આ ગુજરાતીઓ અમેરિકા જવા માટે દુબઈથી વિમાન ભાડે કરી નિકારાગુઆ કેમ જઈ રહ્યા હતા?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો અને સમજો કે ગુજરાતીઓ America જવા માટે Dubai થી પ્લેન ભાડે કરી Nicaragua કેમ જઈ રહ્યા હતા?
આ ગુજરાતીઓ અમેરિકા જવા માટે દુબઈથી વિમાન ભાડે કરી નિકારાગુઆ કેમ જઈ રહ્યા હતા?
પ્રકાશિત

મુંબઈ ઉતરેલું એક પ્લેન ચર્ચામાં છે. આ પ્લેનમાં કથિત રીતે કેટલાક ગુજરાતીઓ અમેરિકામાં ગેરકાયદે દાખલ થવા માટે નિકારાગુઆ જઈ રહ્યા હતા.

મંગળવારે ફ્રાન્સથી લિજેન્ડ ઍરલાઇન્સની ફ્લાઇટ મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ઉપર ઊતરી, જેમાં 276 મુસાફરો હતા. વિમાનના લગભગ ત્રીજા ભાગના મુસાફરો ગુજરાતના છે. આ સિવાય પંજાબ અને હરિયાણાના પ્રવાસીઓ પણ આ વિમાનમાં યાત્રા કરી રહ્યા હતા.

તા. 21મી ડિસેમ્બરે ફ્રાન્સના કૅલોન્સ-વાટ્રી ઍરપૉર્ટ ખાતે રિફ્યૂલિંગ માટે રોકાયું હતું. ફ્રાન્સના અધિકારીઓને આ વિમાન મારફત માનવતસ્કરી થઈ રહી હોવાની 'ગુપ્ત બાતમી' મળી હતી, જેના આધારે વિમાનને અટકાવવામાં આવ્યું હતું.

કથિત રીતે આ મુસાફરો મધ્ય અમેરિકાના નિકારાગુઆની સરહદેથી કૅનેડા કે અમેરિકામાં પ્રવેશવાના હતા. તાજેતરનાં વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા માટે નિકારાગુઆનો રૂટ પ્રચલિત બની રહ્યો છે.

આ પ્લેનને ફ્રાન્સના એક ઍરપૉર્ટ પર શંકાના આધારે અટકાવાયું અને પછી તેમાં સવાર ભારતીયોને ભારત મોકલી દેવાયા. જો કે આ લોકો પર ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હોવાનો કોઈ આરોપ સાબિત નથી થયો પણ સવાલ એ થાય કે અમેરિકા જવા માટે નિકારાગુઆનો માર્ગ કેમ અપનાવે છે લોકો?

જોકે આ આ રૂટની વિસંગતતાઓ સમજીએ એ અગાઉ એ પણ જાણી લઈએ કે કેમ ગુજરાતીઓ અમેરિકા જવા માટે ઘેલછા ધરાવે છે?

અહીં વધુ વાંચો -

ગુજરાત છોડી અમેરિકા કૅનેડા ગેરકાયદેસર પહોંચવાની ઘેલછા?

વિમાન

ઇમેજ સ્રોત, LEGEND AIRLINES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

લાખોના ખર્ચ અને જીવસટોસટની બાજી રમ્યા બાદ પણ અમેરિકન ડ્રીમ સાકાર થશે કે કેમ, તે નક્કી નથી હોતું. ફેબ્રુઆરી-2024માં અમેરિકા જવા માટે નીકળેલા નવેક લોકો વિશે હાલમાં કોઈ માહિતી ન હોવાના સમાચાર તાજા જ છે.

ડિસેમ્બર મહિનામાં સીઆઈડી (ક્રાઇમ) દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાની 17 જેટલી વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સીઓ ઉપર રેડ કરવામાં આવી હતી. સંદિગ્ધ આર્થિકવ્યવહારો તથા વિદેશમાં મોકલવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ થતો હોવાની આશંકા હતી.

અમેરિકાના કસ્ટમ અને બૉર્ડર પ્રોટેક્શન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ઑક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં રેકર્ડ 96 હજાર 917 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા હતા.જેમાંથી મોટાભાગના ગુજરાત અને પંજાબના હોવાનું બહાર આવ્યું હતું.

પકડાયેલા લોકોમાંથી 30 હજારથી વધુ કૅનેડાની બૉર્ડરેથી અને 41 હજારથી વધુ લોકો મૅક્સિકોની સરહદેથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વર્ષ 2020-21માં આ આંકડો 30,662 હતો, જ્યારે વર્ષ 2021-22માં એ આંકડો 63,927 હતો.

નિકારાગુઆનો રૂટ કેટલો ખતરનાક છે?

ફિલ્મ

ઇમેજ સ્રોત, FB/SRK

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અસીલોને અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ અપાવવા માટે એજન્ટોએ સતત નવતર માર્ગ અને કીમિયા અજમાવતા રહેવા પડે છે. બીબીસી આફ્રિકાના અહેવાલ પ્રમાણે, અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા માટે નિકારગુઆનો રૂટ પ્રચલિત બની રહ્યો છે.

એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું કે, નિકારગુઆ પહોંચ્યા પછી હાથખર્ચીના પૈસા સાથે રાખવા પડે છે. જેમાંથી રસ્તામાં ભ્રષ્ટ સુરક્ષાઅધિકારીઓ તથા માનવતસ્કરોની શ્રૃંખલાને ચૂકવણું કરવાનું હોય છે. તેમની સાથેનો સંપર્ક પણ આ એજન્સી જ કરાવી આપે છે.

નિકારાગુઆ ખાતેના કૉન્ટેક્ટને વ્યક્તિનો તથા મુસાફરને સ્થાનિક શખ્સની તસવીર મોકલી દેવામાં આવે છે અને ઍરપૉર્ટ ઉપર જ બંને પક્ષકારોનો સંપર્ક થઈ જાય છે. ત્યાંથી હૉન્ડુરાસ અને પછી ગ્વાટેમાલા લઈ જવામાં આવે છે. અહીંથી મેક્સિકોમાં જુદી-જુદી રીતે અલગ-અલગ શહેરોમાં ફેરવીને તેમને લાસ કોન્ચાસ લઈ જવામાં આવે છે.

આ શહેર અમેરિકાના ઍરિઝોના રાજ્યની સાથે જોડાયેલું છે. અમેરિકામાં તેમનું પકડાઈ જવાનું લગભગ નિશ્ચિત હોય છે. અહીંથી એજન્ટની સેવા પૂરી થાય છે. સમગ્ર યાત્રા પાછળ લગભગ છ હજાર યુરો એટલે કે લગભગ છ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

સીબીડીની કસ્ટડીમાં આવ્યા બાદ કાયદેસરના ઇમિગ્રન્ટ તરીકેનો દરજ્જો મેળવવાનો નવો સંઘર્ષ ચાલુ થાય છે. આ પ્રક્રિયામાં સફળતાનો આધાર વકીલ અને તેની કાબેલિયત પર રહે છે. આના માટે પણ અલગથી ખર્ચ કરવો પડી શકે છે.

મુંબઈ આવેલી ફ્લાઇટ સંદર્ભે ભારત સરકારે માનવતસ્કરીના એંગલ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી. જો તમામ ભારતીય કાયદેસરના કાગળિયા સાથે મુસાફરી કરી રહ્યા હતા, તો કયા આધાર ઉપર વિમાનને અટકાવવામાં આવ્યું? શું ફ્રાન્સના અધિકારીઓને એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે કોઈ ગુનો આચરવામાં નથી આવ્યો?

ફ્રાન્સના અધિકારીઓએ લીલીઝંડી આપી દીધી પછી આ વિમાન નિકારાગુઆને બદલે ભારત કેમ આવ્યું? શું તેમની સાથે આર્થિક છેતરપિંડી થઈ હતી? આવા અનેક સવાલ છેલ્લા છ દિવસના દરમિયાનના ઘટનાક્રમ પરથી ઊભા થાય છે, જેના જવાબ કદાચ આગામી દિવસો કે અઠવાડિયામાં તપાસ પછી મળશે.