એશિયા કપ : વિરાટ, રાહુલ બાદ એ ખેલાડી જેના તરખાટ સામે પાકિસ્તાનની ટીમ ધરાશાયી થઈ ગઈ

    • લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

પાકિસ્તાન વિરુદ્ધ એશિયા કપની 11 સપ્ટેમ્બરે રમાયેલી મૅચ ભારતીય ટીમ માટે ન માત્ર ખુશીઓ લઈને આવી પણ એ રાહત લઈને પણ આવી કે ટીમમાં બધુ બરાબર છે.

અગાઉ વરસાદના કારણે અધુરી રહી ગયેલી મૅચમાં ભારતનો ટૉપ ઑર્ડર પાકિસ્તાની ફાસ્ટ બૉલરો સામે સામે વિખેરાઈ ગયો હતો. પણ સોમવારે રમાયેલી મૅચમાં ટૉપ ઑર્ડરના બૅટ્સમૅનોએ જ જીતના મજબૂત પાયા નાખ્યા.

રોહિત શર્મા, શુભમન ગીલે અર્ધશતક બનાવ્યાં તો કે એલ રાહુલ અને વિરાટ કોહલીના અણનમ શતકો ફટકાર્યાં. મૅચમાં ભારતીય બૅટ્સમૅન પાકિસ્તાની બૉલરો પર સંપૂર્ણ હાવી રહ્યા.

જ્યારે બૉલર્સનો વારો આવ્યો તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજે શાનદાર શરૂઆત કરી. કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી તો હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે પણ પોતાનો રંગ જમાવ્યો.

રોહિત, ગિલે આપી મજબૂત શરૂઆત

રવિવારે ટૉસ જીતીને પાકિસ્તાને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રિત કર્યું જેમાં રોહિત શર્મા અને શુભમન ગિલે ઇનિંગની ખૂબ સારી શરૂઆત કરી.

રોહિત શર્માએ શાહીન આફ્રિદીની પ્રથમ ઓવરમાં જ છગ્ગો ફટકારીને પોતાના ઇરાદા જાહેર કરી દીધા. તેમણે 49 બૉલમાં 56 રનની ઇનિંગ રમી.

રોહિત શર્માએ આ સાથે પોતાની કારકિર્દીની 50મી અડધી સદી નોંધાવી ત્યારે તેઓ વનડેમાં 50 અર્ધસદી નોંધાવનારા 30મા બૅટ્સમૅન બની ગયા.

બીજી તરફથી શુભમન ગિલે પણ સારી બેટિંગનું પ્રદર્શન કર્યું અને શાહીન શાહ આફ્રિદીના બૉલે છ ચોગ્ગા ફટકાર્યા. શુભમન ગિલે 52 બૉલ પર 58 રન બનાવ્યા. આ શુભમન ગિલની કારકિર્દીની આઠમી અડધી સદી છે.

ભારતનીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી અને ભારતીય ટીમને એક મજબૂત આધાર આપ્યો.

અર્ધસદી બનાવ્યા બાદ શાદાબ ખાને રોહિત શર્માને વાઇડ લૉન્ગ ઑન પર ફહીમ અશરફને હાથે કૅચ આઉટ કરાવી દીધા.

શાદાબ ખાનની આ સફળતાની તરત બાદ બાબર આઝમે આફ્રિદીને ફરી વાર બૉલિંગ કરવા બોલાવ્યા અ તેમની આ વ્યૂહરચના કામ લાગી.

આફ્રિદીએ ગિલ પોતાની ગુડ લેન્થ બૉલથી આશ્ચર્યચકિત કરી દીધા. ગિલે કવર પર આગા સલમાનને કૅચ આપી દીધો.

બંને બૅટ્સમૅનો આઉટ થતાં પિચ પર વિરાટ કોહલી અને કેએલ રાહુલે મળીને 24 રન કર્યા હતા, એ દરમિયાન જ રવિવારે સાંજે ચાર વાગ્યે 52 મિનિટે વરસાદ શરૂ થતાં રમત અટકાવી દેવાઈ. એ સમય સુધી ભારતે બે વિકેટના નુકસાને 147 રન બનાવી લીધા હતા.

એ પહેલાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની સદી અને બંને ઓપનર બૅટ્સમૅનોની અર્ધશતકીય ઇનિંગોને કારણે ભારતે પાકિસ્તાન સામે જીત માટે રેકૉર્ડ 357 રનનું લક્ષ્ય મૂક્યું હતું.

આ પાકિસ્તાન વિરુદ્ધ ભારતના સૌથી મોટા વનડે સ્કોરના રેકૉર્ડની બરાબરીનો સ્કોર છે. ભારતે વર્ષ 2005માંય પાકિસ્તાન વિરુદ્ધ 356 રન કર્યા હતા.

વિરાટ કોહલી અને કેએલ રાહુલની ઝંઝાવાતી ઇનિંગો બાદ સોશિયલ મીડિયા પર પ્રશંસકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેઓ ભારતીય બૅટ્સમૅનોની ઇનિંગોની સરખામણી વરસાદ સાથે કરી રહ્યા છે.

સવાલ પૂછાઈ રહ્યા છે કે શું કોલંબોમાં વરસાદ ધૂંઆધાર પડ્યો કે પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલના બૅટમાંથી રન.

આ ઇનિંગમાં વિરાટ કોહલીએ 94 બૉલ પર 122 રન કર્યા તો કેએલ રાહુલે 106 બૉલે 111 રન કર્યા. બંને બૅટ્સમૅનો છેલ્લે સુધી આઉટ ન થયા.

એશિયા કપ 2023ની આ સુપર ફૉર મૅચ રવિવારે શરૂ થઈ હતી પરંતુ વરસાદના કારણે તેને સોમવાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી.

રવિવારે ભારતે 24.1 ઓવરમાં બે વિકેટના નુકસાને 147 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (8) અને કેએલ રાહુલ (17) ક્રીઝ પર હતા.

સોમવારે વરસાદના કારણે રમત નિયત સમયે શરૂ નહોતી થઈ શકી. અંતે મેદાનમાંથી પાણી દૂર કરાયાં બાદ મૅચ ઓવરોમાં ઘટાડો કર્યા વગર સમયાનુસાર ચાર વાગ્યે 40 મિનિટે શરૂ થઈ હતી.

જોકે, મૅચ શરૂ થાય એ પહેલાં પાકિસ્તાની ટીમમાંથી સમાચાર આવ્યા કે ફાસ્ટ બૉલર રઊફ ઈજાગ્રસ્ત હોવાને કારણે મૅચમાં આગળ બૉલિંગ નહીં કરે. રઊફે મૅચમાં ફેંકેલી પાંચ ઓવરોમાં કોઈ એકેય વિકેટ નહોતી લીધી.

ધીમા રમી રહેલા રાહુલે ઝડપ પકડી

એ બાદ સોમવારે ફરી વાર મૅચ શરૂ થઈ, એ બાદ બંને બૅટ્સમૅનો ધીમી ગતિથી રમતાં રમતાં સ્કોરબોર્ડને આગળ વધારવા લાગ્યા.

29મી ઓવરમાં બાબર આઝમે પ્રથમ વખતે બૉલ ઇફ્તિખાર અહમદને આપ્યો અને તેમણે એ ઓવરમાં માત્ર ત્રણ જ રન આપ્યા.

30મા ઓવરમાં શાહીન શાહ આફ્રિદીને લવાયા. કેએલ રાહુલે તેમની ઓવરમાં બાઉન્ડ્રી ફટકારીને આઠ રન નોંધાવ્યા.

એ સમયે લગભગ 50 રનના સ્ટ્રાઇક રેટ પર રમી રહેલા કેએલ રાહુલે એ બાદ ઇફ્તિખારની બીજી ઓવરમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને પોતાની ઇનિંગનું ગિયર બદલ્યું.

33મા ઓવરના પ્રથમ બૉલે કેએલ રાહુલે પોતાની અર્ધસદી પૂર્ણ કરી. ભૂતપૂર્વ કપ્તાન કોહલીએ તેમને ભેટીને અભિનંદન પાઠવ્યા.

35મા ઓવરમાં રાહુલે ફરી એક વાર પ્રથમ બે બૉલે ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો અને પોતાનો સ્ટ્રાઇક રેટ 100 પર પહોંચાડવામાં સફળ રહ્યા.

રાહુલ-કોહલીની સદી

આ બાદ બંને બૅટ્સમૅનોએ તાબડતોડ રન બનાવવાનું શરૂ કર્યું. પ્રથમ બંનેએ શતકીય ભાગીદારી નોંધાવી. આ બાદ કોહલીએ પણ અર્ધસદી નોંધાવી.

અર્ધસદી નોંધાવ્યા બાદ બંને બૅટ્સમૅન ખૂબ ઝડપથી પોતાની સદી તરફ આગળ વધવા લાગ્યા.

47મી ઓવરમાં કેએલ રાહુલે 100 બૉલમાં પોતાની સદી પૂરી કરી. આ વનડે ક્રિકેટમાં તેમની છઠ્ઠી સદી હતી.

રાહુલ છ માસ બાદ ટીમમાં પરત ફર્યા છે અને તેમણે આ ઇનિંગ સાથે પોતાની ફિટનેસ અને ફૉર્મ બંને સાબિત કરી બતાવ્યાં છે.

બીજા જ ઓવરમાં વિરાટ કોહલીએ 84 બૉલમાં પોતાની સદી પૂરી કરી. કોહલીની વનડે કારકિર્દીની આ 47મી સદી હતી.

આ સાથે જ ભારતે 50 ઓવરમાં બે વિકેટ પર 356 રન બનાવ્યા. કોહલી અને રાહુલે ત્રીજી વિકેટ માટે 233 રનની અણનમ ભાગીદારી નોંધાવી.

પાકિસ્તાન તરફથી શાદાબે 71 તો આફ્રિદીએ 79 રન આપ્યા.

કોહલીએ કહ્યું કે તેઓ રાહુલને શું સમજાવી રહ્યા હતા?

વિરાટ કોહલીએ 122 રનની અણનમ ઇનિંગ રમી, અને 'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે તેમની પસંદગી કરાઈ.

કોહલીની સાથે જ કે એલ રાહુલે પણ સદી ફટકારી હતી.

બાદમાં કોહલીએ કહ્યું કે મૅચ દરમિયાન તેઓ કે એલ રાહુલને શું સમજાવી રહ્યા હતા.

કોહલીએ કહ્યું " અમે બન્ને પરંપરાગત ક્રિકેટ રમીએ છીએ. બહુ ફેન્સી શૉટ્સ નથી લગાવતા. અમે બન્ને પાર્ટનરશીપ અંગે વધુ નહોતા વિચારી રહ્યા. મેં કહ્યું કે આપણે બસ બેટિંગ કરતા રહેવાનું છે. આ એક યાદગાર પાર્ટનરશીપ હતી. કે એલ પાછા ફરતાની સાથે જ ફોમમાં આવી ગયા. એ અમારા માટે સારું છે.

આજે જ ભારત અને શ્રીલંકાની મૅચ છે. અને ભારતીય સમય અનુસાર તે બપોરે ત્રણ વાગ્યે શરૂ થવાની છે.

જ્યારે કોહલીને પૂછાયું કે ગણતરીના કલાકો બાદ બીજી મૅચ છે તો તેમણે કહ્યું, "મારા 15 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં પહેલીવાર આવું થઈ રહ્યું છે. સદ્ભાગ્યે અમે ટેસ્ટ પ્લેટર્સ છીએ. તો અમને ખબર છે કે મૅચના બીજે દિવસે આવીને કેવી રીતે રમવાનું છે."

કૅપ્ટને શું કહ્યું?

મૅચ બાદ રોહિત શર્માએ કહ્યું કે કે એલ રાહુલને ટૉસની માત્ર પાંચ મિનિટ પહેલાં ટીમમાં સામેલ કરાયા. તેમને ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરની જગ્યાએ લેવામાં આવ્યા હતા.

કૅપ્ટને કે એલ રાહુલના વખાણ કરતા કહ્યું કે " કે એલ રાહુલ માટે હું ખૂબ ખુશ છું. ટીમમાં છેલ્લી મિનિટોમાં પરિવર્તન કરવું પડ્યું. ઈજાગ્રસ્ત થયા બાદ આ પ્રદર્શન સરળ નથી હોતું. ટૉસની પાંચ મિનિટ પહેલાં અમારે તેમને રમવા માટે કહેવું પડ્યું. એ પરિસ્થિતિઓમાં પ્રદર્શન કરવું સહેલું નથી હોતું."

બુમરાહની બૉલિંગ પર રોહિત શર્માએ કહ્યું "ઈજામાંથી સાજા થઈ ગયા બાદ જે રીતે તેમણે બૉલિંગ કરી છે તેને જોતા ઘણું સારું લાગ્યું. બુમરાહ શું છે તે તેમણે બતાવી દીધુ. તેઓ બૉલને બન્ને બાજુ સ્વિંગ કરી રહ્યા હતા. તેમણે ગયા મહિનાઓમાં આકરી મહેનત કરી છે."

કુલદીપ યાદવ શું બોલ્યા?

કુલદીપ યાદવે વન ડૅ મૅચમાં બીજી વાર પાંચ કે તેનાથી વધુ વિકેટ લીધી છે.

2018માં ટ્રેંટ બ્રિજ મૅચમાં ઈંગ્લૅન્ડ વિરુદ્ધ 25 રન પર છ વિકેટ વન ડૅમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

મૅચ બાદ કુલદીપે કહ્યું "છેલ્લા એક વર્ષથી હું સારી લયમાં છુ. સતત સારી બૉલિંગની મઝા માણી રહ્યો છું. પાંચ વિકેટ લેવી સારી છે. પાંચ વિકેટ લેવી એ શાનદાર હોય છે."

કુલદીપે પોતાની બૉલિંગ અને મોટી ટીમો સામેની રણનીતિની પણ વાત કરી.

તેમણે કહ્યું " મારી પાસે મોટી ટીમ વિરુદ્ધ બૉલિંગની યોજના તૈયાર હતી. હું 2019માં પાકિસ્તાન વિરુદ્ધ રમી ચૂક્યો છું. હું જાણુ છું કે તેઓ સ્પિન બૉલિંગ સામે કેવી રીતે રમે છે. "

"મેં મારા વેરિયેશન પર ફોકસ કર્યું હું વિકેટ-ટુ-વિકેટ બૉલિંગ અને બૉલિંગ લેન્થ પર ઘ્યાન આપું છું. જ્યારે પણ સ્પિન રમવામાં માહિર ટીમો વિરુદ્ધ હું બૉલિંગ કરું છું. તો તે વધુ સ્વાઈપ અને રિવર્સ સ્વાઈપ કરે છે. આ જ તમારી પાસે વિકેટ લેવાની તક હોય છે."

પાકિસ્તાનનું નિરાશાજનક પ્રદર્શન

પાકિસ્તાન માટે આ મૅચમાં કશું જ સારું ન થયું. કૅપ્ટને ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. પણ તેમના બૉલર્સે ખૂબ જ રન આપ્યા.

હારિસ રઉફ પાંચ ઑવર નાખ્યા બાદ ઘાયલ થઈને આખી મૅચ માટે બહાર થઈ ગયા. તો નસીન શાહ પણ ઘાયલ થવાના કારણે પોતાની દસમી ઑવર ન નાખી શક્યા. આ બન્ને ખેલાડીઓ બૅટિંગ કરવા પણ મેદાન પર ન ઊતરી શક્યા.

જ્યારે બૉલિંગનો વારો આવ્યો તો પાકિસ્તાનના 9માંથી 3 બૅટ્સમૅને 20થી વધુ રન બનાવ્યા. પણ તેને મોટા સ્કૉરમાં પરિવર્તિત કરવામાં કોઈ સફળ ન રહ્યું.

સૌથી મોટો સ્કૉર માત્ર 27 રન રહ્યો. જે ફખર જમાંએ બનાવ્યા. અને આખી ટીમ માત્ર 128 રન જ બનાવી શકી.