શેખ હસીના 'રાજકીય અતિથિ' તરીકે હજુ ભારતમાં, સરકારની હવે યોજના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શુભજ્યોતિ ઘોષ
- પદ, બીબીસી ન્યૂઝ, બાંગ્લા, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ગયા વર્ષે પાંચમી ઑગસ્ટે બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાનું વિમાન જ્યારે દિલ્હી નજીક આવેલા હિંડન ઍરપૉર્ટ પર ઊતર્યું ત્યારે ભારતને કદાચ એ અનુમાન હશે જ કે, આ તેમનાં માટે માત્ર એક 'સ્ટૉપ ઓવર' છે અને તેઓ કદાચ વધારેમાં વધારે છથી સાત કલાક માટે અહીં રોકાશે.
પરંતુ, થોડાક જ સમયમાં ભારતની આ ગેરસમજ દૂર થઈ ગઈ. અહીં આવ્યાને સાત મહિના કરતાં વધારે સમય થયો હોવા છતાં તેમને હજુ સુધી કોઈ ત્રીજા દેશમાં મોકલી શકાયાં નથી.
શેખ હસીના 'રાજકીય અતિથિ' તરીકે આજે પણ ભારતમાં જ રહે છે.
ભારે અનિશ્ચિતતા વચ્ચે અહીં આટલો લાંબો સમય પસાર કર્યા છતાં ભારતે હજુ સુધી 'ઔપચારિક રીતે' એ વાતનો કશો સંકેત નથી આપ્યો કે તે શેખ હસીનાની બાબતમાં શું કરવા માગે છે.
શેખ હસીનાએ 'અતિથિ' તરીકે રહેવા છતાં ભારતમાં હજુ સુધી રાજકીય શરણ નથી મળ્યું.
એ વાત સાચી છે કે, તેમને સોશિયલ મીડિયા દ્વારા પોતાની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધવાની મંજૂરી અપાઈ રહી છે, પરંતુ સાથે જ, ભારતે ગયા મહિને તેમનાં નિવેદનોથી છેડો ફાડ્યો છે.
ભારતે ઔપચારિક રીતે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે, શેખ હસીના જે કંઈ પણ કહી રહ્યાં છે, તે તેમની 'વ્યક્તિગત ક્ષમતા'થી કહી રહ્યાં છે. તેમના વિચારો સાથે ભારતની સ્થિતિને કશી લેવાદેવા નથી.
બીજી તરફ, વિદેશમંત્રી જયશંકર અથવા તો તેમના મંત્રાલયે ઘણી વાર કહ્યું છે કે, ભારત બાંગ્લાદેશ સાથે સારા સંબંધોનું હિમાયતી છે. જોકે, તેમાં કેટલાક 'કિંતુ'–'પરંતુ' છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગભગ અઢી મહિના પહેલાં બાંગ્લાદેશ સરકારે ભારતને શેખ હસીનાના પ્રત્યર્પણની વિનંતી કરી હતી; પરંતુ, ભારતે હજુ સુધી તેનો કશો જવાબ નથી આપ્યો.
શેખ હસીનાએ પોતે પણ પોતાના સમર્થકોને બાંગ્લાદેશ પાછાં ફરવાની વાત કહી છે; પરંતુ, ભારતે હજુ સુધી એવો કશો સંકેત નથી આપ્યો કે તે બાંગ્લાદેશમાં તેમના રાજકીય પુનર્વાસ માટે કશી મદદ કરશે.
એટલે, હાલના સમયે ભારત શેખ હસીનાના વિષયમાં શું વિચારી રહ્યું છે, અથવા તો તેની શી યોજના છે? બીજા શબ્દોમાં કહીએ તો, ભારત, શેખ હસીના સાથે ઊભા રહેવામાં કેટલું આગળ વધી શકે છે?

'જબરજસ્તી ક્યાંય નહીં મોકલાય'

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઢાકામાં ભારતના પૂર્વ રાજદૂત પિનાક રંજન ચક્રવર્તીને એ બાબતે દૃઢ વિશ્વાસ છે કે, ભારત પોતાનાં લાંબા સમયથી મિત્ર રહેલાં શેખ હસીનાને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના જોખમમાં નહીં મૂકે.
પિનાક રંજન ચક્રવર્તીએ બીબીસીને કહ્યું કે, "જો તમે પૂછો કે આ બાબતનું ભવિષ્ય શું છે? હસીનાનું ભવિષ્ય? મારું માનવું છે કે, તેમને ક્યાંય મોકલવામાં નહીં આવે."
"તેમને બીજી કોઈ જગ્યાએ મોકલવામાં કદાચ મુશ્કેલી છે. તેઓ ભારતમાં છે અને રહેશે. તેઓ અગાઉ પણ અહીં રહી ચૂક્યાં છે. હસીના ઈ.સ. 1975થી 1981 સુધી તો અહીં જ હતાં."
પૂર્વ રાજદૂત પિનાક રંજન ચક્રવર્તીએ યાદ કરાવ્યું કે, જો કોઈ વિદેશી રાજનેતા કોઈ કારણે ભારત આવે, તો તેમને જબરજસ્તી તેમના દેશમાં પાછા મોકલવા તે ક્યારેય ભારતની નીતિ નથી રહી.
ચક્રવર્તીનું કહેવું હતું, "કોઈ રાજકીય વ્યક્તિને જબરજસ્તી પાછા મોકલવા ક્યારેય આપણી નીતિ નથી રહી. દલાઈ લામા પણ અત્યાર સુધી ભારતમાં જ છે."
"આપણે માનીએ છીએ કે, અહીં શરણ લેવા આવનારાઓની બાબતમાં એક સાંસ્કૃતિક કે નીતિગત મુદ્દો પણ સામેલ છે. તે એ કે, 'આપણે તેમને બળજબરીપૂર્વક બીજે ક્યાંય નહીં મોકલીએ.' મને લાગે છે કે શેખ હસીનાની બાબતમાં પણ એવું જ છે."
બાંગ્લાદેશે ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવા માટે શેખ હસીનાને પાછાં મોકલવાની ભારતને વિનંતી કરી હતી, તેમાં પણ પૂર્વ રાજદૂતને કશું નક્કર ભવિષ્ય નથી દેખાતું.
પિનાક રંજન ચક્રવર્તી અનુસાર, "જે બાબતમાં હસીના વિરુદ્ધ કેસ ચલાવવા માટે તેમને બાંગ્લાદેશ મોકલવાની માગ થઈ રહી છે, તે જો રાજકારણથી પ્રેરિત લાગે છે અથવા એવી કોઈ વિનંતી રદ કરવાની જોગવાઈ પ્રત્યર્પણ સંધિમાં છે જ, તો ભારત તે જોગવાઈના આધારે બાંગ્લાદેશની વિનંતી નકારી શકે છે."
માત્ર મોદી અને ડોભાલ સાથે મુલાકાત?
શેખ હસીનાનાં પુત્રી સાયમા વાજેદની ઑફિસ પણ દિલ્હીમાં જ છે. તેઓ વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)માં દક્ષિણપૂર્વ એશિયાનાં ક્ષેત્રીય ડાયરેક્ટર તરીકે કામ કરે છે.
માતા અને પુત્રી, બંને ગમે તે ઇચ્છતાં હોય, પરંતુ બંનેની મુલાકાતો તો નિયમિત રીતે થાય છે.
પરંતુ તેમનું એક જ છત નીચે રહેવું શક્ય નથી થતું. તેનું કારણ સમજવું મુશ્કેલ નથી.
સાયમા વાજેદ સંયુક્ત રાષ્ટ્રના એક મહત્ત્વપૂર્ણ પદ પર છે અને શેખ હસીના ભારતના રાજકીય નિર્ણયના કારણે 'અતિથિ' તરીકે અહીં રહે છે.
એ સમજવું મુશ્કેલ નથી કે, ભારત પોતાના 'રાજકીય અતિથિ'ને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ સાથે પોતાના દેશમાં ન રાખી શકે.
પરંતુ, દિલ્હીમાં વરિષ્ઠ રાજદ્વારી પત્રકાર નયનિમા બસુએ જણાવ્યું કે, ભારે સુરક્ષામાં હોવા છતાં, ભારતનું ટોચનું રાજકીય નેતૃત્વ ક્યારેક ક્યારેક શેખ હસીનાની મુલાકાત કરતું રહે છે.
નયનિમાએ બીબીસીને જણાવ્યું કે, "આપણે આ સાત મહિના દરમિયાન જોયું છે કે બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને ઘણી વાર સોશિયલ મીડિયા પર ભાષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવું નથી કે તેઓ અહીં ચૂપચાપ બેઠાં છે."
નયનિમાનું કહેવું એમ હતું કે, ભારત સરકારે આ મુદ્દા પર કશી ટિપ્પણી નથી કરી.
પરંતુ, આપણે જોયું છે કે, સરકારે શેખ હસીનાને સોશિયલ મીડિયાના ઉપયોગની મંજૂરી આપી છે, પછી એ ઍક્સ હોય કે ફેસબુક.
એના દ્વારા તેમને બાંગ્લાદેશના નાગરિકો, અને ખાસ કરીને અવામી લીગના સમર્થકોને સંબોધવાની મંજૂરી મળતી રહી છે.
આમ જુઓ તો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા છતાં, સામાન્ય રીતે હસીના પોતાના પરિચિતોને હળીમળી શકતાં નથી.
નયનિમા બસુએ કહ્યું કે, "આપણે જાણીએ છીએ કે તેમને અહીં ભારે સુરક્ષાવ્યવસ્થા સાથે રાખવામાં આવ્યાં છે. તેમને મળવાની મંજૂરી ખૂબ ઓછા લોકોને છે."
"એવું સાંભળવા મળ્યું છે અને અમારાં સૂત્રોએ પણ એ વાતની પુષ્ટિ કરી છે કે, માત્ર બે વ્યક્તિ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ જ તેમને મળે છે."
"તે પણ એવી સ્થિતિમાં, જ્યારે કોઈ ખૂબ જ મહત્ત્વનો રાજકીય મુદ્દો સામે હોય."
'અનલૉકિંગ શરૂ થાય તો આશ્ચર્ય નહીં થાય'

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાનમાં, દેશ-વિદેશનાં અખબારો અને પત્રિકાઓમાં સમાચાર છપાતા રહે છે કે, શેખ હસીના દિલ્હીમાં કોઈ બંગલામાં રહે છે. એટલે સુધી કે, તેમની મૉર્નિંગ વૉક સંબંધિત સમાચાર પણ હેડલાઇન્સ બની જાય છે.
જોકે, લોધી ગાર્ડનમાં દરરોજ ઊમટી પડતી ભીડને ધ્યાનમાં રાખીને કોઈ પણ એ વાત સમજી શકે એમ છે કે, જે વ્યક્તિને ભારે સુરક્ષાવ્યવસ્થા વચ્ચે રાખવામાં આવતાં હોય, તેમનું મૉર્નિંગ વૉક માટે ત્યાં જવું કોઈ પણ સ્થિતિમાં શક્ય નથી.
લંડનમાં રહેતા લેખક અને બાંગ્લાદેશના સંશોધક પ્રિયજિત દેવ સરકારનું માનવું છે કે, જરૂરિયાત ઊભી થતાં ભારત શેખ હસીનાની બાબતમાં રખાતી ગોપનીયતાનું આવરણ ધીરેધીરે ઓછું, એટલે કે, 'અનલૉક' કરી શકે છે.
તેમણે કહ્યું કે, "ભારત સુરક્ષાની સાથે જ શેખ હસીનાની તમામ જવાબદારી ઉઠાવી રહ્યું છે."
"ભારતીય સંસદમાં સત્તા અને વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષોએ સર્વસંમતિથી એ વાત કહી છે કે, શેખ હસીના આપણાં અતિથિ છે અને તેઓ જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી ભારતમાં રહી શકે છે."
"પરંતુ, આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે, હસીના ચરમપંથીઓના નિશાન પર છે. તેમની સુરક્ષાની જવાબદારી ભારત પર છે. તો એવી સ્થિતિમાં તેણે (ભારતે) એ જોવું પડશે કે તેમને ઊણી આંચ ન આવે."
પ્રિયજિત માને છે કે, કોઈ કારણે શેખ હસીના માટે અભૂતપૂર્વ સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, પછીથી તેની સમીક્ષા પણ કરવામાં આવી શકે છે.
પ્રિયજિતે કહ્યું, "હું અહીં એક ઉદાહરણ આપવા માગું છું. કોવિડ મહામારીના સમયે આપણે જે રીતે લૉકડાઉન પછી 'અનલૉક' એટલે કે પ્રતિબંધોને ધીરેધીરે–ચરણબદ્ધ રીતે શિથિલ કરાતા જોયા હતા, બિલકુલ એ જ રીતે શેખ હસીના અત્યારે ઇન્ફર્મેશન ટેકનોલૉજીની મદદથી ઑડિયો ભાષણ આપી રહ્યાં છે."
"કોને ખબર કે આગળ જતાં થોડું અનલૉક થયા પછી તેમને બીજા કશાક માધ્યમથી કે વીડિયો દ્વારા પણ જોઈ શકીશું."
એ વાત પણ સાચી છે કે, સાત મહિના પછી પણ આપણને આ સવાલનો જવાબ નથી ખબર કે શેખ હસીના ક્યાં રહે છે? કદાચ મેરઠમાં સૈન્ય શિબિરમાં કોઈ સેફ હાઉસમાં કે પછી ત્યાં પણ નહીં.
હકીકતમાં, આટલા લાંબા સમય સુધી શેખ હસીનાના રહેઠાણની જગ્યા અંગેની ગોપનીયતા જાળવી રાખવાનું પણ ભારત માટે કોઈ સફળતાથી ઓછું નથી.
શું લોકો અવામી લીગનાં નેતા તરીકે સ્વીકારશે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ સવાલ હજુ પણ ખૂબ જ પ્રાસંગિક છે કે શેખ હસીના ભવિષ્યમાં ક્યારેય બાંગ્લાદેશ પાછાં જઈને પોતાની વેરવિખેર થઈ ગયેલી પાર્ટી અવામી લીગનો પુનરુદ્ધાર કરવામાં સક્ષમ હશે કે નહીં?
પરંતુ, ઓ.પી. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય સંબંધોનાં વિશ્લેષક શ્રીરાધા દત્ત માને છે કે, આ કામ અસંભવની હદ સુધી મુશ્કેલ છે જ, પરંતુ, ભારત માટે પણ આ બાબતમાં તેમની સહાય કરવાનું ઘણું મુશ્કેલ છે.
શ્રીરાધા દત્તે બીબીસીને જણાવ્યું કે, "ભારત તેમને હાલ પૂરતાં અહીં રાખશે. તેઓ જ્યાં સુધી અહીં રહેવા ઇચ્છે અથવા આપણને જ્યાં સુધી લાગે કે હસીના બાંગ્લાદેશ પાછાં ફર્યાં પછી સુરક્ષિત નહીં રહે, ત્યાં સુધી તેમને અહીં રાખવામાં આવશે. પરંતુ, પુનર્વાસની પણ ચર્ચા થઈ રહી છે.
તેઓ ઉમેરે છે, "આપણને ખબર નથી કે ભારત સરકાર આ વિષયમાં શું વિચારી રહી છે. પરંતુ, અવામી લીગ આવા પ્રયાસ તો જરૂર કરી રહી છે. પરંતુ, મને નથી લાગતું કે બાંગ્લાદેશમાં હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકશે."
શ્રીરાધા દત્ત માને છે કે, 32 ધાનમંડી અને બીજા ઘણા વિસ્તારોમાં કારણ વગર કરવામાં આવેલી તોડફોડની સાથે અવામી લીગના પક્ષમાં થોડીક 'સહાનુભૂતિ' જન્મી છે. પરંતુ, તેનો અર્થ એ નથી કે તેનાથી શેખ હસીનાના રાજકીય પુનર્વાસનો માર્ગ મોકળો જશે.
શ્રીરાધા દત્તે કહ્યું કે, "ચોક્કસ, અવામી લીગ એક ઐતિહાસિક રાજકીય પાર્ટી છે; બાંગ્લાદેશના રાજકીય નકશામાં તેની એક ખાસ જગ્યા છે. પરંતુ, તેનો મતલબ એ નથી કે, આટલું બધું થઈ ગયા પછી બધા લોકો તેમને અવામી લીગનાં નેતા માની લેશે. મને લાગે છે કે આ સવાલનો જવાબ મુશ્કેલ છે."
દિલ્હીમાં પર્યવેક્ષકોની ટિપ્પણીથી એક વાત એકદમ સ્પષ્ટ છે કે, શેખ હસીનાને સોશિયલ મીડિયા દ્વારા પોતાના સમર્થકોને સંબોધવાની મંજૂરી ભલે અપાતી રહી હોય; પરંતુ, તેનો મતલબ એ નથી કે ભારત તેમને ફરી એક વાર બાંગ્લાદેશના રાજકીય પરિદૃશ્યમાં સ્થાપિત કરવા માગશે.
હકીકત એ છે કે, બાંગ્લાદેશની હાલની રાજકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાના કારણે જ કદાચ ભારતની એવું કરવાની ઇચ્છા નથી; અને, કદાચ તેની ક્ષમતા પણ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























