ગેનીબહેન ઠાકોર પર જગદીશ પંચાલે કરેલી ટિપ્પણી પર પ્રિયંકા ગાંધી શું બોલ્યાં? – ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ પંચાલે ગેનીબહેન ઠાકોર વિશે કરેલી ટિપ્પણી પર કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.

કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "ગુજરાત ભાજપ અધ્યક્ષ દ્વારા કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને સાંસદ ગેનીબહેન ઠાકોર વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણી અત્યંત શરમજનક અને અપમાનજનક છે."

વધુમાં તેમણે લખ્યું, "એક તરફ ભાજપ સરકાર સંસદમાં પણ મહિલાઓ પર પાયાવિહોણા આરોપો લગાવીને તેમનું અપમાન કરે છે અને બીજી તરફ તેમના નેતાઓ અભદ્ર ટિપ્પણીઓ કરીને મહિલાઓનું અપમાન કરે છે. ભાજપ હંમેશાં આવા લોકોને રક્ષણ પૂરું પાડે છે."

તેમણે કહ્યું કે 'ભાજપની આ મહિલા વિરોધી વાસ્તવિકતા' છે.

તેમણે ગેનીબહેનનો ઉલ્લેખ કરીને કહ્યું, "હું તમારા સંઘર્ષની સાક્ષી છું અને અમને બધાને તમારી હિંમત પર ગર્વ છે. અમે તમારી પડખે ઊભા છીએ."

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ પછી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે બનાસકાંઠામાં 30 એપ્રિલે એક સભા કરી હતી. આ સભામાં તેમણે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર પર એક નિવેદન આપ્યું હતું, તેનાથી વિવાદ સર્જાયો હતો.

જગદીશ પંચાલે ગેનીબહેન ઠાકોર વિશે આ વિવાદિત નિવેદનમાં કહ્યું હતું કે "તમે અમારાં સૌનાં બહેન છો, પણ તમે લોકસભામાં નારી વંદન અધિનિયમ વખતે દેશની બહેનોનું અપમાન કર્યું છે, એટલે બનાસની માતાઓ-બહેનોએ તમારા ગઢમાંથી, તમારી બેઠકો સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે."

જગદીશ પંચાલની ગેનીબહેન વિશેની ટિપ્પણી પર બીબીસી ગુજરાતીએ ભાજપના નેતાઓનો અને પ્રવક્તાઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમની પ્રતિક્રિયા મળી નહોતી.

રાજકોટના આજી ડૅમમાં ડૂબી જવાથી પિતા-પુત્ર સહિત ચાર લોકોનાં મોત

રાજકોટના આજી ડૅમના કાંઠા પાસે આવેલા મોગલ માતાજીના મંદિરના દર્શને આવેલા ચાર લોકો પાણીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી છે.

રાજકોટ ખાતેના બીબીસી સહયોગી બિપિન ટંકારિયાએ જણાવ્યું છે કે, "ચાર લોકો ડૂબ્યા હતા તે પૈકી પિતા-પુત્ર સહિતના ચારના મૃતદેહો મળી આવ્યા છે."

રાજકોટના ડીસીપી હેતલ પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું હતું કે "ભરતભાઈ જાધવ કરીને એક રીક્ષાચાલક છે, તેઓ પોતાની જ રીક્ષામાં પોતાના બે દીકરા અને પોતાની સાળીના એક દીકરા સાથે મંદિરે દર્શને આવ્યા હતા. મંદિરે દર્શન બાદ કોઈ એક ડૅમના પાણીમાં નહાવા પડ્યું હશે કે હાથ-પગ ધોવા ગયું હશે. તે ડૂબવા લાગતા તેને બચાવવામાં બાકીના ત્રણ લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા."

આઈસીસી વિમૅન્સ ટી20 વિશ્વકપ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમનું ઍલાન

આઈસીસી વિમૅન્સ ટી20 વિશ્વકપ 2026 માટે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમનું ઍલાન કરી દીધું છે.

બીસીસીઆઈના જણાવ્યા પ્રમાણે, હરમનપ્રીતકોર આ ટુર્નામેન્ટમાં પાંચમી વખત ભારતીય ટીમનાં કૅપ્ટન રહેશે.

ભારતીય મહિલા ટીમે અત્યારસુધી એક પણ વખત ટી20 વિશ્વકપનો ખિતાબ પોતાના નામે કર્યો નથી., જોકે, ગત વર્ષે તેણે પહેલી વખત વન-ડે વિશ્વકપ જીત્યો હતો.

ટીમ આ પ્રમાણે છે:

હરમનપ્રીતકોર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કૅપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, નંદની શર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકાસિંહ, ક્રાંતિ ગૌડ, શ્રેયંકા પાટિલ અને રાધા યાદવ.

ગેનીબહેન ઠાકોર પર જગદીશ પંચાલે કરેલી ટિપ્પણી પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ પંચાલે ગેનીબહેન ઠાકોર વિશે કરેલી ટિપ્પણી પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.

લોકસભામા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "ગુજરાત ભાજપના અધ્યક્ષે કૉંગ્રેસનાં અમારાં મહિલા સાંસદ ગેનીબહેન ઠાકોર વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. આ શરમજનક તો છે જ, પરંતુ ભાજપની મનુવાદી, મહિલા-વિરોધી વિચારધારાનો અસલી ચહેરો છે. સત્તાને પડકારનાર મહિલાઓ તેમને પસંદ નથી, એક પળમાં જ તેમની વિકૃત માનસિકતા સામે આવી જાય છે."

વધુમાં તેમણે લખ્યું, "નારી વંદનનું મહોરું ઉતરી ગયું. આ છે ભાજપનુ નારી વંદન? આવી રીતે કરશે મહિલાઓનું સશક્તિકરણ? વડા પ્રધાન પહેલાં જ કૉંગ્રેસનાં મહિલા સાંસદોના સવાલોથી ડરીને, સંસદ છોડીને ભાગી ચૂક્યા છે. મહિલા વિરોધી ભાજપ આ વાત યાદ રાખે કે ગુજરાત સહિત દેશની મહિલાઓ દરેક અપમાનનો જવાબ આપશે."

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ પછી, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે બનાસકાંઠામાં 30 એપ્રિલે એક સભા કરી હતી. આ સભામાં તેમણે બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર પર એક નિવેદન આપ્યું હતું, તેનાથી વિવાદ સર્જાયો હતો.

જગદીશ પંચાલે ગેનીબહેન ઠાકોર વિશે આ વિવાદિત નિવેદનમાં કહ્યું હતું કે "તમે અમારાં સૌનાં બહેન છો, પણ તમે લોકસભામાં નારી વંદન અધિનિયમ વખતે દેશની બહેનોનું અપમાન કર્યું છે, એટલે બનાસની માતાઓ-બહેનોએ તમારા ગઢમાંથી, તમારી બેઠકો સાડીના પલ્લુમાંથી આંચકી લીધી છે."

જગદીશ પંચાલની ગેનીબહેન વિશેની ટિપ્પણી પર બીબીસી ગુજરાતીએ ભાજપના નેતાઓનો અને પ્રવક્તાઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમની પ્રતિક્રિયા મળી નહોતી.

ઈરાની અધિકારીએ કહ્યું, 'અમેરિકા સાથે ફરી થઈ શકે છે સંઘર્ષ'

ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડના ખાતમ અલ અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરથી જોડાયેલા એક અધિકારીએ કહ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી ટક્કર થઈ શકે છે.

ડેપ્યુટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ જાફરે કહ્યું, "પુરાવા દેખાઈ રહ્યા છે કે અમેરિકા કોઈ વચનનું પાલન નથી કરતું."

જાફરે કહ્યું, "અમેરિકાનાં મહત્તમ કામો અને નિવેદનો મીડિયા સાથે જોડાયેલાં હોય છે અને તેનો ઉદ્દેશ ઑઇલની કિંમતને પડતી રોકવાનો છે. બીજો ઉદ્દેશ એ મુશ્કેલીને દૂર કરવાનો છે જે તેમને કારણે ઊભી થઈ છે."

જાફરે વધુમાં જણાવ્યું છે કે ઈરાનની સેના કોઈ પણ સંભવિત હુમલાનો જવાબ આપવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે ઈરાન ને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામને લગભગ ત્રણ સપ્તાહ થઈ ચૂક્યાં છે. એટલે ભલે હાલ યુદ્ધ રોકાયેલું હોય પરંતુ હોર્મુઝ સ્ટ્રેટને લઈને હજુ હાલત તણાવપૂર્ણ છે.

પશ્ચિમ બંગાળમાં મતગણતરી અંગે ટીએમસીની અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો

ભારતના ચૂંટણીપંચે શનિવારે સુપ્રીમ કોર્ટને વિશ્વાસ અપાવ્યો છે કે તે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીના ઑબ્ઝર્વરની પસંદગી સાથે સંકળાયલા સર્ક્યુલરનું પાલન કરશે.

બાર ઍન્ડ બેન્ચ પ્રમાણે, ચૂંટણીપંચની તરફથી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ દામા શેષાદ્રિ નાયડુએ કહ્યું કે 4 મેના રોજ મતગણતરી રાજ્યોના પ્રતિનિધિની હાજરીમાં થશે.

જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જૉયમાલ્યા બાગચીની એક બેન્ચ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ની એ અરજી અંગે સુનાવણી કરી રહી હતી, જેમાં મુખ્ય ચૂંટણી અધિકારીના નિર્ણયને પડકારાયો હતો.

આ નિર્ણયમાં માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને મતગણતરીના ઑબ્ઝર્વર બનાવવાનો આદેશ આપ્યો હતો.

ચૂંટણીપંચનો પક્ષ જાણ્યા બાદ કોર્ટે ટીએમસીની અપીલ પર કોઈ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો, નોંધનીય છે કે આ અરજી કોલકાતા હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરાઈ હતી.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, "એસએલપીમાં વધુ એક આદેશની જરૂર નથી. અમે નાયડુની એ વાતની નોંધ લઈએ છીએ કે ચૂંટણીપંચના સર્ક્યુલરનું સંપૂર્ણપણે પાલન કરાશે."

નોંધનીય છે કે આ મામલાની તુરંત સુનાવણી કરાઈ હતી, કારણ કે મતગણતરી 4 મેના રોજ થવાની છે.

આ અરજી કોલકાતા હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ કરાઈ હતી, જેમાં ગુરુવારે ટીએમસીની અરજી ફગાવી દેવાઈ હતી.

પશ્ચિમ બંગાળમાં આ બૂથો પર આજે ફરી વાર થઈ રહ્યું છે મતદાન

પશ્ચિમ બંગાળમાં 15 મતદાન કેન્દ્રો પર આજે એટલે કે 2 મેના રોજ ફરી મતદાન થઈ રહ્યું છે. આ બૂથો પર 29 એપ્રિલના રોજ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન મતદાન થયું હતું.

જોકે ચૂંટણીપંચે આ બૂથ પર ઇવીએમ સાથે ચેડાં અને ઘર્ષણની ફરિયાદ બાદ ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો.

મતદાન સવાર 7 વાગ્યાથી સાંજ છ વાગ્યા સુધી ચાલશે. તેમાં 11 મતદાન કેન્દ્ર મગરહાર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં , જ્યારે ચાર ડાયમંડ હાર્બરમાં છે.

ડાયમંડ હાર્બરની હરિદેવપુર પ્રાથમિક સ્કૂલના બૂથ નંબર 194 પર સવાર સાત વાગ્યાથી જ મતદારો લાઇનમાં ઊભેલા નજરે પડ્યા હતા.

પીટીઆઇ પ્રમાણે, ચૂંટણીપંચે બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં કહ્યું હતું કે રાજ્યની ચૂંટણી-વ્યવસ્થા પાસેથી મળેલી માહિતીના આધારે ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય રાજ્યોની સાથોસાથ પશ્ચિમ બંગાળનાં ચૂંટણી પરિણામ પણ 4 મેના રોજ જ આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - 'ઈરાન સાથે યુદ્ધ ખતમ થયું, પરંતુ...'

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું છે કે ઈરાનને પરમાણુ હથિયાર માટેની પરવાનગી ન આપી શકાય.

ટ્રમ્પે શુક્રવારે કહ્યું, "પાગલ લોકો"ને પરમાણુ હથિયાર રાખવાની પરવાનગી ન આપી શકાય.

અમેરિકાના 1973ના વૉર પાવર્સ ઍક્ટ પ્રમાણે, રાષ્ટ્રપતિ કૉંગ્રેસની પરવાનગી વિના માત્ર 60 દિવસ સુધી સૈન્ય કાર્યવાહી કરી શકે છે.

એ બાદ તેમણે કાં તો કોઈ કાર્યવાહી કરવાની હોય છે અથવા કૉંગ્રેસ પાસેથી પરવાનગી લેવાની હોય છે. જો સૈનિકોની સુરક્ષા સાથે સંકળાયેલી જરૂરી સ્થિતિ હોય તો 30 દિવસ સુધીનો વધારાનો સમય માગવાનો હોય છે.

પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ જંગને ચાલુ રાખવા માટે તેમણે અમેરિકન સાંસદોની પરવાનગીની જરૂર નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "28 ફેબ્રુઆરી, 2026ના રોજ શરૂ થયેલી લડાઈ હવે સમાપ્ત થઈ ચૂકી છે, પરંતુ અમિરેકા ઈરાન સાથે સંઘર્ષ જલદી ખતમ નહીં કરે, કારણ કે આવું કરવાથી અમુક વર્ષો બાદ આપણે ફરીથી એ જ સમસ્યા વેઠવી પડી શકે છે."

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા વિશ્વ માટે ખતરો પેદા કરનારા દરેક હથિયારને ખતમ કરવાનો પ્રયાસ કરશે, સૌપ્રથમ પરમાણુ હથિયારોને.

તેમણે આગળ કહ્યું કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવું 'જરૂરી પગલું' હતું. તેમનો તર્ક હતો કે જો એવું ન કરાયું હોત તો 'ઈરાને ઇઝરાયલ અને અન્ય મધ્યપૂર્વના દેશોને તબાહ કરી દીધા હોત.'

નોંધનીય છે કે હાલ અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો સમયગાળો ચાલી રહ્યો છે, પરંતુ વાતચીતમાં હજુ સુધી કોઈ ખાસ પ્રગતિની વાત સામે નથી આવી.

અમેરિકા સાથે વાતચીત માટે ઈરાને પાકિસ્તાનને નવી શરતો સોંપી

ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બખાઈએ જણાવ્યું કે ઈરાને અમેરિકા સાથેના જંગને ખતમ કરવા માટે પાકિસ્તાનને નવી શરતો સોંપી દીધી છે.

આઇઆરએનએ સમાચાર એજન્સી પ્રમાણે, ઈરાને મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાનને આ શરતો ગુરુવારે સાંજે એટલે કે 1 મેના રોજ સોંપી હતી.

બખાઈએ ગુરુવાર સાંજે એક ટીવી કાર્યક્રમમાં એ વાત પર ભાર મૂક્યો કે અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાનની પ્રાથમિકતા યુદ્ધને ખતમ કરવાની અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરવાની છે.

બખાઈએ આ પહેલાં કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતમાં પાકિસ્તાન સત્તાવાર મધ્યસ્થ છે.

તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ઘણા દેશ મધ્યસ્થની ભૂમિકા ભજવવા માગે છે, પરંતુ સત્તાવાર મધ્યસ્થ પાકિસ્તાન જ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન