ગુજરાતમાં વરસાદે વિરામ લીધો પણ જનજીવનને હજુ પણ અસર, કેટલાંય ગામોમાં અંધારપટ

ઇમેજ સ્રોત, InfoGujarat/X
ગુજરાતમાં ગત અઠવાડીયાએ પડેલા અતિભારે વરસાદે થોડો વિરામ લીધો છે. સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા આપેલી માહિતી પ્રમાણે, સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ વરસાદ લગભગ 1.36 મિલીમીટર નોંધાયો છે.
સુરત શહેરમાં સૌથી વધારે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે ભાવનગરમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જોડિયા, બારડોલી, વાપી, રાણાવાવ, મોરબી અને શિનોર જેવા ગામોમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો.
જોકે, વરસાદના વિરામ પછી પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. માર્ગ અને મકાન વિભાગે આપેલી માહિતી મુજબ વરસાદને પગલે પાણીમાં ગરકાવ થઈ જવાને લીધે કુલ 507 રસ્તાઓ બંધ હતા. આ પૈકી લગભગ 24 રસ્તાઓ ફરીથી ચાલુ કરી દેવાયા છે, જ્યારે કુલ 483 રસ્તાઓ વાહનવ્યવહાર માટે હજુ પણ બંધ છે.
જામનગર જિલ્લામાં સાત લોકોનાં મોત

ઇમેજ સ્રોત, ANI
બીબીસી ગુજરાતીના સહયોગી દર્શન ઠક્કરે આપેલી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લામાં પૂરની સ્થિતિને કારણે કુલ આઠ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત ભારે વરસાદે 614 પશુનો પણ ભોગ લીધો છે. ઠક્કરના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લામાં પૂરને કારણે કુલ 130 કાચાં મકાનો અને એક પાક્કું મકાન ધરાશાયી થઈ ગયાં છે.
તો ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છનાં કેટલાંક ગામડાઓમાં વીજવ્યવહાર પણ રાબેતા મુજબ શરૂ થઈ શક્યો નથી. અખબાર અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છનાં 302 ગામડાં હજુ પણ વીજળી નથી.
વડોદર : વિશ્વામિત્રીને કિનારે ગેરકાયદેસર બાંધકામ સામે પીઆઈએલ

ઇમેજ સ્રોત, RAJIV PARMAR
અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે, વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદેસર બાંધકામને લઈને એક લોકહિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
અહેવાલમાં આપેલી માહિતી મુજબ અરજીમાં કહેવામાં આવ્યું છે કે નદીના કૅચમૅન્ટ વિસ્તારોમાં મૉલ સહિત ગેરકાયદેસર બાંધકામ કરાયું છે. જળસંગ્રહોને બચાવવા માટે હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટનાં નિર્ણયો અને દિશાનિર્દેશ હોવા છતાં અને અનેક ફરિયાદો પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
લોકહિતની આ અરજીમાં સંબંધિત ગેરકાયદેસર બાંધકામને હટાવવાની માંગ કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં ઉલ્લેખનીય છે કે વડોદરામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પેદા થઈ હતી અને એક સમયે વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર 37 ફૂટ જેટલું પહોંચી ગયું હતું.
વાવાઝોડું 'અસના' ની ગુજરાતમાં કેવી અસર થશે?

ઇમેજ સ્રોત, @Indiametdept
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આ વાવાઝોડું હાલમાં ગુજરાતના નલિયાથી આગળ વધીને વાવાઝોડું 'અસના' પાકિસ્તાનનાં કરાચીથી ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે.
આ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 1 સપ્ટેમ્બરે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય તેવી સંભાવના છે. આ કારણે દરિયામાં કરંટ પણ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે માછીમારોને 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
ગુજરાત પર આ સિસ્ટમની અસર લગભગ 1 સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે છે. આ કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
206 પૈકી 108 જળાશયો સંપૂર્ણ ભરાતાં હાઇઍલર્ટ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યના માહિતીખાતા દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે રાજ્યનાં 206 પૈકી 108 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયાં છે. જેને કારણે અહીં હાઈ ઍલર્ટ આપવામાં આવ્યું છે. 20 જેટલા ડૅમ 70 ટકા જેટલા ભરાતાં ઍલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે 22 ડૅમ 25થી 50 ટકા અને 12 ડૅમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
નર્મદા ડૅમના સરદાર સરોવરમાં 2,86,387 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ અહીં થયો છે.
સરદાર સરોવર યોજનામાં 1.86 લાખ ક્યૂસેક પાણીની આવક સામે 1.78 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કે ઉકાઈમાં 62 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 46 ક્સૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરીમાં 26 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 26 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણામાં 21 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 20 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ભાદર-2 યોજનામાં 16 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 16 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.
મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 93 ટકા, કચ્છનાં 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં 81 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 77 ટકા જ્યારે કે ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 48 ટકાથી વધુ પાણી ભરાયું છે.
આમ ગુજરાતમાં સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 76 ટકા કરતાં વધારે જળસંગ્રહ થયો છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)






















