જૂનાગઢમાં મુનવ્વર ફારૂકીનું સ્વાગત કેવી રીતે કરાયું? જુઓ ખાસ વાતચીત

જૂનાગઢમાં મુનવ્વર ફારૂકીનું સ્વાગત કેવી રીતે કરાયું? જુઓ ખાસ વાતચીત
પ્રકાશિત

બિગ બોસની 17મી સિઝનમાં મુનવ્વર ફારૂકી વિજેતા બન્યા છે અને તેઓ જૂનાગઢ આવ્યા હતા. જ્યાં તેમના ચાહકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું.

તેમણે બિગ બૉસમાં ત્રણ મહિનાથી વધુ સમય સુધીની સફર કાપી હતી અને લોકોના દિલમાં અને બિગ બૉસમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

મુનવ્વર ફારૂકી મૂળ જૂનાગઢના છે અને તેઓ મુંબઈમાં રહે છે. આ પહેલા તેમનું મુંબઈમાં પણ ભવ્ય સ્વાગત થયું હતું.

બિગ બૉસ દરમિયાનની તેમની સફર પણ ઉતારચઢાવ વાળી રહી છે. આ સમયગાળા દરમિયાન તેમના અંગત જીવનની ઘણી વાતો જાહેરમાં આવી હતી.

મુનવ્વર ફારૂકીની યાત્રા

મુનવ્વર ફારૂકીનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેના જીવનમાં સંઘર્ષ બાળપણથી જ શરૂ થયો હતો. તેનું ઘર 2002ના ગુજરાત રમખાણોમાં ધ્વસ્ત થઈ ગયું હતું. તેઓ જ્યારે 16 વર્ષના થયા ત્યારે તેમણે તેમનાં માતાને ગુમાવ્યાં હતાં. મુનવ્વરના પિતા તેમને અને તેમની ત્રણ બહેનોને મુંબઈ લાવ્યા હતા અને જીવન નવેસરથી શરૂ કરવા માગતા હતા.

મુંબઈ આવ્યા બાદ તેઓ ડોંગરી વિસ્તારમાં રહેવાનું શરૂ કરે છે. પરંતુ ફરીથી કિસ્મત તેમનો સાથ આપતી નથી અને મુંબઈ આવ્યા બાદ તરત જ તેમના પિતા પથારીવશ થઈ જાય છે. માત્ર 17 વર્ષની ઉંમરે મુનવ્વરે તેમના સમગ્ર પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી.

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે બાળપણમાં વાસણ વેચવાનું અને ગ્રાફિક્સ આર્ટિસ્ટનું કામ કર્યું હતું.

પોતાની આજીવિકા ચલાવવા માટે મુનવ્વરે માટીકામની દુકાનમાં કામ કર્યું. કૉમ્પ્યુટરનો કોર્સ કર્યો અને ગ્રાફિક ડિઝાઇનિંગ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં, તેમણે પોસ્ટરો પર છપાયેલી વન-લાઇનર પંચલાઇન લખવાનું શરૂ કર્યું અને લખતી વખતે તેમને સમજાયું કે તેઓ સ્ટૅન્ડઅપ કરી શકે છે.

વર્ષ 2020માં મુનવ્વરે યૂટ્યુબની દુનિયામાં તેમની સફર પણ શરૂ કરી. તેમણે પોતાનો પહેલો સ્ટૅન્ડઅપ વીડિયો ‘પૉલિટિક્સ ઇન ઇન્ડિયા’ના નામે અપલોડ કર્યો. આ વીડિયો હિટ થયો અને તે લોકપ્રિય થઈ ગયા.

મુનવ્વર ફારૂકી કૉમેડીમાં કેવી રીતે આવ્યા?

લૉક-અપ શોમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે મુનવ્વર ફારૂકીના વિવાહિત હોવાની વાત પ્રકાશમાં આવી.

શોમાં સોશિયલ મીડિયા પર ત્યારે મુનવ્વરની એક તસવીરને બતાવવામાં આવી.

આ તસવીરમાં મુનવ્વર એક મહિલા અને બાળક સાથે દેખાય છે. આ બ્લર તસવીર શોમાં બતાવવામાં આવી ત્યારે તેમણે વિવાહિત હોવાની વાત સ્વીકાર કરી લીધી હતી.

સાથે જ મુનવ્વરે એમ પણ કહ્યું કે, "અમે લગભગ દોઢ વર્ષથી અલગ રહીએ છીએ. આ મારી એક એવી પ્રાઇવેટ વાત છે જેના વિશે હું શો પર વાત કરવા નથી માગતો."

લૉકઅપ શોમાં મુનવ્વરની અંજલિ અરોડા સાથે કેમેસ્ટ્રી ચર્ચામાં હતી.

જોકે શોમાંથી બહાર આવ્યા બાદ તેઓ સોશિયલ મીડિયા પર પ્રેમિકા નાજિલા સાથે દેખાયા હતા. હવે બંને અલગ થઈ ગયાં છે. એક ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન નાજિલાએ મુનવ્વર વિશે કેટલીક વાતો કહી જે ચર્ચામાં રહી.

બિગ બૉસ 17માં મુનવ્વરે જણાવ્યું કે તેમના છૂટાછેડા થઈ ગયા છે અને તેમનો પુત્ર તેમની સાથે રહે છે. તેમના પુત્રને પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શોના એક એપિસોડમાં બતાવવામાં આવ્યો હતો.

આ દરમિયાન, આયેશા નામની યુવતીને બિગ બૉસમાં વાઇલ્ડ કાર્ડ ઍન્ટ્રી મળે છે અને પછી ખબર પડે છે કે મુનવ્વર તેમની સાથે રિલેશનશિપમાં છે. શોમાં આયેશાની ઍન્ટ્રી બાદ મુનવ્વરની ઇમેજને ઘણું નુકસાન થયું હતું. બંને વચ્ચેની લડાઈ બધાની સામે આવી ગઈ.

મુનવ્વરની એ વાતો પણ સામે આવી જેના વિશે મુનવ્વર ક્યારેય જાહેરમાં ચર્ચા કરવા માગતા ન હતા.

મુનવ્વર : કૉમેડીથી વિવાદ સુધી

મુનવ્વરના સોશિયલ મીડિયા પર લાખો ફૉલોઅર્સ છે.

યૂટૂયબ પર મુનવ્વરનો પહેલા વીડિયો વર્ષ 2020માં આવ્યો હતો. અનેક જગ્યાએ સ્ટૅન્ડઅપ કૉમેડીમાં હિંદુ દેવી-દેવતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ પર કથિત અભદ્ર ટિપ્પણી કરવાના આરોપમાં મુનવ્વર અને ચાર લોકોની એક જાન્યુઆરી 2021ના ઇંદોર પોલીસે ધરપકડ કરી હતી.

એક મહિના સુધી જેલમાં રહ્યું હતું અને તેમની જામીન અરજી ફગાવતા મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇંદોર બૅન્ચે કહ્યું હતું કે, "આવા લોકોને છોડવા ન જોઈએ."

જેલમાંથી છૂટ્યા બાદ મુનવ્વરે મીડિયાથી દૂર રહેતા હતા અને એક યૂટ્યૂબ વીડિયો લીવિંગ કૉમેડી પોતાની ચેનલ પર પબ્લિશ કર્યો હતો.

તેના અંતમાં તેમણે કહ્યું હતું કે, "કૉમેડી તો નહીં છોડી શકું. કારણ કે કૉમેડી છોડવાનાં અનેક કારણ છે પરંતુ કૉમેડી કરવાનું એકજ કારણ છે... એ અવાજ જે મંચ પર બોલાવે છે."

મુનવ્વર હવે કૉમેડી અને ગીતોવાળા વીડિયોઝમાં જોવા મળે છે.

બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેઓ પોતાને માત્ર સ્ટેન્ડઅપ કૉમેડિયન નહીં પરંતુ લેખક ગણાવે છે. તેમના ઘણા રેપ સૉંગ પણ વાઇરલ થયા છે.

તેમના ચાહકો તેના વિશે શું વિચારે છે તેનાથી મુનવ્વરને હંમેશાં ડર લાગે છે.

પરંતુ આજે જ્યારે તે ટૉપ થ્રીમાં પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. જનતાએ તેને માત્ર અપાર પ્રેમ જ નથી આપ્યો પરંતુ તેમને બિગબોસ 17ના વિજેતા પણ બનાવ્યા છે.