ગુજરાત : યુવકે જાતે પોતાના હાથની ચાર આંગળી કાપીને 'ચોરી' થયાની ફરિયાદ કેમ નોંધાવી, હકીકતમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images/Rupesh Sonawane
- લેેખક, રૂપેશ સોનવણે અને શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
આ અહેવાલના અમુક અંશ સંવેદનશીલ વાચકને વિચલિત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત છે.
અમુક દિવસ પહેલાં સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં મયૂર તારપરા નામના એક યુવકની ડાબા હાથની ચાર આંગળી કાપી કોઈક વ્યક્તિ ચોરી ગયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદ હતી કે યુવકનો મોબાઇલ અને બાઇક જેવો કિંમતી મુદ્દામાલ યથાસ્થાને હતો, પરંતુ ડાબા હાથની ચાર આંગળીઓ કાપી લેવાઈ હતી.
શરૂઆતમાં પોલીસને આશંકા હતી કે તાંત્રિક વિધિ માટે કોઈકે કૃત્ય આચર્યુ હશે.
આ ફરિયાદ બાદ સુરત પોલીસે ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
લગભગ 400 મીટરના રોડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ ચકાસાયા હતા, જેમાં કશું અજુગતું જણાયું ન હતું.
જોકે, બાદમાં પોલીસે ઈજાગ્રસ્તની વારંવાર પૂછપરછ કરતાં હકીકત સામે આવતાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફરિયાદી યુવકની કબૂલાતમાં કામના સ્થળે દબાણ અને માનસિક તણાવની ચોંકાવનારી દાસ્તાન બહાર આવી હતી.
પહેલાં જાણીએ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો તમને કે અન્ય કોઈને સ્વપીડન કે આત્મહત્યાના વિચાર આવતા હોય, તો મદદ મેળવવા માટે ભારત સરકારના જીવનસાથી હૅલ્પલાઇન નંબર 18002333330 પર કૉલ કરો.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા 18005990019 નંબર પર 13 ભાષામાં હૅલ્પલાઇન ચલાવવામાં આવે છે.
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅન્ટલ હૅલ્થ ઍન્ડ ન્યૂરો સાયન્સનો હૅલ્પલાઇનનો નંબર 08026995000 છે.
ચાર આંગળી કપાયાની પોલીસ ફરિયાદ

ઇમેજ સ્રોત, Rupesh Sonawne
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફરિયાદ અનુસાર 32 વર્ષીય મયૂર તારપરા નામના યુવક તા. આઠ ડિસેમ્બરની રાત્રે દસ વાગ્યાની આસપાસ સુરતના રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને અચાનક ચક્કર આવી જતાં એટલે તેઓ રસ્તા પર સાઇડમાં બેસી ગયા હતા.
ફરિયાદ પ્રમાણે થોડી વાર પછી તેમને ભાન આવ્યું ત્યારે બાઇક અને મોબાઇલ સહિતનો કિંમતી મુદ્દામાલ ત્યાં જ હતો, પરંતુ તેમના ડાબા હાથની ચાર આંગળીઓ કપાઈ ગઈ હતી.
ફરિયાદમાં એવો દાવો કરાયો હતો કે મયૂરે ફોન કરીને પોતાના મિત્રને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. જેઓ મયૂરને સારવારાર્થે હૉસ્પિટલ લઈ ગયા હતા.
સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) ભાવેશ રોઝિયાએ પત્રકારપરિષદમાં જણાવ્યું, "પ્રથમ દૃષ્ટિએ તાંત્રિક વિધિ માટે આંગળીઓ કાપવામાં આવી હોવાનું જણાયું હતું."
"પોલીસની વારંવારની પૂછપરછ, ટેકનિકલ ડેટાના ઍનાલિસિસ અને પ્રવૃત્તિઓની તપાસ કરતા કોઈ બનાવ બન્યો હોવાનું લાગતું ન હતું."
"સીસીટીવી (ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન) ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. એ અરસામાં તેમની આગળપાછળ કોઈ જણાયું ન હતું, એટલે શંકા હતી. વારંવાર પૂછપરછ કરતાં એમણે જાતે જ આંગળીઓ કાપી હોવાનું કબૂલ કર્યું હતું."
જ્વેલર્સને ત્યાં કામ કરતાં મયૂરે પોતાની આંગળીઓ શા માટે કાપી તેના વિશેનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
કામનું ભારણ અને તણાવ

ઇમેજ સ્રોત, Rupesh Sonawne
સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ સમગ્ર ઘટનાક્રમ અને પોલીસતપાસ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું :
"મયૂર વરાછામાં એક જ્વેલર્સને ત્યાં કમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતા હતા. જે મયૂરના પિતાના સંબંધીની છે. ત્યાં તેમને કામનું ખૂબ જ પ્રેશર રહેતું હતું, પરંતુ ના નહોતા કહી શકતા."
"એટલે સ્ટ્રેસમાં આવીને તેમણે પહેલાં પોતાની ત્રણ આંગળીઓ કાપી હતી અને પછી વધુ એક આંગળી કાપી હતી, જેથી કરીને કામ ન કરવું પડે."
પોલીસને મયૂરના નિવેદનની ખરાઈ કરવા માટે ક્રોસ વેરિફિકેશન હાથ ધર્યું હતું. ભાવેશ રોઝિયાએ સમગ્ર કેસ અંગે મળેલ માહિતી આપતાં કહ્યું કે :
"મયૂર પોતે ઘટનાના ચાર-પાંચ દિવસ પહેલાં બજારમાંથી છરો ખરીદી લાવ્યા હતા. દુકાનદારે પણ મયૂર દ્વારા છરો ખરીદવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી."
પોલીસે જણાવ્યું હતું કે મયૂરે જણાવેલ સ્થળેથી બિનવારસી હાલતમાં છરો અને પાણીમાંથી ત્રણ આંગળીઓ મળી આવી હતાં.
ડીસીપી ભાવેશ રોઝિયાના જણાવ્યા પ્રમાણે ચોરી કે મુદ્દામાલ ગુમ થવા સંબંધિત અન્ય કોઈ ફરિયાદ મળેલી નથી. મયૂર કે તેમના પરિવારજનોએ પણ આના વિશે કોઈ જાણ નથી કરી. છતાં વધુ પૂછપરછ ચાલુ છે.
મયૂર તારપરાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "હું એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતો હતો. મારી ઉપર સ્ટ્રેસ લેવલ વધી ગયું હતું અને કામ ન કરવું પડે એટલે મેં મારી આંગળીઓ કાપી નાખી હતી."
"મારી ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું. માત્ર મારે કામ નહોતું કરવું એટલે મેં મારી આંગળીઓ કાપી નાખી હતી."
પોલીસ જપ્ત કરાયેલી ત્રણ આંગળીઓને નિષ્ણાત તબીબો પાસે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે; પરંતુ પાણીમાં રહેવાથી એ ફુગાઈ હોવાથી તેમજ ચારમાંથી માત્ર ત્રણ આંગળીઓ મળી હોવાથી અને સમય થઈ ગયો હોવાને કારણે તે ફરીથી જોડાવાની શક્યતા નહિવત્ હોવાથી કાયમી ખોટ રહેવાનો પ્રાથમિક મત વ્યક્ત થઈ રહ્યો છે.
સુરત પોલીસે મયૂરનું સાઇકૉલૉજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવાની તજવીજ પણ હાથ ધરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















