પિતા લાલુપ્રસાદ યાદવ વિશે રોહિણી આચાર્યે શું કહ્યું અને પરિવાજનો શું બોલ્યાં? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવનાં દીકરી રોહિણી આચાર્યે કહ્યું છે કે તેમણે માત્ર ભાઈને ત્યજ્યા છે અને માતા-પિતા તથા બહેનો તેમની સાથે છે.
રોહિણી આચાર્યે રવિવારે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું, "પિતાજી સદૈવ મારી સાથે રહ્યા છે. ગઈકાલે પણ મારાં માતા-પિતા રડી રહ્યાં હતાં. ભગવાને મને આવાં માતા-પિતા આપ્યાં છે, એ મારું સૌભાગ્ય છે. તેમણે હંમેશાં મને સાથ આપ્યો છે."
રોહિણી આચાર્યે કહ્યું, "જે ઘરમાં ભાઈ હોય, એ ઘરમાં ભાઈઓએ પણ ફાળો આપવો જોઈએ. શું બધાં બલિદાન દીકરી જ આપે? અને જ્યારે દીકરી સવાલ પૂછે, ત્યારે તેને કહી દેવામાં આવે કે તું સાસરે જતી રહે. તારાં લગ્ન થઈ ગયાં છે."
બીજી બાજુ, રાબડી દેવાના ભાઈ સાધુ યાદવનું કહેવું છે કે ઘર ઉપર તેમનાં ભાણેજ રોહિણીનો પૂરેપૂરો હક્ક છે.
સાધુ યાદવે કહ્યું, "તેને કોઈપણ મુદ્દે બોલવાનો અને સંભળાવવાનો પૂરો હક્ક છે. એ રોહિણીનું પણ ઘર છે. જો એ ઘરમાં કોઈ બહારની વ્યક્તિ રહેતી હોય, તો તેને બહાર કાઢવાનો પણ તેને અધિકાર છે."
સાધુ યાદવે કહ્યું હતું કે જો રોહિણીએ કોઈ વાત ખોટી કહી હોય, તો એ પણ ખોટું છે.
કોલકાતા ટેસ્ટમાં ભારતીય ટીમનો કારમો પરાજય, 124 રનનો ટાર્ગેટ પણ ન ચેઝ ન કરી શક્યા

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images
કોલકાતા ટેસ્ટના ત્રીજા દિવસે 124 રનનો પીછો કરવા ઊતરેલી ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકા સામે કારમો પરાજય થયો છે.
બીજી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા માત્ર 153 રનના સ્કોરે ઑલઆઉટ થઈ જતાં ભારતીય ટીમ સામે 124 રનનો ટાર્ગેટ હતો. જે હાંસલ કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયા 35 ઓવર પણ ટકી શકી નહોતી અને માત્ર 93 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જે બે ટેસ્ટમૅચની સિરીઝમાં દક્ષિણ આફ્રિકાએ 1-0થી સરસાઈ મેળવી લીધી છે.
ભારતની અંતિમ ઇનિંગની વાત કરીએ તો ઓપનર યશસ્વી જયસ્વાલ સહિત મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
ભારત તરફથી વૉશિંગ્ટન સુંદરે એક છેડેથી ટકી રહેવાનો પ્રયાસ જરૂર કર્યો હતો. તેમણે 92 બૉલ રમીને 31 રન બનાવ્યા હતા. જે આ ઇનિંગમાં ભારતીય ટીમ તરફથી સર્વાધિક સ્કોર હતો.
એ બાદ અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાએ અનુક્રમે 26 અને 18 રન બનાવીને ટીમને સંતુલિત સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ પણ આઉટ થઈ ગયા હતા.
અન્ય ઓપનર કેએલ રાહુલ, ઋષભ પંત અને ધ્રુવ જુરેલ સહિતના બૅટ્સમૅનો પણ ક્રીઝ પર ટકવામાં નિષ્ફળ રહ્યા હતા.
નોંધનીય છે કે આ મૅચમાંથી ગરદનમાં ઈજાને કારણે ભારતીય કપ્તાન શુભમન ગિલ બહાર થઈ ગયા છે. તેમને હૉસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખમાં રખાયા છે.
દક્ષિણ આફ્રિકા તરફથી સાઇમન હાર્મરે સૌથી વધુ ચાર, માર્કો જેનસન, કેશવ મહારાજ અને એઇડન માર્ક્રમે અનુક્રમે બે, બે અને એક વિકેટ ખેરવી હતી.
મૅક્સિકોમાં સરકાર વિરુદ્ધ હજારો લોકોનું પ્રદર્શન, 120 ઈજાગ્રસ્ત

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૅક્સિકોની પોલીસ પ્રમાણે, મૅક્સિકો સિટીમાં સરકારવિરોધી પ્રદર્શનો દરમિયાન થયેલાં ઘર્ષણોમાં ઓછામાં ઓછા 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાં 100 પોલીસકર્મી સામેલ છે.
આ પ્રદર્શનકારી શનિવારે મૅક્સિકોના પાટનગરમાં હિંસક ગુના અને રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામની સરકાર વિરુદ્ધ માર્ચ કરવા ઊતર્યા. આ પ્રદર્શન બીજાં શહેરોમાં પણ થયાં.
પ્રદર્શનકારીઓએ નૅશનલ પૅલેસના સુરક્ષા બૅરિકેડનો ભાગ તોડી નાખ્યો, જ્યાં શીનબામ રહે છે. પરિસરની સુરક્ષા કરી રહેલી પોલીસે ભીડ પર ટિયરગૅસનો ઉપયોગ કર્યો.
મૅક્સિકો સિટીના સુરક્ષા પ્રમુખ પાબ્લો વાઝકેઝે પત્રકારોને કહ્યું કે અધિકારીઓએ લૂંટ અને હુમલા સહિત ઘણા અપરાધોમાં 20 લોકોની ધરપકડ કરી છે.
રાષ્ટ્રપતિ શીનબામે કહ્યું કે આ માર્ચને દક્ષિણપંથી નેતાઓ તરફથી ભંડોળ મળ્યું હતું, જે તેમની સરકારનો વિરોધ કરે છે.
આ રેલી 'જેન ઝી' યુવા સમૂહોએ આયોજિત કરી હતી અને તેને એ લોકોનું સમર્થન મળ્યું જે હાઇપ્રોફાઇલ હત્યાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમાં ઉરુઆપાનના મેયર કાર્લોસ મંઝોની હત્યા પણ સામેલ છે.
મંઝોને 1 નવેમ્બનાર દિવસે 'ડે ઑફ ધ ડેડ' ફેસ્ટિવલમાં ગોળી મારી દેવાઈ હતી.
કોલકાતા ટેસ્ટ : દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતને જીત માટે 124 રનની જરૂર

ઇમેજ સ્રોત, Prakash Singh/Getty
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતામાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ 153 રનના સ્કોરે સમેટાઈ ગઈ છે. આ સાથે જ ભારતને 124 રનનો ટાર્ગેટ મળ્યો છે.
દક્ષિણ આફ્રિકાના કપ્તાન ટેંબા બવુમાએ સૌથી વધુ 55 રન બનાવ્યા. આ સિવાય કોઈ પણ બૅટ્સમૅન લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી ન શક્યા.
ભારત તરફથી સૌથી વધુ વિકેટ રવીન્દ્ર જાડેજાએ ઝડપી. તેમના ખાતામાં ચાર વિકેટ આવી. તેમના સિવાય કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બબ્બે અને અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે એકેક વિકેટ લીધી.
દક્ષિણ આફ્રિકન ટીમ પ્રથમ ઇનિંગમાં 159 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતીય ટીમ 189 રન જ બનાવી શકી હતી. ભારતને પ્રથમ ઇનિંગમાં 30 રનની સરસાઈ મળી હતી.
ગરદનમાં ઈજાને કારણે ભારતીય કપ્તાન શુભમન ગિલ આ મૅચમાંથી બહાર થઈ ગયા છે. તેમને હૉસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખમાં રખાયા છે.
ગુજરાતમાં SIRની કામગીરીમાં હાજર ન થયેલા 'શિક્ષકો સામે ધરપકડ વૉરંટ', રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
4 નવેમ્બરથી ભારતના ચૂંટણીપંચના આદેશ બાદ ગુજરાત સહિત આઠ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની (SIR) શરૂઆત કરાઈ છે.
જે અંતર્ગત સમગ્ર રાજ્યના શિક્ષકોને બૂથ લેવલ ઑફિસર (બીએલઓ) તરીકે SIRની કામગીરી સોંપવામાં આવી છે.
આ કામગીરીમાં હાજર ન થતાં કેટલાંક શિક્ષકો સામે ધરપકડ વૉરંટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે 15 નવેમ્બર રાજકોટ શૈક્ષિક સંઘો દ્વારા કલેક્ટર મારફતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ હીરેન વ્યાસે જણાવ્યું કે, "બૂથ લેવલ ઑફિસર તરીકેની કામગીરી વધુ પડતા શિક્ષકોને સોંપવામાં આવે છે. શિક્ષણનું મુખ્ય કામ સાઇડમાં રાખીને દર વર્ષે ચૂંટણીની કામગીરી કરાવવામાં આવે છે, ત્યારે આ વખતે SIR એટલે કે, ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં પણ શિક્ષકોને જોડવામાં આવ્યા છે. જેમાં બીએલઓ તેમજ સહાયક બીએલઓ તરીકે ફરજ સોંપવામાં આવી છે, જેને લીધે શાળા કક્ષાએ શિક્ષણ સદંતર થતું નથી અને બાળકોના શિક્ષણને ખૂબ જ અસર થાય છે."
તેમણે આગળ કહ્યું હતું કે, "અમારી ચૂંટણીપંચને રાષ્ટ્રહિતમાં એક વિનંતી છે કે દર વર્ષે જો આ કામગીરી થતી હોય તો બીએલઓની અલગથી કૅડર નીમવામાં આવે અને આ કામગીરી તેઓની પાસે કરાવવામાં આવે."
યુપીના સોનભદ્રમાં પથ્થરની ખાણમાં ઘણા લોકો દબાયા, રાહત બચાવકાર્ય ચાલુ

ઇમેજ સ્રોત, ANI
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં પથ્થરની એક ખાણમાં દીવાલ ધસી પડવાને કારણે ઘણા લોકો દબાઈ ગયા છે. સોનભદ્રના જિલ્લાધિકારી (ડીએમ)એ જણાવ્યું કે ફસાયેલા લોકોને કાઢવાની કોશિશ કરાઈ રહી છે.
ડીએમ બીએન સિંહે જણાવ્યું, "એક ઘટના બની હોવાની માહિતી મળી છે, એક દીવાલ પડી જવાને કારણે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી છે. પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે હાજર છે."
તેમણે કહ્યું, "ફસાયેલા લોકોને કાઢવાનો પ્રયાસ અલ્ટ્રાટ્રેક, દુશાન અને ઓબરા પાવર કૉર્પોરેશનના માધ્યમથી કરાઈ રહ્યો છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ મિર્ઝાપુરથી નીકળી ચૂકી છે."
ખાણમાં ફસાયેલા લોકો અને અસરગ્રસ્તોના આંકડા વિશે પુછાતાં જિલ્લાધિકારીએ કહ્યું કે હાલ આ અંગે કોઈ કોઈ સ્પષ્ટ જાણકારી નથી.
તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસ અને યોગ્ય કાર્યવાહી કરાશે.
સમાચાર એજન્સી પીટીઆઇએ ખાણમાં લગભગ દસ લોકો ફસાયા હોવાનો દાવો કર્યો છે. તેમજ એએનઆઇએ કહ્યું છે કે ખાણમાં લગભગ 15 લોકો ફસાયેલા છે.
સીઓપી30 સંમેલન દરમિયાન હજારો લોકો કેમ વિરોધ માર્ચ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Reuters
બ્રાઝિલમાં ચાલી રહેલા સીઓપી30 (કૉપ30) જળવાયુ સંમેલન દરમિયાન હજારો પ્રદર્શનકારીઓ વિરોધ માર્ચ કરી રહ્યા છે. આ પ્રદર્શનકારી "ફ્રી ધ એમેઝોન"ના નારા સાથે માર્ચ યોજી રહ્યા છે.
2021 બાદ પ્રથમ વખતે પ્રદર્શનકારીઓને સંયુક્ત રાષ્ટ્રના જળવાયુ સંમેલન બહાર પ્રદર્શન કરવાની મંજૂરી મળી છે. પાછલી ત્રણ બેઠકો એવા દેશોમાં થઈ હતી, જ્યાં જાહેરમાં પ્રદર્શનની મંજૂરી નથી.
સીઓપી30ની બેઠક બ્રાઝીલના બેલેમ ખાતે થઈ રહી છે.
એક પ્રદર્શનકારી ટુગા સિંતિયાએ બીબીસીને કહ્યું, "અમે જીવાશ્મ ઈંધણની મૈયત કાઢી રહ્યા છીએ."
તેમણે કહ્યું, "હું અહીં એટલા માટે આવ્યો છું, કારણ કે સીઓપી બેઠકો અને સિદ્ધાંતોની વાતો ઘણી થઈ ચૂકી છે. હવે ખરેખર કાર્યવાહી કરવાનો સમય છે."
આદિવાસી સમૂહો, બ્રાઝિલના યુવા સમૂહો અને સમગ્ર વિશ્વમાંથી આવેલા જળવાયુ કાર્યકરોએ હજારોની સંખ્યામાં આ માર્ચમાં ભાગ લીધો.
સમોઆ એક ઓછી ઊંચાઈવાળો ટાપુ છે, જે જળવાયુ પરિવર્તન અંગે અત્યંત સંવેદનશીલ છે.
યુનાઇટેડ નૅશન્સ ફ્રેમવર્ક કન્વેંશન ઑન ક્લાઇમેટ ચેન્જ (યુએનએફસીસીસી) પ્રમાણે, કૉન્ફરન્સ ઑફ પાર્ટીઝ (સીઓપી) 30નો મુખ્ય ઉદ્દેશ પાછલાં કાર્યોને આગળ વધારવાનો અને જળવાયુ પરિવર્તનના વૈશ્વિક પડકારનો સામનો કરવા માટે ચર્ચા કરવાનો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















