ગુજરાત સહિત છ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઇઆરનો કાર્યક્રમ બદલાયો, જાણો નવી તારીખ - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

દેશના ચૂંટણીપંચે ગુરુવારે જણાવ્યું હતું કે વિશેષ ગહન પુનર્નિરીક્ષણની (એસઆઇઆર, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ સુધાર ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીગઢ અને તામિલનાડુ અને આંદમાન-નિકોબાર સહિત છ રાજ્ય (અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં) લાગુ થશે.

ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, સુધારેલો કાર્યક્રમ જણાવવામાં આવ્યો છે. નવો કાર્યક્રમ આ મુજબ છે :

ગુજરાત અને તામિલનાડુ : ફૉર્મ ભરવાની તારીખ 14 ડિસેમ્બર 2025 સુધીની રહેશે તથા તા. 19 ડિસેમ્બર 2025ના મતદારયાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત થશે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા આંદમાન-નિકોબાર : તા. 18મી સપ્ટેમ્બર સુધી ફૉર્મ ભરી શકાશે તથા તા. 23 ડિસેમ્બરના યાદી પ્રકાશિત થશે

ઉત્તર પ્રદેશ : તા. 26 ડિસેમ્બર સુધી ફૉર્મ ભરી શકાશે તથા તા. 31 ડિસેમ્બર 2025ના ડ્રાફ્ટ યાદી પ્રકાશિત થશે.

ગુજરાત, રાજસ્થાન, ગોવા અને પશ્ચિમ બંગાળમાં ગણનાનો છેલ્લો દિવસ તા. 11 ડિસેમ્બરના હતો.

સુરતમાં આગ, 17 જેટલી ફાયરની ગાડી દોડાવાઈ

બુધવાર બાદ ગુરુવારે પણ સુરતમાં ભયાનક આગનો બનાવ નોંધાયો હતો.

સુરતથી બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ રૂપેશ સોનવણે જણાવે છે કે અશ્વિની કુમાર (એકે) રોડ ઉપર સ્મશાનગૃહની સામે મંડપનો સામાન રાખવાના વાડામાં આગ લાગી હતી.

જેના કારણે સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ વિશે માહિતી મળતા ફાયરની અગ્નિશામક ગાડીઓ ઘટનાસ્થળે ધસી ગઈ હતી.

રૂપેશ સોનવણે જણાવે છે કે નવ ફાયર સ્ટેશનની 17 જેટલી ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ આગના ધુમાડાના કાળા ગોટા દૂર દૂરથી જોઈ શકાતા હતા.

ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી બહુમાળી ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. જેને ઓલવવા પંદર જેટલી ગાડીઓ દોડાવવામાં આવી હતી.

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવા અંગે નીતિન ગડકરીએ સંસદમાં શું કહ્યું?

પેટ્રોલની સાથે ઇથેનોલ ભેળવવા અંગે અનેક પ્રકારની ચિંતાઓ અને શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે ભારતના માર્ગ અને પરિવહનમંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આના વિશે નિવેદન આપ્યું હતું.

ગડકરીએ ગુરુવારે લોકસભામાં જણાવ્યું, "પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ભેળવવામાં આવે છે. ટેસ્ટિંગ દરમિયાન વાહનના એન્જિનમાં કોઈ ખામી જોવા નહોતી મળી. વાહનોના પ્રદર્શન પર પણ કોઈ ખાસ અસર નહોતી જોવા મળી."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2023માં પેટ્રોલની સાથે 20 ટકા ઇથેનોલ ભેળવવાના હેતુસર 'મિશન ઈ20' શરૂ કર્યું હતું, ત્યારે પણ કેટલાક પેટ્રોલ વાહનમાલિકોએ આના વિશે ચિંતા રજૂ કરી હતી.

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે, જે મુજબ, પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાથી એન્જિન ઉપર માઠી અસર થઈ શકે છે અને ગાડીઓ બગડી શકે છે અને માઇલેજ પણ ઘટી જાય છે.

જોકે, સરકારે આ તમામ અટકળો અને આશંકાઓને રદિયો આપ્યો છે.

રાજકોટ : બાળકી પર દુષ્કર્મની ઘટનાના આરોપી પર પોલીસનું ફાયરિંગ

રાજકોટના આટકોટમાં બનેલી દુષ્કર્મની કથિત ઘટનાના આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.

પોલીસના દાવા પ્રમાણે ઘટનાના રિકન્સ્ટ્રક્શન વખતે આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જેમાં આરોપીને બંને પગમાં ઈજા પહોંચી છે. આ ઘટનામાં પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયા હતા.

આરોપીને રાજકોટની સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ નજીકની KDP હૉસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.

અગાઉ આટકોટ પોલીસે આરોપી રામસિંહ તેરસિંહ ડડવેજરને કોર્ટમાં રજૂ કરી તારીખ 15 ડિસેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાર પછી પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલો લોખંડનો સળીયો ખેતરમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યા પછી પોલીસ સરકારી પંચોને સાથે રાખીને સીમમાં મુદ્દામાલ કબજે કરવા ગઈ હતી.

રાજકોટના એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે આરોપીના રહેઠાણ નજીક પોલીસ તેને લઈ ગઈ હતી અને ત્યાં લોખંડના ધારિયાથી પોલીસ પર આરોપીએ હુમલો કર્યો હતો. આરોપી અંધારાનો લાભ લઈને નાસી ન જાય તેવા માટે પોલીસ અધિકારીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના બન્ને પગે ઈજા થઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ' ઇમિગ્રેશન વિઝા શરૂ કર્યા, કેટલા ડૉલરમાં કાર્ડ મળશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા સમય અગાઉ 'ગોલ્ડ કાર્ડ' નામે અમેરિકાના વિઝાની જાહેરાત કરી હતી, જે યોજના હવે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે.

ટ્રમ્પની ગોલ્ડ કાર્ડની યોજના હેઠળ ધનાઢ્ય વિદેશીઓને અમેરિકાના વિઝા ઝડપથી મળી શકશે. તેના માટે તેમણે 10 લાખ ડૉલર ચૂકવવાના રહેશે.

ટ્રમ્પે બુધવારે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે "આ કાર્ડ તમામ યોગ્ય અને ચકાસણી કરાયેલા લોકો માટે નાગરિકતાનો સીધો રસ્તો આપશે. બહુ રોમાંચક. અમારી મહાન અમેરિકન કંપનીઓ હવે પોતાના અણમોલ બુદ્ધિધનને જાળવી શકશે."

આ વર્ષની શરૂઆતમાં જ ટ્રમ્પે 'ગોલ્ડ કાર્ડ'ની જાહેરાત કરી હતી.

સત્તાવાર વેબસાઇટ મુજબ "આ એક અમેરિકન વિઝા છે. તે એવા લોકોને મળશે જેઓ સાબિત કરી શકે કે તેઓ અમેરિકાને 'મહત્ત્વપૂર્ણ લાભ' આપી શકે તેમ છે."

અમેરિકાની ઇમિગ્રેશન નીતિ ચુસ્ત બનતી જાય છે ત્યારે આ ગોલ્ડ કાર્ડ આવ્યું છે. અમેરિકાએ વિઝા ફી વધારવી, અનડૉક્યુમેન્ટેડ લોકોને ડિપૉર્ટ કરવા સહિતનાં પગલાં લીધાં છે.

'ગોલ્ડ કાર્ડ યોજના'નો લાભ લેવા 10 લાખ ડૉલરની ફી ભરવી પડશે, ત્યાર પછી 'રેકૉર્ડ સમય'માં અમેરિકન નાગરિકત્વ મળી જશે એવો વાયદો કરાયો છે. કર્મચારીઓને સ્પૉન્સર કરતા બિઝનેસે 20 લાખ ડૉલર સાથે વધારાની ફી પણ આપવી પડશે.

અમેરિકન વ્યાપાર પ્રતિનિધિએ કહ્યું, ભારતે અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રસ્તાવ આપ્યો

અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરે કહ્યું છે કે ભારત સાથે વાતચીત કરવી મુશ્કેલ રહી છે. તેમણે કહ્યું છે કે અમેરિકાને ભારત તરફથી અત્યાર સુધીની સૌથી સારી વ્યાપાર ડીલનો પ્રસ્તાવ મળ્યો છે.

જેમીસન ગ્રીર બુધવારે અમેરિકન સેનેટની એક સમિતિ સમક્ષ હાજર થયા હતા. તેમણે ભારત સાથે વ્યાપાર સમજૂતી અંગે પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, "મારી ટીમ આ સમયે દિલ્હીમાં છે. ભારતમાં કેટલાંક રૉ-ક્રોપ્સ અને અન્ય ઉત્પાદનોનો વિરોધ થઈ રહ્યો છે. મેં કહ્યું તેમ તેમની સાથે વ્યાપાર સંધિ કરવી બહુ મુશ્કેલ કામ છે. હું આની સાથે 100 ટકા સહમત છું. પરંતુ તેઓ બહુ આગળ વધીને વાત કરી રહ્યા છે. જે પ્રસ્તાવો પર અમે વાત કરીએ છીએ તે અમેરિકાને મળેલા અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ પ્રસ્તાવ છે. મને લાગે છે કે (ભારત) એક વ્યવહારિક વૈકલ્પિક બજાર છે."

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સંધિ પર વાતચીત કરવા માટે અમેરિકન ટ્રેડ મંત્રણાકાર બુધવારથી બે દિવસના પ્રવાસે દિલ્હી આવ્યા છે.

પીટીઆઈ મુજબ, મંત્રણાના પહેલા દિવસે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે અમેરિકન ડેપ્યુટી ટ્રેડ પ્રતિનિધિ રિક સ્વિટ્ઝર સાથે મુલાકાત કરી હતી.

અમેરિકાએ વેનેઝુએલાના તટ પાસે ઑઇલ ટૅન્કર કેમ જપ્ત કરી લીધું?

દક્ષિણ અમેરિકામાં તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ બુધવારે વેનેઝુએલાના તટ પાસે એક ઑઇલ ટૅન્કર જપ્ત કરી લીધું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું, "અમે હાલમાં વેનેઝુએલાના તટ પર એક ટૅન્કર જપ્ત કર્યું છે. આ ઘણું મોટું છે. વાસ્તવમાં અત્યાર સુધીનું સૌથી મોટું ટૅન્કર જપ્ત કર્યું છે."

અમેરિકાના ઍટર્ની જનરલ પૅમ બૉન્ડીએ કહ્યું છે કે આ ટૅન્કર ઘણાં વર્ષોથી પ્રતિબંધિત છે કારણકે તેનો સંબંધ 'વિદેશી આતંકવાદી સંગઠનોનું સમર્થન કરનારા અવૈદ્ય તેલ શિપિંગ નેટવર્ક' સાથે છે.

તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી. જેમાં દેખાય છે કે અમેરિકાના સૈનિકો હેલિકૉપ્ટર મારફતે આ જપ્ત કરાયેલા જહાજ પર ચડી રહ્યા છે.

વેનેઝુએલા સરકારે પણ તેના પર કડક પ્રતિક્રિયા જાહેર કરતાં અમેરિકા પર 'ચોરી અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી લૂંટ'નો આરોપ લગાવ્યો છે.

વેનેઝુએલાની સરકાર પહેલાં પણ આ પ્રકારના આરોપ લગાવતી રહી છે કે અમેરિકા વાસ્તવમાં તેના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને હઠાવવાની કોશિશમાં છે.

અમેરિકાએ હાલનાં સપ્તાહમાં આ ક્ષેત્રમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારી છે. તેને તેણે નશીલી દવાઓની તસ્કરી સામેનું અભિયાન ગણાવ્યું છે.

પીએમ મોદીને નેતન્યાહૂએ કેમ ફોન કર્યો, શું થઈ વાતચીત?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચે બુધવારે ફોન પર વાતચીત થઈ હતી.

પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું, "મેં મારા મિત્ર વડા પ્રધાન નેતન્યાહૂ સાથે વાત કરી છે. ભારત-ઇઝરાયલ રણનીતિક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને પોતાના સહયોગને વધારે મજબૂત કરવા પર સહમતિ વ્યક્ત કરી. આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરન્સ પર અમારી બંનેની પ્રતિબદ્ધતાને પણ ફરી વ્યક્ત કરવામાં આવી. ક્ષેત્રમાં સ્થાયી શાંતિ હાંસલ કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોનું ભારત સમર્થન કરે છે."

પીઆઈબીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું કે બંને નેતાઓએ ગાઝા પીસ પ્લાનને જલદી લાગુ કરવા પર પણ વાતચીત કરી.

ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે ઍક્સ પર લખ્યું કે "બંને નેતાઓ વચ્ચે ઉષ્માભરી વાતચીત થઈ અને બંને નેતાઓ જલદી મુલાકાત કરવા પર સંમત થયા."

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, ઇઝરાયલનાં ભરોસાપાત્ર સૂત્રોએ હાલમાં જ એ રિપોર્ટને ફગાવ્યો હતો કે નેતન્યાહૂએ દિલ્હી વિસ્ફોટ બાદ સુરક્ષા ચિંતાઓને કારણે પોતાની યાત્રા ટાળી હતી.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન