You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના જહાજોને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં પસાર થવા દેવા અંગે ઈરાનના રાજદૂતે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
ભારત ખાતે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીનું કહેવું છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખાતે ઈરાન દ્વારા ભારતના જહાજોને સૅફ પૅસેજ આપવામાં આવશે.
પત્રકારોએ ઈરાનના રાજદૂતને આના વિશે પૂછ્યું, ત્યારે ફતાલીએ કહ્યું, "....જી હા, કારણ કે ભારત અમારું મિત્ર છે."
તેમણે કહ્યું હતું, "અમારું માનવું છે કે ભારત અમારું મિત્ર છે અને અમારા હિતો સરખા છે. ભારતમાં ઈરાનના રાજદૂત તરીકે હું તમને કહું છું કે આ સ્થિતિમાં યુદ્ધ પછી ભારત સરકાર અલગ-અલગ ક્ષેત્રે ઈરાનને મદદ કરશે."
અમેરિકા અને ઇઝરાયલના હવાઈહુમલા બાદ ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીના રસ્તે નાકાબંધી કરી છે, જેના કારણે વિશ્વના અનેક દેશોમાં ઊર્જાસંબંધિત ચિંતાઓ વધી જવા પામી છે.
શુક્રવારે ભારત સરકારની ઇન્ટરમિનિસ્ટરિયલ પત્રકારપરિષદ દરમિયાન પણ આના વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં પેટ્રોલ-ડીઝલની પરિસ્થિતિ કાબૂમાં હોવાનું, પરંતુ એલપીજીની પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું જણાવવામાં આવ્યું હતું.
બીજી બાજુ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે એક પત્રકાર પરિષદમાં ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનો ઉલ્લેખ કર્યો હતો અને તેઓ "ભયભીત", "ઘાયલ" તથા "ફરાર" હોવાનો દાવો કર્યો હતો.
જોકે, બીબીસી ઇન્ટરનૅશનલના ઍડિટરના કહેવા પ્રમાણે, આ વાતના કોઈ પુરાવા નથી.
એલપીજી ગૅસની ચિંતા વચ્ચે પેટ્રોલ-ડીઝલ વિશે સરકારે શું અપીલ કરી?
પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમને પગલે ભારત સરકારની ઇન્ટર-મિનિસ્ટરિયલ પત્રકારપરિષદ શુક્રવારે યોજાઈ હતી. જેમાં પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગૅસ મંત્રાલયે કહ્યું હતું કે તમામ પેટ્રોલ પમ્પો ઉપર પેટ્રોલ તથા ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંત્રાલયનાં સંયુક્ત સચિવ (માર્કેટિંગ ઍન્ડ ઑઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ બ્રિફિંગ દરમિયાન તામિલનાડુની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું, "તામિલનાડુના એક રિટેલ આઉટલેટ ખાતે કન્ટેનરમાં લૂઝ પેટ્રોલ ખરીદવામાં આવી રહ્યું હતું. મારી નાગરિકોને વિનંતી છે કે તેઓ આવું કામ ન કરે, તે સલામત નથી. એ પેટ્રોલ પમ્પ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેના લાઇસન્સને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે."
"એલપીજી સંદર્ભે હું કહેવા માંગીશ કે તે આપણા માટે ચિંતાની બાબત છે. વિશેષ કરીને એટલા માટે કે આપણું જેટલું ક્રૂડઑઇલ આયાત થાય છે, તેનો એક મોટો હિસ્સો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. ત્યાં નાકાબંધીને કારણે થોડી ચિંતાજનક બાબત છે."
સંયુક્ત સચિવે કહ્યું હતું કે આમ છતાં 25 હજાર વિતરકોમાંથી કોઈપણ પાસેથી ક્યાંય પણ સ્ટૉક પૂરો થઈ ગયો હોવાના અહેવાલ નથી આવ્યા.
તેમણે લોકોને અફવા ઉપર વિશ્વાસ નહીં કરવા તથા ઉચાટમાં ખરીદી નહીં કરવાની અપીલ કરી હતી.
પિરિયડ્સમાં મહિલાઓને રજા આપવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, શું કહ્યું?
દેશની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે પિરિયડ્સ દરમિયાન મહિલાઓ અને વિદ્યાર્થિનીઓને રજા આપવા સંદર્ભની એક અરજી સુનાવણી માટે આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેના ઉપર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
ઉચ્ચતમ અદાલતે કહ્યું કે આવા સંજોગોમાં કોઈ તેમને (મહિલાઓને) કામ નહીં આપે તથા આ પ્રકારની જોગવાઈઓ અજાણતાં જ લિંગલક્ષી ભેદભાવોને વધુ પ્રોત્સાહન આપશે.
જોકે, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે સંબંધિત અધિકારી આ માંગણી અંગે વિચાર કરી શકે છે તથા આ અંગે તમામ પક્ષકારો સાથે મસલત કર્યા બાદ પિરિયડ્સ દરમિયાન રજા આપવા સંદર્ભે કોઈ નીતિ બનાવવાની શક્યતા અંગે વિચારી શકે છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત તથા જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું, "આ દલીલો ભય પેદા કરવા તથા મહિલાઓને ઓછી આંકનારી તથા એવું કહેવા માટે આપવામાં આવી છે કે પિરિયડ્સ તેમના સાથે થતી કોઈ ખરાબ ચીજ છે."
"આ એક સકારાત્મક અધિકાર છે, પરંતુ તેમાં નોકરીદાતા વિશે પણ વિચારો, જેણે પગાર સાથે રજા આપવી પડશે."
ઇઝરાયલ પર મિસાઇલોથી હુમલો, કેટલાક લોકો ઘાયલ
શુક્રવારે વહેલી સવારે ઇઝરાયલના એક ગામ પર મિસાઇલ પડવાને કારણે કેટલાક લોકો ઘાયલ થઈ ગયા છે. આ જાણકારી ઇઝરાયલની ઇમર્જન્સી સેવાએ આપી છે.
ઍમ્બ્યુલન્સ સેવા મૅગન ડૅવિડ અડોમ (એમડીએ)એ જણાવ્યું કે પૅરામેડિક્સે 58 લોકોની સારવાર કરી છે અને તેમને નાઝરેથ પાસે જરજિર ગામમાં થયેલા હુમલા બાદ આસપાસની હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા.
ઇઝરાયલી મીડિયા અનુસાર, છર્રા લાગવાને કારણે ઘાયલ એક મહિલાની હાલત ગંભીર છે ત્યાં 57 લોકોને સાધારણ ઈજા થઈ છે.
ઇઝરાયલી સેનાએ કહ્યું કે હોમ ફ્રન્ટ કમાન્ડના સભ્યોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું, "ઇમર્જન્સી અને બચાવ એજન્સીઓ સાથે મળીને ઘટનાસ્થળની સ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે. જેથી આ વિસ્તારને સુરક્ષિત કરી શકાય."
નિવેદનમાં કહેવાયું કે, "ઘટનાની પરિસ્થિતિઓની સમીક્ષા કરવામાં આવી રહી છે."
એલપીજી સંકટ પર બોલ્યા પીએમ મોદી, 'કેટલાક લોકો પૅનિક ક્રિએટ કરી રહ્યા છે'
દિલ્હીમાં આયોજિત એક સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં એલપીજી ગૅસને લઈને ઊભી થયેલી પરિસ્થિતિ અને ઈરાન યુદ્ધ પર વાત કરી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આપણી બહુ નજીક એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધે સમગ્ર દુનિયાને બહુ મોટા ઊર્જાસંકટમાં ધકેલી દીધી છે."
તેમણે કહ્યું કે, "એક દેશ તરીકે આ બહુ મહત્ત્વપૂર્ણ છે કે આપણે તેનો મુકાબલો કેવી રીતે કરીએ છીએ."
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આજકાલ એલપીજીને લઈને બહુ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકો છે જે પૅનિક ક્રિએટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાનો અજેન્ડા ચલાવવા માગે છે."
તેમણે કહ્યું કે "હું આ સમયે તેમની પર રાજનીતિક ટિપ્પણી નથી કરવા માગતો પણ આટલું જરૂર કહીશ આવું કરીને તેઓ જનતા સામે પોતે જ ઍક્સપોઝ થઈ રહ્યા છે. સમગ્ર દેશનું પણ મોટું નુકસાન થઈ રહ્યું છે."
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આજે જે વૈશ્વિક સંકટ આવ્યું તેના પ્રભાવથી કોઈ પણ દેશ બાકી નથી. ઓછી અથવા વધુ માત્રામાં દરેક આ સંકટનો ભોગ બન્યું છે. ભારત આ સંકટની સામે ઊભા રહેવામાં કોઈ કસર નથી છોડી રહ્યું."
ઈરાનમાં તહેરાન સહિત અનેક જગ્યાએ થયા હુમલા
ઇઝરાયલના ઈરાનમાં નવા હુમલા કરવાની ઘોષણા બાદ શુક્રવારે સવારે તહેરાન સહિત ઘણા વિસ્તારમાં હુમલા થયા છે. સ્થાનિક લોકોએ આ જાણકારી આપી છે.
બીબીસીની પર્શિયન સેવા પ્રમાણે, આ હુમલા શુક્રવારે સવારે પાંચ કલાક સુધી ચાલતા રહ્યા. હુમલા બાદ અરાક વિસ્તારથી હુમલાની પહેલી તસવીર સામે આવી છે.
કરજ વિસ્તારમાં પણ હુમલાની ખબર સોશિયલ મીડિયા પર સામે આવી છે.
તહેરાનના લોકોએ જણાવ્યું છે કે આ હુમલાઓની તીવ્રતા એટલી વધારે હતી કે વિસ્ફોટનાં કંપનોને ઘટનાસ્થળથી ઘણાં દૂર સુધી મહેસૂસ કરવામાં આવ્યાં.
રિવૉલ્યૂશનરી ગાર્ડની નજીક મનાતી ન્યૂઝ એજન્સી તસનીમે દક્ષિણ તહેરાનમાં વિસ્ફોટની જાણકારી આપી છે.
એતમાદ ન્યૂઝ પેપરે એ વિસ્તારોની યાદી જાહેર કરી છે, જ્યાં શુક્રવારે સવારે હુમલા થયા.
ન્યૂઝ પેપર પ્રમાણે, આ જગ્યાઓમાં પૂંક, મરજદરાન, ઇસ્લામ શહેર, શહેર રે, લવાસાન, પરદિસ, જફરાનીહ, દૌલત, સુરહાવર્દી, જાઝી આબાદ અને તહેરાન પાર્સના વિસ્તારો સામેલ છે.
યુએઈનાં મંત્રીએ ઈરાન પર હુમલા કરવા મામલે શું કહ્યું?
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)નાં રાજ્યમંત્રી લાના નુસૈબેહે ગલ્ફ દેશો પર ઈરાનના હુમલાની નિંદા કરી છે.
તેમણે તેને ઘણા ગંભીર, ગેરકાયદે અને વગર ઉશ્કેરણીએ કરવામાં આવેલા હુમલા ગણાવ્યા.
તેમણે કહ્યું કે હુમલાની રીત જ નહીં પરંતુ એ પણ ચોંકાવનારું છે કે ઈરાને આ સંઘર્ષમાં આખા ક્ષેત્રને સામેલ કરી દીધું છે.
નુસૈબેહે આ સવાલનો સીધો જવાબ આપવાથી ઇન્કાર કરી દીધો કે તેમનો દેશ ઈરાન સામે જવાબી કાર્યવાહી કરશે કે નહીં. તેમણે કહ્યું કે આગળ વધવાનો રસ્તો કૂટનીતિ મારફતે જ હોવો જોઈએ.
નુસૈબેહે એમ પણ કહ્યું કે યુએઈને પોતાની આત્મરક્ષાનો અધિકાર છે, પરંતુ અમેરિકાને ઈરાન પર હુમલા કરવા માટે યુએઈનાં હવાઈ ક્ષેત્ર કે તેમની જમીનનો ઉપયોગ નહીં કરવા દઈએ.
તેમણે કહ્યું કે તેમના દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે અને ઑઇલ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટન ઉદ્યોગ પર થયેલા હુમલાના ઝાટકા સહન કરી શકે છે. તેમાં દુબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને કેટલીક હોટલો પર થયેલા હુમલા પણ સામેલ છે.
તેમણે એમ પણ કહ્યું કે તેમને એ સમાચારની જાણકારી છે જેમાં જણાવાયું છે કે ડ્રૉન તથા મિસાઇલ હુમલાની તસવીર લેવા સાથે જોડાયેલા કેટલાક લોકોને કડક કાયદાઓ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.
આરોપ લગાવવામાં આવે છે કે આ પગલું યુએઈની હાલની સ્થિતિ સામે આવવા પર રોકવાની આ કોશિશ છે. પરંતુ નુસૈબેહે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા.
અમેરિકન સેનાનું રિફ્યુલિંગ વિમાન પશ્ચિમ ઇરાકમાં ક્રૅશ
અમેરિકન સેનાનું એક કેસી-135 રિફ્યુલિંગ વિમાન પશ્ચિમ ઇરાકમાં ક્રૅશ થયું છે.
અમેરિકાની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. સૈન્યે જણાવ્યું હતું કે વિમાન "મિત્રદેશનું હવાઈ ક્ષેત્ર" ગણાતા વિસ્તારમાં ક્રૅશ થયું છે.
આ ઘટનામાં બે વિમાન સામેલ હતાં, જેમાંથી બીજું સુરક્ષિત રીતે ઊતર્યું હતું. રિફ્યુલિંગ વિમાન હવામાં ફાઇટર વિમાનમાં ઈંધણ ભરે છે.
બીબીસી હજુ સુધી એ જાણી શકી નથી કે કેસી-135 વિમાન હવામાં કેવી રીતે ક્રૅશ થયું, પરંતુ એક શક્યતા એ છે કે વિમાન હવામાં અથડાયું હશે.
યુએસ સેન્ટ્રલ કમાન કહે છે કે આ ઘટના દુશ્મનના ગોળીબાર કે પોતાની સેનાના ગોળીબારથી થઈ નથી.
વિમાનમાં સવાર લોકોની સંખ્યા વિશે હજુ કોઈ માહિતી નથી. ક્રૅશમાં જાનહાનિની સંખ્યા વિશે પણ કોઈ માહિતી નથી.
અમેરિકન સેન્ટ્રલ કમાને જણાવ્યું છે કે આ ઘટના ઇરાકી હવાઈ ક્ષેત્રમાં બની હતી, પરંતુ તે સ્પષ્ટ નથી કે પડોશી ઈરાનથી કેટલું દૂર થઈ.
આ રિફ્યુલિંગ ટૅન્કર વિમાન યુદ્ધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ફાઇટર વિમાન અને બૉમ્બર્સને હવામાં રિફ્યુલિંગ પૂરું પાડે છે, જેનાથી તે લાંબા અંતર સુધી ઉડાન ભરી શકે છે અને યુદ્ધમાં જોડાઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિશે કહ્યું, 'નફરતથી ભરેલો દેશ કિંમત ચૂકવી રહ્યો છે'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથેની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.
ટ્રમ્પે કહ્યું, "અમારું ઑપરેશન ખૂબ જ સારું ચાલી રહ્યું છે. અમારી સેના અજોડ છે. આવું પહેલાં ક્યારેય બન્યું નથી અને કોઈએ આવું ક્યારેય જોયું નથી."
તેમણે કહ્યું, "અમે એ કરીએ છીએ, જે જરૂરી છે. આ ઘણા સમય પહેલાં થઈ જવું જોઈતું હતું. છેલ્લાં 47 વર્ષમાં કોઈના પણ તરફથી થઈ શક્યું હોત, પરંતુ તેમણે એવું ન કરવાનું પસંદ કર્યું."
ટ્રમ્પે કહ્યું, "ઈરાન આતંક અને નફરતથી ભરેલો દેશ છે, જેની તે ભારે કિંમત ચૂકવી રહ્યો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન