કેરળનું નામ 'કેરલમ્' કરવાની કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

કેન્દ્ર સરકારની કૅબિનેટે 'કેરળ'નું નામ બદલીને 'કેરલમ્' કરવાની મંજૂરી આપી છે. જોકે, નામ બદલવાની પ્રક્રિયાની આ હજુ શરૂઆત જ છે.

કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી બાદ ભારતનાં રાષ્ટ્રપતિ એક બિલ કેરળ વિધાનસભાને તેનો અભિપ્રાય આપવા માટે મોકલશે. આ પ્રક્રિયા બંધારણની કલમ 3 હેઠળ થશે.

રાજ્ય વિધાનસભાનો અભિપ્રાય મળ્યા બાદ ભારત સરકાર આગળની કાર્યવાહી કરશે.

આ બિલ સંસદમાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની ભલામણ માગવામાં આવશે. આ બિલ રાજ્યનું નામ 'કેરળ'થી બદલીને 'કેરલમ્' કરશે.

પીઆઇબી દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેરળનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે."

તેમાં વધુમાં જણાવાયું છે કે કેરળ વિધાનસભાએ 24 જૂન, 2024ના રોજ રાજ્યનું નામ 'કેરળ'થી બદલીને 'કેરલમ્' કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.

અલ મેન્ચોના મોત બાદ મૅક્સિકોનાં 20 રાજ્યોમાં ફાટી નીકળી હિંસા

મૅક્સિકોના "મોસ્ટ વૉન્ટેડ" ગુનેગાર અલ મેન્ચો એક સુરક્ષા અભિયાન દરમિયાન માર્યા ગયા બાદ દેશમાં હિંસા ફાટી નીકળી. તેને કાબૂમાં લેવા માટે હજારો સૈનિકોની તહેનાતી કરવામાં આવી છે.

મૅક્સિકોના સંરક્ષણ મંત્રી રિકાર્ડો ટ્રેવિયાએ કહ્યું કે સોમવારે પશ્ચિમ મૅક્સિકોમાં વધારાના 2,500 સૈનિક મોકલવામાં આવ્યા છે.

સરકાર મુજબ, રવિવારથી અત્યાર સુધી કુલ આશરે 9,500 સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે.

રવિવારે હાલિસ્કો રાજ્યમાં મૅક્સિકન વિશેષ દળો દ્વારા થયેલી ધરપકડ બાદ નેમેસિયો ઓસેગ્વેરા સર્વન્ટેઝનું મોત થયું હતું. સર્વન્ટેઝને "અલ મેન્ચો" તરીકે ઓળખવામાં આવતા હતા. તેમના મોત બાદ ઓછામાં ઓછાં 20 રાજ્યોમાં અશાંતિ જોવા મળી રહી છે.

હાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ મૅક્સિકાનાં સૌથી ખતરનાક ગુનેગાર સંગઠનોમાંનું એક છે. તેનો લીડર "અલ મેન્ચો" દેશના સૌથી ખતરનાક ગુનેગારોમાંનો એક હતો.

મૅક્સિકોમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓએ દેશમાં "હૃદય હચમચાવી દે તેવી" હિંસા અને અશાંતિ અંગે જાણકારી આપી છે.

સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા રેકૉર્ડ કરાયેલા વીડિયોમાં અનેક શહેરો અને ગામોમાં સળગેલાં વાહનો અને આકાશમાં ઉડતો ધુમાડો દેખાઈ રહ્યો છે. તેમાં સમુદ્રી પર્યટન સ્થળ પ્યુએર્ટો વૈયાર્ટા પણ સામેલ છે.

છેલ્લાં ચાર વર્ષથી નૅશવિલમાં રહેતા જેરી જૉન્સે બીબીસી ન્યૂઝને કહ્યું કે તેમણે આવું 'આજ સુધી ક્યારેય જોયું નહોતું'.

લેહ જઈ રહેલું સ્પાઇસજેટનું વિમાન દિલ્હી પરત કેમ આવ્યું?

એન્જિનમાં સમસ્યા આવવાને કારણે મંગળવારે સવારે લેહ જઈ રહેલું સ્પાઇસજેટનું એક વિમાન પરત દિલ્હી આવી ગયું.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર એસજી121 બૉઇંગ 737 વિમાનમાં લગભગ 150 લોકો સવાર હતા.

પીટીઆઈએ લખ્યું છે કે સંપર્ક કરવા પર સ્પાઇસજેટના એક પ્રવક્તાએ કહ્યું કે મંગળવારે દિલ્હીથી લેહ જઈ રહેલી ફ્લાઇટ ટૅક્નિકલ સમસ્યાને કારણે દિલ્હી પરત આવી ગઈ.

ઍપ્સ્ટિન ફાઇલ મામલે અમેરિકામાં બ્રિટનના રાજદૂત રહેલા પીટર મૅંડલસનની ધરપકડ

બ્રિટિશ પોલીસે અમેરિકામાં બ્રિટનના રાજદૂત રહેલા પીટર મૅંડલસનની સાર્વજનિક પદના દુરુપયોગના સંદેહમાં ધરપકડ કરી છે. તેમની ધરપકડ ઍપ્સ્ટિન ફાઇલ સાથે જોડાયેલી તપાસ બાદ થઈ છે.

આ પહેલાં બ્રિટનના પૂર્વ પ્રિન્સ ઍન્ડ્રૂ માઉન્ટબેટનની ઍપ્સ્ટિન ફાઇલ સાથે જોડાયેલા મામલે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર પણ સાર્વજનિક પદના દુરુપયોગનો આરોપ છે.

લંડન મેટ્રોપૉલિટન પોલીસે જણાવ્યું કે 72 વર્ષના મૅંડલસનની સોમવારે ઉત્તર લંડનના કૅમડેનસ્થિત એક સરનામેથી ધરપકડ કરવામાં આવી હતી, તેમને તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ધરપકડ વિલ્ટશાયર તથા કૅમડેનનાં બે ઠેકાણાં પર તપાસનાં વૉરંટ જારી કર્યાં બાદ થઈ હતી.

પોલીસે આ મહિનાની શરૂઆતમાં એ આરોપીની તપાસ શરૂ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારમાં મંત્રી રહેતા મૅંડલસને માર્કેટને પ્રભાવિત કરનારી સંવેદનશીલ સરકારી જાણકારી યૌન અપરાધી જેફ્રી ઍપ્સ્ટિનને આપી હતી.

અમેરિકા : ત્રણ ફૂટ સુધીનો બરફ પડ્યો, બરફના તોફાનને કારણે સેંકડો ફ્લાઇટ્સ કેન્સલ

સોમવારે અમેરિકાના પૂર્વ તટ પર આવેલા તોફાનને કારણે રેકૉર્ડ તોડ બરફવર્ષા થઈ છે. જેમાં લાખો લોકો પ્રભાવિત થયા છે અને હજારો ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.

અમેરિકાની નૅશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, રોડ આઇલૅન્ડ તથા મેસેચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં લગભગ 37 ઇંચ સુધીનો બરફ પડ્યો હતો. જ્યારે કે ન્યૂ યૉર્ક શહેરના સેન્ટ્રલ પાર્કમાં 19 ઇંચથી વધારે બરફ પડ્યો.

એક સ્ટેટ એજન્સીએ ચેતવણી આપી છે કે ન્યૂ યૉર્કમાં યાત્રા લગભગ અસંભવ છે. પૂર્વ તટ પર છ લાખથી વધારે ઘરો તથા વ્યાપાર સંસ્થાનોમાં વીજળી સપ્લાયમાં અવરોધ ઊભો થયો છે. ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સૌથી વધારે પ્રભાવિત થયાં છે.

રાંચીથી દિલ્હી જતી ઍર ઍમ્બ્યુલન્સ ક્રૅશ થઈ, ક્રૂ મેમ્બર્સ સહિત સાત લોકો હતા સવાર

રાંચીથી દિલ્દી જતી એક ઍર ઍમ્બ્યુલન્સનો ઝારખંડના સિમરિયા પાસે અકસ્માત થયો છે. રાંચી ઍરપોર્ટના નિદેશકે આ માહિતી આપી હતી. આ ઍર ઍમ્બ્યુલન્સમાં સાત લોકો સવાર હતા.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરીના દિવસે રેડબર્ડ ઍરવેઝ પ્રાઇવેટ લિમિટેડનું બીચક્રાફ્ટ C90 વિમાન 'રાંચી–દિલ્હી' સેક્ટર પર મેડિકલ ઇવૅલ્યુએશન (ઍર ઍમ્બ્યુલન્સ) ઊડી રહ્યું હતું. પણ આ વિમાન ઝારખંડના ચતરા જિલ્લાની કસારિયા પંચાયતમાં અકસ્માત થયો.

વિમાનમાં બે ક્રૂ સભ્યો સહિત કુલ સાત લોકો સવાર હતા. વિમાનમાં રાંચીથી સાંજે 7 વાગીને 11 મિનિટ પર ઉડાણ ભરી હતી. કોલકાતાથી સંપર્ક સ્થાપિત કર્યા બાદ સાંજે 7 વાગીને 34 મિનિટે વિમાનનો કોલકાતાના રડારથી સંપર્ક તૂટી ગયો.

તે સમયથી વિમાન વારાણસીથી લગભગ 100 નૉટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં હતું.

જિલ્લા વહીવટી તંત્રની શોધ અને બચાવ ટીમ અવસર પર પહોંચી ગઈ છે. અને દુર્ઘઠનાની તપાસ માટે એએઆઈબીની ટીમ રવાના કરવામાં આવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન