You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉ. આંબેડકરની પ્રતિમા ખંડિત થવાના મામલે બેની ધરપકડ, પોલીસે ઇરાદા અંગે કરી સ્પષ્ટતા
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ સતત દલિત સમાજના લોકોનું વિરોધપ્રદર્શન ચાલુ હતું.
દરમિયાન પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે આજે પ્રેસકૉન્ફરન્સમાં તેના વિશે માહિતી આપી હતી.
"23 ડિસેમ્બરે પાંચ અજાણ્યા માણસો સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. બપોરે 2:48 મિનિટ આસપાસ આ પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી."
"બે લોકો સ્કૂટી પર આવ્યા હતા, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને સીટની કુલ 20 ટીમો કામ કરતી હતી. 1000થી વધુ સીસીટીવીની ચકાસણી કરવામાં આવી હતી. આજે સવારે ક્રાઇમ બ્રાન્ચે બે લોકોને પકડ્યા છે. "
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓના નામ મેહુલ ઠાકોર અને ભોળા છે. બાકીના ત્રણ આરોપીના નામ મળી ગયા છે, પરંતુ તેમના મોબાઇલ બંધ છે.
આ વિસ્તારની બે ચાલીઓના રહીશો વચ્ચે જૂની અદાવત ચાલી રહી હતી, જે અંગે આ તોડફોડ આચરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તેમની તપાસ ચાલુ છે. આગળની તપાસ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે, તેમાંથી કેટલાક આરોપીઓનું ગુનાહિત બૅકગ્રાઉન્ડ પણ છે.
એ પહેલાં ગઈકાલે ગુજરાત કૉંગ્રેસના એસસી વિભાગના ચૅરમૅન હિતેન્દ્ર પીઠડિયાએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અસામાજિક તત્ત્વો દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખવામાં આવ્યું હતું, સાથે ચશ્માં પણ તોડી નાખવામાં આવ્યા હતા."
આ ઘટનાનો કેટલાક સ્થાનિકોએ પ્રદર્શન કરીને વિરોધ પણ નોંધાવ્યો હતો.
હિતેન્દ્ર પીઠડિયાએ માગ કરી હતી, "જો 24 કલાકમાં આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો તેઓ જલદ આંદોલન કરશે."
ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઊમટી પડ્યા હતા અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડ સહિતના આગેવાનો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો અને અસામાજિક તત્ત્વોને પકડવાની માગ કરી હતી.
ત્યારબાદ આજે સવારે પણ ખોખરા વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને લોકોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર મુદ્દે એક નિવેદન આપ્યું હતું, જેનો દેશભરમાં કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. આ દરમિયાન અમદાવાદમાં આવી ઘટના બની હતી.
રોહિત શર્માએ વિરાટ કોહલીના ફૉર્મ વિશે શું કહ્યું?
બૉર્ડર-ગાવાસ્કર ટ્રોફીની ચોથી મૅચ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્માએ ખરાબ ફૉર્મથી ઝઝૂમી રહેલા પોતાના બૅટ્સમૅનોનો બચાવ કર્યો છે.
વિરાટ કોહલીએ ત્રણ મૅચોમાં કુલ 126 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે.
રોહિત શર્માએ કોહલી અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે કહ્યું કે, "આજના સમયના મહાન બૅટ્સમૅનો તેમનો રસ્તો જાતે જ બનાવી લેશે."
આ સિરીઝમાં ભારતીય ટીમના ટોપ ઑર્ડરના બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઋષભ પંત બેટિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નથી.
જોકે, જયસ્વાલે પર્થ ટેસ્ટમાં 161 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બાકીની મૅચોમાં તેઓ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા.
આ ત્રણેય બૅટ્સમૅન વિશે પૂછતાં રોહિત શર્માએ કહ્યું કે, "તેમને આ તમામની ક્ષમતા પર વિશ્વાસ છે."
પંત વિશે તેમણે કહ્યું, "તેના પર કોઈ દબાણ નથી. તે ભારતમાં સારા ફૉર્મમાં હતો અને ઑસ્ટ્રેલિયામાં પણ તેનો રેકૉર્ડ સારો રહ્યો છે. આપણે બે-ત્રણ મૅચોમાં પ્રદર્શનના આધારે નિર્ણયો લેવા જોઈએ નહીં."
તેમણે કહ્યું, "ગિલ, જયસ્વાલ અને પંત બધા એક જ નાવમાં સવાર છે. તેઓ જાણે છે કે તેઓ શું કરી શકે છે. આપણે તેમના માટે વધુ સમસ્યાઓ ઊભી કરવી જોઈએ નહીં."
જયસ્વાલ વિશે રોહિત શર્માએ કહ્યું, "જયસ્વાલ અહીં પહેલીવાર આવ્યો છે. તેણે પહેલેથી જ બતાવી દીધું છે કે તે શું કરી શકે છે. તેની પાસે ઘણી પ્રતિભા છે."
"જ્યારે તમારી પાસે તેના જેવો ખેલાડી હોય છે, ત્યારે તેના માઇન્ડસેટ સાથે છેડછાડ કરવાની જરૂર નથી. તેમને તેમની બેટિંગ વિશે ઘણા બધા મંતવ્યો અને સૂચનો આપીને તેમની બેટિંગ પર આપણે ભાર ઉભો કરવાની જરૂર નથી."
"તેમની બેટિંગ વિશે તેઓ ખુદ જ વધુ જાણે છે અને એ જ રીતે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે."
અંતે તેમણે કહ્યું, "આ લોકો (ત્રણેય) જાણે છે કે તેમની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવે છે અને અમારું કામ તેમને નાની વસ્તુઓ પર ધ્યાન આપવાનું કહેવાનું છે."
"મને નથી લાગતું કે આપણે તેમના વિશે વધુ વાત કરીને તેમની વિચારવાની પ્રક્રિયા પર મુશ્કેલી ઉભી કરવી જોઈએ."
ટીમ ઈન્ડિયાએ પર્થમાં આ શ્રેણીની પ્રથમ મૅચ 295 રને જીતી લીધી હતી. પરંતુ ટીમ ઈન્ડિયા ઍડિલેડમાં હારી ગઈ હતી અને ત્યારબાદ બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મૅચ ડ્રૉ રહી હતી.
ગુજરાત સરકારે વીજબિલ પરના ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો, તમને કેટલો ફાયદો?
ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ઑક્ટોબર, 2024થી લઈને ડિસેમ્બર, 2024 સુધી વસૂલાત કરવામાં આવતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કર્યો છે.
રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, "40 પૈસાના ઘટાડાને કારણે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના દરમિયાન કરેલા વીજળીના વપરાશ પર આશરે 1,120 કરોડ રૂપિયાનો ફાયદો થશે."
ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ફ્યુઅલ સરચાર્જની ફોર્મુલા મુજબ એપ્રિલ-2024થી લઈને સપ્ટેમ્બર-2024 ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા 2.85 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ(FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.
હવેથી આ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાની રાહત આપવામાં આવી છે અને આ સરચાર્જ 2.85 રૂપિયાથી ઘટાડીને 2.45 રૂપિયા કરી દેવાયો છે.
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું, "માસિક જે લોકો 100 યુનિટનો વપરાશ કરે છે તેમને આ કિસ્સામાં 50 રૂપિયાથી 60 રૂપિયા સુધીનો ફાયદો વીજબિલમાં થશે."
જોકે, આ ફાયદો માત્ર ગુજરાત સરકારની વીજ વિતરણ કંપની દ્વારા જ્યાં વીજળી આપવામાં આવે છે ત્યાં જ થશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ એસઈઝેડ અને ધોલેરા એસઆઈઆરમાં લાગુ નહીં પડે કારણકે આ વિસ્તારમાં વીજ વિતરણ ટૉરન્ટ કંપની કરે છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને બાંગ્લાદેશની સરકારના પ્રમુખ વચ્ચે વાતચીત
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ સલાહકાર મોહમ્મદ યુનૂસ સાથે ફોન પર વાતચીત કરી છે.
વ્હાઇટ હાઉસ તરફથી જારી નિવેદનમાં કહેવાયું છે કે બંને નેતાઓએ ધાર્મિક આસ્થાથી ઉપર માનવાધિકારનું સન્માન અને સુરક્ષા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
નિવેદનમાં કહેવાયું છે કે સુલિનવે એક સમૃદ્ધ, સ્થિર અને લોકતાંત્રિક બાંગ્લાદેશ માટે અમેરિકાનું સમર્થન હોવાની વાત કરી. તેમણે બાંગ્લાદેશ સામે હાલના પડકારોને ઉકેલવા મદદ માટે હાથ પણ લંબાવ્યો.
સુલિવને આ પડકાર ભરેલા સમયમાં નેતૃત્વ સંભાળવા માટે યુનૂનનો આભાર વ્યક્ત કર્યો. યુનૂસે પણ કહ્યું કે તેમને આશા છે કે સુધાર પંચનો રિપોર્ટ આવ્યા બાદ તેઓ દેશની ચૂંટણી યોજવા માટે આગળ વધશે.
પાકિસ્તાનની સૈન્ય અદાલતના ચૂકાદા પર અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા
પાકિસ્તાનથી બે દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે ત્યાંની સૈન્ય અદાલતે પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના 25 સમર્થકોને જેલની સજા ફટકારી છે. હવે અમેરિકાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
અમેરિકાના વિદેશ વિભાગ તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું, "અમેરિકા આ મામલે ચિંતિત છે કે પાકિસ્તાની નાગરિકોને ત્યાંની સૈન્ય અદાલતે 9મી મે, 2023માં થયેલાં વિરોધપ્રદર્શનોમાં સામેલ થવા બદલ સજા ફટકારી છે."
નિવેદનમાં એમ પણ કહેવાયું છે, "આ સૈન્ય અદાલતોમાં ન્યાયિક સ્વતંત્રતા અને પારદર્શિતાનો અભાવ છે. અમેરિકા પાકિસ્તાની અધિકારીઓને ત્યાંના સંવિધાન અંતર્ગત નિષ્પક્ષ સુનાવણી અને આ પ્રક્રિયાઓ દરમિયાન યોગ્ય નિયમોના પાલન કરવાનું આહ્વાન કરે છે."
ટ્રમ્પની નજીક રહેલા મૅટ ગેટ્સ પર 'ડ્રગ્સ અને સગીર સાથે યૌન સંબંધ'નો આરોપ
પૂર્વ રિપબ્લિકન કૉંગ્રેસમૅન મૅટ ગેટ્સ પર આરોપ લાગ્યા છે. આરોપ એ છે કે તેમણે તેમના કાર્યકાળમાં યૌન સંબંધ અને ડ્રગ્સ પર હજારો ડૉલર ખર્ચ કર્યો.
ગેટ્સ પર આ આરોપ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્ઝની એથિક્સ કમિટીના રિપોર્ટમાં લગાવવામાં આવ્યા છે.
મૅટ ગેટ્સ પર ગેરકાયદે ડ્રગ્સ સહિતના અન્ય આરોપોની હવે તપાસ થઈ. ગેટ્સ એ વ્યક્તિ છે જેમને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટોર્ની જનરલ નામિત કર્યા હતા.
કમિટીને પુરાવા મળ્યા છે કે 42 વર્ષના ગેટ્સને પોતાની બહામાસની 2018ની યાત્રા દરમિયાન મર્યાદા કરતા વધારે ગિફ્ટ્સ લીધી હતી.
જોકે, ગેટ્સે તેમના પર લગાવાયેલા તમામ આરોપો ફગાવ્યા છે. આ વિવાદો વચ્ચે ગેટ્સે અમેરિકાના એટોર્ની જનરલ તરીકેનું પોતાનું નામાંકન પરત ખેંચી લીધું હતું.
અમેરિકાની કૉંગ્રેસની એથિક્સ કમિટીના રિપોર્ટમાં આરોપ લગાવાયો છે, "ગેટ્સે વેશ્યાવૃત્તિ, સગીર સાથે યૌન સંબંધ, ગેરકાયદે ડ્રગ્સના ઉપયોગ અને ગિફ્ટના સ્વીકાર કરીને ગૃહના નિયમો અને આચરણના અન્ય માનકોનું ઉલ્લંઘન કર્યું છે."
ઇઝરાયલે કહ્યું કે ઈરાનમાં હમાસના નેતા ઇસ્માઇલ હનિયાને તેણે જ માર્યા હતા
ઇઝરાયલે પુષ્ટિ કરી છે કે તેણે જ ઈરાનના તહેરાનમાં હમાસના વરિષ્ઠ નેતા ઇસ્માઇલ હનિયાને માર્યા હતા.
ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇસરાઇલ કાત્ઝે પહેલી વખત સ્વીકાર્યું કે ઇઝરાયલે આ વર્ષના જુલાઈમાં ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસના રાજનૈતિક નેતા ઇસ્માઇલ હાનિયાને માર્યા હતા.
તેમણે પોતાના ભાષણમાં યમનમાં ઈરાન સમર્થિત હૂતી સમૂહના પ્રમુખોને નિશાન બનાવ્યાની વાત પણ કહી. આ દરમિયાન તેઓ હમાસના નેતાઓ પર પણ બોલ્યા હતા.
હાનિયા હુમલા સમયે ઈરાનના તહેરાનમાં એક ઇમારતમાં હતા. તે સમયે હમાસ અને ઈરાને આ મોત માટે ઇઝરાયલને જ જવાબદાર ગણાવ્યું હતું.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે હમાસ સાથે ગાઝામાં યુદ્ધવિરામ પર સહમતિની દિશામાં કેટલીક પ્રગતિ થઈ છે. જોકે, તેના સમય વિશે તેમણે કશું નહીં જણાવ્યું.
એક વરિષ્ઠ પત્રકારે બીબીસીને જણાવ્યું કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે વાતચીત 90 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કેટલાક મુદ્દાઓ પર સહમતિ બાકી છે.
રશિયાએ બશર અલ-અસદ અને તેમનાં પત્ની આસમાના તલાકની ખબરને ફગાવી
રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે એ ખબરને ફગાવી દીધી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદનાં બ્રિટિશ મૂળનાં પત્ની તેમની સાથે તલાક ઇચ્છે છે.
તુર્કી મીડિયામાં સમાચાર આવ્યા હતા કે આસમા અલ-અસદ પોતાનાં લગ્ન સમાપ્ત કરવા માગે છે અને તેઓ રશિયા છોડીને બીજે જવા માગે છે.
એક સમાચાર સંમેલનમાં દિમિત્રી પેસ્કોવે કહ્યું, "નહીં, તેને સત્ય સાથે કશું લાગતું-વળગતું નથી."
તેમણે એ સમાચારનું પણ ખંડન કર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે અસદને મૉસ્કો બહાર જવા પર પ્રતિબંધ છે અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આ પહેલાં તુર્કી મીડિયામાં સમાચાર આવ્યા હતા કે રશિયાની રાજધાની મૉસ્કોમાં અસદ પરિવાર ગંભીર પ્રતિબંધો અંતર્ગત જીવન ગુજારે છે અને સીરિયાનાં પૂર્વ પ્રથમ મહિલાએ તલાક માટે અરજી આપી છે કારણકે તેઓ લંડન પરત ફરવા માગે છે.
સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદનાં પત્ની આસમા અલ-અસદ સીરિયાઈ બ્રિટિશ નાગરિક છે પરંતુ બ્રિટનના વિદેશ સચિવે પહેલા જ કહ્યું હતું કે તેમને બ્રિટન પરત ફરવાની અનુમતિ નહીં આપવામાં આવે.
જૂનાગઢના વિસાવદરમાં સિંહણે હુમલો કરતા બાળકીનું મોત, દોઢ મહિનામાં બીજો બનાવ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સિંહણે કરેલા હુમલામાં એક સાત વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાના દોઢ મહિનામાં અમરેલીની પડોશમાં આવેલા જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં સિંહણના હુમલાને કારણે વધુ એક બાળકીનું મૃત્યુ થયું છે.
વન વિભાગે હવે આ સિંહણને પાંજરે પૂરવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે.
દોઢ મહિનામાં આ પ્રકારે બે મોત થયાં છે. 4થી નવેમ્બર, 2024ના રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામે સાત વર્ષની કીર્તિ ધાપા નામની છોકરી તેની માતા સાથે વાડીએથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે સિંહણે તેના પર હુમલો કર્યો હતો અને તેનું મોત થયું હતું. હવે આ રવિવારે સાંજના સમયે 13 વર્ષની રાહલી અવાસિયા પર સિંહણે હુમલો કર્યો હતો જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. રાહલીના પિતા મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની છે અને તેઓ અહીં ખેતમજૂરીનું કામ કરવા આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન