વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, "અમેરિકા ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન જૂન સુધી યુદ્ધ સમાપ્ત કરે" – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમેરિકા ઇચ્છે છે કે દેશ રશિયા સાથેના તેના યુદ્ધને જૂન સુધી સમાપ્ત કરે. તેમણે ઉમેર્યું કે બંને પક્ષોને આવતા અઠવાડિયે વાતચીત માટે અમેરિકા આવવાનું આમંત્રણ મળ્યું છે.

તેમણે કહ્યું, "અમેરિકાએ પહેલી વખત યુક્રેન અને રશિયા સમક્ષ અમેરિકામાં મળવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એ માટેનું સ્થળ કદાચ માયામી હશે અને પ્રસ્તાવિત સમય આવતું અઠવાડિયું છે."

આ મામલે વૉશિંગટન કે મોસ્કોએ તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પરંતુ એક વર્ષે પહેલાં ફરી વખત અમેરિકામાં સત્તા પર આવ્યા બાદથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ યુદ્ધ સમાપ્ત કરાવવાની વાત પર ભાર મૂકતા આવ્યા છે.

દરમિયાન, રશિયાએ યુક્રેનના ઊર્જા સંબંધિત માળખાકીય સુવિધાઓ પર પોતાના હુમલા ચાલુ રાખ્યા છે. જેના કારણે દેશમાં કડકડતી ઠંડીની સ્થિતિમાં વ્યાપક બ્લૅકઆઉટનો સામનો કરવો પડી રહ્યો છે.

શનિવારે જાહેર કરેલા નિવેદનમાં ઝેલેન્સ્કીએ રિપોર્ટરોને અબુધાબી ખાતે યુએસની મધ્યસ્થીવાળી શાંતિ વાર્તાના બીજા રાઉન્ડમાં શું થયું એ અંગે પણ વાત કરી. નોંધનીય છે કે આ રાઉન્ડ શુક્રવારે કોઈ પણ જાતના સમાધાનના સમાચાર વગર સમાપ્ત થયો હતો.

ઇસ્લામાબાદ હુમલો: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર આરોપ કર્યા

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારે તરલાઈ હુમલાની નિંદા કરતા આરોપ કર્યો છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરાઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આત્મઘાતી હુમલાખોર અફઘાનિસ્તાનની મુસાફરી પર હતો અને તેણે ત્યાં તાલીમ મેળવી હતી.

બીબીસી ઉર્દૂ પ્રમાણે, ઇસ્લામાબાદમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં અતાઉલ્લાહ તરારે કહ્યું કે 'આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. તેમની વિચારધારા આતંક ફેલાવવાની છે.'

તેમણે કહ્યું કે સરકાર મસ્જિદો અને ઇમામવાડાની સુરક્ષા માટે પગલાં લઈ રહી છે.

માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું, "આતંકવાદીઓને સહાય આપનારાને ન્યાયના કઠેડામાં લવાશે. શુક્રવારની નમાજ વખતે મુસ્લિમોને નિશાન બનાવનારને કઠોર સજા અપાશે."

તેમણે કહ્યું, "આતંકવાદને ધરમૂળથી ખતમ કરવો ખૂબ જરૂરી છે અને દેશમાં સાંપ્રદાયિકતા અને નફરત માટે કોઈ જગ્યા નથી."

ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારના ઇમામબાડા ખાતે શુક્રવારે થયેલા એક બૉમ્બ ધડાકામાં ઓછામાં ઓછા 31 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે અને 160 કરતાં વધુ લોકો ઘાયલ થઈ ગયા. પાકિસ્તાને તેને આત્મઘાતી હુમલો ગણાવ્યો છે.

ટી20 વર્લ્ડકપ: ભારતના ફાસ્ટ બૉલર હર્ષિત રાણા એક પણ બૉલ ફેંક્યા વિના જ ટુર્નામેન્ટમાંથી બહાર

આઇસીસી ક્રિકેટ કાઉન્સિલના (આઇસીસી) મૅન્સ ટી20 વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) કહ્યું હતું કે ઘૂંટણમાં ઈજાને કારણે ફાસ્ટ બૉલર હર્ષિત રાણા ટુર્નામેન્ટ દરમિયાન નહીં રમે.

બીસીસીઆઈએ શુક્રવારે બહાર પાડેલી મીડિયા ઍડ્વાઇઝરીમાં જણાવ્યું હતું કે ઘૂંટણમાં ઈજાને કારણે હર્ષિત રાણાને અનફિટ જાહેર કરવામાં આવ્યા છે.

નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, "તા. ચોથી ફેબ્રુઆરી 2026ના રોજ નવી મુંબઈ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની વાર્મ-અપ મૅચ દરમિયાન ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર હર્ષિત રાણાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આથી, તેઓ આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026માંથી બહાર થઈ ગયા છે."

"બીસીસીઆઈની મેડિકલ ટીમે તેમને ટુર્નામેન્ટ રમવા માટે અનફિટ જાહેર કર્યા છે. હર્ષિતના સ્થાને મોહમ્મદ સિરાજ ટીમમાં સામેલ થશે."

ઉલ્લેખનીય છે કે શનિવારથી આઇસીસી ટી20 વર્લ્ડકપ 2026 શરૂ થઈ રહ્યો છે, જે આઠમી માર્ચ સુધી ચાલશે. શનિવારે ભારત અને અમેરિકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે પહેલી મૅચ રમાશે.

ભારતની અપડેટેડ ટીમ : સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજૂ સૅમસન (વિકેટ કીપર), ઈશાન કિશન (વિકેટ કીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (ઉપ-કપ્તાન), રિંકૂ સિંહ, જસપ્રીત બુમરાહ, અર્શદીપસિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાની મુલાકાતે, ત્યાંના પીએમ અનવર ઇબ્રાહિમને મળશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે મલેશિયા જવા રવાના થયા છે.

તેમણે પોતાના ઍક્સ હૅન્ડલ ઉપર લખ્યું, "હું મારા મિત્ર અનવર ઇબ્રાહિમના આમંત્રણથી મલેશિયાનો પ્રવાસ કરવા જઈ રહ્યો છું....મલેશિયા એવો દેશ છે કે જેની સાથે ભારતના ગાઢ અને વ્યાપક સંબંધ રહ્યા છે....મલેશિયામાં મોટી સંખ્યામાં સક્રિય ભારતીય મૂળનો સમુદાય રહે છે."

તેમણે લખ્યું, "મલેશિયામાં ભારતીય મૂળના 30 લાખ લોકો રહે છે, જે વિશ્વમાં ભારતીયોના સૌથી મોટા પ્રવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. મલેશિયાની પ્રગતિમાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો અને બંને દેશો વચ્ચેની મૈત્રીમાં તેમની ભૂમિકા અમારી ઐતિહાસિક મૈત્રીનો મજબૂત પાયો છે."

મલેશિયા ખાતે ભારતના રાજદૂત બીએન રેડ્ડીએ કહ્યું, "વડા પ્રધાનની આ યાત્રાનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ તથા આર્થિક સહયોગ ઉપર વિશેષ ધ્યાન આપવાનો છે. બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 20 અબજ ડૉલર ઉપર પહોંચી ગયો છે."

બીએન રેડ્ડીએ કહ્યું, "યાત્રાના ઍજન્ડામાં 10મા ભારત-મલેશિયા સીઇઓ ફોરમ, સીઇસીએની સમીક્ષા તથા આસિયાન-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમૅન્ટમાં જે પ્રગતિ થઈ છે, તેની ઉપર ચર્ચા કરવાનો મુદ્દો પણ સામેલ છે."

અંડર-19 વર્લ્ડકપ 2026માં વિજેતા ભારતીય ટીમને માટે બીસીસીઆઈએ ઇનામની જાહેરાત કરી

બીસીસીઆઈએ (ક્રિકેટ કંટ્રૉલ બોર્ડ ઑફ ઇન્ડિયા) આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) અંડર-19 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના ખેલાડીઓ, કોચ તથા સપૉર્ટ સ્ટાફ માટે રૂ. સાડા સાત કરોડના ઇનામની જાહેરાત કરી છે.

આ વાતની માહિતી બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આપી હતી. તેમણે કહ્યું, "અમારી અંડર-19 ટીમે જે રીતે હરારેમાં ઇંગ્લૅન્ડની ટીમને હરાવી, તેનાથી બીસીસીઆઈ તથા સમગ્ર દેશ ખુશ છે. ટુર્નામેન્ટ દરમિયાન એક પણ મૅચ હાર્યા વગર ટીમ ચૅમ્પિયન બની છે."

સૈકિયાએ કહ્યું કે બીસીસીઆઈની ટીમનું પર્ફૉર્મન્સ જોતા રૂ. 7.5 કરોડના ઇનામની જાહેરાત કરવામાં આવી છે, જે ખેલાડીઓ, કોચ તથા સપૉર્ટ સ્ટાફની વચ્ચે વહેંચવામાં આવશે.

ઇસ્લામાબાદ બૉમ્બ બ્લાસ્ટમાં ભારતની સંડોવણી અંગે પાકિસ્તાનના આરોપો વિશે ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ભારતના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને ઇસ્લામાબાદમાં શિયા ઇમામવાડામાં થયેલા વિસ્ફોટને વખોડી કાઢ્યો છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે આ હુમલા પાછળ ભારત અને અફઘાનિસ્તાનનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, "સાબિત થઈ ગયું છે કે" હુમલાખોર અફઘાનિસ્તાન આવ્યો-ગયો હતો તથા "ભારત અને અફઘાનિસ્તાનની સંડોવણી બહાર આવી રહી છે."

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ખ્વાજા આસિફની ટિપ્પણીઓને 'અફસોસજનક' ગણાવી હતી અને કહ્યું હતું કે "કોઈ નક્કર પુરાવા વગર ઉતાવળે આ ઘટનાનો આરોપ અફઘાનિસ્તાન ઉપર નાખવાનો પ્રયાસ કર્યો."

ભારતના વિદેશ મંત્રાલયે પોતાનાં નિવેદનમાં કહ્યું, "ઇસ્લામાબાદની મસ્જિદમાં થયેલો ધડાકો નિંદનીય છે તથા તેમાં થયેલાં મૃત્યુ પ્રત્યે ભારત શોક વ્યક્ત કરે છે."

"પાકિસ્તાન પોતાની સામાજિક સમસ્યાઓને ગંભીરતાપૂર્વક ઉકેલવાને બદલે પોતાના ઘરઆંગણાના દોષો માટે બીજાને જવાબદાર ઠેરવીને પોતાની સાથે જ છેતરપિંડી કરી રહ્યું છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે."

"ભારત આવા દરેક પાયાવિહોણા આરોપોને ફગાવે છે."

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એંટોનિયો ગુટેરસે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "હું પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં નમાજીઓ ઉપર થયેલા હુમલાની ટીકા કરું છું."

"નાગરિકો અને પૂજાસ્થળો ઉપર હુમલાને સહન ન કરી શકાય. આના માટે જવાબદાર લોકોની ઓળખ કરીને તેમને સજા મળવી જોઈએ."

કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, 'પાકિસ્તાનના ઇસ્લામાબાદ પાસે એક મસ્જિદમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ અંગે જાણીને ખૂબ જ દુઃખ થયું છે.'

બ્રિટનના વિદેશ મંત્રી યવેટ કૂપરે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "પીડિતો, પરિવારો તથા તમામ અસરગ્રસ્તો પ્રત્યે મારી સંવેદના છે. બ્રિટન આતંકવાદ સામેની આ લડાઈમાં તથા આવી અર્થવિહીન હિંસાથી અસરગ્રસ્ત તમામ સમુદાયોના સમર્થનમાં પાકિસ્તાનની સાથે છે."

જર્મની અને અઝરબૈઝાને પણ આ હુમલાની ટીકા કરી, મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 31 લોકો મૃત્યુ પામ્યા છે અને 170 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.

અંડર-19 વર્લ્ડ કપ: વિરાટ કોહલી તથા ગૌતમ ગંંભીરે ભારતના વિજય અંગે શું કહ્યું?

શુક્રવારે ભારતીય ક્રિકેટની અંડર-19 ટીમે ઇંગ્લૅન્ડને પરાજય આપીને વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો. એ પછી સોશિયલ મીડિયા ઉપર ચોમેરથી તેમની ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "ભારતીય ટીમને વધુ એક વખત અંડર-19 વર્લ્ડકપ જીતવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન, એજ ગ્રૂપ ક્રિકેટ અને તે સિવાય પણ આપણો દબદબો યથાવત છે. આખી ટીમ અને સપૉર્ટ સ્ટાફને શાબાશી."

ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઍક્સ ઉપર લખ્યું, "અમને તમારી ઉપર ગર્વ છે. તમારું ભાવિ ઉજ્જવળ છે."

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "ફરી વર્લ્ડ ચૅમ્પિયન. અંડર-19 વર્લ્ડકપ જીતવા બદલ ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભવ્ય પ્રદર્શન, અને ફાઇનલમાં વૈભવ સૂર્યવંશીની ઇનિંગે તેને વધુ ખાસ બનાવી દીધી. આ યાદગાર વિજય માટે ખેલાડીઓ તથા સપૉર્ટ સ્ટાફને ખૂબખૂબ અભિનંદન."

ભારતે શુક્રવારે મૅન્સ અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો. હરારે સ્પૉર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી મૅચ દરમિયાન ભારતે ઇંગ્લૅન્ડની સામે વિજય માટે 412 રનનું લક્ષ્યાંક મૂક્યું હતું. જેની સામે ઇંગ્લૅન્ડની સમગ્ર ટીમ 311 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

વૈભવ સૂર્યવંશીએ 15 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 80 બૉલમાં 175 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

વૈભવ સૂર્યવંશીને 'પ્યેર ઑફ ધ મૅચ' તથા 'પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.

આજથી આઇસીસી મૅન્સ ટી20 વર્લ્ડકપ શરૂ

શનિવારથી આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) મૅન્સ ટી20 વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા તેનું સંયુક્ત રીતે આયોજન કરી રહ્યા છે.

વર્ષ 2024માં ભારતે ટી20 વર્લ્ડકપ જીત્યો હતો અને આ વખતે ટાઇટલને ડિફૅન્ડ કરવા માટે ટુર્નામેન્ટમાં ઊતરશે.

યજમાન હોવાને કારણે ભારતની દાવેદારી પ્રબળ છે, પરંતુ ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં ક્યારેય એક જ ટીમ સળંગ બે વખત ટ્રૉફી નથી જીતી એટલે ભારતની સામે પણ પડકાર રહશે.

ટી20 વર્લ્ડકપના નિયમો, તેનું નાનું ફૉર્મેટ અને રમતમાં રહેલી અનિશ્ચિતતા તેને રસપ્રદ બનાવે છે.

અમેરિકા સાથેની વાતચીતને ઈરાને 'સારી શરૂઆત' ગણાવી

ઓમાનની રાજધાની મસ્કત ખાતે ઈરાન અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી.

એ પછી ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સરકારી ટેલિવિઝન નેટવર્ક પર વાતચીતમાં કહ્યું હતું કે બંને દેશોના પ્રતિનિધિઓ પોત-પોતાની સરકારો સાથે વાતચીત કરવા પરત ફરશે. તેમણે આ બેઠકને અમેરિકા સાથેની વાતચીતના ક્રમમાં 'સારી શરૂઆત' ગણાવી હતી.

ઈરાને પહેલાંથી જ સ્પષ્ટતા કરી દીધી હતી કે વાટાઘાટો માત્ર તેના પરમાણુ કાર્યક્રમ પૂરતી જ મર્યાદિત રહેશે.

અમેરિકા ઇચ્છે છે કે ઈરાન તેનો ન્યૂક્લિયર પ્રોગ્રામ અટકાવે તથા એનરિચ્ડ યુરેનિયમના સ્ટૉકનો નાશ કરી દે. સાથે જ તે ઈરાનની બૅલેસ્ટિક મિસાઇલો તથા આ વિસ્તારના સશસ્ત્ર સમૂહોને ઈરાન દ્વારા સમર્થન આપવા વિશે પણ વાટાઘાટો ઇચ્છે છે.

વાટાઘાટો બાદ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટમાં લખ્યું, "આ બેઠક દરમિયાન બંને પક્ષો વાટાઘાટો ચાલુ રાખવા માટે સહમત થયા હતા. બેંને પક્ષકારોએ પોત-પોતાના દૃષ્ટિકોણ અને માગણીઓ રાખી તથા પોતાના નેતાઓ સાથે મસલત કર્યા બાદ આગામી વાટાઘાટો અંગે નિર્ણય લેવા માટે સહમતિ દાખવી હતી."

બીજી બાજુ, ભારત ખાતે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, રાજદૂતને પૂછવામાં આવ્યું હતું કે જો ઈરાન ઉપર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવે અથવા પ્રવર્તમાન તણાવ મોટું સ્વરૂપ ધારણ કરી લે, તો તેના માટે ઈરાન કેટલું તૈયાર છે?

તેના જવાબમાં મોહમ્મદ ફતહાલીએ કહ્યું હતું, "ઈરાન બિલકુલ યુદ્ધ નથી ઇચ્છતું, પરંતુ અમે તમામ વિકલ્પો માટે તૈયાર છીએ. યુદ્ધનાં પરિણામો પણ જોવા જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન