલ્યા- વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ આવશે, પીએમ મોદીએ આપ્યો આ જવાબ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઘોષણા કરી છે કે બુધવારે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના પ્રવાસે આવી રહ્યા છે.

નેતન્યાહૂએ રવિવારે કૅબિનેટની મિટિંગની શરૂઆતમાં આ ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે આ પ્રવાસને 'ઐતિહાસિક મહત્ત્વ' ધરાવતો પ્રવાસ હોવાનો પણ દાવો કર્યો.

આ પ્રવાસને લઈને ઇઝરાયલી વડા પ્રધાને ઍક્સ પર લખ્યું, "ઇઝરાયલ અને ભારત વચ્ચે સંબંધોનો આધાર વિશ્વના બે નેતાઓ વચ્ચે મજબૂત ગઠબંધન છે. અમે ઇનોવેશન સિક્યૉરિટી તથા રણનીતિક ભાગીદારી ધરાવતા દૃષ્ટિકોણમાં સહભાગી છીએ."

તેમણે કહ્યું, "અમે સાથે મળીને એવા દેશોનું ગઠબંધન બનાવી રહ્યા છે જે સ્થિરતા તથા પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે. એઆઈથી લઈને ક્ષેત્રીય સહયોગ સુધી, અમારી ભાગેદારી સતત નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહી છે."

નેતન્યાહૂએ કહ્યું, "વડા પ્રધાન મોદી, જેરુસેલમમાં તમારી મુલાકાતનો ઇંતેજાર છે."

નેતન્યાહૂના આ સોશિયલ મીડિયા પોસ્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો પર નેતન્યાહૂના શબ્દોનું સમર્થન કર્યુ.

પીએમ મોદીએ લખ્યું, "ભારત ઇઝરાયલ સાથે મજબૂત તથા સ્થાયી દોસ્તીને ઘણું મહત્ત્વ આપે છે. આ દોસ્તી પરસ્પર ભરોસો, ઇનોવેશન તથા શાંતિ અને પ્રગતિની પરસ્પર આકાંક્ષા પર આધારિત છે."

પીએમ મોદીએ પુષ્ટિ કરી કે તેઓ જલદી ઇઝરાયલના પ્રવાસે જઈ રહ્યા છે.

જોકે, તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ પર આ પ્રવાસનો સમય કે તારીખની જાણકારી નહોતી આપી.

ભારતીય વિદેશ મંત્રાલયે પણ હજુ વડા પ્રધાન મોદીના ઇઝરાયલ પ્રવાસને લઈને કોઈ જાણકારી આપી નથી.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલા પર ભારતે જારી કર્યું નિવેદન, શું કહ્યું?

ભારતમાં અફઘાનિસ્તાનમાં થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાની ઘોર નિંદા કરી છે. તેને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કર્યું છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું, "ભારત અફઘાન ક્ષેત્રમાં પાકિસ્તાની હવાઈ હુમલાની ઘોર નિંદા કરે છે. તેને કારણે પવિત્ર રમઝાનના મહિનામાં મહિલાઓ અને બાળકો સહિત સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે."

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "આ પાકિસ્તાનની પોતાની આંતરિક વિફળતાઓનો દોષ બીજા પર નાખવાની કોશિશ છે. ભારત અફઘાનિસ્તાનની સંપ્રભુતા, ક્ષેત્રીય અખંડતા અને સ્વતંત્રતા પ્રતિ પોતાનું સમર્થન વ્યક્ત કરે છે."

પાકિસ્તાને શનિવારે દાવો કર્યો હતો કે તેણે અફઘાન સીમા ક્ષેત્રમાં 'સાત આતંકવાદી શિબિરો'ને નિશાન બનાવ્યાં છે.

અફઘાનિસ્તાનના તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે 'યોગ્ય સમયે જવાબ આપશે'.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન