You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો અને આવનારા અઠવાડિયામાં શું છે આગાહી?
ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે અને આવનારા દિવસોમાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, તો કેટલાક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, વરસાદનું પ્રમાણે હવે ઘટી રહ્યું છે.
ગુજરાતની આસપાસ હાલમાં કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે રાજ્યમાં વરસાદ ધીમો પડશે. આ ઉપરાંત મૉન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે જેથી ઉત્તર ભારતનાં રાજ્યોમાં હવે વરસાદમાં વધારો થશે.
ગુજરાતમાં જૂનમાં શરૂ થયેલા ચોમાસાને લગભગ અઢી મહિના પૂરા થયા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું ગુજરાતમાંથી પરત ફરે છે.
જોકે, ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં વરસાદની ખૂબ જ અછત રહી હતી, પરંતુ આ વર્ષે ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતા મોટા ભાગમાં સારો વરસાદ થયો હતો. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી અમુક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે.
જોકે, હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અમુક જિલ્લાને બાદ કરતાં ભારે વરસાદની શક્યતા દેખાતી નથી.
એટલે કે ગુજરાતમાં જુલાઈ બાદ જે અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી તેવી સ્થિતિ થવાની શક્યતા ઓછી છે.
રાજ્યમાં જુલાઈ મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. જોકે, કેટલાક જિલ્લામાં તેમ છતાં પણ વરસાદની અછત જોવા મળી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન