દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન, રાજ્યમાં ક્યાં કરાઈ ભારે વરસાદની આગાહી?

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ગુજરાતમાં ઠેરઠેર ચોમાસાની અસર વર્તાઈ રહી છે અને કેટલાય વિસ્તારોમાં ભારે તો ક્યાંક છુટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. એવામાં રાજ્યમાં હજુ પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જાહેર કરેલા 'વેધર બુલેટિન' અનુસાર દક્ષિણ ગુજરાત ઉપર દરિયા નજીક સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની છે, જેને લીધે ગુજરાતના હવામાનને અસર થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં ભારે પરિવર્તન આવશે અને એના લીધે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.

અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત નજીક સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ અસર થશે, જેને પગલે અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, ગીર-સોમનાથ, બોટાદ, અને મોરબીમાં પણ હવામાન પલટાઈ શકે છે અને હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી અને ડાંગમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે સુરત, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.

બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ હવામાન પલટાઈ શકે છે અને અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે 6 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી, જૂનાગઢ, ગીર-સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 7 જુલાઈના રોજ ગુજરાતના અમુક વિસ્તારોના હવામાનમાં ભારે પલટો આવી શકે છે અને ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 7 જુલાઈએ સુરત, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ગ્રે લાઇન

દેશમાં પણ વરસાદી માહોલ

BBC

ઇમેજ સ્રોત, Getty Images

દેશમાં ગત 24 કલાકમાં કોંકણ, ગોવા, કર્ણાટકના કાંઠાવિસ્તાર તથા કેરળમાં ભારે વરસાદ પડ્યો છે.

તો જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, બિહારના કેટલાક વિસ્તારો, આસામ, મધ્ય પ્રદેશ, વિદર્ભ તેમજ મરાઠવાડામાં હળવાથી લઈને મધ્યમ કક્ષાનો વરસાદ વરસ્યો છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હોવાનું પણ 'સ્કાયમેટ વેધર' નોંધે છે.

આ ઉપરાંત દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અંડમાન અને નિકોબાર આઇલૅન્ડ્સમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે.

પૂર્વ અને પૂર્વોત્તર ભારતની વાત કરવામાં આવે પૂર્વોત્તર ભાગ, બંગાળનો ગંગાકિનારાનો વિસ્તાર, ઝારખંડમાં વરસાદ નોંધાયો છે.

ગ્રે લાઇન

ઇમેજ સ્રોત, Getty Images

દક્ષિણ ગુજરાત ઉપર સાયક્લૉનિક સર્ક્યુલેશન

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર, દક્ષિણ ગુજરાત તરફ દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ બની રહી છે. આ હિલચાલને પગલે ગુજરાતના હવામાનને અસર થઈ શકે છે અને અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત ઉપર સર્જાયેલા આ સર્ક્યુલેશનનો ઘેરાવો 3.1 કિલોમીટરનો હોવાનું હવામાન વિભાગ જણાવે છે. જેને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

'બિઝનેસ ટુડે'ના અહેવાલ અનુસાર રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે અને આને પગલે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગરની મુલાકાત લીધી અને સ્થિતિ તથા તેને પહોંચી વળનાની તૈયારીની સમીક્ષા કરી હતી.

સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યનાં 206 જળાશયોમાંથી 23 હાઈ ઍલર્ટ પર છે, 15 પર ઍલર્ટ અને 10 પર ચેતવણી જાહેર કરવામાં આવ્યાં છે.

રેડ લાઇન
રેડ લાઇન