વિદેશમંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, આ મુલાકાતથી બંને દેશના સંબંધો સુધરશે?

એસ જયશંકરની તસવીર

ઇમેજ સ્રોત, ani

ઇમેજ કૅપ્શન, ભારતના વિદેશમંત્રી એસ જયશંકર
    • લેેખક, અભયકુમાર સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

લગભગ એક દાયકા બાદ ભારતના વિદેશમંત્રી પાકિસ્તાનની મુલાકાતે જશે. વિદેશમંત્રી એસ જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે ઇસ્લામાબાદ જશે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તા. 15 અને 16 ઑક્ટોબરના યોજાનારી એસસીઓની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ એસ જયશંકર કરશે.

તત્કાલીન વિદેશમંત્રી સુષમા સ્વરાજે ડિસેમ્બર-2015માં ઇસ્લામાબાદ ખાતે આયોજિત 'હાર્ટ ઑફ એશિયા' કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ બેઠકના અમુક દિવસ બાદ 'સરપ્રાઇઝ વિઝિટ'માં લાહોર ગયા હતા.

ભારતના વિદેશમંત્રી લાંબા સમય બાદ પાકિસ્તાનની યાત્રાએ જઈ રહ્યા છે, ત્યારે તેના અર્થ શું છે?

પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન જયસ્વાલને પૂછવામાં આવ્યું હતું કે, શું વિદેશમંત્રીના પ્રવાસને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારની દિશામાં પ્રયાસ તરીકે જોવામાં આવે?

ત્યારે જયસ્વાલે કહ્યું હતું, "એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે, એથી વધુ કંઈ વિચારવું ન જોઈએ."

તેમણે કહ્યું કે "હાં, હું આ મહિનાના મધ્યમાં શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાન જવાનો છું."

તેમણે એમ પણ કહ્યું કે "મારી આ યાત્રા બહુપક્ષીય કાર્યક્રમ માટે છે. હું ત્યાં ભારત-પાકિસ્તાનના સંબંધો પર ચર્ચા કરવા નથી જતો. હું ત્યાં એસસીઓનો એક સારો સભ્ય બનવા માટે જઈ રહ્યો છું."

બહુપક્ષીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ

ભારત અને પાકિસ્તાનની સરહદની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રો. હર્ષ વી પંત દિલ્હીસ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન ખાતે વિદેશનીતિ વિભાગના ઉપાધ્યક્ષ છે. તેમનું માનવું છે કે આ મુલાકાત ભારત-પાકિસ્તાન સંબંધોની દૃષ્ટિએ ખાસ મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ એસસીઓની દૃષ્ટિએ તે અગત્યની છે.

બીબીસી હિંદી સાથે વાત કરતા પ્રો. પંતે કહ્યું, "મને લાગે છે કે હાલની પરિસ્થિતિમાં ભારત સામે કોઈ પ્રોત્સાહક પરિબળ નથી, પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ સંપૂર્ણપણે સુધરી નથી."

"ત્યાંના સત્તાના કેન્દ્ર અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. આથી ભારતની સામે પાકિસ્તાનના વર્તમાન શાસનતંત્ર સાથે સીધો સંવાદ કરવાને માટે કોઈ મોટું કારણ નથી. આથી મને નથી લાગતું કે આ યાત્રા બાદ દ્વિપક્ષી સંબંધોમાં કોઈ ફેર પડશે."

પ્રો. પંત ઉમેરે છે કે ભારત નથી ઇચ્છતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદોને કારણે "મિત્રદેશો"ને એવું લાગે કે એસસીઓમાં કોઈ પણ પ્રકારે અડચણ આવી રહી છે.

તેઓ કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પાકિસ્તાન ગયા હોત, તો એનો અલગ સંદેશ નીકળ્યો હોત અને તેનું અર્થઘટન કરવામાં આવ્યું હોત, પરંતુ વડા પ્રધાન જવાના નથી. તેમના સ્થાને વિદેશમંત્રી જઈ રહ્યા છે."

"આનો અર્થ સ્પષ્ટ છે કે ભારત હાલમાં પાકિસ્તાનની સાથે ઉચ્ચસ્તરીય નેતૃત્વ સ્તરે દ્વિપક્ષીય વાતચીત નથી ઇચ્છતું. ભારત કોઈ પણ પ્રકારની વાતચીત નથી ઇચ્છતું, એવો સંદેશ પણ નીકળે છે. જોકે, વિદેશમંત્રી ત્યાં જઈ રહ્યાં છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ભારત એસસીઓ જેવા બહુપક્ષીય મંચો પર પોતાની જવાબદારી નિભાવવા માગે છે."

વૉશિંગ્ટન ડીસીના વિલ્સન સેન્ટર થિન્ક ટૅન્ક ખાતે સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના નિદેશક માઇકલ કુગેલમૅનનું માનવું છે કે આ યાત્રા દ્વિપક્ષીય સંબંધો કરતાં એસસીઓ માટે વધુ છે.

કુગેલમૅને ઍક્સ પર લખ્યું, "આ નિર્ણય ભારત-પાકિસ્તાન સંબંધોને આગળ વધારવા કરતાં એસસીઓ પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે."

તેઓ ઉમેરે છે, "જયશંકરની પાકિસ્તાનયાત્રાને દ્વિપક્ષીય કરતાં બહુપક્ષીય કૂટનીતિની દૃષ્ટિએ વધુ મહત્ત્વપૂર્ણ છે, એ ખરું. આમ છતાં ભારત-પાકિસ્તાનના સંબંધોની દૃષ્ટિએ તેનું મહત્ત્વ ઓછું ન આંકવું જોઈએ."

કુગેલમૅન આને માટે લાંબા ગાળા બાદ ભારતના કૅબિનેટકક્ષાના મંત્રીની પાકિસ્તાનયાત્રાને મહત્ત્વપૂર્ણ માને છે. તેઓ લખે છે, "વર્ષ 2016 બાદ પહેલી વખત ભારતીય કૅબિનેટ મંત્રી પાકિસ્તાન જઈ રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે છેલ્લે તત્કાલીન ગૃહમંત્રી રાજનાથસિંહ સાર્કની બેઠકમાં ભાગ લેવા માટે વર્ષ 2016માં પાકિસ્તાન ગયા હતા.

રાજીવ ડોગરાએ ભારતના રાજદૂત તરીકે અનેક દેશોમાં ફરજ બજાવી ચૂક્યા છે. ડોગરાએ બીબીસી હિંદીના સંવાદદાતા મોહનલાલ શર્મા સાથે વાત કરતા કહ્યું કે વિદેશમંત્રીની પાકિસ્તાનયાત્રા એ આવકારદાયક શરૂઆત છે, પરંતુ "પાકિસ્તાનના વ્યવહાર વિશે કશું કહી ન શકાય."

રાજનાથસિંહની એ યાત્રાને યાદ કરતા ડોગરા કહે છે, "એ સમયે રાજનાથસિંહ સાથે પાકિસ્તાનના તત્કાલીન ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાને ખરાબ વર્તાવ કર્યો હતો."

ડોગરા પાકિસ્તાનની વર્તણૂકનું ઉદાહરણ ટાંકતા ગત વર્ષે ભારત પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવ્યા હતા તેની વાત કરે છે.

તેઓ કહે છે, "બિલાવલ ભુટ્ટો ભારત આવ્યા હતા, એ પછી એમણે જે પ્રકારનાં નિવેદન આપ્યાં હતાં, એમાંથી કંઈ પણ એવું ન હતું કે જેના કારણે સંબંધો આગળ વધે, એટલે વાતચીત ત્યાં જ સમાપ્ત થઈ ગઈ હતી."

અન્ય દેશોનો દૃષ્ટિકોણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ફાઇલ તસવીર

વિશ્વની 40 ટકા વસતિ એસસીઓ દેશોમાં નિવાસ કરે છે. સમગ્ર વિશ્વના જીડીપી (કુલ ઘરેલુ ઉત્પાદનમાં) આ દેશોની ભાગીદારી 20 ટકા જેટલી છે. તેમની પાસે વિશ્વભરના ક્રૂડઑઇલ ભંડારોમાંથી 20 ટકા જેટલો હિસ્સો છે.

આથી, એસસીઓની બેઠકમાં જે કંઈ ઘટે તેના પર આખી દુનિયાની નજર રહે છે. આ સંજોગોમાં ભારતના કૅબિનેટ મંત્રીની લાંબા સમય પછીની પાકિસ્તાનયાત્રાને કેવી રીતે જોવામાં આવશે?

પ્રો. પંતના કહેવા પ્રમાણે, ભારતના સંબંધ પાકિસ્તાન કે ચીન સાથે ગમે તેવા હોય તો પણ તેણે એસસીઓમાં સકારાત્મક ભૂમિકા જ ભજવી છે.

"આ યાત્રા મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી એસસીઓમાં ભારતની ભૂમિકા સ્પષ્ટ થાય છે. તે તેની સાથે જોડાયેલું છે અને પોતાના સકારાત્મક ઍજન્ડા સાથે આગળ વધી રહ્યું છે."

તેઓ ઉમેરે છે કે ભારતે વિશ્વને સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના હિતોને પ્રાથમિકતા આપશે અને પોતાની શરતો પર પાકિસ્તાન સાથેના સંબંધોને તોળશે.

પ્રો. પંતના કહેવા પ્રમાણે, "મને લાગે છે કે દુનિયાએ પણ ભારત અને પાકિસ્તાનને એક ત્રાજવે તોળવાનું બંધ કરી દીધું છે. જ્યારે ભારતના વિદેશમંત્રી પાકિસ્તાન જશે, ત્યારે દુનિયાને લાગશે કે ભારત આત્મવિશ્વાસથી ભરપૂર દેશ તરીકે આગળ વધી રહ્યો છે."

"ભારત આર્થિક રીતે મજબૂત બની રહ્યું છે. તેણે સફળતાપૂર્વક ચૂંટણીઓ યોજી છે અને કાશ્મીરનો મુદ્દો પણ હાંસિયામાં ધકેલાઈ ગયો છે."

"પહેલા પાડોશીની નીતિ"

વર્ષ 2017માં યોજાયેલી એસસીઓ બેઠકની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2017માં યોજાયેલી એસસીઓ બેઠક

પૂર્વ રાજદૂત કેપી ફેબિયાન આ મુલાકાતને "પહેલા પાડોશીની નીતિ" તરીકે જુએ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું, "પહેલા પાડોશીની નીતિને ફરી જાગૃત કરવામાં આવી રહી છે. આપને યાદ હશે કે વિદેશમંત્રી ત્રણ દિવસની માલદીવ યાત્રાએ ગયા હતા. તેઓ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિને મળવા પહોંચેલા પહેલા વિદેશમંત્રી હતા. આથી તેઓ (પાકિસ્તાન) જઈ રહ્યા છે એ સારું છે."

જોકે, પ્રો. પંતને નથી લાગતું કે "પહેલા પાડોશીની પૉલિસી" પુનર્જીવિત થઈ રહી છે. તેમના મતે ભારતની નીતિ હંમેશાંથી જ "પહેલા પાડોશી"ની રહી છે.

"તમે પાડોશીઓથી કેવી રીતે દૂર રહી શકો? પાડોશી દેશોની બાબતમાં ભારે ક્યારેય પાછીપાની નથી કરી, પરંતુ પાકિસ્તાને ક્યારેય "પહેલા પાડોશીની નીતિ" નથી રાખી."

એસ જયશંકરનો વર્તાવ કેવો હશે ?

એસ જયશંકરની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, X/Dr. S. Jaishankar

પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે મે-2023માં ભારત આવ્યા હતા. ત્યારે પણ એવું માનવામાં આવતું હતું કે પાકિસ્તાની વિદેશમંત્રીના આગમનથી બંને પાડોશી દેશોના સંબંધોમાં સુધારો આવશે.

જોકે, બેઠકના એક દિવસ પછી જ બંને દેશોના વિદેશમંત્રીઓનાં આકરાં નિવેદન સામે આવ્યાં હતાં.

આ સંજોગોમાં એસ જયશંકર પાકિસ્તાન જઈ રહ્યા છે, ત્યારે તેમનું વલણ કેવું રહેશે?

પ્રો. પંતના કહેવા પ્રમાણે, "તેઓ એસસીઓ શિખર મંત્રણામાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે, ભારત-પાકિસ્તાનના સંબંધો ઍજન્ડા પર નથી. એસ જયશંકર ત્યાં ભારતની સકારાત્મક ભૂમિકા પર ભાર મૂકશે, એટલે મને નથી લાગતું કે તેઓ પાકિસ્તાન સાથેના દ્વીપક્ષીય મતભેદો વિશે કંઈ કહેશે."

તેઓ ઉમેરે છે, "એસ જયશંકરનું આક્રમક વલણ પશ્ચિમી દેશો સાથે સંલગ્ન હોય તેવા મુદ્દે જોવા મળે છે, પરંતુ જો તમે (પાકિસ્તાન સિવાયના) પાડોશી દેશો વિશે વાત કરો તો તેમની કૂટનીતિ ખૂબ જ સૂક્ષ્મ રહી છે."

"જેનું સૌથી મોટું ઉદાહરણ માલદીવ છે. જે સમયે માલદીવના સોશિયલ મીડિયામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્રની ભારે ટીકા થઈ રહી હતી અને સંબંધોમાં ભારે ઊથલપાથલ આવી હતી, ત્યારે પણ ભારતના વિદેશ મંત્રાલય કે નેતાઓએ કોઈ ટિપ્પણી નહોતી કરી."

"પરિણામસ્વરૂપે થોડા મહિનામાં જ ભારત-માલદીવના સંબંધ સામાન્ય થઈ ગયા."

ડોગરાના મતે એસ. જયશંકર પાસેથી સંબંધો સામાન્ય થશે એવી આશા છે. તેઓ કહે છે, "આપણા વિદેશમંત્રી અનુભવી રાજદૂત અને નેતા છે. એટલે તેઓ બંને દેશોના સંબંધોમાં જામી ગયેલો બરફ દૂર કરવા પ્રયાસ કરશે, પરંતુ એ યાદ રાખવું ઘટે કે આ એસસીઓની બેઠક છે."

ભારત-પાકિસ્તાન માટે એસસીઓનું મહત્ત્વ

બિલાવલ ભુટ્ટો ઝરદારીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિલાવલ ભુટ્ટો ઝરદારી

શાંઘાઈ સહયોગ સંગઠનની સ્થાપના ઔપચારિક રીતે વર્ષ 2001માં થઈ હતી. જેમાં ચીન, રશિયા તથા પૂર્વ સોવિયેત સંઘના ભાગરૂપ કઝાકસ્તાન, કિર્ગિસ્તાન, તાજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ હતા.

આ પહેલાં ઍપ્રિલ-1996માં શાંઘાઈ ખાતે ઉઝબેકિસ્તાન સિવાયના દેશોની બેઠક મળી હતી, જેમાં પરસ્પરના વંશીય અને ધાર્મિક તણાવોને દૂર કરવા માટે પરસ્પર સહયોગની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારથી તે 'શાંઘાઈ ફાઇવ' તરીકે ઓળખાતું.

વર્ષ 2017માં ભાર અને પાકિસ્તાન આ સંગઠનના પૂર્ણકાલીન સભ્ય બન્યા, જ્યારે ગત વર્ષે ઈરાન એસસીઓનું સભ્ય બન્યું.

અફઘાનિસ્તાન બેલારુસ અને મોંગોલિયા આ સંગઠનના 'નિરીક્ષક સભ્ય' છે.

આ સંગઠનને નેતૃત્વ આપનારા રશિયા અને ચીનના પાકિસ્તાન સાથે સારા સંબંધ છે. વળી, મધ્યપૂર્વીય દેશોને કારણે પણ પાકિસ્તાન તેમના માટે મહત્ત્વપૂર્ણ છે. આ વિસ્તારમાં વેપાર, કનૅક્ટિવિટી અને ઊર્જાક્ષેત્રે પાકિસ્તાન અગત્યની ભૂમિકા ભજવી શકે છે.

પ્રો. પંતના કહેવા પ્રમાણે, "મધ્ય એશિયામાં ભારતની પેઠ મર્યાદિત છે. એટલે એસસીઓ મારફત ત્યાં પગપેસારો કરવો અને પોતાની ભૂમિકા જાળવી રાખવી ભારત માટે મહત્ત્વપૂર્ણ છે."

"એટલે આ મુલાકાતને દ્વિપક્ષીય નહીં, પરંતુ બહુપક્ષીય મંચ ઉપર ભારતની ભૂમિકા અને કૂટનીતિ તરીકે જોવી જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.