ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં ભારે ગરમી પડશે, એપ્રિલ મહિનામાં વરસાદની આગાહી, ક્યાં વધારે વરસાદ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં શરૂ થયેલા ઉનાળા દરમિયાન આગામી ત્રણ મહિના સુધી ભારે ગરમી પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે એપ્રિલથી મે મહિના એમ બે મહિના સુધી ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઉનાળાની આકરી ગરમી પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે સોમવારે જારી કરેલા ઉનાળાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે આ વર્ષે ઉનાળામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળશે એટલે કે લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે.

આ વર્ષે ઉનાળામાં રાત્રે પણ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કે દિવસ દરમિયાનની ગરમી બાદ રાત્રે પણ ગરમીનો સામનો કરવો પડશે.

ગુજરાતમાં માર્ચ મહિનાથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે અને તે બાદ જૂન મહિના સુધી ગરમી પડે છે. જૂન મહિનામાં ચોમાસું શરૂ થયા બાદ ગરમીમાંથી રાહત મળે છે

ગરમીની સાથે સાથે આ વર્ષે હિટવેવ એટલે કે લૂના દિવસોમાં પણ વધારો થવાની શક્યતા છે. સામાન્ય કરતાં વધારે દિવસો સુધી લોકોને હિટવેવનો સામનો કરવો પડશે.

ગુજરાતમાં કયા જિલ્લામાં વધારે ગરમી પડશે?

સામાન્ય રીતે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એપ્રિલ મહિનાથી ગરમીમાં વધારો થવાની શરૂઆત થતી હોય છે, જે બાદ મે મહિનામાં સૌથી વધારે ગરમી પડતી હોય છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે આગામી ત્રણ મહિના માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, કચ્છ તથા મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આકરી ગરમી પડવાની શક્યતા દેખાઈ રહી છે.

હાલ એપ્રિલ મહિનામાં જ ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતું રહ્યું છે અને એપ્રિલની શરૂઆત પહેલાં જ ગુજરાતમાં હિટવેવવેવની ચેતવણી આપવામાં આવી હતી.

ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળો વધારે આકરો હોય છે અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં ભારે ગરમી પડવાની છે. જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ થાય છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી સમયમાં પડનારી આકરી ગરમી વૃદ્ધો, બાળકો અને પહેલાંથી જ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકો માટે જોખમકારક બની શકે છે.

લાંબા સમય સુધી ચાલનારી આ ગરમીને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા પણ ઘણા લોકોને થઈ શકે છે અને વીજળીના વપરાશ અને વાહનવ્યહાર પર પણ તેના કારણે વધારે અસર થવાની શક્યતા છે.

ખાસ કરીને ખેતીમાં કામ કરનારા લોકો, બાંધકામ અને રોડ રસ્તા બનાવવા સાથે સંકળાયેલા લોકો અને ખુલ્લામાં જેને સીધા તડકામાં કામ કરવાનું થાય છે તેમના પર વધારે અસર થઈ શકે છે.

ગુજરાત સિવાય કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના તમામ વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળશે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો તથા ઓડિશાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તાપમાન જોવા મળશે, આ ઉપરાંતના આ બંને રાજ્યોમાં પણ સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળશે.

ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આ વર્ષે સૌથી વધારે ગરમી પડવાની શક્યતા દેખાઈ રહી છે, કેટલાક વિસ્તારોમાં તાપમાન વધારે ઊંચું જાય તેવું પણ બની શકે.

આ વર્ષે હિટવેવના દિવસોમાં વધારો થશે?

હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધારે દિવસો સુધી હિટવેવ જોવા મળે તેવી સંભાવના છે. દેશમાં સામાન્ય રીતે આ ત્રણ મહિનાના ગાળામાં ત્રણથી સાત દિવસો સુધી હિટવેવ જોવા મળતા હોય છે.

જોકે આ વર્ષે હવામાન વિભાગ પ્રમાણે 6થી 10 દિવસો સુધી હિટવેવ જોવા મળે તેવી સંભાવના છે. હવામાન વિભાગના ડિરેકટર જનરલ મોહાપાત્રાના કહેવા પ્રમાણે દેશના કેટલાક વિસ્તારોમાં 10 દિવસ કરતાં પણ વધારે દિવસો સુધી લૂ જોવા મળી શકે છે.

જે તે વિસ્તારમાં સામાન્ય તાપમાન જે તે દિવસોમાં હોવું જોઈએ તેના કરતાં કેટલાક દિવસો સુધી તાપમાન વધારે હોય તો તેને હીટ વેવ જાહેર કરવામાં આવે છે.

હવામાન વિભાગ સામાન્ય રીતે વાસ્તવિક મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી જાય ત્યારે હિટવેવની ચેતવણી જારી કરે છે. જો આ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી જાય તો ગંભીર હિટવેવની ચેતવણી આપવામાં આવે છે.

આ ઉપરાંત મેદાની પ્રદેશોમાં બે કરતાં વધારે દિવસ માટે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે હોય અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે હોય તો પણ હિટવેવની ચેતવણી જારી કરવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તરનાં રાજ્યો અને દક્ષિણ ભારતમાં કેરળ, ગોવા અને કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોને બાદ કરતાં દેશના બીજા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે હિટવેવના દિવસો જોવા મળે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જારી કરેલા નક્શા પ્રમાણે ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે દિવસો સુધી લૂની સ્થિતિ રહે તેવી સંભાવના છે.

એપ્રિલ મહિનામાં ગુજરાતમાં વધારે વરસાદ પડશે?

હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વધારે વરસાદ જોવા મળતો નથી.

હવામાન વિભાગે એપ્રિલ મહિનાનું પૂર્વાનુમાન જારી કર્યું છે તે પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે.

એપ્રિલ સમગ્ર મહિના દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ જૂન મહિનો અડધો પૂરો થાય ત્યારે શરૂ થતો હોય છે. ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની અધિકારિક તારીખ 15 જૂન છે. જોકે, કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાં પણ વરસાદ જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.